મકરસંક્રાંતિનાં બે સ્વરુપ :ખીસરનો ખીચડો અને ઉત્તરાયણનું ઊંધિયું
હિન્દુસ્તાનમાં બે દેશ વસે છે :એક ઈન્ડિયા, એક ભારત. ઈન્ડિયાના તહેવારો સેલિબ્રેશન કહેવાય છે. ભારતના તહેવારો ઉજવણી ગણાય છે. ઈન્ડિયાના તહેવારનું સેલિબ્રેશન નવી તરેહથી થાય છે. ભારતની તહેવારની ઉજવણી થોડી નવીનતાની અસર હેઠળ પણ પરંપરાગત રીતે થાય છે. આવી ઉજવણીમાં મકરસંક્રાંતિ પણ બાકાત નથી. ઈન્ડિયા અને ભારતની જેમ ગુજરાતમાં પણ તહેવારો અર્બન (શહેરી) અને રૃરલ (ગ્રામ્ય) એમ બે ભાગમાં વહેંચાઈ ચૂક્યા છે. મકરસંક્રાંતિનો તહેવાર ય એમાંનો એક છે.
મકરસંક્રાંતિનો તહેવાર તળપદીભાષામાં, ગ્રામ્ય વિસ્તારોમાં 'ખીહર' એટલે કે ખીસર તરીકે ઓળખાય છે. ખીસર શબ્દ પર્સિયન ખિસ્રમાંથી ઉતરી આવ્યો છે અને તેનો અર્થ થાય છે ઠંડી. જ્યારે પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગની અસર ન હતી અને ઋતુચક્ર નિયમિત ગોઠવાયેલું હતું ત્યારે ઉત્તરાયણનો દિવસ કાતિલ ઠંડીનો દિવસ ગણાતો એટલે ઉત્તરાયણને જ તળપદીભાષામાં ખીહર તરીકે ઓળખવાનું શરૃ થયું.
ખીહરનો ખીચડો
આ ખીહરના દિવસે ખીચડો ખાવાની પરંપરા હતી- આમ તો હજુયે ક્યાંક ક્યાંક સૌરાષ્ટ્રમાં એ પરંપરા જળવાઈ છે. બહેન-દીકરીને પિયરમાંથી 'ખીહરનો ખીચડો' મોકલાય છે. એ ખીચડો હવે તો રોકડ સ્વરૃપે અપાતો થયો છે, નહીંતર એક સમયે ખીચડો એટલે જુવાર-ચોખા-બાજરી જેવા ધાન્ય અને મગ-અડદ-ચણાનું મિશ્રણ કરીને બહેનના ઘરે ભાઈ આપવા જતો. એમાં તલ નાખીને એ ખીચડો રાંધવામાં આવતો. સ્વાદ પ્રમાણે, પ્રદેશ પ્રમાણે એ ખીચડો ગળ્યો અને ખારો એમ બંને રીતે બનતો.
આ પરંપરા પાછળ એવી માન્યતા હતી કે સૂર્યનારાયણ જ્યારે ઉત્તર દિશામાં આવે એ શુભમૂહુર્તે બહેન-દીકરીનું ઘર આ ધાન્યની જેમ ધન-ધાન્યથી ભરાઈ જાય એવા શુભસંકેત સાથે પિયરમાંથી ખીચડો મોકલાતો. આ ખીચડો રાંધીને બહેન ભાઈને ખવડાવતી અને એવો સંકેત આપતી કે મારું ઘર ધન-ધાન્યથી ભરાઈ જશે તો એમાં પિયરની પણ ભૂમિકા હશે અને તેનો સ્વાદ બહેન-દીકરી એકલી નહીં લે, પિયરને પણ તેમાં ભાગીદાર બનાવશે.
ખીચડાનું આરોગ્યશાસ્ત્ર
આ ખીચડો ખાવાને વળી તંદુરસ્તી સાથે ય સંબંધ ખરો. કઠોળ ખાવાથી પાચનશક્તિ વધે છે. શિયાળામાં બાહ્ય ઠંડીના કારણે પાચનશક્તિ મંદ પડી જાય છે. કઠોળ, તલ અને જુવાર ખાવાથી પાચનશક્તિ તીવ્ર બને છે. શિયાળા દરમિયાન સંભવત:સૌથી ઠંડા દિવસે આવો ખોરાક ખાવાથી શરીરને પૂરતી ઉર્જા મળી જાય છે.
