ધનેશ્વર નાયક: સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થયેલા કલાકાર
ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ
મેળાવડો હોય કે મિજલસ, સમારંભ હોય કે સ્નેહ સંમેલન. સભા હોય કે શાળાનો ઉત્સવ, ધનેશ્વર નાયકનું કોમિકનું સ્થાન અચૂક હોય જ
ધનેશ્વર નરસિંહદાસ નાયક (ધૂળિયા) તેમનો જન્મ સને ૧૮૯૭માં અમદાવાદ જિલ્લાના દસ્કોઇ તાલુકાના ગતરાડ ગામમાં થયો હતો. ડાકોરનો મેળો, ગુજરાતના બાવા ભાગ ૧-ર, મદ્ય નિષેધ અને મજૂરોની દિવાળી જેવી હાસ્યરસની ઘણી રેકર્ડોને રચનાર મા.ધૂળિયા બાલ્યાવસ્થાથી જ નાટક કંપનીમાં જોડાયા હતા. નાનપણથી જ બોલાવાની છટા ન્યારી હતી. તેમાં વળી નાટક -શાળાનો અનુભવ ભળ્યો અને અનુભવ જ્ઞાાન દ્વારા હાસ્ય મજાક કરતા થયા. યુવાન વયે હાસ્યરસના કાર્યક્રમો આપવા લાગ્યા. તેમની હાસ્ય વિનોદ વાણીથી લોક એટલા બધા આકર્ષાયા કે મેળાવડો હોય કે મિજલસ, સમારંભ હોય કે સ્નેહ સંમેલન.
સભા હોય કે શાળાનો ઉત્સવ, મા. ધૂળિયાનું કોમિકનું સ્થાન અચૂક હોય જ. સંગીતજ્ઞાો પણ તેમનું ફારસ સાંભળવા તેમને નિમંત્રણ પાઠવતા. મુખ્ય નેતા આવવાના હોય કે મહેમાન, મોટા અમલદારોની પાર્ટી હોય કે નાના કામદારોની પિકનિક, કલેક્ટર હોય કે ડી.એસ.પી., ગવર્નર હોય કે મ્યુ. પ્રમુખ સર્વેનાં દિલને જીતી લેનારા હાસ્ય સમ્રાટ મા. ધૂળિયાને સૌ ઓળખતા. પારસી, મુસલમાન , મહારાષ્ટ્રીયન, ગુજરાતી વગેરે દરેક કોમના જલસાઓમાં તેમનું સ્થાન ચોક્કસ રહેતું.
તેમની આગવી હાસ્યકલાની માંગ વધતી જવાથી નાટયક્ષેત્રે તેમણે રસ જતો કર્યો. ગુજરાતી બોલપટોમાં તેમના જેવા મુક્ત અભિનયવાળા અને હાસ્યસભર કલાકારની માંગ વધી પડી. શરૂઆતમાં મૂગી ફિલ્મમાં કોમેન્ટ્રી આપવા લાગ્યા અને તે પછી ચલચિત્રોમાં અભિનય આપવાનું શરૂ કર્યું.
ચલચિત્રોમાં હાસ્ય - અભિનેતા તરીકે 'અમદાવાદની શેઠાણી', 'ભાભીનાં હેત', ઘરવાળી, નાગદેવતા, ઓખાહરણ, કુંવરબાઇનું મામેરૂં, બહારવાટિયો, રા નવધણ, શેઠ સગાળશા, હર હર મહાદેવ, રાણકદેવી, કુંવારા બાપ વગેરે અનેક ચિત્રોમાં અભિનય આપ્યો છે અને સફળ કલાકાર તરીકે નામના મેળવી ચૂક્યા છે. પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા છે, તો ટિકિટબારીને પ્રેક્ષકોએ છલકાવી દીધી છે.
સામાન્ય એવા પ્રસંગમાંથી હાસ્ય નિપજાવી શ્રોતાઓને ખડખડાટ હસાવવાની અદમ્ય શક્તિ હતી. તેમના જલસાઓમાં હાસ્ય વિનોદ સાથે થોડુંક સંગીત પણ પીરસતા. તેમના કોમિકમાં પણ તેઓ જાતે ભજનો કે સ્વરચિત ગીતો ગમ્મત સાથે જ્ઞાાન આપવા લલકારતા હતા. તેમની પાર્ટીમાં મોટે ભાગે સોમનાથ પટપટ અને છગનલાલ તબલચી રહ્યા છે. ગીતપંક્તિઓના લયમાં જરા આડાઅવળી થાય તો વાદ્યસંગીતવાળા ભાઇ તેમને ટોકે ત્યારે ચાલુ જલસામાં તેમને કહીં દેતા કે ભાઇ, તમને હું લાવ્યો છું માટે હું ગાઉં તેમ તમારે વગાડવાનું છે.
'ડાકોરનો મેળો' કથાનક રેકર્ડ માટે કેવી રીતે નિપજાવ્યું તે જાણવા જેવું છે. હીઝ માસ્ટર્સ વોઇસ ગ્રામોફોન કંપનીએ રેકોર્ડ માટે મા.ધૂળિયાને નિમંત્રણ પાઠવેલું. તેમની પાર્ટી સાથએ તેઓ મુંબઇ જવા રવાના થયા. ગાડીમાં બેઠા બેઠા ચર્ચા કરે કે ક્યા વિષય ઉપર રેકોર્ડ ઉતરાવીશું ? કોઇ સાહિત્ય તૈયાર તો નથી. એટલામાં આણંદ સ્ટેશન આવ્યું.
