વાર્તા વિશ્વ: સૌંદર્યાનુભૂતિ...
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી.
ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે - જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
મને એ સૌંદર્યાનુભૂતિ થોડી વિચિત્ર રીતે અનુભવાતી હતી. એ વાસના નહોતી, ઊર્મિનો ઉન્માદ પણ નહોતો, હર્ષોલ્લાસ પણ નહોતો, પણ એક દર્દ હતું.
મારી સામે સ્વયં સુંદરતા સાક્ષાત્ ઊભી હતી અને પહેલી નજરે જ મેં એને ઓળખી કાઢી, જે રીતે મારે એને ઓળખવી જોઇએ એ રીતે. એ તો સ્વયં આકાશી વીજ હતી.
મને યાદ છે. પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હાઇસ્કૂલમાં ભણતો હોઇશ ત્યારે હું મારા દાદા સાથે ડોન પ્રદેશમાં આવેલા બોલશૂ ક્રિપ્કોના એક ગામથી રોસ્તોવ-ઓન-ધ-ડોન જઇ રહ્યો હતો. એ ઓગસ્ટનો શુષ્ક, સુસ્ત અને ઘામ થાય તેવો દિવસ હતો. સૂકા બળબળતા પવનની લહેરો અમારી તરફ ધૂળનાં વાદળોનાં ગોટેગોટા ઉડાડી રહી હતી.
જેનાં કારણે અમારી આંખો બિડાયેલી હતી, અને અમારા હોઠ ગરમીન કારણે સુકાઈ રહ્યા હતા. આવા વાતાવરણમાં કોઈને પણ જોવા, બોલવા કે વિચારવાનાં હોશહવાસ ક્યાંથી હોય? અમારા અડધા ઊંઘરાટેલા, નાનકડી કાઠીના રશિયન ઘોડાગાડીચાલક કાર્પોએ ઘોડાઓ પર વીંઝેલી ચાબુકનો ઝાટકો મારી કેપને લાગ્યો ત્યારે મેં એને ટોક્યો નહોતો, ન તો હું બડબડયો હતો. હું તો બસ તંદ્રામાંથી જાગૃત થયો, હળવેથી નિરુત્સાહી નજરે મીટ માંડીને જોવા લાગ્યો કે ધૂળના ગોટેગોટા વચ્ચે દૂર સુઘી કોઇ પણ ગામ નજરે પડે છે કે કેમ?
અમે એક મોટા આર્મેનિયન ગામમાં મારા દાદાના પરિચિત એવા એક ધનવાન આર્મેનિયનને ત્યાં રોકાયા, જેથી ઘોડાઓને ખવડાવી શકાય. મેં મારી આખી જિંદગીમાં આ આર્મેનિયનથી વધારે કાર્ટૂન આદમી જોયો નહોતો. કલ્પના કરો, એક નાનું મૂંડાયેલું માથું, જેની પર બે લબડતી જાડી ભમ્મરો, ચાંચ જેવું નાક, લાંબી ભૂખરી મૂછ અને એક પહોળું મોઢું અને એમાંથી બહાર નીકળેલી તમ્બાકુ ફૂંકવાની લાંબી ચેરીવૂડની ચલમ.
ટૂંકા લાલ રંગનાં જેકેટ અને ભડકીલા ભૂરા રંગનાં પાટલૂન જેવાં અજાયબ વોથી સજ્જ એક પાતળા ખૂંધિયા હાડપિંજર ઉપર એક નાનકડું માથું કઢંગી રીતે જોડાયેલું હતું. અને આ આખી આકૃતિ ટાંટિયા પહોળા કરીને, પગનાં સ્લિપર્સ ઢસડીને ચાલતી હતી, ચિલમને મોઢાંમાંથી બહાર કાઢયા વિના બોલતી હતી. અને સાચી આર્મેનિયન ગૌરવમય રીતભાતને વરેલી હોય એ રીતે મુસ્કુરાયા વિના, આંખો પહોળી કરીને, અનિમેષ નજરે નીરખતી હતી તેમજ મહેમાનોની હાજરીની શક્ય હોય એટલી ઓછી નોંધ લેતી હતી.
આર્મેનિયનના ઓરડામાં પવન પણ નહોતો અને ધૂળ પણ ઊડતી નહોતી, અને તો પણ એ જગ્યા સપાટ ઝાડપાન વિનાનાં વિસ્તીર્ણ મેદાન કે ધૂળ લવકતા રસ્તા જેટલી જ શુષ્ક, ગૂંગળાવનારી અને અણગમતી હતી. મને યાદ છે કે ગરમીથી થાકેલો અને ધૂળે ભરાયેલો હું, ખૂણામાં પડેલા એક લીલા પટારા પર બેઠો હતો.
