Get The App

ગુજરાતમાં હેલ્મેટનો આટલો તિરસ્કાર શા માટે?

હોટલાઈન - ભાલચંદ્ર જાની

Updated: Dec 15th, 2019

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં હેલ્મેટનો આટલો તિરસ્કાર શા માટે? 1 - image


સવાર પડે છાપું ખોલો અને કોઈ અકસ્માતનાં સમાચાર વાંચવા ન મળે તેવું ભાગ્યે જ બને છે. પછી એ સ્કૂટર સવારનું મરણ હોય કે ટ્રક, કાર અથડાતાં થયેલાં સંખ્યાબંધ મોતનાં સમાચાર હોય! અરે ટી.વી. ઉપર પણ ભાગ્યે જ એકાદ દિવસ અકસ્માતનાં સમાચાર ન આવ્યા હોય એવું બને છે. 

ભારત આખામાં 'માર્ગ અકસ્માત' નામનો ત્રાસવાદ વર્ષોથી ચાલ્યો આવે છે અને દિવસે દિવસે આ માર્ગ અકસ્માતનો આતંક વધી રહ્યો છે. સડકો સાંકડી અને  ખાડા- ખબડાવાળી   છે. વાહનો અને વસતિ વધી રહ્યા છે. કોઈને ટ્રાફિક શિસ્તનાં નિયમો પાળવા નથી ગમતા. બધાને ગમે તેમ જલદી આગળ ભાગવું છે. પરિણામ આવે છે માર્ગ અકસ્માતોના અને મૃત્યુના ઊંચા જઇ રહેલાં આંકડા!

આ અકસ્માતોમાં સૌથી વધારે ભોગ નાના વાહન ચાલકોના લેવાય છે અને આપણે ત્યાં મોટી સંખ્યા બે પૈડાંના વાહનો એટલે કે સ્કૂટરો, મોટરસાઇકલો અને મોપેડોની છે.

દાયકા  પૂર્વે  મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો કે ટુ-વ્હીલર ચલાવતા તેમ જ પાછળ  બેસતા (પિલિયન રાઈડર) માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવે. આ આદેશનો  સરકાર કડકપણે અમલ બજાવણી શરૂ કરી  એટલે  મહારાષ્ટ્ર રાજ્યના ૬૦ લાખથી વધુ દ્વિચક્રી વાહનો ધરાવતા ચાલકોએ માથે હેલ્મેટ પહેરવી  પડે છે. 

ગુજરાત રાજ્યમાં  પણ   ૩૨ લાખ   જેટલાં તો માત્ર બે પૈડાંનાં એટલે કે મોટરસાઇકલ, સ્કૂટરો અને મોપેડો જ છે. ૬૬ ટકા જેટલાં વાહનો આપણી સડકો ઉપર ચાલે છે. તે દ્વિચકી વાહનો છે. બીજા કેટલાક રસપ્રદ આંકડા-સૌથી વધુ મોટરસાયકલ, મોપેડો અને સ્કૂટરો અમદાવાદ શહેરમાં છે. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ લાખોની સંખ્યામાં દ્વિચક્રી વાહનો દોડે છે.

જે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનો હોય અને એમાં દર વર્ષે સરેરાશ ૧૦ ટકાનો વધારો થતો હોય ત્યાં ચાલકના જાનમાલને અકસ્માતમાં સૌથી મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને હાઈ-વે પર અને મોટા શહેરોમાં તો રોજનાં અનેક ચાલકોના મૃત્યુ અકસ્માતમાં થાય છે. હેલ્મેટ દ્વિચક્રી વાહનો પરસવારી કરનારાઓ માટે અતિ મહત્ત્વની સંરક્ષણાત્મક વસ્તુ છે.

