Get The App

પ્રેમનો પડછાયો .

Updated: Mar 16th, 2024

GS TEAM

Google News
Google News
પ્રેમનો પડછાયો                                                    . 1 - image

- પ્રકરણ - 03

- રક્ષા શુક્લ

ગુટકાના ઉડેલા છાંટા બોસના શર્ટ ઉપર લૂછયા પછી બોલ્યો જોક અને જરૂરિયાતનો  તફાવત ખબર ન હોય એ જગ્યાએ ઊભા રહેવાનો કોઈ મતલબ નથી...

કા નજીની આંખ અચાનક ઉઘડી ગઈ. પણ એ ખૂબ ખુશ થયો કે જે બિલકુલ વાસ્તવિક લાગતું હતું એ એક ખૂબ ખરાબ અને બિહામણું સપનું હતું. આપણે રાત્રે જે વિચારતા વિચારતા સૂતા હોઈએ, એ સપનાંમાં પ્રતિબિમ્બિત થાય છે. પણ સાવ આવું ??? જો કે ઘણીવાર એવું બને કે આપણે જેને બહુ ચાહતા હોઈએ અથવા જેના બહુ વિચાર કરતા હોઈએ, એનાં સપનાં પણ આવે. પણ સાવ આવા ? કાનજીએ પોતાનું માથું જોરપૂર્વક ધુણાવ્યું. જાણે સપનાંને બળપૂર્વક ખંખેરી નાખવા માગતો હોય ! એણે સૂતેલી રાધા સામે જોયું ને એને પત્ની પર એકદમ પ્રેમ ઉમટી આવ્યો કે કેવી પ્રેમાળ છે મારી રાધાડી ! એનાથી રાધાના માથે હાથ ફેરવાઈ ગયો... રાધા જાગી ગઈ ! 

'શું થયું ?' 

'કંઈ નહીં, બસ એમ જ. આંખ ઉઘડી ગઈ !' 

'કંઈ તકલીફ નથી ને...!'

'ના, સહેજ પણ નહીં, સૂઈ જા, હું પણ સૂઈ જાઉં છું' એમ કહી કાનજીએ ચાદર ઓઢી. થોડીવાર આંખ મીંચી પડયો રહ્યો. રાધા સૂઈ ગઈ પછી એ ઊભો થયો. પોતાના કારણે કોઈ સહેજ પણ ડિસ્ટર્બ થાય એ એને ગમતું નહીં. બાથરૂમ જઈ, પાણી પીધું. રૂમમાં બે ચાર ચક્કર લગાવ્યા. ઘડિયાળમાં જોયું તો હજુ તો પાંચ જ વાગ્યા હતા. ફરી પથારીમાં પડયો. પડખા ઘસ્યા પણ ઊંઘ હાથતાળી દઈને ગુમ. રાતનું સ્વપ્ન હજુ એના મન પર કબજો જમાવી બેઠું હતું. એ ધીમે રહીને ઊભો થયો અને અગાસી પર પહોંચ્યો. 

આકાશને આંખમાં ભરવા લાગ્યો. બહુ સમય પછી એણે પરોઢનું આકાશ જોયું. રસભર રાતનો કેફ હજુ જાણે અંધકારની આંખોમાં વર્તાતો હતો. દિવસનો પહેલો પ્રહર ફૂટું ફૂટું થઇ અંધારાને આવરી લેવા ફાંફા મારતો હતો. આકાશ હજુ પૂર્ણકળાએ પ્રગટ થયું ન હતું. દરેક રાતની એક સવાર હોય છે એમ દરેક સવારનું એક મધ્યાહ્ન હોય છે. સૂર્યમાંથી નીકળેલાં કિરણો પૃથ્વી સુધી પહોંચે એ પહેલા વાતાવરણના અલગ અલગ થરમાંથી પસાર થાય છે. દુઃસ્વપ્નમાંથી બહાર આવવા એનું મન જિંદગીનું સરવૈયું માંડી બેઠું. માણસે પણ એક જીવનમાં કેટકેટલાં તબક્કામાંથી પસાર થવું પડે છે. આકાશની આગોશમાં પણ ન સમાય  એટલા બહોળા કાનજીના અનુભવો હતા. મોટા માણસોની નાનપ અને નાનાની મોટપ એણે જોઈ હતી... બીજાના તેજે ઝળહળવા છતાં ગવષ્ઠ દેખાતા ચંદ્રને જોઈ એ મૂંછમાં હસ્યો. ધૂ્રવ તારક જેવા અડગ અને સિદ્ધાંતવાદી લોકોને મળીને એ ખૂબ સંતોષ અનુભવતો.... 