રંગ કર્યા વિનાની લાકડાની દીવાલો, ફનચર, અને સૂર્યના તાપથી શેકાયેલા સૂકા લાકડા સાથે માટીની ગંધ ફેલાવતું ફર્શ. જ્યાં પણ જુઓ ત્યાં બસ માખીઓ, માખીઓ અને માખીઓ...દાદા અને પેલો આર્મેનિયન ચરિયાણની વાત કરતા હતા, એનાં સેન્દ્રિય ખાતરની અને જવનાં ધાનની વાતો કરતા હતા......અને મને ખબર હતી કે સમોવર (રશિયન ચાયદાની)ને ખાલી થતાં હજી એક કલાક લાગશે. દાદાને એમની ચા પીતા એક કલાકથી ઓછો સમય લાગતો નથી.
અને પછી દાદા બેથી ત્રણ કલાક સૂઇ જશેત અને મારા દિવસનો ચોથો હિસ્સો એમના જાગવાની રાહ જોવામાં વીતી જશે, અને તે પછી ફરીથી એ જ ગરમી, એ જ ધૂળ, એ જ ઉબડખાબડ હેલો ખાતો રસ્તો. મને આપસમાં ધીમે ધીમે ઘુસરપુસર કરતા બે અવાજો સંભળાયા, અને મને એવું લાગવા લાગ્યું કે આ આર્મેનિયનને, એનાં કપરકાબી મૂકેલા કબાટને, માખીઓને, બળબળતો સૂર્ય જેની પર પડતો હોય તેવી બારીઓને હું જાણે કેટલાંય વર્ષોથી જોઇ રહ્યો હતો અને હવે પછી આવનારાં કેટલાંય વર્ષો સુધી આવાં દ્રશ્યોે મને દેખાયા જ કરશે. અને મને આ સૂર્ય અને આ માખીઓ,આ વૃક્ષ વિનાનાં સપાટ વિસ્તીર્ણ મેદાન સામે તીવ્ર તિરસ્કાર થઇ આવ્યો.
માથા પર સ્કાર્ફ બાંધેલી એક નાનકડી ખેડૂત કન્યા એક ટ્રેમાં ચા બનાવવાનો સરસામાન લઇ આવી અને પછી સમોવર લઇ આવી. આર્મેનિયન ધીમેથી પેસેજમાં ગયો અને એણે બૂમ પાડી : ''માશ્યા, આવ અને ચા બનાવ ! તું ક્યાં છે, માશ્યા?''
ઝડપથી ચાલતા પગરવ સંભળાયા, અને સફેદ સ્કાર્ફ અને સાદા કોટન કપડાં પહેરેલી એક સોળ વર્ષની કન્યા ઓરડામાં દાખલ થઇ. એ કપરકાબી ગોઠવતી હતી અને પછી ચા રેડતી હતી ત્યારે એની પીઠ મારા તરફ હતી, અને હું માત્ર એટલું જ જોઇ શક્યો કે એનો બાંધો પાતળો હતો, એના પગ ઉઘાડા હતા, અને એની ખુલ્લા પગની નાની પાની, લાંબા પાટલૂનથી ઢંકાયેલી હતી.
આર્મેનિયને મને ચા માટે નિમંત્રણ દીધું. ટેબલ પર બેસતી વેળા ચાની પ્યાલી દઇ રહેલી છોકરી સામે મેં નજર કરી, અને એકાએક.... એક તેજ પવનનો ઝોંકો મારા આતમની અટારીએ ઊડીને આવ્યો અને એ ધૂળ ભરેલા શુષ્ક દિવસની તમામ માન્યતા, અસર કે છાપને પળમાં ફંગોળીને ઊડી ગયો.
સ્વપ્નમાં કે સાચૂકલી જિંદગીમાં ક્યારેય ન જોયો હોય તેવો સૌથી સુંદર, જોતા જ મંત્રમુગ્ધ કરી દે એવો લાક્ષાણિક ચહેરો મેં જોયો. મારી સામે સ્વયં સુંદરતા સાક્ષાત્ ઊભી હતી અને પહેલી નજરે જ મેં એને ઓળખી કાઢી, જે રીતે મારે એને ઓળખવી જોઇએ એ રીતે. એ તો સ્વયં આકાશી વીજ હતી.