ગુજરાતમાં દર વખતે આ કાયદો અમલી બનાવવા જતાં એની કસુવાવડ થઇ જાય છે. ગુજ્જુઓને કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં અનેરો આનંદ આવે છે. તેઓ કાયદાનું ઉલ્લંધન કરવામાં ગૌરવ અનુભવતાં હોય છે. કંઇક થાય તો વિરોધ અને આંદોલન સૌ પહેલાં ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદમાં શરૂ થઇ જશે એમ કહેવાય છે.

તાજેતરમાં  ગુજરાત  સરકારે  હેલ્મેટ  અંગે કડક  કાયદા બનાવ્યા.

દંડની રકમ અને બીજી  શરતો આકરી બનાવી  તો પ્રજામાં રોષ ફાટી નીકળ્યો.  છેવટે રૂપાણી  સરકારે પીછે  હઠ કરવી પડી.  ગુજરાતમાં  હેલમેટ હવે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મરજિયાત છે એવું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. શહેરની અંદર જ પ્રવાસ કરી રહેલા  દ્વિચક્રીય વાહનોના સ્કુટર  ચાલકે હેલ્મેટ પહેરવી ફરજિયાત નથી. શહેરની બહાર હાઈ-વે પર જઈ રહેલા વાહનચાલકોએ હેલ્મેટ  પહેરવી પડશે.

આમ  સરકારે કાયદામાં ઢીલ મૂકી  એટલે  દ્વિચક્રી વાહન ચાલકો  રાજીના રેડ થઈ ગયા. પરંતુ  તેમને એ નથી ખબર  કે હેલ્મેટ વગરની સ્કુટર  સવારી મોતને  આમંત્રણ  આપવા  જેવું  કામ  છે.  બીજા  વાહન સાથેની ટક્કરની વાત જવા  દો,  સ્કુટર સવાર રોડ ડિવાઈડર કે વીજળીના  થાંભલા સાથે  અથડાઈને  પણ માથું  ફાટવાથી  માર્યા  ગયા છે કે ગંભીર ઘવાયા  છે.  અરે,  નાના  શા ખાડાને લીધે  સ્કુટર  પરથી ચાલક ઉછળી પડે  અને પાછળથી  આવતી  ટ્રક કે ટેમ્પો  નીચે  કચડાઈ  મરે એવા કિસ્સા  અનેકવાર બન્યા છે. 

દ્વિચક્રી વાહન અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા મુંબઇમાં દર વર્ષે બમણી થતી જાય છે. ગયા વર્ષે  ટુ-વ્હીલરને સંડોવતા ૧૮૭ અકસ્માતો જીવલેંણ સાબીત થયા હતા અને એમા ૧૭૮ બાઇકરોએ પોતાના જીવ ખોયા હતા.  આમાના   ૬૦ ટકા  કેસમાં   ટુ-વ્હીલર પર સવારી કરનારી વ્યક્તિઓએ હેલમેટ પહેરી ન હતી. 

દિલ્હીમાં તો છેક ૧૯૭૬થી હેલ્મેટ ફરજિયાત બનાવાઇ છે. લોકોએ એને પ્રેમથી અપનાવી પણ લીધી છે. કોઇ વિરોધ નથી થયો. શીખો માટે હેલ્મેટ ફરજિયાત નથી. પણ હવે  ઘણા  શીખોને  પણ  હેલ્મેટ પહેરતાં જોઈ શકાય છે.

'બેટા, યે ફટફટી લેકે બહાર મત જાના, દુર્ઘટના કી ખબરે સુન કે મેરા તો જી બહોત ગભરાતા હૈ..'

'મા, તુમ ગભરાના નહીં, મૈં સ્ટડ હેલ્મેટ ઈસ્મેમાલ કરતા હું, આખીર મૈં ભી તો બાલબચ્ચેવાલા હું..!'

