અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
ચાર પંક્તિમાં સમાયેલી એક ઘટના
પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? 'મરીઝ' 'તબીબ' કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ?
લોગ ઇન
થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ.
પીતા બધા થઈ ગયા, શૂરાની આબરૂ ગઈ.
'મરીઝ' બની ગયા 'તબીબ' અને પતી ગયો ઇલાજ.
રહી ના શાન દર્દની, દવાની આબરૂ ગઈ.
- શૂન્ય પાલનપુરી
આ જે ગુજરાતી ભાષાના આલા દરજ્જાના શાયર શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ. જેમણે એમ કહ્યું કે અમે તો કવિ કાળને નાથનારા... કવિ ખરેખર કાળને નાથનારો હોય છે. કાળને નાથવાનો અર્થ અહીં તેની સાથે બાથંબાથી કરવાનો નથી કે ઈશ્વર પેટલીકરની નવલકથામાં ચંદા નામની સ્ત્રી જે રીતે સાંઢને નાથે છે.
તે રીતે નાથવાનો પણ નથી. વાત સમયના પ્રવાહની છે. કવિ કાળને એ રીતે નાથે છે કે તે કાળગ્રસ્ત થતો નથી. તેનું શરીર ચોક્કસ નાશ પામે છે. તેનું સર્જન જીવતું રહે છે. આપણે આપણા પ્રાચીન કવિઓને તેમના શરીરથી ઓળખતા પણ નથી.
તેમના ચહેરા કેવા હતા તેની પણ જાણ નથી. પરંતુ તેમનું સર્જન આજે પણ આપણી વચ્ચે જીવે છે. કેમ કે તેમણે સર્જનથી કાળને નાથ્યો છે. ગુજરાતી ગઝલના મોભાદાર આ શાયરનો જન્મ ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામે થયો હતો અને અવસાન ૧૭ માર્ચ ૧૯૮૭ના રોજ થયું હતું ૧૬ વર્ષની વયે ગઝલ લખવાની શરૂ કરનાર આ શાયરે આજીવન ગઝલની સાધના કરી.
એક વખત હરીન્દ્ર દવેને લખેલા પત્રમાં ગઝલસર્જન વિશે તેમણે જે લખેલું. તે આજે પણ અનેક શાયરોને ઉપયોગી થાય તેમ છે. તેમણે લખ્યું હતું. 'ગઝલકાર એ શબ્દનો શિલ્પી છે. એક શિલ્પકાર સુંદર પ્રેરણા થાય તો એ પ્રેરણાને આકાર દેવા તત્પર થાય છે.
પણ એ માટે એને શરીરશાસ્ત્ર (ચહર્ચાસઅ)નો અભ્યાસ હોવો જોઇએ. નહીંતર ક્યાંક પગ કરતા હાથ જાડો થઇ જાય. ક્યાંક દેહના પ્રમાણમાં માથું નાનું થઇ જાય. બાકી પ્રેરણા તો દૈવી જ હોય છે. ગઝલકારને ગઝલ લખવાની પ્રેરણા એ દૈવી ઘટના છે.
યાંત્રિકતા લાવવાની છે ફક્ત ગઝલ-કલા પૂરતી. એનાથી વધુ સપ્રમાણ લખી શકાય. 'તેમની આ વાત પર ઘાયલ સાહેબે પણ મહોર મારી અને લખ્યું. 'શૂન્ય દૈવી પ્રેરણાથી અધિક મહત્ત્વ સજ્જતાને આપે છે.' અને તેમના ગઝલસર્જનમાં આપણે તે સજ્જતા જોઈ શકીએ છીએ.' શૂન્ય સાહેબના ઉપરોક્ત મુક્તક પાછળ ગુજરાતી શાયરીનો એક છુપો પ્રસંગ પણ વણાયેલો છે. આ મુક્તક ખરેખર તો ચાર પંક્તિમાં સમાયેલી એક ઘટના સ્વરૂપે છે. જો કે હવે તે પ્રસંગ જગજાહેર છે.
સાહિત્યજગતનો ભાગ્યે જ કોઈ માણસ આ પ્રસંગથી અજાણ હશે. તેના વિશે ઘણી વાર વર્તમાનપત્રોમાં પણ લખાઈ ગયું છે. ચંદ્રશેખર ઠક્કુર નામના એક જ્યોતિષીએ રૂપિયા બે હજારમાં મરીઝની ગઝલો ખરીદી અને 'દર્દ' નામથી પોતાના નામે સંગ્રહ પ્રકાશિત કર્યો. ગઝલનો છંદ ન તૂટે તે માટે 'મરીઝ'ની જગ્યાએ ઉપનામ 'તબીબ' રાખી દેવામાં આવ્યું. હવે થયું એવું કે આખી ઘટનાની જાણ શૂન્ય પાલનપુરીને થઈ.
આ વાત જાણી ગઝલને બંદગી માનનાર શાયર શૂન્ય સાહેબ ગુસ્સાથી રાતાચોળ થઇ ગયા. તે વખતે તે મુંબઇના અખબારમાં નોકરી કરતા હતા. ગુસ્સે ભરાયેલા શૂન્ય સાહેબે અખબાર માટે આ આખી ઘટનાની એક સ્ટોરી લખી. પછી તંત્રી દ્વારા ચંદ્રશેખર ઠક્કુરને ઓફિસમાં બોલાવ્યા. શૂન્ય સાહેબે લખેલી સ્ટોરી તેમને વાંચવા આપીને કહ્યું કે આવતી કાલે આ સ્ટોરી છપાવાની છે.
આ વાત સાંભળી ચંદ્રકાન્ત ઠક્કુર રડવા જેવા થઇ ગયા અને માફી માગવા લાગ્યા. ત્યારે શૂન્ય પાલનપુરીએ કહ્યું કે તમે અત્યારે જ એક ખુલાસો લખીને જાહેર કરો કે મારી ભૂલ થઇ ગઈ છે અને મારી તમામ ગઝલો મરીઝે લખેલી છે. ચંદ્રશેખર ઠક્કુર તૈયાર થઇ ગયા. બીજા દિવસે છાપામાં માફીનામું છપાયું અને આમ મરીઝની તમામ ગઝલો પાછી મળી. આ કામનો બધો યશ શૂન્ય પાલનપુરીને જાય છે.
આ ઘટના પછી શૂન્ય સાહેબે ઉપરોક્ત મુક્તક લખ્યું અને એક કાર્યક્રમમાં રજૂ કર્યું. પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? 'મરીઝ' 'તબીબ' કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ? તે બધી જ વાત માત્ર ચાર જ પંક્તિમાં તેમણે સાંકેતિક રીતે કહી દીધી. સમજનારા શાનમાં સમજી ગયા હતા.
આ તો એક પ્રસંગની વાત થઈ. તે સિવાય શૂન્ય સાહેબની અનેક ગઝલો, મુક્તકો અને શેર એટલા બધા લોકપ્રિય છે કે તેની યાદી માત્રથી લેખ પૂરો થઇ જાય. આજે જ્યારે તેમની પુણ્યતિથિ છે ત્યારે તેમની જ એક સુંદર ગઝલથી તેમને વંદન કરીએ.
લોગઆઉટ
કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ.
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ.
તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો.
જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ.
દ્રષ્ટિની સાથ સાથ પડણ પણ છે આંખમાં.
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.
આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા.
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.
શંકર બધું જ પી ન શક્યા 'શૂન્ય' એટલે.
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
- શૂન્ય પાલનપુરી