કર્મ બંધન .
- પ્રકરણ - 8
- વિશાખાની નજરમાં સામે બેઠેલા બે ચહેરા ઝડપાઈ ગયા. ખુલ્લી ડોકાબારીનો ઉલ્લેખ સાંભળીને બંનેના ચહેરામાં જે ફેરફાર થયો એ વિશાખાના મગજની ડાયરીમાં નોંધાઈ ગયો.
ભી ખા માળીનો જવાબ પટેલની ડાયરીમાં નોંધાઈ ગયો હતો. રાત્રે દોઢ વાગ્યે રિસોર્ટની પાછળ કુંવારકાની ખાંભી પાસે બુલેટ મોટરસાઈકલ-નંબરપ્લેટ પર નંબરની જગ્યાએ ત્રિશૂળનું ચિત્ર-આવી બાઈક કોની હશે? ભીખાની વાત સાંભળ્યા પછી સુખુભા વિચારમાં ડૂબી ગયા હતા. આ બાઈકના માલિકને શોધવાનું કામ આ સાહેબો મને જ સોંપશે એવી એમની ધારણા હતી. ભીખો બોલતો હતો ત્યારે વિશાખાની નજર સામે બેઠેલા તમામ ચહેરાઓ ઉપર ફરતી હતી. બધાના મોઢા ઉપર પથરાયેલું આશ્ચર્ય જોઈને એને ખાતરી થઈ કે ભીખાએ આ માહિતી કોઈનેય આપેલી નથી. ભીખો નિર્દોષતા અને નિખાલસતાથી બોલતો હતો ત્યારે એના હાવભાવના નિરીક્ષણથી વિશાખાને ખાતરી હતી કે આ માણસ સાવ સાચું બોલી રહ્યો છે.
ભીખો નીચે બેસી ગયો એટલે આકાશે ગણાત્રા સામે જોયું. 'નેક્સ્ટ?
'જયેન્દ્રસિંહ જેઠવા. અમે એમને પ્રેમથી જયુભા કહીએ છીએ.' આકાશ સામે જોઈને પરિચય આપતી વખતે ગણાત્રાના અવાજમાં આદરભાવ ઉમેરાયો. ગણાત્રા નામ બોલ્યો એટલે પહેલી હરોળમાં બેઠેલા જયેન્દ્રસિંહ પૂરી શાલિનતાથી ઊભા થયા. સાંઈઠ વર્ષની ઉંમરે પણ સાગના સોટા જેવી ટટ્ટાર કાયા, શરીર પર લેશમાત્ર ચરબી નહીં, ચોરસ ચહેરા પર કરડાકી અને તીણું નાક, પાણીદાર આંખો, વિશાળ કપાળ, વાળમાં સફેદ લટો ડોકિયાં કરતી હતી. બંધ ગળાનો જોધપુરી કોટ અને ગળામાં મોતીની માળા. અદબ વાળીને અત્યંત સ્વસ્થતાથી ઊભેલા જયુભા આકાશ, વિશાખા અને પટેલની સામે જોઈ રહ્યા હતા.
'આ રિસોર્ટ અગાઉ રાજમહેલ હતો એની તો આપને ખબર છે. આ મહેલ જયેન્દ્રસિંહના પૂર્વજોએ બનાવેલો. છેલ્લા પચાસેક વર્ષથી એ એમને એમ પડયો હતો. અહીં રિસોર્ટ બનાવવાનું મેં વિચાર્યું અને જેઠવા રાજવી પરિવારના વારસદારોની શોધ શરૂ કરી. છેલ્લી પેઢીના ત્રણ વારસદારોના હાથમાં સત્તા હતી. આ જયેન્દ્રસિંહ એમાંના એક. સોદો થયો ત્યારે આ બાપુએ શરત મૂકી કે હું પરણ્યો નથી અને મુંબઈમાં મજા નથી આવતી. વડીલોના વારસા સમાન આ મહેલની માયા હજુ છૂટી નથી, એટલે મને રિસોર્ટમાં રાખવો પડશે.' ગણાત્રાએ હસીને ઉમેર્યું. 'રિસોર્ટના આરંભથી જ એ અમારી સાથે છે. આર્થિક દ્રષ્ટિએ એ મારાથી પણ વધુ સમૃધ્ધ છે એટલે પગાર પેટે એક રૂપિયોય નથી લેતા. અહીં એમને કોઈ વિશેષ જવાબદારી નથી સોંપી. એ એમની રીતે બધાના કામ ઉપર નજર રાખે છે. કોઈ ભૂલ કરે તો ધમકાવવાની અને ખખડાવવાની એમની સત્તા છે.'
