કટાક્ષ કથા
સીધો દોર
કોલેજમાં ભણતી છોકરીએ પપ્પાને ફરિયાદ કરી કે એક છોકરો રોજ મારી પાછળ પાછળ ફરે છે.
'ભલે ને ફરે ! તારું શું બગાડે છે ?' પપ્પાએ દાદ ના દીધી.
'પપ્પા ! એ મને જોઇને સીટી વગાડે છે.'
મમ્મી કહે : 'તું સામી થઇ જતી નથી ?'
પપ્પા કહે : 'ભલે ને સીટી વગાડતો ! એમાં તને શું નુકસાન છે ?'
'પણ પપ્પા ! કોલેજમાં મારી બેન્ચ પાછળની બેન્ચમાં બેસી કાગળમાં ગઝલ લખીને મારા પર ફેંકે છે.'
મમ્મી ઉશ્કેરાઇ ગઇ : 'એને પકડીને તમે સીધો દોર કરી નાખો.'
દીકરી કહે : 'ના, ના, એવું કશું નથી કરવું. એ મને બહુ ચાહે છે.'
'એટલે ?'
'મને એની સાથે પરણાવો.'
મમ્મી ઉશ્કેરાઇ ગઇ : 'એવા નાલાયક લબાડ છોકરા સાથે ? એને તો સીધો દોર કરવાનો છે.'
પપ્પા કહે : 'એની સાથે દીકરી પરણાવવાથી જ એ સીધો દોર થઇ જશે.'
'તમે કેમ જાણ્યું ?'
'સ્વાનુભવ' પતિએ ધીમેથી કહ્યું.