હું સોગન ખાવા તૈયાર છું કે માશા-અથવા એના પિતા એને જે નામથી બોલાવતા હતા એ માશ્યા, સાચેમાચ સુંદરી હતી, પણ મને ખબર નથી કે હું એની એ સુંદરતાને સાબિત કઇ રીતે કરી શકું? ક્યારેક એવું બને કે અસ્તવ્યસ્ત વાદળો દૂર ક્ષિતિજ પર ભેગાં મળીને ગુપ્ત સંતલસ કરતાં હોય, અને એની પાછળ સંતાયેલો સૂર્ય એમાં રંગ પૂરતો હોય અને આકાશ, શક્ય હોય એટલા તમામ રંગ- કિરમજી, નારંગી, સોનેરી, જાંબુડી, ધૂંધળા ગુલાબી રંગોની છટાથી ચમકતું હોયતએક વાદળ સાધુ જેવું દેખાતું હોય, બીજું માછલી જેવું, ત્રીજુ પાઘડી પહેરેલા તુર્ક જેવું..
સૂરજ ઢળતો હોય તેવે ટાણે એની લાલિમાથી છવાઈ ગયેલો આકાશનો એક તૃતીયાંશ હિસ્સો કે જેમાંથી નીકળતાં કિરણો ચર્ચના ક્રોસ પર પડીને આછા આછા ચમકી રહ્યા હોય, એ જ કિરણો ઉમરાવનાં ઘરની બારીના કાચ પર ઝબકારો લઇ રહ્યા હોય, અને એ જ કિરણોની લાલિમા નદી નાળામાંથી પરાવતત થઈ રહી હોય, વૃક્ષો પર એ જ કિરણો થડકી રહ્યા હોયત અને દૂર, ખૂબ દૂર સૂર્યાસ્તની પૃષ્ઠભૂમિમાં, જંગલી બતકોનું ઝુંડ એમના ઘર તરફ પાછું ફરી રહ્યું હોય.....અને એક છોકરો ગાયોનાં ધણને હાંકી રહ્યો હોય, અને કોઈ સર્વેયર પોતાની બગ્ગીમાં બેસીને ડેમ તરફ જઇ રહ્યો હોય, અને કોઇ એક માણસ કુદરતમાં લટાર મારવા નીકળ્યો હોય. સૌ કોઈ આવા સૂર્યાસ્તને મીટ માંડીને જોતા હોય, અને જોનારી દરેક વ્યક્તિને લાગે કે આ અલૌકિક દ્રશ્ય છે, પણ કોઇ જાણે નહીં કે કહી ન શકે કે એની સુંદરતા આખરે શેમાં છુપાયેલી છે ?
હું એકલો એવો નહોતો કે જેને આવો વિચાર આવ્યો હતો કે આ આર્મેનિયન છોકરી સુંદરતાનો સાક્ષાત્ અવતાર છે. મારા સિત્તેર વર્ષના ઘરડાં દાદા સારા એવાં તોછડા હતા, ઓ અને કુદરતની સુંદરતાથી લગભગ અલિપ્ત હતા, અથવા કહો કે તો બેધ્યાન હતાત એમણે પણ વહાલભરી નજરે એક આખી મિનિટ સુધી માશા સામે જોયા કર્યું, અને પૂછયું, 'આ તારી દીકરી છે, એવર્ટ નઝારિચ?'
'હા, આ મારી દીકરી છે,' આર્મેનિયને જવાબ આપ્યો. 'સુંદર છોકરી છે,' દાદાએ વખાણ કરતા કહ્યું. કોઇ કલાકારે આર્મેનિયન છોકરીની સુંદરતાને ઉત્કૃષ્ટ કહી હોત અને અઘરી પણ.... એ એવી વાત હતી કે સૌંદર્યનું ચિંતન શરૂ કરીએ એટલે- ભગવાન જાણે શા માટે !- પણ આપણે એવું વિચારવા પ્રેરાઇએ.
અને અહીં તો સ્પષ્ટપણે ખાત્રી થાય કે એક કમનીય કાયાની સાવ સાચી લાક્ષણિક ભંગિમાને આપણે જોઇ રહ્યા છીએ, એ કેશ, આંખો, નાક, મુખ, ગરદન, છાતી, અને એ યુવા શરીરની દરેક હલચલ બધું જ પૂર્ણત: એકરાગી સંવાદિતતાથી સર્જાયુ હતું. જેમાં કુદરતે એકાદ નાનકડી લીટીની પણ મૂર્ખામી ભરેલી ભૂલ કરી નહોતી.