સામે બેઠેલા બધા ઉપર ફરતી વિશાખાની નજર સુખુભાના ચહેરા ઉપર અટકી. એમનો ચહેરો ચાડી ખાતો હતો કે ગણાત્રા બોલે છે એ સાવ સાચું નથી. ગણાત્રાએ અત્યંત સન્માનપૂર્વક પરિચય આપેલો, પરંતુ એ સમયે બીજા કોઈના ચહેરા પર લગીર પણ આદરભાવ નહોતો દેખાતો.
'જયુભા, પ્લીઝ, સાતમી તારીખે બપોરે ચાર વાગ્યાથી આઠમી તારીખે સવારે સાત વાગ્યા સુધી આપે શું કરેલું એની જાણકારી આપો.' એમની સામે જોઈને આકાશે કહ્યું.
'સમયનો હિસાબ તો હું આપીશ, પણ એક વાત સમજી લો.' જયેન્દ્રસિંહનો અવાજ પ્રભાવશાળી હતો. 'આ ગણાત્રા કરતાંય આ રિસોર્ટની આબરૂની મને વધારે ચિંતા છે, એટલે આપના શંકાસ્પદોની યાદીમાંથી મારું નામ ભૂંસી નાખજો.' એમની વાતનો આકાશે લગીર પણ પ્રતિભાવ ના આપ્યો એટલે સહેજ અટકીને જયેન્દ્રસિંહે આગળ કહ્યું. 'બપોરે આરામ કરવાની મને આદત છે. અહીં રાત્રે મેરેજપાર્ટીની ધમાલ હતી એટલે સાતમી તારીખે બપોરે બે વાગ્યે જમ્યા પછી મારા ઘરમાં જઈને સૂઈ ગયેલો. સાડા ચાર વાગ્યે ઉઠીને દાઢી કરી. એ પછી અહીં રિસેપ્શન પાસે આવ્યો. નવારામ મારા માટે ચા લઈને આવ્યો. ચા પીધા પછી મેરેજપાર્ટી તરફ ગયો. એમાં ત્રણેક વડીલોને મારો પરિચય હતો એટલે ત્યાં ઊભા રહીને એમની સાથે વાતો કરી. એ પછી ગેટ પાસે ગયો. રોજ ચાલવાની ટેવ છે એટલે બહાર નીકળીને કોસ્ટલ હાઈવે સુધી આંટો મારીને પાછો આવ્યો. ગેટ પર રામજી ઝોકાં ખાતો હતો એને ધમકાવીને અંદર આવ્યો. સાંજે મેરેજપાર્ટીવાળા પરાણે એમની સાથે જમવા ખેંચી ગયા એટલે બધા સ્ટાફની સાથે જમવાને બદલે મહેમાનો સાથે જમ્યો. સાડા નવ વાગ્યા સુધી રિસેપ્શન પાસે સોફા ઉપર જ બેઠો હતો. એ પછી ક્વાર્ટરમાં જઈને ઊંઘી ગયો. સવારે છ વાગ્યે જાગીને કસરત કરતો હતો ત્યાં જ સમાચાર મળ્યા એટલે દોડી આવ્યો ને ગણાત્રાને ફોન કર્યો. ટૂંકમાં, આખી રાત મારા ક્વાર્ટરમાં જ હતો. ક્યાંય બહાર નીકળ્યો નથી.'
'રાત્રે કોઈ અવાજ કે કંઈ સાંભળેલું?' પટેલે પૂછયું.
