ફિલ્લમ ફિલ્લમ
સારી ફિલ્મો રીલિઝ ન થાય ત્યારે મનોરંજનનો વિકલ્પ શું?
સારી ફિલ્મો રીલિઝ ન થાય ત્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન તરફ વળે છે, પણ સિરિયલોની બાબતે એવો સવાલ થાય કે ચેનલ ઉપર સિરિયલ આવે કે સિરિયલ ઉપર ચેનલ?
છેલ્લાં ઘણાં સમયથી બ્લોકબસ્ટર ફિલ્મ આવી નથી. અથવા કહો કે ફિલ્મ આવી છે એમાંથી એકેય બોક્સ ઓફિસ ઉપર બ્લોકબસ્ટર સાબિત થઈ નથી. એક પછી એક ઘણી ફિલ્મો આવી અને ગઈ પણ ખાસ નોંધપાત્ર ગણાય એવી ફિલ્મો રજૂ થઈ નથી. એવા સમયમાં લોકો મનોરંજનનો ક્યો વિકલ્પ પસંદ કરે?
અફકોર્સ ટેલિવિઝન! સારી ફિલ્મોની ગેરહાજરીમાં લોકોનો ટેલિવિઝન તરફનો ઝુકાવ વધે, પણ એમાં શું સ્થિતિ હોય છે?
આમ તો સ્માર્ટફોન ક્રાંતિના કારણે એકથી એક ચડિયાતી વેબ સિરિઝ ઓનલાઈન ઉપલબ્ધ બની રહી છે. છતાં ટેલિવિઝન સિરિયલોનું સ્થાન અડિખમ છે, પણ એ ક્યાં સુધી રહેશે એ પણ એક સવાલ છે. સવાલ થવા પાછળના ય ઘણાં કારણો છે!
સ્પર્ધા એટલી બધી તીવ્ર બની ચૂકી છે, કે દરેક ચેનલો પર નવી નવી સિરિઝની જાહેરાતો થવા લાગી છે. સૌથી વધુ નવી સિરિયલો કદાચ સબ ટીવી પર શરૃ થઈ છે અથવા હવે થવાની છે. સબ ટીવીએ કોમેડીની જોનરમાં હથોટી સાબિત કરી દીધી છે. એકથી એક ચડિયાતી હાસ્ય સિરિયલો રજૂ કરીને લોકોને સતત હસાવતી રહે છે. પરંતુ સબની કેટલીક સિરિયલો બોરિંગ બની રહી છે.
ફેસબુક પર કોઈએ એક રસપ્રદ વાક્ય લખ્યું : સબ નામની ચેનલ પર તારક મહેતા કા ઉલટા ચશ્માં નામની સિરિયલ આવે છે કે પછી ઉલટા ચશ્માં નામની ચેનલ પર વચ્ચે વચ્ચે સબ આવી જાય છે? કારણ એટલું જ કે સબ ટીવી પર અવિરત પણે 'તારક મહેતા કા..' સિરિયલ રજૂ થતી હોય છે. એ તો જાણે ઠીક, સિરિયલ ખૂબ જ લોકપ્રિય છે એટલે રીપિટ ટેલિકાસ્ટ થતું રહે એમાં નવાઈ નથી, પરંતુ લોકપ્રિયતાને એન કેશ કરવામાં હવે આ સિરિયલ ભારે લાંબુ ખેંચે છે વ્યાપક ફરિયાદ ઉઠવા લાગી છે.
ગણેશોત્સવ બે અઠવાડિયા ચાલે, દિવાળી બે અઠવાડિયા ચાલે, નવરાત્રી ચાર અઠવાડિયા ચાલે.. લોકો ખરેખર એટલુ બધો લાંબો સમય એક જ પ્લોટ જોવા તૈયાર હોય કે કેમ એ મોટો સવાલ છે. વળી સિરિયલ બહુ પ્રિડિક્ટિવ એટલે કે હવે શું થશે તેનો ખ્યાલ આવી જાય એવી બની રહી છે. દર્શકોને સરપ્રાઈઝનું તત્ત્વ ન મળે તો મનોરંજનના કોઈ પણ ફોર્મેટમાંથી રસ ઉડતા વાર લાગતી નથી.
દરમિયાન કેટલીક નવી સિરિયલો શરૃ થઈ છે. જે આજે નહીં તો કાલે 'તારક મહેતા કા...'નું સ્થાન જોખમમાં મૂકી શકે છે. એમાંની એક સિરિયલ છે 'સજન રે ફીર જૂઠ મત બોલો..' મરાઠી કલાકાર શરદ પોંકસે, ટીકુ તલસાણિયા, હુસૈન, સહિતના કલાકારો ઉત્તમ એક્ટિંગ કરી જાણે છે. વળી સિરિયલના પ્લોટ્સ પણ હજુ સુધી તો ભારે રસપ્રદ નીવડયા છે.
'તારક મહેતા કા' ની મજબૂતી તેના પ્લોટ્સ અને કેટલાક ઉત્તમોત્તમ કલાકારો છે. તેનો વિકલ્પ હવે 'સજન રે ફીર જૂઠ મત' અને 'તેનાલી રામા'માં મળવા લાગ્યો છે. 'તેનાલી રામન'ને તો કોણ ન ઓળખે? દક્ષિણ ભારતનો એ બિરબલ ગણાતો.
અંદાજે ૫૦૦ વર્ષ પહેલા તેનાલી રામન કૃષ્ણ દેવ રાયના દરબારમાં વિવિધ સમસ્યાના ઉકેલ રજૂ કરતા હતા. એ સિરિયલામાં રામનના ચહેરાના હાવ-ભાવ અને એક્ટિંગ ઘણી પ્રભાવશાળી છે. તો વળી તથાચાર્ય બનાતા પંકજ બેરીની એક્ટિંગમાં પણ કહેવાપણુ નથી. તેનાલી રામાના પ્રસંગો વળી એટલા રસપ્રદ હોય છે કે છેવટે શું થશે એ જોયા વગર દર્શકો રહી શકતા નથી.
દર્શકોને મનોરંજનની અપેક્ષા હોય છે. જો યોગ્ય મનોરંજન ન મળે તો બિગબજેટ ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર પીટાઈ જાય છે. એ જ રીતે જો ટેલિવિઝનની કોઈ સિરિયલમાં કે ચેનલમાં મનોરંજન ન મળે તો એના ય વિકલ્પ હવે ઉપલબ્ધ બનવા લાગ્યા છે. સ્પર્ધાના આ યુગમાં મોનોપોલી ચાલે તેમ નથી એટલે જ કહેવાય છેને કે નિર્માતા-નિર્દેશકો સતર્ક ન રહે તો દર્શકો તો સતર્ક છે જ!