For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

૧૯ અબજ કિલોમીટર દૂર પહોંચેલા 'વોયેજર-૧'નું રોકેટ ૩૭ વર્ષે કેમ ચાલુ કરવું પડયું?

Updated: Dec 24th, 2017

નાસાએ ચાર દાયકા પહેલા સૂર્યમાળાના અભ્યાસ માટે વોયેજર-૧ અને વોયેજર-૨ નામના બે યાનો રવાના કર્યા હતા. બન્ને યાન હવે બ્રહ્માંડમાં ૧૮-૧૯ અબજ કિલોમીટર દૂર પહોંચી ચૂક્યા છે.

વોયેજર-૧ના નામે તો બ્રહ્માંડમાં સૌથી દૂર પહોંચેલા માનવનિર્મિત યાનનો વિક્રમ છે. એ યાનના થ્રસ્ટ રોકેટ નાસાએ થોડા દિવસ પહેલા ચાલુ કર્યાં હતા...પણ શા માટે?

બ્રહ્માંડમાં સૌથી દૂર પહોંચેલા માનવનિર્મિત યાન વોયેજર-૧એ ડિસેમ્બર-૨૦૧૭માં નવો વિક્રમ નોંધાવ્યો હતો. ૩૭ વર્ષ પછી પહેલી વખત આ અવકાશયાનના રોકેટ ચાલુ કરવા પડયા હતા. અવકાશમાં સફર કરતા યાનની દિશા આમ-તેમ ફેરવવા માટે તેમાં નાનાકડા રોકેટ ફીટ કરવામાં આવ્યા હોય છે.

આ રોકેટ થ્રસ્ટર તરીકે ઓળખાય છે. નાસાએ તેની વેબસાઈટ પર જણાવ્યુ હતું કે ૩૭ વર્ષ પછી અમે થ્રસ્ટર બરાબર ચાલે છે કે એ તપાસ કરવા માટે જ તેને ફાયર કર્યા હતા. એમાં અમને સફળતા મળી હતી.

નાસાએ જણાવ્યુ હતું કે કોઈ બંધ પડેલી મોટર કે બાઈક ૩૭ વર્ષ પછી ચાલુ થાય એવી આપણે અપેક્ષા રાખી ન શકીએ. પરંતુ વોયેજર યાનના વિવિધ ૧૬ પૈકીના બે ટ્રેજેક્ટરી કરેક્શન મેનૂવર થ્રસ્ટર ચાલુ કર્યા તો એ કાર્યરત હતા. નાસાના સંશોધકોએ માત્ર ૧૦ સેકન્ડ પુરતાં જ તેને ચાલુ કર્યા હતા. આ પહેલા ૧૯૮૦ના નવેમ્બરમાં યાનના આ થ્રસ્ટર ચાલુ કરાયા હતા. અત્યાર સુધીમાં સૌથી લાંબા અંતરે ચાલુ કરાયેલા રોકેટનો વિક્રમ પણ આ સાથે વોયેજરના થ્રસ્ટરના નામે નોંધાયો છે.

વર્ષ સુર્યમાળાના છેવાડે આવેલા ગ્રહો નેપ્ચુન અને યુરેનસનો અભ્યાસ કરવા માટે નાસાએ વોયેજર-૧ અને વોયેજર-૨ યાનો ૧૯૭૭માં રવાના કર્યા હતા. ૪૦ વર્ષ પછી અત્યારે દર કલાકે એ ૫૫ હજાર કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યા છે. બન્ને વોયેજર યાનો હાલ ઈન્ટરસ્ટેલર કરેવાતા અવકાશી વિસ્તારમાં છે. સુર્યમાળા પૂરી થાય અને બ્રહ્માંડ શરૃ થાય એ વચ્ચેનો વિસ્તાર ઈન્ટરસ્ટેલર તરીકે ઓળખાય છે. પૃથ્વી પરથી રવાના થઈને ઈન્ટરસ્ટેલર સુધી પહોંચ્યુ હોય એવુ પહેલું યાન વોયેજર-૧ છે.

૧૯૭૭ની ૫મી સપ્ટેમ્બરે લોન્ચ થયેલું વોયેજર યાન હાલ બ્રહ્માંડમાં ૧૮.૮ અબજ કિલોમીટર દૂર પહોંચ્યુ છે. અગાઉ કોઈ યાનને આટલે દૂર મોકલવામાં સફળતા મળી નથી. આ યાન સાથે એક સોનાની ગ્રામોફોન ડિસ્ક ફીટ કરવામાં આવી છે.

બ્રહ્માંડમાં ક્યાંક જો વોયેજરને કોઈ બાહ્યગ્રહના સજીવોની જાણકારી મળે તો તેની સાથે સંવાદ કેમ કરવો? એ પરગ્રહવાસી કઈ ભાષા જાણતા હોય એ ખબર નથી. માટે ડિસ્કમાં વિવિધ ચિત્રો સાથે ૫૫ ભાષામાં પૃથ્વી તરફથી સંદેશો રેકોર્ડ કરવામાં આવ્યો છે. એ ૫૫ ભાષામાં ગુજરાતી ભાષાનો પણ સંદેશો છે. ગુજરાતીમાં કહેવાયેલો સંદેશો પોણા ૩ સેકન્ડનો છે અને રાધાકાંત દવેના અવાજમાં રેકોર્ડ થયેલો છે.

ધારો કે વોયેજર યાનનો સંપર્ક આગળ જતાં કોઈ બીજા ગ્રહના વાસી સાથે થાય તો? એ રહેવાસીઓ પૃથ્વીવાસીઓ કરતા ટેકનોલોજીની દૃષ્ટિએ આગળ હોઈ શકે અને પછાત પણ હોઈ શકે. તેને ધ્યાનમાં રાખીને વિવિધ માધ્યમો દ્વારા સંદેશા રેકર્ડમાં ગોઠવાયા છે. જેમ કે પૃથ્વી વાસીઓ તરફથી એવુ કહેવામાં આવ્યુ છે : 'પૃથ્વી ઉપર વસનાર એક માનવ તરફથી બ્રહ્માંડમાં અન્ય અવકાશમાં વસનારાઓને હાર્દિક અભિનંદન. આ સંદેશો મળ્યે, વળતો સંદેશો મોકલાવશો.'

જો પરગ્રહી જીવો આ ૫૫ પૈકી એક પણ ભાષા ન જાણતા હોય તો તેમને સમજાવવા માટે ૧૧૫ ફોટા પણ રેકર્ડમાં સ્ટોર કરવામાં આવ્યા છે. એ વિવિધ તસવીરોમાં ભારતના ભારે ટ્રાફિકનો પણ એક ફોટો છે. પાકિસ્તાનની એક શેરી, હાથનો એક્સ-રે, એરોપ્લેન, હાઈવે, પૃથ્વી વાસીઓ કેવા ઘરમાં રહે છે એ એક મકાન, માછીમારની હોડી, ક્લાસરૃમ.. વગેરે ચિત્રો છે.

વોયેજર યાન ૪૦,૦૦૦ વર્ષ સુધી સફર કર્યા કરશે ત્યારે બ્રહ્માંડમાં તેમને સૌથી નજીકના તારાનો ભેટો થશે. વોયેજર યાનો હાલ ઈન્ટરસ્ટેલર કરેવાતા અવકાશી વિસ્તારમાં છે. સુર્યમાળા પૂરી થાય અને બ્રહ્માંડ શરૃ થાય એ વચ્ચેનો વિસ્તાર ઈન્ટરસ્ટેલર તરીકે ઓળખાય છે. ત્યાં બન્ને યાનો પહોંચ્યા છે. પૃથ્વી પરથી રવાના થઈને ઈન્ટરસ્ટેલર સુધી પહોંચ્યુ હોય એવુ પહેલું યાન વોયેજર-૧ છે. વોયેજર યાનોમાં કુલ મળીને દસ-દસ ઉપકરણ હતા.

એ પૈકી વોયેજર-૧ના ચાર અને વોયેજર-૨ના પાંચ ઉપકરણો હજુય ચાલુ છે. આ ઉપકરણો ૨૦૩૦ સુધી તો ચાલુ રહેશે જ. એ પછી પણ યાન બ્રહ્માંડમાં સફર કરતાં રહેશે, કેમ કે તેમાં રહેલું બળતણ સફરને બ્રેક લાગવા નહીં દે. નાસાના વિજ્ઞાાનીઓએ ૪૦ વર્ષ નિમિત્તે જણાવ્યુ હતું કે ચાર દાયકા પહેલા આપણને કોઈને ખબર ન હતી કે આ બન્ને યાન આટલો લાંબો સમય સફર કરતાં રહેશે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Gujarat