'રાત્રે દોઢેક વાગ્યા સુધી તો આ મેરેજપાર્ટીવાળાની ધમાલના અવાજ આવતા હતા. એ પછી રાત્રે ત્રણેક વાગ્યે બાથરૂમ જવા ઊભો થયો ત્યારે બાજુના ક્વાર્ટરમાં કંઈક ઘૂસરપૂસર થતી હોય એવા અવાજ આવતા હતા.'
'કોના અવાજ હતા એનો આપને ખ્યાલ ખરો?' પટેલે પૂછયું.
'પૂરી ખાતરી તો નથી, પણ નવ્વાણું ટકા નવારામ અને ભંવરી કંઈક ચર્ચા કરતા હોય એવું લાગેલું.' જયેન્દ્રસિંહે આટલું કહ્યું કે તરત વિશાખાએ નવારામ અને ભંવરી સામે જોયું. ભંવરીએ ગભરાઈને નવારામનો હાથ જકડી લીધો હતો. આકાશ અને પટેલની નજર પણ એ બંનેની સામે જ હતી.
'થેંક્યુ, જેઠવાસાહેબ! આ સિવાય બીજી કોઈ અસામાન્ય વાત આપના ધ્યાનમાં આવેલી?' આકાશે પૂછયું એટલે સહેજ વિચારીને જયેન્દ્રસિંહ બોલ્યા. 'સવારે સમાચાર મળ્યા અને હું અહીં આવતો હતો ત્યારે મને નવાઈ લાગેલી કે પાછળના દરવાજાની ડોકાબારી જે સવારે કાયમ બંધ હોય છે એ ખુલ્લી હતી!'
વિશાખાએ જોયું કે બધાના ચહેરા પર આશ્ચર્ય હતું. નવારામ અને ભંવરીનો ગભરાટ વધ્યો હતો.
'થેંક્યુ, જેઠવાસાહેબ, આપ બેસી શકો છો.' એમને આટલી સૂચના આપીને આકાશે ગણાત્રા સામે જોયું. 'હવે નવારામ અને ભંવરીબહેનનો વારો.'
'છેલ્લા ચાર વર્ષથી આ દંપતી અહીં છે. રસોઈમાં એમની માસ્ટરી છે. એક પણ દિવસ રજા નથી લીધી. આજ સુધીમાં ક્યારેય કોઈ ફરિયાદ નથી આવી.' આટલી જાણકારી આપીને ગણાત્રાએ આકાશને કહ્યું. 'અત્યારની રસોઈ અધૂરી મૂકીને એ બંને આવ્યા છે, એટલે પ્લીઝ, એમની પૂછપરછ પતે એ પછી એમને જવા દેજો.'
'શ્યૉર.' આકાશે હસીને સંમતિ આપી અને નવારામ અને ભંવરી સામે જોયું. 'તમારે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. તમે જે કંઈ જાણતા હો એ સાચેસાચું કહી દેવાનું છે. સૌથી પહેલા એ કહો કે રાત્રે ત્રણ વાગ્યે તમે શેની ચર્ચા કરતા હતા?'