તમે કલ્પના કરો કે શ્રેષ્ઠ રીતે સુંદર નારીનું નાક આવું જ હોવું જોઇએ જેવું માશાનું હતું, સીધું અને થોડું ગરુડની ચાંચ જેવું, અને સર્વાંગ સુંદર નારી જેવી જ મોટી કાળી આંખો, એવી જ લાંબી પાંપણો, એવી જ મંદ મંદ સહેજ સહેજ નજર માંડતી, તમે એવી પણ ક્લ્પના કરો કે એનાં કાળા વાંકડિયા વાળ અને એની ભ્રમરો એનાં કોમળ સફેદ કપાળ સાથે ગજબનો તાલમેલ ધરાવતા હતા જેમ કે લીલા સળીદાર ઘાસનો ગુચ્છ હળુ હળુ વહેતા ઝરણા સાથે તાદાત્મ્ય ધરાવતો હોય.
માશાની સફેદ ગરદન અને એની યુવા છાતી હજી પૂર્ણ રીતે વિકસિત નહોતા, પણ તમે કલ્પના કરી શકો કે એને કંડારવા માટે શિલ્પકારને અલૌકિક સર્જનાત્મક પ્રતિભાની જરૂર ચોક્કસ પડે. તમે અનિમેષ નજરે જુઓ અને તમને હળવેકથી ઇચ્છા થઇ આવે માશાને કંઇક કહેવાની, કંઇક મનોહર, કંઇક નિખાલસ, કંઇક સુંદર, એ પોતે હતી એના જેવું જ કાંઇ સુંદર કહી દેવાની ઇચ્છા.
શરૂઆતમાં મને દુભાયાની લાગણી થઇ અને મૂંઝવણ પણ થઇ કે માશાએ તો મારી હાજરીની નોંધ સુદ્ધાં લીઘી નહોતી. એ બધો જ સમય બસ નીચે જોઇ રહી હતી. મને એવું લાગ્યું કે કંઇક મગરૂબ, કંઇક ખુશખુશાલ હોય એવું એક અનોખું વાતાવરણ મને એનાથી અલગ કરી રહ્યું છે, કંઇક ઇર્ષ્યાથી એને મારી આંખોથી અલગ કરી રહ્યું છે.
'એટલા માટે કારણ કે હું ધૂળે ભરાયેલો છું, મેં વિચાર્યું, 'તડકાથી કાળો પડી ગયો છું, અને હજી હું છોકરો જ તો છું.' પણ ધીમે ધીમે હું મારી જાતને ભૂલવા લાગ્યો અને સંપૂર્ણ રીતે સૌંદર્યાનુભૂતિમાં તલ્લીન થઇ ગયો. હવે ઝાડ વિનાના સપાટ મેદાન વિષે કે એના ધૂળ લવકતા રસ્તા વિષે હું વિચારતો નહોતો, માખીઓનો બણબણાટ હવે મને સંભળાતો નહોતો, ચા પી રહ્યો હતો પણ એનો કોઇ સ્વાદ આવતો નહોતો. મને કશી જ સંવેદના નહોતી થતી, સિવાય કે પેલી સુંદર છોકરી બસ ટેબલની પેલે પાર ઊભી હતી.
મને એ સૌંદર્યાનુભૂતિ થોડી વિચિત્ર રીતે અનુભવાતી હતી. એ વાસના નહોતી, ઊમનો ઉન્માદ પણ નહોતો, હર્ષોલ્લાસ પણ નહોતો, પણ એક દર્દ હતું, જો કે એ એક એ ગમતીલી ઉદાસીનતા હતી. સ્વપ્ન જેવી સંદિગ્ધ અને અસ્પષ્ટ ઉદાસીનતા. કોઇ પણ કારણોસર મને જાત માટે, મારા દાદા માટે અને પેલા આર્મેનિયમ માટે અને ખુદ પેલી છોકરી માટે પણ દિલગીરીનો અનુભવ થયો અને મને લાગ્યું કે જાણે અમે ચારેચાર વ્યક્તિઓએ કંઇક અગત્યનું, જીવન માટે અત્યંત જરૂરી હોય તેવું કશુંક ગુમાવી દીધું છે, જે ક્યારેય પાછું મળવાનું નથી. મારા દાદા પણ ઉદાસ હતા, તેઓ હવે ખાતરની કે જવના ધાનની કોઇ વાતો કરતા નહોતા, પણ શાંતિથી બેઠા હતા અને વિચારમગ્ન થઇને માશાને જોઇ રહ્યા હતા.