તેમના સહકાર્યકરો સાથે ચા પીવા ઊતર્યા. ત્યાં એક પાટીદારભાઇને સહકુંબ ખંભાતની ટ્રેનમાંથી ડાકોરની ટ્રેનમાં જવું હતું, ઉતાવળ હતી, રઘવાટ હતો અને તેની દોડાદોડીમાં ચા, પીતા મા. ધૂલિયાને અટફેટમાં લીધા અને ચા ઢોળી નાંખી. બસ, આ નાનકડો પ્રસંગ પટેલની જાડી ભાષા અને રઘવાટ મા. ધૂલિયાના મગજમાં ઘૂસી ગયાં અને ગાડીમાં બેઠા બેઠા જ મુંબઇ પહોંચતાં પહેલાં 'ડાકોરનો મેળો' ઘડી કાઢ્યો.
એક વખતે પ્રાંતીજ મુકામે કબીર સાહેબના સત્સંગી ભાઇએ ફક્ત કબીરજીનાં જ ભજનો ગાવા મા. ધૂલિયાને નિમંત્રણ આપ્યું. મા. ધૂલિયાએ કબીરજીનાં ભજનોની તૈયારી કરી, પહોંચી ગયા પ્રાંતીજ. ભજનોની રમઝટ ચાલી, ત્રણ કલાકનો સમય પૂરો થયો અને સત્સંગી ભાઇ અને શ્રોતાઓને ખુશ કરી દીધા. કાર્યક્રમની સમાપ્તિ પહેલાં છેલ્લે છેલ્લું એક ભજન ગાઇ નાંખવા, પેલા ભાઇએ આગ્રહ કર્યો. મા. ધૂલિયા મૂંઝાયા. હવે કબીરજીનું એક પણ
ભજન ગાયા સિવાયનું સ્મૃતિપટમાં નહોતું. પણ એમ ગાંજ્યા જાય તો મા.ધૂલિયા શાના ? એમણે એક નાટકનું ગીત 'મારા હૈયા કેરા હાર, સૂની મારી સેજલડી...' ગાઇ નાંખ્યું અને છેલ્લી પંક્તિ 'કહેત કબીર સૂનો ભાઇ સાધુ...' ઉમેરી લઇ બજનના કાર્યક્રમની સમાપ્તિ કરી. ગીતનું ભજનમાં એટલું સુંદર રીતે રૂપાંતર કર્યું કે આ બજન કબીરજીનું નથી એનો ખ્યાલ સરખો શ્રોતાઓને આવવા દીધો નહિં.
વેશપરિધાનની કલામાં પણ જબરા નિપુણ હતા. જેની જેવી મુલાકાત તેવો પહેરવેશ. એક વખત મુંબઇમાં પંડિત જવાહરલાલ નહેરુની મુલાકાત ગોઠવી મલવા ગયા, ત્યારે દેશસેવકોનો વેશપરિધાન, ખાદીનો ઝભ્ભો, ધોતિયુ, ખભે ખેસ, ચશ્મા વગેરે પહેરીને એવા ઠાઠથી મલ્યા કે કોઇ મહાન રાજકીય નેતા હોય. કોઇ ઉચ્ચ અધિકારીની મુલાકાત હોય તો હંટર કોટ અને પેન્ટ પણ પહેરી લેતાં.
હાસ્યપ્રેમ ઉપરાંત, બાળપ્રેમ, જ્ઞાાતિપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને ધર્મ પ્રેમ પણ તેમના જીવનમાં સતત ગૂંથાયેલ રહ્યા છે. સુપ્રસિધ્ધ પૂ.શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીની શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન, સાધુ સંતોને નિમંત્રણ, ધાર્મિક કથા પ્રવચનો પાછળ પણ તેમણે અંગત રસ દાખવ્યો હતો. અઢળક સંપત્તિ પેદા પણ કરી અને સારાં કામોમાં વાપરી પણ ખરી.
ભવાઇના કલાકારો સાથે તેઓ હંમેશા સ્નેહભાવથી વાર્તાલાપ કરતા. તેઓની આવડત અને કલાના વખાણ પણ કરતાં. તેઓની પાસેથી કંઇક શીખતા પણ ખરા. ભવાઇના કલાકારો માટે અમૃત નાટય ભવાઇ કલાકાર સંઘની સ્થાપના અમદાવાદ મુકામે થઇ, તેના તેઓ સંસ્થાપક પ્રમુખ હતા.
હાસ્યની લહાણી કરનાર , હાસ્યસમ્રાટના શારીરિક કિલ્લાને જલંદરના રોગે ઘેરો ધાલ્યો. સંપત્તિ, ડોક્ટરી સારવાર અને સ્નેહીઓની સારવારનાં હથિયારો વડે ઘણો સામનો કર્યો. એક વાર હુમલો મારી હઠાવ્યો છતાંય દુશ્મન રોગની તાકાતે , હાસ્યસમ્રાટને રાત્રિના અંધકારમાં બે વાગ્યાના સુમારે તા.૬-૭-૬૪ના રોજ મરણતોલ ફટકો માર્યો, અને લાખોને હસાવનાર, લાખોને રડાવી સ્વર્ગલોકમાં ચાલ્યા હતાં.