નવારામ અને ભંવરી ત્રણેય અધિકારીઓની સામે હાથ જોડીને ઊભા હતા. 'ઈશ્વરની સાક્ષીએ કહું છું, સાહેબ! અમે ફફડી ગયા હતા.' નવારામ ધ્રૂજતા અવાજે બોલતો હતો. ભંવરી નીચું જોઈને ઊભી હતી. 'સવારે મેરેજપાર્ટીને નાસ્તામાં મેથીના ગોટા આપવાના હતા અને બપોરના જમવામાં ઊંધિયું બનાવવાનું હતું. એમાં પણ મેથીના મૂઠિયાં નાખવાના હતા. લીલવાની કચોરી માટે તુવેર ફોલવાની હતી. બધા શાકની તૈયારી માટે અમે મોડે સુધી રસોડામાં જ હતા. રાતે એક વાગ્યા સુધી તો લગનવાળા ફટાકડા ફોડતા હતા એનો અવાજ આવતો હતો. એક વાગ્યે ભંવરીને ચા પીવાનું મન થયું એટલે ચા બનાવી. ચા પીને અમે મેથી ચૂંટવામાં અને તુવેરો ફોલવામાં જ ડૂબી ગયા હતા ત્યારે લગભગ બે વાગ્યે ભંવરી ભડકી. ફટાકડા જેવો અવાજ તો મનેય સંભળાયો હતો પણ ભંવરીએ મને કીધું કે ફટાકડા તો ક્યારનાય બંધ થૈ ગ્યા છે, આ તો કંઈક જુદો અવાજ છે, કોકે બંધૂક ફોડી લાગે છે! ફટાકડાના અવાજ કરતા આ ધડાકાના અવાજની દિશા જુદી હતી, એટલે મનેય બીક તો લાગી પણ ભંવરી ગભરાય નહીં એટલે મેં એને સમજાવ્યું કે કોકે વધ્યાઘટયા ફટાકડા ફોડયા હશે. એ પછી બીકના માર્યા હાથ ઝડપથી ચાલવા લાગ્યા. રસોડાનું કામ પતાવીને અમે ક્વાર્ટરમાં જવા નીકળ્યા ત્યારેય ભંવરી બીતી હતી. એમાંય પાછળના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે તો મનેય બીક લાગી. રાત્રે ત્રણ વાગ્યે ડોકાબારી ઉઘાડી હતી!'
વિશાખાની તીક્ષ્ણ નજરમાં સામે બેઠેલા બે ચહેરા ઝડપાઈ ગયા. ખુલ્લી ડોકાબારીનો ઉલ્લેખ સાંભળીને એ બંનેના ચહેરામાં તરત જ જે ફેરફાર થયો હતો એ વિશાખાના મગજની અદ્રશ્ય ડાયરીમાં નોંધાઈ ગયો. એ બંનેનો પૂરો પરિચય તો હજુ મળ્યો નહોતો, એ બેમાંથી માત્ર એક મંજુલા-મંજુની સેવાનો થોડો લાભ મળેલો એટલી ઓળખ હતી. એ છતાં, એમના ચહેરા વિશાખાની ડાયરીમાં ચિતરાઈ ચૂક્યા હતા.
એ દ્રશ્ય યાદ કરીને અત્યારે પણ બીક લાગતી હોય એમ નવારામનો અવાજ ધ્રૂજતો હતો. જાણે આધાર ઈચ્છતી હોય એમ ભંવરીએ ફરીથી એનો હાથ જકડી લીધો હતો.
'સાચું કહું છું, સાહેબ! આટલી રાતે કોણ આવ્યું હશે કે કોણ બહાર ભાગ્યું હશે? કોઈ ભૂત-પ્રેત હશે? અમે બંને બીકના માર્યા દોડીને ક્વાર્ટરમાં પહોંચી ગયા તોય ભંવરીના મગજમાં પેલા ધડાકાનો અવાજ જ ઘૂમરાતો હતો. એ મારી સાથે માથાકૂટ કરતી હતી કે અવાજ બંધૂકનો જ હતો અને બારી ખોલીને કોક ભાગી ગયું હશે. જયુભાબાપુએ અમારી ઘૂસરપૂસર સાંભળી એ એમની વાત સાવ સાચી.'
'તમારી સાચી વાતમાં હજુ કંઈક ખૂટે છે.' એ બંનેની સામે જોઈને આકાશે કહ્યું. 'પહેલી રાત્રે મને અને ઝાલાબાપુને પીરસતી વખતે તમે બંને અમારાથી ગભરાતા હતા. બીજા દિવસે રાત્રે તમારો ગભરાટ દૂર થઈ ગયો હતો. આવું કેમ?'