પરિવારપ્રેમી માણસ માટે એના હૃદયમાં એક જુદું જ સ્થાન રહેતું. ગામડે રહેતો ત્યારે આંગણે અંધારું ઉતરતા વીજળીને ચમકારે મોતી પરોવી શકે એવી કોઠાસુઝ વાળા ભગતબાપા કાનજીને બહુ  ગમતા. એના અનુભવોના નીમ્ભાડે પાકેલી જીવનની અનેક મૂલ્યવાન વાતો અને શીખ કાનજીએ ગાંઠે બાંધેલી. એણે સુખમાં સાક્ષીભાવ પણ જોયો તો વરસાદમાં ભળી જતા આંસુ સાથે હસતા ચહેરા પણ જોયા. લાલઘુમ આકાશ જાણે કોઈ નવોઢાની માફક ધીરે ધીરે ઘરચોળાનો ઘુમટો આઘો કરી આખી સૃષ્ટિને રૂપાળી કરી રહ્યું હોય એમ લાગતું હતું. અચાનક જ ખભા પર કોઈએ હાથ મૂક્યો. સ્પર્શ પરિચિત હતો. ખભાને સ્પર્શેલા એ ટેરવાએ કાનજીના વિચારોને બ્રેક મારી ને એ જાણે સુખસાગરમાં તરવા લાગ્યો. એણે એ કુમળા સ્પર્શને પોતાની હથેળીમાં લીધો. 

'તબિયત બરાબર છે ને ?' રાધાએ તેના કપાળ પર હાથ મૂકતા પૂછયું.

'તારો હાથ હાથમાં હોય ને તું મારી બાંહોમાં હોય ત્યાં સુધી સારી' રાધાને નજીક ખેંચતા કહ્યું. 

'ચાલો હવે ઘરમાં... કે પછી પડખે ઊભા રહીને મિસકોલ મારું તો જ આવશો ? મિસકૉલનો મહાવરો...' 

કાનજી વિચારમાં સરી પડતા કોમેડી રીંગટોન સાંભળી હસતો હોય તેમ હસ્યો. 

રાધાએ નીચે ઉતરતા ફરી કાનજીને ઢંઢોળ્યો.. રાધાની સળવળ થતી સિકસ્થ સેન્સ પૂછી બેઠી. 

'કોઈ ખરાબ સપનું તો નથી આવ્યું ને ?'

ઈશ્વરે પરિસ્થિતિનો તાગ મેળવવાની શક્તિ સ્ત્રીઓમાં બખૂબી મુકેલી  છે.

પેંડાનું બોક્સ સામે ધરતા રાધા કહે કે 'તમને બહુ ભાવે એટલે કાલે મહેતાને ત્યાંથી પકડતી આવી'

'કઈ ખુશીમાં ?' 

'ખુશી આવે છે એની ખુશીમાં' 

'તું પણ મારી જેમ કોયડામાં બોલવા લાગી. તારું નામ મારે પ્રહેલિકા પાડવું પડશે.'

'સંગ એવો રંગ. પણ આજે તો રવિવાર છે. તોય કેમ ઓફિસ ?'

'ખુશીની ખુશી માટે, પ્રહેલિકા. વધુ એક દિવસ કામ કરી લઉં એટલે કાલે ખુશીના જન્મદિનની ગિફટ આવી જાય. આમ પણ આપણું કામ તો જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનું...'