ચા પીધા પછી મારા દાદા ઝોંકુ ખાઇ લેવા આડા પડયા પછી હું ઘરની બહાર નીકળીને વરંડામાં ગયો. આર્મેનિયન ગામનાં બધાં ઘરની માફક આ ઘર પણ ભારોભાર સૂર્યની તળે ઊભું હતું. કોઇ પણ વૃક્ષ નહોતું, ચંદરવો નહોતો, છાયો થાય તેવા પડદા ય નહોતા. પ્રાંગણમાં વધુ પ્રમાણમાં અગોચર જંગલી ઘાસ ઊગ્યું હોય એવા આ આર્મેનિયન ઘરનું મોટું પ્રાંગણ ભારે ગરમી છતાં હવે જીવંત અને આનંદપ્રદ લાગતું હતું.
વિશાળ આંગણામાં સામેની બાજુ નાની આડશ મૂકીને કણસલામાંથી દાણા છૂટા પાડવાનું કામ ચાલી રહ્યું હતુ. ફર્શની વચ્ચે આવેલા એક થાંભલાની બહાર બાજુ બાજુમાં બાંધીને રાખેલા ડઝન ઘોડાઓ એક મોટી ત્રિજ્યાના વર્તુળમાં ફરી રહ્યા હતા. લાંબા કોટ અને આખી પાટલૂન પહેરેલો એક નાનકડો રશિયન ચાલતા ચાલતા ઘોડાને ચાબુક ફટકારતો અને એવા અવાજમાં બૂમ પાડતો હતો કે જાણે એ એની ઠેકડી ઉડાડતો હોય અને ઘોડા કરતાં પોતે શક્તિશાળી છે એવો દેખાડો કરતો હતો.
'આ અ અ.. મૂરખ જનાવરો!.....આ અ અ, રોગમાં મરો ! તમે ગભરાવ છો?' બદામી, સફેદ અને કાબરચીતરા ઘોડાઓને કાંઇ સમજાતું નહોતું કે તેમને શા માટે એક જ જગ્યાએ ગોળ ગોળ દોડાવીને ઘઉંનાં કણસલાં કચડવા માટે બળજબરી કરવામાં આવી રહી છે. છતાં તેઓ દોડી રહ્યા હતા. અનિચ્છાએ, મહામહેનતે, હવામાં પૂછડી વીઝીંને નારાજગી વ્યક્ત કરતા કરતા દોડી રહ્યા હતા. અને વાતા પવનની સાથે, એમના પગની ખરીમાંથી સોનેરી ફોતરાંનાં આબેહૂબ વાદળો ઊંચે ઊડતા ઊડતાં આડશને ટપીને બહાર પડતા જતા હતાં.
અનાજના પૂળાની ઊંચી ગંજી પાસે ખેડૂ ીઓ ખંપાળી લઇને અનાજ ભેગુ કરી રહી હતી અને એ ગંજીની આગળ બીજા આંગણામાં ડઝન ઘોડાઓ આ જ રીતે થાંભલાની ગોળ ગોળ ફરી રહ્યા હતા અને એવો જ નાનકડો રશિયન એ જ રીતે ચાબુક ફટકારી રહ્યો હતો અને ઘોડાઓની ઠેકડી ઉડાવી રહ્યો હતો.
હું જે પગથિયા પર બેઠો હતો એ ગરમીથી તપી ગયા હતા, ગરમીને કારણે પાતળા કઠેરા પર અને બારીઓની બારસાખ ઉપર ઠેકઠેકાણે લાકડામાંથી રસ ઝરપી રહ્યો હતો પગથિયાની નીચે અને કમાડની નીચે પડછાયાની નીચે લાલ લેડીબર્ડ્સ જીવડાં એકબીજાની હૂંફમાં સૂતા હતા. મારા માથા પર, અને મારી છાતી પર અને મારી પીઠ પાછળ સૂરજ મને શેકી રહ્યો હતો. પણ મને તો એની ખબર જ પડી નહોતી, મને તો માત્ર મારી પાછળના ઓરડા અને પરસાળના ઉબડખાબડ ફર્શ પર ચાલતા ખુલ્લા પગના થડકારનો જ અનુભવ થઇ રહ્યો હતો.