'બંધૂકનો અવાજ અને ઉઘાડી ડોકાબારીની વાત પોલીસને કહેવી કે નહીં એની ગતાગમ નહોતી પડતી. ભંવરીને બીક હતી કે પોલીસ આપણને જ પકડી જશે તો? એણે મનેય બીવડાવી દીધેલો, એટલે પહેલી વાર તમને જોયા ત્યારે એ ગભરાટ હતો. રાત્રે બહુ વિચારીને નક્કી કર્યું કે કોઈ ગુનો તો કર્યો નથી, એટલે જે છે એ સાચેસાચું બોલી દેવાનું. એ પછી બીક નીકળી ગઈ, પણ ગભરાટ તો હજુય છે.'
'સાતમી તારીખે સાંજે ચાર વાગ્યાથી આઠમીની સવાર સુધીમાં બીજું કંઈ બનેલું?' પટેલે પૂછયું.
'સાતમીએ રાત્રે દોઢસો માણસનું રસોડું હતું એટલે રસોઈ સિવાય કશાયની ખબર નથી. રાત્રે જે થયેલું એ આપ સાહેબને સાચેસાચું કહી દીધું.'
'અમારી બીક રાખવાની જરૂર નથી.' આકાશે એમને સમજાવ્યું. 'હજુય કંઈ યાદ આવે તો તરત મને કહી દેજો. તમારી બાતમી ખાનગી રહેશે. જરાયે ડર્યા વગર રૂબરૂ આવીને અથવા ખાનગીમાં ફોન કરીને જણાવજો. હવે જાવ અને સરસ રસોઈ બનાવો.' બિલાડીના મોઢામાંથી છટકેલો ઉંદર ભાગે એમ એ બંને ઝડપથી બહાર જતા રહ્યા.
હત્યાનો સમય રાત્રે બે વાગ્યાનો અને હત્યા કરનારે ભાગવા માટે પાછળના દરવાજાની ડોકાબારીનો ઉપયોગ કર્યો હશે- નવારામ અને ભંવરીની કેફિયત ઉપરથી કંઈક આવું ચિત્ર ઊભું થતું હતું. આકાશ, પટેલ અને વિશાખા એ ત્રણેયના મગજમાં એક સાથે આ વિચાર રમતો હતો. એ છતાં, સૌથી અઘરો સવાલ એ હતો કે હત્યારો બહારથી આવ્યો હશે? નંબરપ્લેટ પર નંબરને બદલે ત્રિશૂળ દોરેલી બુલેટ મોટરસાઈકલ લઈને આવેલા માણસે જ હત્યા કરી હશે?
નવારામ અને ભંવરી જતા હતા ત્યારે એમને ઊભા રાખીને ગણાત્રાએ રસોઈ માટે સૂચના આપીને જલ્દી બનાવવાનું કહ્યું. એ દરમ્યાન આકાશ, વિશાખા અને પટેલે ધીમા અવાજે અંદરોઅંદર કંઈક ચર્ચા પતાવી દીધી. એમની એ ટૂંકી ચર્ચા પતી એટલે આકાશે ગણાત્રા સામે પ્રશ્નાર્થ નજરે જોયું. 'નેક્સ્ટ?'
'આ મારો સગો ભત્રીજો-ગૌરવ ગણાત્રા. એ અહીંનો જુનિયર એકાઉન્ટન્ટ છે. હિસાબ અને પેટી કેશ સંભાળવાની જવાબદારી એની છે. બે વર્ષ અગાઉ બી.કોમ. થયો એ દિવસથી મેં એને અહીં રાખી લીધો છે.' ગણાત્રાએ પરિચય આપ્યો કે તરત જયેન્દ્રસિંહની પાસે બેઠેલો યુવક ઊભો થઈ ગયો. છવ્વીસેક વર્ષનો ગૌરવ દેખાવડો હતો. આખી બાંયનું વાદળી સ્વેટર પહેર્યું હતું. 'ગૌરવ, તમે ક્યાં હતા અને શું કર્યું એ હિસાબ આપો.' આકાશે એને સૂચના આપી.
'બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી તો હું મારી ઑફિસમાં જ હતો.' ગૌરવનો અવાજ સ્વસ્થ હતો. 'સાંજે છ વાગ્યે રિસેપ્શન ડેસ્ક પર ગયો ત્યારે ખબર પડી કે ઉત્તરપ્રદેશથી આવેલા કોઈ આઈ.પી.એસ. અધિકારી ચોવીસ નંબરના રૂમમાં આવેલા છે. એ પછી મારા ક્વાર્ટર જઈને નાહ્યો અને ફ્રેશ થઈને પાછો આવ્યો. એ સાંજે મેરેજ પાર્ટીવાળાએ મોટો જમણવાર રાખેલો હતો અને એમાં પોરબંદરથી પણ અનેક લોકો આવેલા હતા. એમાં અમુક મારા પરિચિત હતા એ બધાને મળ્યો, વાતો કરી. જમણવાર પત્યો પછી બહારથી આવેલા મહેમાનો જતા રહ્યા અને હું અમારા સ્ટાફ સાથે જમવા ગયો. જમીને ઊભા થયા ત્યારે દસ વાગ્યા હતા. ક્વાર્ટર પર જઈને થોડી વાર ટીવી જોયું અને પછી ઊંઘી ગયો. સવારે બૂમાબૂમ કરીને બધાએ જગાડીને આ સમાચાર આપ્યા એટલે મેં કાકાને ફોન કર્યો. એમને જયુભાએ જાણકારી આપી દીધેલી એટલે એ અહીં આવવા નીકળી ચૂક્યા હતા.'
'તમે જમીને ધેટ મિન્સ રાત્રે દસ વાગ્યા પછી ક્વાર્ટર પર જતા હતા ત્યારે પાછળના દરવાજા પર નજર કરેલી? એ વખતે ડોકાબારી બંધ હતી કે ખુલ્લી?' પટેલે એને પૂછયું.
'સો ટકા બંધ હતી.' ગૌરવે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. 'દરેક વખતે ત્યાંથી પસાર થતી વખતે ત્યાં નજર ફેરવવાની મારી આદત છે. એ રાત્રે લગભગ સવા દસે ત્યાંથી પસાર થતી વખતે જોયેલું તો બારી બંધ હતી.'
'ઓ.કે.' આકાશે એને બેસવાનો ઈશારો કર્યો. પટેલનું લખવાનું કામ ચાલુ હતું અને વિશાખાનું નિરીક્ષણ પણ ચાલુ હતું. આકાશે ગણાત્રા સામે જોયું.
'સાહેબ, આ મંજુલા.' ગણાત્રાએ પરિચય આપ્યો. 'માધવપુરની જ છે. નાની ઉંમરે જ વિધવા થયા પછી નોકરી માટે આવેલી. અહીં રિસોર્ટમાં જે કામ કોઈ ના કરે એ તમામ કામ એ કરે છે. કોઈ પણ દલીલ કે વિરોધ કર્યા વગર બાકીના બધા જે ચીંધે એ કામ એ કરે છે.' લગીર અટકીને એણે ઉમેર્યું. 'પાછળ કુંવારકાની જે ખાંભી છે એને એ ઈષ્ટદેવ માને છે. સ્ટાફમાંથી કોઈ ત્યાં નથી જતું, પણ મનનો ભાર હળવો કરવા મંજુ ત્યાં જાય છે.'
'મંજુબહેન, એ રાત્રે ડોકાબારી ખોલીને તમે બહાર ગયેલા?' આકાશે સીધો જ સવાલ પૂછયો એટલે સામે ઊભેલી મંજુએ જોરથી નકારમાં માથું ધૂણાવ્યું. 'ના સાહેબ! તમે કહો એના સમ ખાઉં. રાત્રે તો ક્યારેય ત્યાં નથી જતી. મન થાય ત્યારે દિવસે જઈને માથું ટેકવું છું અને ફૂલહાર ચડાવું છું.'
'એ દિવસે સાંજ પછી શું શું કરેલું એ યાદ કરો.' મંજુ સામે જોઈને વિશાખાએ પૂછયું.
