Get The App

અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ

અશ્રુઘર : રડીને હળવા થઇ શકાય

Updated: May 13th, 2018

GS TEAM

Google News
Google News

જે કામ સાબુ શરીર માટે કરે છે, એ કામ આંસુ આત્મા માટે કરે છે. માટે રડો. સાદું રુદન સ્વાસ્થ્યવર્ધક છે. અને હા, એ યાદ રહે કે રડવું અને રડાકૂટ, એ બે વચ્ચે ભારે ભેદ છે.

रोने वालों से कहो उन का भी रोना रो लें
जिन को मजबूरी -ए-हालातने रोने न दिया
काफिर

- सुदशॅन

અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ 1 - imageરડવાનો ય રૃમ હોય. રડવા જેવું લાગે તો ત્યાં જઈને રડી શકાય. તાજા સમાચાર છે કે અમેરિકાની ઉટાહ યુનિવસટીમાં એક 'ક્રાઈંગ ક્લોઝેટ' રાખવામાં આવ્યું છે. ક્રાઈંગ ક્લોઝેટ એટલે લાઈબ્રેરીની અંદર લાકડાની એક અંધારી ઓરડી જેમાં સ્ટફડ ટોયઝ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લાગે કે પરીક્ષા છે, ભારે ટેન્શન છે, શું કરવું?- તે સમજાય નહીં તો ત્યાં જઈને રડી શકાય અને રડીને હળવા થઇ શકાય. અલબત્ત આ અંધારિયા અશ્રુઘરમાં એક સાથે એક જ છોકરો કે છોકરી જઈ શકે. બે જણ જાય તો ન થવાનું ય થાયત એટલે આવી ચોકસાઈ રખાઈ છે.

રડવા માટે દસ મિનિટની સમયમર્યાદા છે. પછી પાછા બહાર આવી જવું  પડે અને જે કારણોસર રોણું આવ્યું હોય એ કારણોનો મુકાબલો કરવો પડે. આ વ્યવસ્થાની જો કે ટીકા પણ થઇ. અલ્યા ભઈ, આમ રડયાં કરશો તો દુનિયાનો સામનો કેવી રીતે કરશો? પણ રડવું સારું છે, સાહેબ..  દીપિકા પદૂકોણને રણવીર સિંઘ ગમે છે કારણ કે એ મર્દ હોવા છતાં રડી શકે છે. 

માંહે દુ:ખના ડુંગર ભર્યા હોય પણ મર્દાનગીનું મુખોટું પહેરીને, નહીં રડવાનો સંકલ્પ સારી વાત નથી.  'હફિંગ્ટન પોસ્ટ' અનુસાર આંસુના ત્રણ પ્રકાર છે. આંખમાં કાંઈ કચરું પડે કે ધુમાડો જાય અને આવે એ 'રિફ્લેક્ષિવ' આંસુ, બીજું પાંપણ પલકે અને આંખોને સતત ભીની રાખે એ 'કન્ટીન્યુઅસ' આંસુ અને ત્રીજું ખુશી કે ગમમાં આવી પડે એ 'ઇમોશનલ' આંસુ. આ લાગણીનાં આંસુની વ્યવસ્થા માત્ર માણસ જાતમાં જ છે. પશુ પક્ષી આમ લાગણીથી રોઈ શકતાં નથી.

રડવાના ઘણા ફાયદા છે. રડવું મૂડને સુધારે છે. નેધરલેન્ડમાં એક પ્રયોગ અંતર્ગત કેટલાંક લોકોને અત્યંત દુ:ખભરી ફિલ્મ દેખાડવામાં આવી. કેટલાંક ખૂબ રડયાં. કેટલાંક તો રડયાં જ નહીં. પણ જેઓ રડયાં એ બધાં ફિલ્મ પતી ગયા પછી વીસ મિનિટમાં જ નોર્મલ થઇ ગયા. જ્યારે જેઓ રડયાં જ નહોતા, તેઓ નેવું મિનિટ સુધી દુ:ખી દુ:ખી જ દેખાતાં રહ્યાં. આંસુમાં રહેલું એસીટીએચ હોર્માેન એવાં તમામ કેમિકલને ધોઈ નાંખે છે જે મનની અંદર ટેન્શન કે તાણ વધારે છે. તનની તકલીફમાં પણ આંસુ સારવા સારી વાત છે. ડુંગળી સમારતાં આંખમાં ઊડતી ઝેણથી બનતા સલ્ફ્યુરિક એસિડને આંસુ ધોઈ નાંખે છે. આંસુમાં રહેલું લેસોઝાઈમ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાઈરલ છે જે આંખને બચાવે છે.

મનોચિકિત્સક જ્યુડીથ ઓર્લોફ કહે છે કે આંસુ નાકના પેસેજને પણ નરમ અને બેક્ટેરિયામુક્ત રાખે છે. રડવાથી ચિંતા કે તાણ ઘટે છે એવું અમેરિકન મનોરોગ સંશોધન કેન્દ્રનું તારણ છે. એનાં વડા ડો. ફ્રેય કહે છે કે ીઓ દર મહિને સરેરાશ ૫.૩ વખત રડે છે. પુરુષો મહિનામાં માત્ર ૧.૩ વખત રડતા જોવા મળ્યા છે. ભાયડા અને બાયડીઓની શરીર રચના અલબત્ત જુદી છે. ક્યાંક આપણી સંસ્કૃતિ અને પરંપરા પણ કહે છે કે ભાયડાથી આમ રડાય નહીં. આ માન્યતા ખોટી છે. નર કે નારી, રડવાનો ફાયદો ભારી- એ સાચી વાત છે.

એક યહૂદી કહેવત છે. જે કામ સાબુ શરીર માટે કરે છે, એ કામ આંસુ આત્મા માટે કરે છે. માટે રડો. સાદું રુદન સ્વાસ્થ્યવર્ધક છે. અને હા, એ યાદ રહે કે રડવું અને રડાકૂટ, એ બે વચ્ચે ભારે ભેદ છે. એ ભેદ પારખીને રડો. કામચલાઉ રડવાથી મોટે ભાગે કામ ચાલી જતું હોય છે. કાયમી રડવું નિષેધ છે. રડવું સાવ પોતીકું છે. પોતપોતાનું રુદન તો સ્વયં પોતે જ કરવું પડે. અહીં રૃદાલીની વ્યવસ્થા નથી એટલે સમય વર્તે સાવધાન થઈને રડો. 'અમર પ્રેમ'નાં ફેમસ ડાયલોગનું મોડિફાઈડ વર્ઝન...ફિર તેરી આંખોમેં પાની, મૈને કિતની બાર તુમસે કહા હૈ પુષ્પા, કે યે આંસુ મુઝે... અચ્છે લગતે હૈ, આઈ લવ ટીઅર્સ!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :