Get The App

વિશ્વાસનું ફળ

Updated: Oct 8th, 2017

GS TEAM

Google News
Google News

એક સાચો ભક્ત હતો. એના મનની એક મુરાદ હતી કે ભગવાનનાં દર્શન થાય તો જીવન સફળ થાય. દર્શન માટે એ એવો તો તલસતો કે જે મળે તેને તેનો ઉપાય પૂછતો; પરંતુ કોઈ એને જવાબ આપી શકતું નહિ. આ વાતની એક ઠગને ખબર પડી.  એણે તો સાધુનો વેશ લીધો ને આવ્યો પેલા બિચારા ભોળા ભગત પાસે. ભક્ત તો એને જોઈ રાજી રાજી થઈ ગયો. છેવટે સાધુવેશધારી ઠગ બોલ્યો, 'ભગતજી, આજ તો હું તમને ભગવાનનાં દર્શન જરૃર કરાવીશ.

તમે તમારો   સઘળો સામાન વેચી દો  ને મારી સાથે જંગલમાં ચાલો.' ભગત તો સાવ સરળ હૃદયનો હતો. તેના મનમાં જરાયે સ્વાર્થ ન હતો ને વળી ભગવાનનાં દર્શનની એને તાલાવેલી લાગી હતી. એણે તો જલદી જલદી ઘરવખરી વેચી નાખી. વધેલો સામાન પણ રસ્તામાં આપી દીધો ને જેટલા પૈસા મળ્યા તે બધા લઈ પેલા ઠગની  સાથે જંગલમાં ચાલ્યો.

ચાલતાં ચાલતાં રસ્તામાં એક કૂવો આવ્યો. ઠગ ત્યાં થોભ્યો. કૂવામાં જોઈ બોલ્યો, 'બસ ભાઈ, આ કૂવામાં તમને ભગવાનનાં દર્શન થશે. જો તમારે ભગવાનનાં દર્શન કરવાં હોય તો આ માયાવી રૃપિયા અહીં મૂકી રાખો ને કૂવામાં પડો.'

બિચારો ભોળો વિશ્વાસ ભક્તજન! એણે તો કૂવામાં પડતું નાખવા તૈયારી કરી. જેવો એ કૂવા પાસે આવ્યો કે તરત જ પાછળથી પેલા ઠગે તેને ધક્કો માર્યો. ભક્ત કૂવામાં તો પડયો પણ પડતાંની સાથે જ એને કોઈએ ઉંચકી લીધો. તેણે આંખ ઉઘાડી જોયું તો સાક્ષાત્ ભગવાન! ભગવાનનાં દર્શન એને થયાં ને જીવન ધન્ય ધન્ય બની ગયું.

પેલો ઠગ તો રૃપિયાની થેલી લઈને પોબારા ગણી ગયો; પણ પાપીને પાપની સજા તો મળવી જ જોઈને ને! ભગવાને ખુદ સિપાહીનો વેશ લીધો ને ઠગને પકડી લીધો ને પેલા ભક્તને કૂવામાંથી બહાર કાઢી બધી હકીકત કહી સંભળાવી; પરંતુ ભક્ત તો કશું જ સાંભળતો ન હતો.

એ તો માત્ર એટલું જ બોલ્યો : 'ભગવન્, મને સતાવો નહિ. એ ઠગ હો કે ગમે તે હો, પરંતુ એ જ મારો સાચો ગુરુ છે. મારી માયાવી પૂંજી લઈને પણ એણે મને શ્રીહરિનાં દર્શન કરાવ્યાં છે. જેણે પાપ માથે લઈને મને તાર્યો છે એ પણ તરી જવો જોઈએ. એને છોડી દો.'

ઠગને લાગ્યું કે ઠગાઈ કરવા જતાં પોતે જ ઠગાઈ ગયો. એનું હૈયું પલટાઈ ગયું ને એ પોતે ભગવાનનો સાચો ભક્ત બની ગયો. જેને ભગવાન પર વિશ્વાસ છે તે કદી દુ:ખી થતો નથી.
 

Tags :