'જમણવાર હતો એટલે ભંવરીએ મને છોડી જ નહોતી. રાત્રે દસ વાગ્યા સુધી તો એમની મદદમાં જ હતી. જમણવાર પછી બધા એઠાં વાસણ ચોકડીમાં ગોઠવ્યા અને એ પછી સાડા અગિયાર વાગ્યે ક્વાર્ટર પર જઈને સૂઈ ગઈ. આખા દાડાનો થાક હતો એટલે તરત ઊંઘ આવી ગઈ. નવારામભૈએ કીધેલું કે સવારે સાડા છ વાગ્યે ચોવીસ નંબરમાં ચા અને બિસ્કિટ આપવા જવાનું છે એટલે ટાઈમસર રસોડે પહોંચી ગઈ. ચાની ટ્રે લઈને ગઈ અને બેલ વગાડયો પણ સાહેબે બારણું ખોલ્યું નહીં. ખાલી અટકાડીને બારણું બંધ કરેલું હતું એટલે પગથી ધક્કો મારીને બારણું ખોલ્યું અને અંદરનો સીન જોઈને મારી રાડ ફાટી ગઈ અને હાથમાંથી ટ્રે પડી ગઈ. મેં ચીસો પાડી એટલે બધા દોડી આવ્યા.'
'સાડા અગિયાર વાગ્યે તમે ક્વાર્ટર ઉપર ગયા ત્યારે ડોકાબારી ખુલ્લી હતી કે બંધ?' વિશાખાએ પૂછયું એટલે મંજુએ નકારમાં માથું ધૂણાવ્યું. 'એવી થાકેલી હતી કે મારું એ બાજુ ધ્યાન જ નહોતું.'
'ઓ.કે. મંજુબહેન, બેસી જાવ.'
ગણાત્રાના મોબાઈલની રિંગ વાગી એટલે એ રૂમની બહાર નીકળી ગયો. બીજી જ મિનિટે અંદર આવીને એણે આકાશને પૂછયું. 'જમવાનું તૈયાર છે, સાહેબ! લંચબ્રેક પાડીશું?' આકાશે પટેલ અને વિશાખા સામે જોયું. એ બંનેએ આંખોથી જ સંમતિ આપી એટલે આકાશ ખુરસીમાંથી ઊભો થયો. 'એક કલાક પછી આપણે બધાએ ફરીથી અહીંયા જ મળવાનું છે.' બધાની સામે નજર કરીને એણે આદેશ આપ્યો. 'એક કલાકથી મોડું ના થાય એનું ધ્યાન રાખજો.'
આકાશ, વિશાખા, પટેલ અને સુખુભા પણ ડાઈનિંગ હૉલની વચ્ચે ઊભા હતા. ગણાત્રા બારણાં પાસે અટકીને કોઈની સાથે મોબાઈલ પર વાત કરતો હતો. 'સુખુભા, ત્રિશૂળવાળી બુલેટના માલિકનો અતોપતો એને ખબર ના પડે એમ મેળવી આપો.' આકાશે કહ્યું એટલે સુખુભાએ ખાતરી આપી. 'કાલે સાંજ સુધીમાં પાર્ટીનું નામ-સરનામું આપને મળી જશે.'
હૉલના ખૂણામાં આવીને ભંવરીએ વિશાખાને ઈશારો કર્યો એટલે વિશાખા એની પાસે ગઈ. ભંવરી ઝડપથી કંઈક કહીને પાછી જતી રહી. ગણાત્રા હજુ દૂર ઊભો હતો એટલે વિશાખાએ આવીને ઉત્તેજનાથી કહ્યું. 'ભંવરીએ બીતા બીતા બાતમી આપી છે. ગણાત્રાનો ભત્રીજો ગૌરવ સાચું નથી બોલ્યો. એની સાથે ગણાત્રાનો ભાણિયો ચંદ્રેશ પણ સ્ટાફમાં છે. એની પૂછપરછ હજુ બાકી છે. રાત્રે ત્રણ વાગ્યે નવારામ અને ભંવરી ક્વાર્ટર પર પહોંચેલા ત્યારે એ ભાણિયા અને ભત્રીજા- બંનેના ક્વાર્ટરને તાળું હતું!'
(ક્રમશ:)