'ભગવાનને ધરાવ્યા વગર લાવી ?' કાનજીએ કહ્યું. રાધા 'બાપ રે' કહીને ભગવાનને પેંડા ધરાવવાં દોડી. આવીને કહે 'જોયું ? ભગવાનને ભૂલી શકું. તમને નહીં'

'હે ભગવાન !' પેંડો ખાતા કાનજીએ કહ્યું. પછી હાથમાં કપડું અને ડોલ લઈ 'સાઈકલ સાફ કરતો આવુ કહેતો નીચે જવા લાગ્યો.. 

'લો, હું ય આવું સાથે'  

બંને સાઈકલ સાફ કરે છે. કાનજી વાતો કરતા કરતા જુવે છે કે રાધાનું ધ્યાન બાજુમાં રહેલી કાર તરફ વધુ હોય છે. એ રાધાને બીજીવાર બોલાવે છે ત્યારે એ સફાળી ચોંકીને કહે 'કંઈ કહ્યું ?' 

'એ કાર સાફ કરે છે એ માલિક નહીં પણ નોકર હોવો જોઈએ..'

'એવું તમે કેવી રીતે કહી શકો ?'

'માલિક હોય તો કાર પર કપડું ફરે ત્યારે એમાં નિસ્બત જોવા મળે જયારે નોકરમાં યંત્રવતતા...'

'એ સાચું, જુઓને, આપણે સાઈકલ પણ કેટલા પ્રેમથી સાફ કરીએ છીએ...'

'કોઈએ કહ્યું છે કે ગરીબ જન્મવું એ ગુનો નથી પણ ગરીબ મરવું એ ગુનો છે.'

'તમે સાથે છો ને એટલે બધુ થશે'

'એ તો થવાનું જ છે. દુનિયાને એક દિવસ તો મારું કૌવત બતાવવાનો જ છું'

'જનાબ, લાઈટ બીલ હજુ બાકી છે'

'ગાંડી, અત્યારે દિલની વાત હોય ત્યાં બીલ ક્યાંથી લઇ આવી..!'

'ઘરમાં અજવાળું કરવા વીજળી જોઈએ.. એમાં દિલની સ્વીચ ઓન હશે તોય અજવાળાં નહીં થાય... તમે કવિજીવ છો એટલે તમારી ભાષામાં કહું તો મુશાયરા પછી પુરસ્કાર મળવો જોઈએ. રસોડાના ભોજનમાં તાળીઓના ટપાકાથી રોટલા કે વાહવાના વરખથી વેડમી નથી બનતી. એના માટે ફદિયાં જોઈએ.' 

'પ્રેમ મારે પણ કરવો હતો પણ વાત ખાસ થઇ નહીં. 

તાજમહેલ મારે પણ બાંધવો હતો પણ લોન પાસ થઇ નહીં.'

'કવિ મારા, આ વોટ્સએપ શાયરી ત્રીસમી વાર સાંભળું છું...'

'કહું છું, સાંભળો છો' એ વાક્ય મેં અત્યાર સુધીમાં દસ હજાર વખત સાંભળ્યું.. પણ અમે કદી કહ્યું કંઈ...? 

રાધાએ સામે મીઠો છણકો કર્યો.. 'જાવ ને, કાના'.

કાનજી કહે 'તારા માટે એક દિવસ હું તાજમહેલ બંધાવીશ..'

'નાના એના માટે તો મરવું પડે...'

'એમાં શું વાંધો છે ?' હસતા હસતા કાનજી કહે. 

રાધા ગંભીર બની પણ પછી હળવી થઈને કહે 'એક દિવસ નક્કી આવશે કે બાજુમાં પડી એવી ગાડી તમે ચલાવતા હશો.' 

રાધાના ગાલ પર ટપલી મારતા કાનજીએ ઉમેર્યું, '...અને ગાડીમાં આ ગાંડી બાજુની સીટમાં બેઠી હશે.'

રાધા કલ્પનામાં સરી પડે છે કે ચાર બંગડીવાળી એક ગાડીમાં પોતે બે-બે સોનાની બંગડી પહેરીને બેઠી છે. કાનજી ડ્રાઈવ કરી રહ્યો છે. એને કોઈ કિટ્ટી પાર્ટીમાં જવાનું છે...