ચાનાં કપરકાબી ત્યાંથી ઉઠાવીને માશા પગથિયાં ઊતરી ગઇ. એ પસાર થઇ ત્યારે હવા થિરકી ઊઠી જાણે કે કોઇ પક્ષી ઊડીને બહારની નાનકડી મટમેલી ઓરડીની અંદર જતું રહ્યું. એ ઓરડી, હું માનું છું ત્યાં સુધી રસોડું હતી, જેમાંથી ભુજાયેલા માંસની સોડમ આવી રહી હતી અને ગુસ્સા ભરેલા અવાજમાં, આર્મેનિયન ભાષામાં થઇ રહેલી વાતચીત સંભળાતી હતી.
એ છોકરી અંધારિયા દરવાજાની અંદર ગાયબ થઇ ગઇ અને એની જગ્યાએ એક કેડેથી નમેલી, લીલી પેન્ટ પહેરેલી, લાલ મોઢાવાળી આર્મેનિયન ઘરડી ડોશી દેખાઇ. એ ડોશી ગુસ્સામાં હતી અને કોઇકને ખિજાઇ રહી હતી. તે પછી તરત જ દરવાજાની પેલે પાર માશા નજરે પડી. એ રસોડાની ગરમીથી લાલ હતી. એના ખભા પર મોટો કાળો પાઉંરોટીનો ટુકડો હતો.
માશા પાઉંરોટીનાં વજન તળે છટાથી લટકમટક ચાલે આંગણાં તરફ દોડી ગઇ, એ આંગણાંમાં કે જ્યાં કણસલાંમાંથી ઘઉં કાઢવામાં આવી રહ્યા હતા. ત્યાં રાખેલી આડશને ઝડપથી ટપી જઇને સોનેરી ફોતરાંનાં વાદળથી વીંટળાતી વીંટળાતી ગાડાંની પાછળ જઇને અદ્રશ્ય થઇ ગઇ.
એ જોઇને ઘોડાઓને હંકારતો નાનકડો રશિયન ચાબુકને નીચી કરીને નીરવતામાં ડૂબી ગયો અને એક મિનિટ સુધી ગાડાંઓની દિશામાં જોતો રહી ગયો. અને જ્યારે આર્મેનિયન છોકરી ઝડપથી ઘોડા પાસેથી ફરી પસાર થઇ અને આડશને ટપીને ચાલી ગઇ ત્યારે એની આંખો એ છોકરીને જોતી જ રહી ગઇ હતી અને પછી એ ઘોડાઓની તરફ જોરમાં બરાડયો હતો એવી રીતે કે જાણે એ ઘોર નિરાશામાં ડૂબી ગયો હોય.
'તમે રોગમાં મરો, ગંદા શૈતાનો !' અને આ આખી ઘટના દરમ્યાન હું તો માત્ર એનાં ખુલ્લાં પગલાંનો જ અવાજ સાંભળતો રહ્યો અને એનાં ગંભીર, ક્યાંક તલ્લીન ચહેરાને જોતો રહ્યો જ્યારે એ આંગણ પાર કરીને પાછી ફરી. હવામાં સોટી ફરે એવો અવાજ અને હવે એ રસોડાંમાં હતી, અને ફરીથી આંગણમાં પ્રવેશી, જ્યાં ઘઉંના દાણા નીકળી રહ્યા હતા અને હવે હું એને જોવા માટે મારું ડોકું ફેરવું ફેરવું ત્યાં તો પલકારામાં તો એ દરવાજાની બહાર જતી રહી.
અને જેટલી વાર એ એની સુંદરતાની પાંખ ફફડાવતા મારી પાસેથી ફરકતી ગઈ, મારી ઉદાસીનતા એટલી જ વધારે ધારદાર બનતી ગઇ. અને હું ઉદાસ હતો બન્ને માટે, એને માટે અને ખુદ મારા માટે અને પેલાં નાનકડા રશિયન માટે પણ કે જે શોકાતુર નજરે એને જોતો હતો, જ્યારે જ્યારે એ છોકરી સોનેરી ફોતરાંનાં વાદળોને પાર ગાડાં તરફ દોડી જતી હતી.