એફ.એમ.  રેડિયો  અને  ટીવી  પર  આ પ્રકારની જાહેરખબર રોજ સવારે સાંભળવા મળે છે. અને હવે એ દિવસો દૂર નથી જ્યારે 'અમારી હેલ્મેટ લો અને તમારો જાન બચાવો'ની બૂમો મારતી જાહેરખબરો ટેલિવિઝન તેમજ અખબારી મેગેઝિનોમાં પણ મોટાં મથાળાં સાથે ચમકતી દેખાશે.

હવે પન્નાલાલ કે માવજીભાઈ જેવા વેપારી હોય, શિરીષભાઈ કે દીપકભાઈ જેવા બેન્ક ઓફિસર હોય, ઘર અને કામકાજના સ્થળ વચ્ચેનું અંતર કાપવા સ્કૂટર કે મોટરસાઈકલને 'કીક' મારતા પહેલાં દરેક માથે હેલ્મેટ ચઢાવવી જ  જોઈએ.  સ્ત્રીઓ પણ તેમાંથી બાકાત નહીં રહે! એવો સમય આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે 'મોટર વેહીકલ ધારા'ની કલમ ૧૨૯માં સુધારો કરીને એવી જોગવાઈ કરી છે કે  સ્કૂટર  અને મોટરસાઈકલ લઈને જાહેરમાં નીકળેલી  પ્રત્યેક વ્યક્તિએ અને  પિલિયન રાઇડરે પણ માથે ફરજિયાત હેલ્મેટ પહેરવી પડે. 

દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ચોંકાવનારી હદે વધી રહ્યું છે. ભારતમાં દર વર્ષે ૨ લાખ ૯૫ હજાર માર્ગ અકસ્માત થાય છે. તેમાં  ૭૫, ૦૦૦ વ્યક્તિ જાન ગુમાવે છે. તેના કારણો તપાસવા કેન્દ્ર સરકારે નીમેલી એક સમિતિએ એવો નિર્દેશ કર્યો છે કે રોડ અકસ્માતની દુર્ઘટનામાં વાહન ચાલકનું તત્કાળ મૃત્યુ નીપજ્યું હોવાના કિસ્સામાં પણ દ્વિચક્રી વાહન ચાલકોની સંખ્યા વધુ છે.

બે પૈડાંના વાહનચાલકો માથું સલામત રાખે તેવા શિરસ્ત્રાણ પહેરતા થાય તો જીવલેણ દુર્ઘટનાનું પ્રમાણ ઘટાડી શકાય.   છેલ્લા ત્રણ વર્ષમાં મુંબઈ શહેરમાંય બે પૈડાંનાં વાહનનું પ્રમાણ બમણું થઈ જતાં ટુ-વ્હીલરનો આંકડો લાખો સુધી પહોંચ્યો છે, તેમ અકસ્માતનું પ્રમાણ (૧૮ ટકા) પણ વધ્યું છે.

હેલ્મેટની પ્રથા ફરજિયાત બની  તે પહેલાં જ મહારાષ્ટ્રમાં અને તેમાંય ખાસ કરીને મુંબઈમાં ટુ-વ્હીલરના માલિકોએ વિરોધનો સૂર પ્રગટ કર્યો  હતો.  સામાન્ય દલીલ એવી છે કે મોટર હોય કે સ્કૂટર, જો નસીબમાં મોત લખ્યું જ હોય તો વાહન કોઈ પણ હોવા છતાં નાનો સરખો અકસ્માત પણ જીવલેણ નીવડે. જો કે સત્તાવાળા નસીબની વાતો કાને ધરીને બેસી રહે તે ચાલે નહીં. હકીકત એ છે કે મોટર કરતાં સ્કૂટર સવારી વધુ જોખમી છે.