'ખુશીનો કાલે બર્થ ડે હોવાથી પાર્ટીમાં જવાનું છે.' 

રાધા હજુ કલ્પનામાં જ ખોવાયેલી હતી. કાનજી ફરી એ જ વાક્ય રિપીટ કરે છે. બેધ્યાન રાધા વાસ્તવની ધરા પર ફંગોળાઈ. 'ખુશી માટે કોઈ ગિફ્ટ લેવી પડશે.' 

'હા, રૂપિયા આપો'

'સાંજે આપું'

'કાનજી, એક વખત એવો આવશે ને કે આપણી પાસે પૈસા હશે અને આપણે બદલાઈશું'

'પૈસા આવતા આપણે બદલાઈ ન જઈએ, એનું ધ્યાન રાખીશું'

ખુશીના ઘરે જવાની સૌથી વધુ ઉતાવળ હર્ષને હતી. ઝગમગ કપડાં અને નવા બુટ સાથે એ તૈયાર હતો. કાનજીએ જે પૈસા આપ્યા હતા એમાં થોડા ઉમેરી રાધા સવજીની દીકરી માટે ગીફટ લઇ આવી હતી. કાનજીને થોડું મોડું થાય એમ હતું એટલે એ વહેલા પહોંચી ગઈ. બંને મિત્રો ઓફિસથી સીધા પહોંચવાના હતા. જન્મદિનની સાંજ શણગારવાની બધાની અલગ અલગ ફરમાઇશ હતી. ફિલ્મ, ફરવું, રેસ્ટોરામાં જમવા જવું વગેરે પણ સર્વાનુમતે એવો ઠરાવ પાસ થયો કે 'સાથે બેસીને ગપ્પા મારીએ એના જેવી એક પણ મજા નહીં'. ઘરે જ જમવાનું. સામાન્ય રીતે બાળક પોતાના રમકડાં બીજાને જલદી ન આપે. પણ ખુશીએ પોતાની બધી ગિફ્ટસ હર્ષને ખોલવા કહ્યું. નવા રમકડાંથી બંને સાથે રમવા લાગ્યા. 

'જીવન પણ રમકડાં જેવું જ છે ને ! ચાવી દઈએ એટલું ચાલે...' કાનજીએ કહ્યું.

'ચાવી આપણા સમયમાં હતી હવે તો પાવર કે બેટરીથી ચાલે તેવા આવી ગયા' સવજીએ કહ્યું 

'ખુશી અને હર્ષ મોટા થશે ત્યારે વળી કંઈક નવું આવી ગયું હશે.'

'કાનજી, પરિવર્તન સંસારનો નિયમ છે પણ પરંપરામાં પરિવર્તન ન કરવું જોઈએ'

'ભાભીને રસોડામાં રાધા મદદ કરે છે, તો તું ય કર...જા' 

'પણ હું એને ડિસ્ટર્બ ન કરું, એ મોટી મદદ જ છે...'

'એ સાચું હો, સવજી. 'પીપા, પાપ ન કીજિયે, પુણ્ય બરાબર હોય...'

'એક દુકાનમાં પાટિયું લગાવેલું હતું કે 'ઘર જેવું જમવાનું'. એક માણસ જમ્યા વગર ઊભો થઇ ગયો અને કહે કે 'ઘરના ભોજનથી કંટાળીને તો અહીં જમવા આવેલો'.

'શેક્સપિયરના નાટક 'રોમિયો એન્ડ જુલિયેટ'માં એક મજાનું વાક્ય છે કે 'જે પોતાના આંગળા ચાટી નથી શકતો એ સારો રસોયો નથી.'