શું વાત હતી એ ખબર નથી. એમ કે મને એનાં સૌંદર્યની ઇર્ષ્યા હતી, અથવા તો એમ કે એ મારી નથી એટલે હું દુ:ખી હતો, અથવા તો એમ કે હું એને માટે અજાણ્યો હતોત અથવા એમ કે મને અસ્પષ્ટ રીતે એવું લાગતું હતું કે એની વિરલ સુંદરતા એક અક્સ્માત જ હતો, અથવા એમ કે એની અપ્રતિમ સુંદરતા સાવ બિનજરૂરી હતી અને આ પૃથ્વી પરની દરેક ચીજ વસ્તુઓની જેમ ટૂંકા સમય ગાળા પૂરતી મર્યાદિત હતી અથવા તો કદાચ એમ કે સાચુકલી સુંદરતાના ચિંતનના કારણે પુરુષમાં ઉત્પન્ન થતી ઉત્તેજના અને એને ર્લીંધે થતી ઉદાસીની વિચિત્ર લાગણી હતી એ. શું હતું એ? એ તો માત્ર ભગવાન જ જાણે.
ત્રણ કલાક વિરામનો એ સમય ક્યાં વીતી ગયો, ખબર જ ન પડી. કાર્પો ઘોડાગાડીને નદી સુઘી લઇ ગયો, ઘોડાને નવડાવ્યા અને પછી એણે ગાડીનો ધોરિયો ચઢાવવો શરૂ કર્યો તે સમયગાળામાં મને લાગ્યું કે મને માશાને મન ભરીને જોઇ લેવાનો તો જાણે સમય જ મળ્યો નથી. ભીના ઘોડાએ આનંદથી છીંકોટો માર્યો અને પગની ખરીને ધોરિયા સાથે ઘસી.
કાર્પોએ એની સામે બરાડો પાડયો: 'પાછો વળ!' મારા દાદા જાગી ગયા. માશાએ કિચૂડ કિચૂડ અવાજ કરતા દરવાજા અમારા માટે ઉઘાડી આપ્યા, અમે બગીમાં બેઠા અને આંગણની બહાર નીકળી ગયા. પછી બગી પર સવાર અમે બોલ્યા વિના બગી હંકારતા રહ્યા જાણે કે અમે એકબીજા સામે ગુસ્સામાં હતા.
બે કે ત્રણ કલાકની મુસાફરી પછી રોસ્તોવ અને નૈત્ચેવન નગરો દૂર દેખાઈ રહ્યાં હતાં. કાર્પો જે અત્યાર સુધી શાંત હતો, એણે ઝડપથી આજુબાજુ જોયું અને બોલ્યો:
'સુંદર છોકરી હતી નહીં, આર્મેનિયનનાં ઘરમાં.'
અને એણે ઘોડાઓને ચાબૂક ફટકારી.
(શેષ ભાગ આવતા અંકે)
સર્જકનો પરિચય
એન્તોન ચેખોવ
જન્મ : ૨૯ જાન્યુઆરી ૧૮૬૦
મૃત્યુ : ૧૫ જુલાઈ ૧૯૦૪
એન્તોન પાવ્લોવિચ ચેખોવ રશિયન ફિજિશ્યન, નાટયવિદ અને ટૂંકી વાર્તાનાં મહાન લેખકો પૈકીના એક ગણાય છે. તેઓની સાહિત્ય સર્જન યાત્રા દરમ્યાન તેઓએ તેમની મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. તેઓ કહેતા કે 'તબીબી વિજ્ઞાાન મારી કાયદેસરની પત્ની છે.
સાહિત્ય મારી પ્રિયતમા છે.' ચેખોવનું સાહિત્ય સર્જન એક વૈજ્ઞાાનિક તબીબની લાગણી રહિત તટસ્થતા અને એક કલાકારની મનોવૈજ્ઞાાનિક સમજણ અને સંવેદનશીલતાનું સાયુજ્ય છે. ચેખોવના સાહિત્ય સર્જનમાં રશિયાનાં નાના શહેરનાં લોકોનાં જીવનમાં રોજબરોજ ઘટતી ઘટનાનું ચિત્રણ જોવા મળે છે જ્યાં ઘણી વાર તેઓ મૂક પ્રેક્ષક બનીને રહી જાય છે.