ટુ-વ્હીલર અકસ્માતમાં ચાલક પર શું વીતે છે અને હેલ્મેટ તેમાં જીવન-મરણનો ફરક શી રીતે પાડી દે છે તે આપણે બરાબર જાણતા નથી. સામેથી આવતાં બીજા વાહન કે વૃક્ષ સાથે કોઈ મોટર અથડાય ત્યારે ટક્કરનો ઘણો ખરો આઘાત એ મોટર ઝીલી લે છે. અંદર બેઠેલાને તો મોટરરૂપી બખ્તરનું રક્ષણાત્મક આવરણ મળ્યું હોવાથી નાના અકસ્માતમાં તો કદાચ ઉઝરડો સુધ્ધાં ન પડે.  એ  સિવાય  મોટરમાં  એરબેગ  હોય તો અકસ્માત  વખતે  તેનું  પણ રક્ષા કવચ મળે. 

જ્યારે એ મોટર જેટલી જ ગતિએ મોટરસાઈકલ કે સ્કુટર સાથે અથડાય તો તેના પર સવાર થયેલી વ્યક્તિ એવી રીતે ફંગોળાઈને પડે કે સૌથી પહેલાં તેનું માથું જ જમીન પર અફળાય. માથા પરનો નાનો સરખો ફટકો પણ મરણતોલ સાબિત થતો હોય છે. તો તેજ ગતિએ ધસી જતી મોટરસાયકલ પરથી નીચે પટકાયેલા ચાલકની હાલત શું થાય તે સહેજ કલ્પી શકાય. આ બે પૈડાંનાં વાહનનું સૌથી મોટું જોખમ જ એ છે કે તેના ચાલકને પહેલાં માથામાં ગંભીર ઇજા થાય અને પછી તેનાં બીજા અંગો ઘવાય.

ઝડપી મોટરબાઈક પર સવારી કરનારાનું વાહન તો સહેજે કોઈ વસ્તુ સાથે અથડાતા જ ચાલક ફૂટબોલની જેમ ફંગોળાઈ જાય છે. નવ્વાણું કેસમાં ખોપરી ફાટી જાય છે. પ્રાચીન કાળમાં રોમના ઘોડેસરવાર સૈનિકો પણ માથા પર શિરસ્ત્રાણ પહેરતા, તેનું કારણ આ જ છે. છેવટે ગતિ અને ગુરુત્વાકર્ષણના નિયમો તો ઘોડેસવાર હોય કે સ્કૂટર સવાર, બંનેને સરખા જ લાગુ પડે છે!

અમેરિકામાં ૧૯૫૦ના દાયકાથી અને બ્રિટનમાં ચાર  દાયકાથી ક્રેશ હેલ્મેટ વપરાતી આવી છે. તેને લગતા ધારાધોરણ ઘડાયા છે. જ્યારે  સાત  દાયકા પછી  પણ આપણા  અમુક  રાજ્યોના   સત્તાવાળાઓ હેલ્મેટને  ફરજિયાત બનાવવી કે કેમ એ વિશે હજુ ઢચુપચુ છે.

ઇમરજન્સી પહેલાં ઈન્દિરા ગાંધીની સરકારે હેલ્મેટ ફરજિયાત દાખલ કરવાનો ખરડો ઘડયો હતો, પરંતુ દેશભરમાં એક સમાન કાયદો લાગુ કરી શકાયો નહોતો. કેન્દ્ર સરકારે આ માથાનો દુખાવો પોતે ભોગવવાને બદલે રાજ્ય સરકારને માથે કાયદો ઘડવાનો બોજો નાખ્યો. એટલે ૧૯૮૦, ૧ નવેમ્બરે, મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોએ મોટરસાઈકલ તથા સ્કૂટરના દરેક ચાલક હેલ્મેટ પહેરવી ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું હતું.