'એ કહું છું, સાંભળો. આ તાવડી ક્યારની હસે છે ! પણ મહેમાન તો આવવાના હતા તે આવી ગયા. એટલે તમારી અઘરી વાતો બંધ કરો અને પેટપૂજા માટે પધારો'

બધાં હસતાં હસતાં જમે છે. ઘી થી લથબથ રોટલા ભાણામાં આવતા જાય છે, ઓળાનો લસણિયો  વઘાર અને મસાલેદાર સુગંધ ગેલેરીની દીવાલ કૂદીને પાડોશીઓની નાસિકામાં પ્રવેશી. બાજુવાળી શાંતા તો ડોકિયું કરી કહેતી પણ ગઈ 'એલા જ્યોતિબેન, આ તમારા ઓળાએ તો અમારો શીરો પણ મોળો કરી નાખ્યો.'

બીજે દિવસે કાનજી ઓફિસથી થાકીને ઘરે આવે છે. બારણું ખોલતા જ હર્ષ ટ્રોફી સાથે ઊભો હોય છે. 'હું વકતૃત્વ સ્પર્ર્ધામાં પહેલા નંબરે આવ્યો'

'અરે વાહ, વિષય શું હતો ?' 

'કાનજી મહેતા' 

'હું હજુ એવો મહાન નથી થયો કે વકતૃત્વનો વિષય બની શકું. પણ હા, એ સમય પણ આવશે, બહુ જલ્દી...'

'પણ પપ્પા, આજે ફાધર્સ ડે હતો અને હું 'પિતૃદેવો ભવ' પર બોલ્યો હતો.' 

કાનજી ભાવુક થઇ હર્ષને ભેટી પડે. 'ખુશીઓ તો આપણી આસપાસ વિખરાયેલી પડી જ હોય છે, જરૂર છે આપણે નજર કરવાની...દ્રષ્ટિ કેળવવાની અને પોઝીટીવ થવાની... રાધાની નજર ગેલેરીમાં મુકેલી ઠીબ પર પડે છે. જેમાં મસ્તીથી ચકલી પાણી પી રહી હતી અને બાજુમાં મુકેલ ડીશમાંથી દાણા ચણતી ઉડાઉડ કરી રહી હતી. સુખ પણ ચકલી જેવું હશે. ક્યારેક દેખાતી એ અલપઝલપ પળોને માણસે ઝડપી લેવી પડે. 

'સાહેબ, લાઈટ બીલ ભરવાનું બાકી છે, થોડો ઉપાડ જોઈતો'તો' કાનજીએ ઓફિસમાં બોસને કહ્યું.  

'પહેલા આ ફાઈલ ઉપાડ અને શાહને આપી આવ.' 

કાનજી ફાઈલ ઉપાડી, શાહને આપે છે. પછી ઘરે લઇ જવાની વસ્તુની ચિઠ્ઠી કાઢે છે. પત્નીએ ચિઠ્ઠી આપી ત્યારે કહેલું કે 'ભૂલ્યા વગર આટલું લેતા આવજો. આવતા મહીને હર્ષની ફી ભરવાની છે અને હર્ષને સ્કૂલમાંથી પ્રવાસમાં જવાનું છે એટલે એના પણ પૈસા ભરવાના, મામાને ત્યાં લગ્નમાં પણ જવાનું છે પણ હું જૂની સાડીથી ચલાવી લઈશ, આ હર્ષના નવા કપડાનું કાંઇક કરજો..' 

'શાહ સાહેબ, થોડા પૈસા ઉછીના મળશે ? પહેલી તારીખે પાછા..' 

'અરે જરૂર.. પહેલી તારીખે પાછા આપવાની જરૂર નથી... કેટલા પૈસા જોઈએ.. દસ પૈસા, વીસ પૈસા, પચાસ પૈસા, લે આ રૂપિયો રાખ, જલસા કર.. એક રૂપિયો કાનજી તરફ ફેંકે છે, કાનજી ગુસ્સાને ગળી, શાંતિથી રૂપિયો હાથમાં લઇ માથે અડાડી પાછો શાહ પાસે મૂકી દે છે. ત્યાં બોસની બેલ વાગે છે પણ વિચારમાં હોવાથી કાનજીને સંભળાતી નથી.

'સાહેબ, આપ વિચારોનાં વનમાંથી બહાર નીકળ્યા હો તો બોસ પાસે જવા કૃપા કરશો.' બીજા ક્લાર્કે કાનજીને કહ્યું. બોસની કેબિનમાં ગયો.     