એક દુકાનદારનાં પુત્ર ચેખોવનું બાળપણ નિરાશાજનક રહ્યું. એમના પિતાનો ગુસ્સો, ધર્માંધતા અને દુકાનમાં કામકાજના લાંબા કલાકો. નાના હતા ત્યારે એમની માતા સરસ વાર્તાઓ કહેતા, જાતજાતની ભાતભાતની. પોતાનાં કાપડનાં વેપારી પિતા સાથેના પ્રવાસ દરમ્યાન જોયેલી જાણેલી રસપ્રદ વાર્તાઓ. સાહિત્ય સંસ્કારનું સીંચન એમની માતા દ્વારા આ રીતે થયું. ચેખોવ એવું કહેતા કે આપણી બુદ્ધિપ્રતિભા આપણે પિતા પાસે મેળવીએ છીએ, પણ આપણો આત્મા તો માતાની દેન છે.
પિતાની આથક નાદારીના કારણે કુંટુંબે વતન છોડી મોસ્કો ભાગી જવું પડયું. પણ ચેખોવ વતનમાં રોકાયા. પોતાના ભણતરનો ખર્ચ કાઢવા અનેક નાના કામ કર્યા. નાની હાસ્યવાર્તાઓ લખવાનું શરૂ કર્યું, જેથી કુંટુંબને આથક મદદ કરી શકાય. શરૂઆતની એમની વાર્તાઓમાં સામાજિક જીવનની હાસ્યાસ્પદ સ્થિતિ, લગ્નજીવન અને પતિ પત્ની અને પ્રેમિકાના સંબંધો વગેરે વિષયો હતા. પછી ઓગણીસ વર્ષની વયે મોસ્કો આવીને મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો.
પણ ડોક્ટર બનીને દર્ર્દીઓની સેવા જ કરી. ડોકટરી એમનાં આથક ઉપાર્જનનું સાઘન નહોતી. પણ એમ કરવાનાં કારણે તેઓ ઘણાં લોકોને મળ્યા. એ અનુભવો એમને ગંભીર વાર્તાઓ અને નાટકોના સર્જન તરફ દોરી ગયા. ચેખોવ નાટક સાથે વધારે જોડાયેલા રહ્યા. એનો 'ચેખોવ્સ ગન' સિદ્ધાંત કે -જો વાર્તામાં દીવાલ પર બંદૂક હોય તો એ બીજા કે ત્રીજા અંકમાં ફૂટવી જોઇએ, નહીંતર શું અર્થ છે એનો?- દરેક વાત, દરેક વસ્તુનો કોઇ પ્રસ્થાપિત હેતુ હોવાનો આ નાટયશાનો સાર્વત્રિક સિદ્ધાંત આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
'યુવાનીમા પ્રેમના અનુભવો ઘણાય હતા પણ લગ્ન કરવાનું એમણે ટાળ્યું. પછી છેક એકત્રીસ વર્ષની ઉંમરે એમનાં જ નાટક 'ધ સીગલ'ની નાયિકા અને મોસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઓલ્ગા નિપર સાથે લગ્ન કર્યા. કુંવારા હતા ત્યારે ચેખોવ કહેતા કે પત્ની ચંદ્રમા જેવી હોવી જોઇએ. રોજરોજ ન જોઇએ. બન્યું પણ એવું. પોતે દૂર નાના શહેર યાલ્ટામાં રહ્યા.
પત્ની મોસ્કો થિયેટર સાથે જોડાયેલા રહ્યા. આ લોન્ગ-ડિસ્ટન્સ મેરેજ દરમ્યાન થયેલો પત્રવ્યવહાર આજે થિયેટરના ઇતિહાસનો અમૂલ્ય વારસો બની ગયો છે. દરમ્યાન એમને ટીબીની બીમારીએ જકડી લીધા હતા. અંતે ચુમ્માલીસ વર્ષની વયે જ્યારે જર્મનીમાં એમનું અવસાન થયું ત્યારે એમનાં પત્ની ઓલ્ગા એમની સાથે જ હતા.
આખરી પળોમાં એ પથારીમાં બેઠાં થઇ ગયા. કહ્યું કે એ મરી રહ્યા છે. ડોક્ટરે એને મન શાંત થાય તેવું ઇન્જેક્શન આપ્યું. શેમ્પિયન પીવા માટે કહ્યું. ચેખોવ શેમ્પિયનનો ગ્લાસ હાથમાં લઇને જોતા રહ્યા. ઓલ્ગાને કહ્યું કે ઘણો સમય થયો શેમ્પિયન પીધાને. પછી એમણે શેમ્પિયન ઢોળી દીધું. ડાબે પડખે પથારીમાં સૂઇ ગયા. એક બાળક શાંતિથી સૂતું હોય એમ. અને બસ પછી શ્વાસ બંધ થઇ ગયા.