દિલ સજાઓગે - સજા કભી ના પાઓગે....
- દોબારા દોબારા- અલતાફ પટેલ
બઝમ તો સજાઈ વાઈઝ ને લેકિન,
આંખે બહુત હૈ, દિલ બહુત કમ હૈ... બંદાનવાઝ
એ ખૂબ જ સારી અને સ્વીકૃત બાબત છે કે ધાર્મિક કે શુભ હેતુસર વ્યાખ્યાનો ગોઠવવામાં આવે.. સાંપ્રત સમાજમાં વકરેલી અને વંઠેલી હિંસામાં લોક માનસમાં જાગૃતિની ફાનસનો પ્રકાશ પ્રગટે તો નફરત જાકારો લ્યે એ જ શુભ હેતુ તો હોય. યુવાપેઢી ને ખુંખાર લોકોથી ઉગારી કાયદાની બેડીઓ ન પહેરવી પડે એવા સંન્નિષ્ઠ પ્રયાસો સતત થાય એ સૌ માટે કલ્યાણકારી કેમ ન નીવડે ? વખતોવખત ગોઠવાતી મજલિસો, કથાઓ માનવમનને પવિત્ર બનાવતી રહે તો ઘણી વ્યથાઓમાં શીતળતા અનુભવી શકાય. કથાકારો (વાઈઝ) એવા સુંદર આકારો લેતા દ્રષ્ટાંતો સમજાવીને મૂળભુત હેતુને ઉજાગર કરવાનું પ્રશશ્ય કામ કરતા જ રહે છે.
ટોળેટોળાં સુંદર રીતે, આકર્ષક ઢબે આયોજિત મહેફિલો (બઝમ)માં સમયનો ભોગ આપીને પાપી મનને શાતા આપવા હાજર રહે છે. આ એક તંદુરસ્ત મસ્ત પવિત્ર અવસર ગૌરવવંતો ગણી લઇએ એ વાત સાચી પણ અહીં દુઃખની કહો કે આશ્ચર્યની વાત કહો શ્રોતાઓનું ધ્યાન કથાના વિષય વસ્તુ તરફ ભાગ્યે જ રહે છે.
મન ક્યાંય વિહરતું, ગોળ ગોળ ફરતું રહે છે. અરે ભાયા ઘણા ઉંઘતા પણ ઝડપાયા નથી ? ઘણાની આંખો કથાકાર સામે મંડાયેલી હોય પણ હૃદયનો પ્રવાસ કોઇ બીજા જ વિચારોમાં રમ્માણ રહે છે. પરિણામે દિલમાં શુભ વાતો ઉતરતી નથી. એટલે આંખ નીતરતી નથી.. માત્ર હાજરીથી જ હજ થતી નથી.. સાચા દિલથી થાય તો જ પવિત્ર પ્રયાસો ફળે. કેમકે અહીંથી છુટા થયા પછી જ જીવનમાં આમુલ જરૂરી પરિવર્તન લાવવાનું છે.. ઉપરછલ્લા પ્રયાસો સાચે જ ગલ્લાતલ્લા જેવા બની જાજય તો અર્થ શું સરે કહેશો ?
સિર્ફ દિદાર સે આદમી ખબરદાર નહીં હોતા અલતાફ
હો ગર દિલ ભી શામીલ, કામીલ વો બન શકતા હૈ....