કાયદો બનશે તો હેલ્મેટ ખરીદવી જ પડશે એવું વિચારીને સેંકડો સ્કૂટર માલિકો ત્યારે બખ્તરિયો ટોપો ખરીદવા નીકળી પડયા હતા. હેલ્મેટના વિક્રેતાઓને તો અચાનક લોટરી લાગ્યા જેવો આનંદ થયો હતો, પરંતુ એ અરસામાં જ અમદાવાદ અને નાગપુર એમ બે સ્થળે કેટલાક નાગરિકોએ હેલ્મેટના કાયદા સામે કોર્ટનો 'સ્ટે' લઈ આવ્યા એટલે ટોપાનું વેચાણ હવાઈ ગયું. અમદાવાદ તેમજ મુંબઈમાં ઘણા સ્ટોકિસ્ટો પાસે વેચાયા વગરની સેંકડો હેલ્મેટ ધૂળ ખાતી પડી રહી. હવે ફરી ધૂળ ખંખેરીને, કપડું મારીને ચળકતા, રંગબેરંગી ટોપાનો શો કેસમાં ગોઠવવાનો વખત આવ્યો છે. સદ્ભાગ્યે હવે આ ફરજિયાત છે.

જો કે મોટાભાગના વાહન ચાલકો એવા મતના છે કે હેલ્મેટનો કાયદો નિરર્થક છે. ટુ-વ્હીલર ચાલકો માટે એ વધારાનું વળગણ બની રહેશે. જ્યાં જાવ ત્યાં નાનાં બાળકને કેડમાં લઈને ફરતી માની જેમ ભારેખમ ટોપો સાથે લઈ જવો પડશે. અને જો સ્કૂટર ચાલક હેલ્મેટ પહેર્યાં વગર નીકળે તો   મોટી રકમનો   દંડ થવાની દહેશત પણ ખરી!

કર્ણાટક સરકારે વર્ષો પહેલાં સ્કૂટર સવાર માટે હેલ્મેટ ફરજિયાત બનાવી પરંતુ લોકોએ વિરોધ કર્યો ત્યારે એવી છૂટછાટ મૂકી કે એક હોર્સ પાવરથી ઓછી શક્તિવાલાં વાહન (મોપેડ) ચાલકે હેલ્મેટ પહેરવાની જરૂર નથી. બેંગ્લોર શહેરમાં પિલિયન રાઈડર (સ્કૂટર કે મોટર-સાઈકલ ચાલકની પાછળ બેસનાર)ને હેલ્મેટ વિના સહપ્રવાસ કરવાની છૂટ અપાઈ. ગુજરાત જેવા અમુક રાજ્યોએ વાહનની સાઈડકારમાં બેઠેલી વ્યક્તિને હેલ્મેટમાંથી બાકાત રાખી. દિલ્હી પોલીસે કોણ જાણે ક્યા કારણસર પાઘડી પહેરતાં શીખ પુરુષોની સાથે શીખ સ્ત્રીઓને હેલ્મેટના કાયદામાં મુક્ત રાખી!

મહારાષ્ટ્રમાં તો હેલ્મેટનો કાયદો એટલી હદે કડક કરાયો છે કે સ્કૂટરચાલકની પાછળ બેસનારે (પિલિયન રાઈડરે) પણ ફરજિયાત ટોપો પહેરવો પડે. એટલે ટુ-વ્હીલરોએ એક સાથે બે હેલ્મેટનો ખર્ચ કરવો પડશે. 'કુટુંબની કોઈ વ્યક્તિ કે મિત્ર સંબંધીને મોટરસાઈકલ પર લિફટ આપવી હોય તો તેના માથે હેલ્મેટ મૂકવાની ફરજ વાહન માલિકની છે' તેવું જણાવતાં ટ્રાન્સપોર્ટ કમિશનર ઉમેરે છે કે 'બહેતર એ છે કે મોટરસાઈકલ માલિક બે હેલ્મેટ સાથે લઈને જ ફરે!' અરે, પતિ સાથે સહેલ કરવા નીકળેલાં પત્ની અને બાળકોએ પણ હેલ્મેટ પહેરવી પડે તેવી કડક જોગવાઈ મોટર વેહીકલ એક્ટમાં થઈ છે, જેનો જોરદાર વિરોધ ન થાય તો જ નવાઈ! હા, સરકારે એક છૂટ રાખી છે કે સ્કૂટર સાથે જોડાયેલી સાઈડ કારમાં બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ ધારણ કરવાની જરૂર નથી.

