Get The App

૪૯૦ વર્ષ પછી ફરી એક વખત નિર્ણાયક ઘડી..

Updated: Feb 11th, 2018

GS TEAM

Google News
Google News
૪૯૦ વર્ષ પછી ફરી એક વખત નિર્ણાયક ઘડી.. 1 - image

અયોધ્યામાં કારસેવકપૂરમ નામનો છે. અહીં મોટી સંખ્યામાં મંદિર માટેના પથ્થર કોતરીને રખાયા છે. હવે તો કોર્ટના આદેશ પ્રમાણે પથ્થર તરાશવાનું કામ બંધ પડયું છે. તો પણ પહેલેથી નકશી કરેલા કદાવર પથ્થર, કમાન, થાંભલા અહી તૈયાર રખાયા છે.

આ બધા પથ્થર રાજસ્થાનના ભરતપુરની આરસની ખાણોમાંથી આવેલા છે. સાથે સાથે મંદિર માટે દેશભરમાંથી આવેલી ઈંટોનો ખડકલો કરી દેવાયો છે. ઈંટોને નુકસાન ન થાય એટલા માટે માથે શેડ પણ બાંધી દેવાયો છે.

એક સમયે અહીં અસંખ્ય કારીગરો કામ કરતાં હતા, પરંતુ કામ અટક્યું એટલે કારીગરો પણ પોતાના વતનમાં પરત ફર્યા છે. જ્યારે પણ ચૂકાદો આવે કે મંદિર બનાવવાનું છે અને સરકાર ઈચ્છાશક્તિ દર્શાવે એ પછી ગણતરીની કલાકોમાં જ મંદિરની કામગીરી આરંભાઈ શકે એટલી હદની તૈયારી અહીં થઈ ચૂકી છે. મંદિરનું મોડેલ બહુ પહેલેથી તૈયાર કરીને મૂકી રખાયું છે.

દેશમાં ભલે હવે મંદિર બનવાનો માહોલ બની રહ્યો હોય.. પણ અહીંના રહેવાસીઓ પહેલેથી માને છે કે મંદિર તો અહીં બનશે જ. એક મંદિરના પૂજારીએ તો ઉત્સાહમાં આવીને એમ પણ કહી દીધું કે ૨૦૧૮નું વર્ષ પુરું થાય એ પહેલા જ મંદિર-નિર્માણકાર્ય શરૃ થઈ જશે!

બાબરના ઉમરાવ મીર બાકીએ ૧૫૨૮ની સાલમાં અહીં એવુ ફરમાન જારી કર્યું હતું કે બાદશાહ બાબરની ઈચ્છાથી અહી મસ્જીદ બનાવવાની છે (અહીંના ઘણા લોકો તો મસ્જીદ શબ્દ વાપરવા પણ તૈયાર નથી, વિવાદાસ્પદ બાંધકામ કે વિવાદાસ્પદ ઢાંચો જ હતો). હવે એ બાંધકામના ૪૯૦ વર્ષ પછી ફરીથી અયોધ્યા નિર્ણાયક મુકામ પર પહોંચ્યુ છે, જ્યારે મંદિર બનવાની શક્યતા સૌથી વધુ પ્રબળ બની છે.
 

Tags :