ખીહરના ખીચડા પાછળ એક ધાર્મિક માન્યતા પણ જવાબદાર ખરી. ધર્મગ્રંથો પ્રમાણે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે આદ્યદેવી શક્તિ જુવાર લઈને સ્વર્ગમાંથી આવ્યાં હતાં. એ જુવારે જીવસૃષ્ટિનું પોષણ કર્યું હતું. એટલે સૂર્યનારાયણ જ્યારે ઉત્તર દિશામાં જાય છે ત્યારે એ શુભ દિવસે આદ્યદેવીના સ્મરણમાં, તેમના સન્માનમાં જુવારનો ખીચડો બનાવીને આરોગવામાં આવે છે. એ જ રીતે ચોખાનું મૂળ સ્વરૃપ ડાંગર ગુરુદેવ વશિષ્ઠ યજ્ઞાના સમિધ માટે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઈ આવ્યા હતા. લોકહિતમાં ડાંગરને ખોરાકમાં લેવાની ગુરુ વશિષ્ઠએ પરવાનગી આપી એટલે આ દિવસે ચોખાનો પણ ખીચડામાં સમાવેશ થાય છે.
ખીચડો હવે કોણ બનાવે?
આ થઈ પરંપરાગત મકરસંક્રાંતિની વાત. નવીનીકરણ સાથે આજેય પિયરમાંથી દીકરીને ખીચડો મળે છે. પરંપરા જળવાઈ રહી છે, સ્વરૃપ ભલે બદલાઈ ચૂક્યું છે. ખીચડો હવે લગભગ બનતો બંધ થઈ ચૂક્યો છે. ખીચડાના સ્થાને તલના લાડુ અને ચીકીએ મંદ થયેલી પાચનશક્તિને તીવ્ર બનાવવાનું કામ ઉપાડી લીધું છે!
આ બધાથી અલગ શહેરોમાં 'ખીહર' હવે ઉત્તરાયણ કે પતંગોત્સવ કે કાઈટફેસ્ટિવલના નામે ઓળખાય છે અને ખીચડાનું સ્થાન મસાલેદાર ઊંધિયાએ લઈ લીધું છે. શહેરોમાં આમ તો હવે ઉત્તરાયણના તહેવારને પતંગોત્વ સાથે જ જોડી દેવામાં આવ્યો છે. તેમ છતાં ઊંધિયું અને તલ-દાળની ચીકી ખીહરના ખીચડાની યાદ તો જરૃર અપાવે છે.
ખીચડો ધાન્ય અને કઠોળનું સંયુક્ત સાહસ છે!
ખીચડા અને ઊંધિયામાં એક બાબત સરખી છે - મિશ્રણ. ખીચડો ધાન્ય અને કઠોળનું સંયુક્ત સાહસ છે! તો ઊંધિયામાં વિવિધ શાકભાજી અને મસાલાઓની સાઝેદારી સર્જાય છે! ખીહરનો ખીચડો અને ઉત્તરાયણનું ઊંધિયું મૂળ તો એક જ મેસેજ આપે છે - સાઝેદારી, ભાગીદારી. ખીચડામાં અસંખ્ય ધાન્ય, કઠોળ હોય છતાં એમાં મસાલો નાખીને એક સરસ વાનગી બનાવીને આરોગી શકાય છે,
એ જ રીતે ઊંધિયામાં અસંખ્ય શાકભાજી હોવા છતાં તેને મસાલેદાર બનાવી દેવામાં આવે તો એક ઉત્તમ વાનગી બની જાય છે. વિભિન્ન ધર્મ, સંપ્રદાય, રીતભાત, માન્યતા, મિજાજ હોવા છતાં આપણે બધાં પણ ખીચડા અને ઊંધિયા જેવા છીએ. જો એક સાથે એક રસ થઈ જઈએ તો ચોક્કસ એક વાનગી જેવા બની જઈએ છીએ!