'આજ સાંજે રોકાજે. તને વધારાના રૂપિયા મળશે.' 

'સાહેબ મારે પગાર વધારાની વાત કરવી છે.'

'આવતા મહીને વાત કરીએ..'

'આવું તમે બે વર્ષથી કહો છો અને આવતો મહિનો આવતો જ નથી.' 

'ચાલ આજથી પગાર ડબલ..'

'શું વાત કરો છો સાહેબ...'

'ડબલ નહીં, ત્રણ ગણો..'

'ન હોય, સાહેબ...' કાનજી ભાવુક બની ગયો. 

'ચાર ગણો બસ..'

'જોક કરો છો, સાહેબ' 

'શરૂઆત કોણે કરી ? પગાર વધારાની વાત કરીને જોકની શરૂઆત તેં કરી..' બોસે ખ-ડ-ખ-ડા-ટ ખંધુ હાસ્ય કર્યું. મોંમાં રહેલા ગુટકાના છાંટા કાનજીના હાથ પર પડયા. કાનજી બોસની નજીક ગયો અને ફિલ્મી સ્ટાઈલથી ઉડેલા છાંટા બોસના શર્ટ ઉપર લૂછયા પછી બોલ્યો. 'જોક અને જરૂરિયાતનો તફાવત ખબર ન હોય, એ જગ્યાએ ઊભા રહેવાનો કોઈ મતલબ નથી. આજથી હું નોકરી છોડું છું.' હાથમાં રહેલી ફાઈલ ટેબલ પર પછાડે છે. 'માણસને માણસાઈથી મૂલવતા થઈશું, એ દિવસે માનવતાની પ્રાણપ્રતિષ્ઠા થશે.' 'ડોલ્સહાઉસ'ની નોરા માફક કાનજી પણ જોરથી બારણું પછાડીને બહાર નીકળે છે. ફરી પાછો બોસની ઓફિસનું બારણું બળપૂર્વક અર્ધું ધકેલતા ખુમારીથી કહે છે...

'બાય ધ વે, હું આ નોકરી છોડું છું અને આ મજાક નથી જ.'

'તેં જે નિર્ણય લીધો છે, એના કારણે તું મુશ્કેલીમાં મૂકાઈ જઈશ'

'એ દિવસે પણ હું તમારી પાસે મદદ માટે નહીં જ આવું'

'એ તો ખબર જ છે, તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં, સૌરાષ્ટ્રનું પાણી...' 

પણ બોસનું એ વાક્ય સાંભળવા કાનજી રોકાયો નહીં.

સૌરાષ્ટ્રના નાના એવા ગામડામાંથી કાનજી અમદાવાદમાં આવ્યો. અમદાવાદમાં આવવાની ઈચ્છા બહુ હતી પણ પિતાની ના હતી. પછી તો કાનજી પણ સલામતીની ડાળ પકડીને બેસી રહ્યો. ઘર સંભાળવાવાળું કોઈ જોઈએ એમ કહીને જલ્દી લગ્ન કરી દીધા. રોજનું લાવીને રોજ ખાવાની લ્હાયમાં સપનાં તો ક્યારનાયે ખાખ થઇ ગયા હતા. માતા-પિતાના અવસાન પછી તેણે મહાનગરમાં આવવાનું સાહસ કર્યું. થોડું મુશ્કેલ હતું પણ બાળકના ભવિષ્ય માટે જરૂરી હતું. શરૂઆતમાં મુશ્કેલી પડી, ફરી ગામડે જવાનું મન થયું પણ ભાગે તો ભડવીર શેનો ? એમાં વળી લંગોટિયા ભેરુ સવજીનો સધિયારો મળ્યો. 