જો કે હેલ્મેટના ફાયદા સામે ગેરકાયદા અનેક છે. કાન ઢંકાઈ જતા બરાબર સંભળાતું નથી. બંને બાજુની દ્રષ્ટિમર્યાદા ઘટી જાય છે. ટૂંકા અંતરે વારંવાર 'સ્ટોપ' કરનારા સેલ્સમેન કે ધંધાદારી એજન્ટો માટે હેલ્મેટની આ કાઢ-ઘાલ માથાના દુખાવા સમાન છે.   સ્ત્રીઓની  ફરિયાદ  એ છે કે હેલ્મેટ પહેરવાથી  મેકઅપ, હેરસ્ટાઈલ બગડે.  બીજા વાહનોના હોર્ન ન સંભળાય.  આમેય શહેરોના ગીચ ટ્રાફીકને કારણે સ્કૂટરચાલક ગતિમર્યાદા ૪૦ કિલોમીટરથી વધારી શકાતો નથી. આ પરિસ્થિતિમાં તો હેલ્મેટ હેલ્પફુલ થવાને બદલે હેટફૂલ (તિરસ્કારરૂપ) વધુ થશે!

હેલ્મેટ સામે લોકોનો વિશેષ વિરોધ તેનાથી પડતી અગવડતાને લીધે છે. ઓફિસ, રેસ્ટોરાં કે થિયેટરમાં જ્યાં જાવ ત્યાં પણ વજનદાર ટોપો સાથે લઈને ફરવાનું કેવું અજુગતું લાગે. તેમાંય ફેશનેબલ વસ્ત્રપરિધાન કરેલી યુવતીએ એક હાથમાં પર્સ અને બીજા હાથમાં હેલ્મેટ પકડી હોય એ દ્રશ્ય અણગમો ઉપજાવે તેવું છે.

ગોળ ટોપા જેવા આ હેલ્મેટનું બહારનું આવરણ ફાઇબર ગ્લાસનું બનેલું છે. અંદરનું બીજું પડ થર્મોકોલનું હોય છે, જેથી પહેરનારને ગરમી ન થાય અને માથું ઠંડુ રહે. થર્મૌકોલને ઢાંકી દેતું ત્રીજું પડ સ્પોન્જરબરનું હોય છે. અકસ્માત વખતે ટોપા પર જે સખત દબાણ આવે તેની અસર ખોપરી સુધી પહોંચતા ઓછી થઈ જાય તે માટે આ સ્પોન્જનું આવરણ કામ લાગે છે.

હેલ્મેટનો વિરોધ કરનારા સ્કૂટર ચાલકોની એક ફરિયાદ એ છે કે ભારેખમ ટોપો માથે મૂકીને કંટાળી જવાય. ગરમી લાગે તે જુદી. ૭૦૦ ગ્રામની હેલ્મેટ પહેરવામાં આવો ખચકાટ અનુભવનારાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણા પૂર્વજો, રાજા-મહારાજાઓ, સૈનિકો માથે ૫૦ રતલ વજનના બખ્તરિયા ટોપા પહેરતા પણ કંટાળતા નહોતા.

તે વખતે ધાતુનો ટોપો માથે પહેરવો એ મર્દાનગીની નિશાની ગણાતી એટલું જ નહીં, તલવાર કે ભાલાના ઘા સામે તે ઢાલનું કામ આપતા. હવે સ્કૂટર ચાલકો પહેરતા થશે તો પણ એવું માનીને જ કે માથું સલામત હશે તો જીવન સલામત હશે.  'ગુજરાતની પ્રજા'એ પણ  હેલ્મેટને  હાથવગી  રાખવામાં જ ડહાપણ  છે એ વાત  વહેલી  તકે સ્વીકારી લેવી સારી.

Tags :