જો કે જીવન જીવવાની મજા તો સૌરાષ્ટ્રમાં જ. કોઈ પ્રશ્ન થાય તો એક અવાજે લોકો ભેગા થઇ જાય. શેરીમાં કોઈ એક ઘરે પ્રસંગ હોય તો પણ સૌ દોડી આવે. ખિસ્સામાં ફદિયું ન હોય પણ મહેમાન આવે તો પહોળા થઈને જમાડે. મીઠી ભાષાની સાથે પીવાતી મીઠી ચાની ચર્ચામાં સંવેદનાનું શેરીંગ થતું હતું. પુરાણોની કથા અને ઓઠાઓ, દુહાઓ કે ભજનોની રમઝટ અને સંસ્કારની ત્રિવેણી સતત વહ્યા કરે. એને કારણે વ્યક્તિત્વનું ઉત્તમ ઘડતર થાય છે. દુશ્મન પણ સામો મળી જાય તો 'રામરામ' કહેવાનો રિવાજ. પાર્કિંગમાંથી સાઈકલ બહાર કાઢી. ત્યાં સામે બોસ મળ્યો. કાનજીએ રામરામ કર્યું. બોસ કશું ન બોલ્યો, જાણે રામરામ કહેવાથી પાપ ન લાગી જવાનું હોય ! 

સાંજે ઘરે કાનજીને ચુપચાપ બેઠો હતો. રાધાએ કહ્યું કે 'ચા બનાવું ?' 

'હા'

'કાલે જ્યોતિભાભીને ત્યાં બધી સખીઓ મળવાની છે, જાઉં ?'

'જા'

'આ શું ક્યારના એકાક્ષરી જવાબ આપો છો.! ઓફિસમાં કશું થયું ?' 

'ના' 

'પાછું એકાક્ષરી...' વાક્ય અધૂરું મૂકી કાનજીની પાસે આવી. 

'ચા સરસ બનાવ..' કાનજીએ વાત બદલવાનો પ્રયત્ન કર્યો. 

થોડીવારમાં રાધા ચા લઈને આવી. રાધાની ચા પીવી એક લહાવો હતો. 

'કાલે સવારે જ્યોતીભાભીને ત્યાં વહેલા જવાનું હોવાથી તમને ટિફિન ન આપું તો તમે બહાર જમી લેશો ?'

'અરે, હું તને કહેવાનું ભૂલી ગયો. કાલે અમારે ઓફિસમાં જ જમવાનું છે.'

'શું પ્રસંગ છે ?'

'વિદાય સમારંભ છે'

'નિવૃત્તિ કોઈની..?'

'એવું જ સમજ ને ?'

'કે એ બીજે ક્યાંય જાય છે...!'

'તારે શું પંચાત છે ?' કાનજીએ મોટેથી રાડ નાખી.. રાધા હેબતાઈ ગઈ.. ચા પીધા વગર કાનજી અગાસી પર જતો રહ્યો. આંખમાંથી આંસુ નીકળ્યા... પિતાજીએ નોકરી ગુમાવી હતી ત્યારે આખું ઘર ગમગીન હતું. ત્યારે માએ પિતાને કહેલું કે 'કોઈ પણ મુશ્કેલી હોય તો મને આવીને કહી દેવાની.. આ મારો હક્ક માંગું છું'. ત્યારથી પિતા બધી વાતનું શેરીંગ કરતા. કાનજીને થયું મેં કારણ વગર રાધા પર ગુસ્સો કર્યો. મારે નોકરી છોડયાની વાત રાધાને કહી દેવી જોઈએ...

પીઠ ફેરવી તો સામે રાધા જ ઊભી હતી. થોડી ક્ષણો બંને વચ્ચે મૌન છવાયેલું રહ્યું. 

'ખાલી એટલું કહેવા આવી છું કે સવારે વસ્તુ મંગાવી છે એ ઘરે લાવ્યા નથી તો હવે હું રાત્રે જમવાનું કેમ બનાવું ?'

ત્યાં જ દોડતોક હર્ષ આવ્યો અને કહે કે 'પપ્પા, મારે પ્રવાસમાં જવાનું છે કાલે એના પૈસા ભરવાના છે....'

હર્ષને તેડી કાનજી બોલ્યો 'થઇ જશે બેટા..' 

હર્ષ ન જુએ એમ કાનજીએ આંખના આંસુ છુપાવ્યા.

(ક્રમશઃ)