- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
પ રીક્ષાની મોસમ બેઠી છે. એપ્રિલના દિવસોમાં શાળા- કૉલેજો વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજે છે. આવા કસોટીકાળમાં પરીક્ષાની પ્રક્રિયા વિશે પણ પુનઃ વિચારણા કરવા જેવી છે. લેખિત પરીક્ષામાં સફળ થાય તે જ ઉત્તમ ? જરા, ધ્યાનથી વિચારવા જેવું લાગે છે ને ? આપણે આપણા વિદ્યાર્થીઓને કહીએ છીએ કે પહેલાના જેવા નથી રહ્યા નથી. એમાં વાંક કોનો ? વિદ્યાર્થીઓનો કે શિક્ષણ પ્રથાનો ? 'વિદ્યાર્થીઓનું નૈતિક અધઃપતન થવા માંડયું છે -' એવાં વિધાનો કરી સમાજ કે શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છટકી જઈ શકે નહિ. નૈતિક અધઃપતનના કારણો તપાસવા પડે. રેલો આપણા સુધી અચૂક આવે બાળકોમાં શિસ્તની, નૈતિકતાની પરીક્ષાના મૂલ્યોની, ભાષા દોષની જે સમસ્યાઓ દેખાય છે એનાં કારણો શું હોઈ શકે ?
મૅકોલે દ્વારા તૈયાર થયેલી સામગ્રી- રસોઈ આપણા બાળકોએ આરોગી છે એનું લક્ષ્ય દેશભક્તો, સેવકો, વૈજ્ઞાાનિકો, ઉત્તમ માણસો તૈયાર કરવાનું ન્હોતું... એ તો હવે સમજાય છે - હવે તો પાછા વળીએ... એ પદ્ધતિમાં કોઈ ફેરફાર આપણે કર્યો નહિ, તેમણે કહ્યું હતું કે તે માથે ચઢાવી ચાલ્યા. કારકૂનો પેદા કરવાનો ઉદ્યોગ સ્થાપ્યો. એમાં કેવળ મૅકોલેને દોષ દેવાની જરૂર નથી. આપણને આજે ય એમાં ક્રાન્તિકારી વિચારનો અમલ કરવાનું ના સૂઝે એમાં મૅકોલે શું કરે ? અંગ્રેજો શું કરે ? આપણે શું કર્યું ?
'આપણા ઘડવૈયા બાંધવ આપણે ?' આપણે આપણા બાળકો માટે શું વિચાર્યું ? શું ઘડયું ? આપણો પ્રાચીન વારસો તેમને કેમ ના ગમ્યો... એમાં શું ખૂટતું હતું ? - એમણે જ આપણા પ્રાચીન વારસાનું મૂલ્ય સમજાવ્યું છે. એમણે જ આપણી સંસ્કૃતિની પરખ કરી છે - એ પારખું તો હતા જ, પરંતુ ભારતીય પ્રજા આર્ય સંસ્કૃતિ વિમુખ બને એવો વ્યવસ્થિત કારસો રચ્યો છે એનો આપણે ભોગ બન્યા છીએ. એવો પ્રશ્ન પણ થવો જોઈએ કે, અંગ્રેજી કેળવણીના સંપર્ક પછી જ આપણામાં જાગૃતિ આવી છે. આપણે આપણા ગૌરવ માટે વિચારતા થયા છીએ. એવું કેમ થયું ? આપણી પ્રાચીન પરીક્ષા પદ્ધતિ કેવા પ્રકારની હતી ? તેમાં કેવા આદર્શો હતા ?
ગાંધીજીએ પોતાની તાકાત- પોતાની શક્તિ આફ્રિકામાં વાપરી- સફળ થયા એ અનુભવ ભારતને આઝાદ કરવા માટે ઉપયોગમાં લીધો. સ્વાતંત્ર્યની ઘોષણા થઈ પ્રયોગો થયા. સત્ય અને અહિંસા જેવા શસ્ત્રોથી સ્વાતંત્ર્ય મેળવવાની લડત ઉગ્ર બની. ભણતા વિદ્યાર્થીઓ તેમાં જોડાયા, હોમાયા, ભળ્યા- ચેતનાની ચિનગારી ચંપાઈ અને સામુહિક ચેતના ગાંધીજીની પડખે ઉભી થઈ ગઈ અને અંગ્રેજ હકૂમત ગઈ. અંગ્રેજો ગયા પણ તેમની અંગ્રેજીયત મુકતા ગયા. એમાંની એક કેળવણી પદ્ધતિ એમાં ય પરીક્ષા પદ્ધતિ -
જીવન સાથે કશોય સંબંધ ન ધરાવતી માહિતી ન આવડતા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં કેમ ફાંફા મારવા પડે છે ? કે વર્ગખંડમાંથી એ પામ્યો નથી ? કેમ પામ્યો નથી ? એ અંગે વિચારવું પડે. શિક્ષકનો દોષ છે ? સામગ્રીનો દોષ છે ? કે વિદ્યાર્થીઓનો દોષ છે ? એ અંગે આપણે નિષ્ક્રિય છીએ... સામગ્રી- શિક્ષક બંને વિશે વિચાર કરવા જેવો છે.
પરીક્ષાખંડોમાં જડબેસલાક બંદોબસ્ત સાથે પરીક્ષાઓ યોજાય છે. નિરીક્ષણ કરી રહેલા નિરીક્ષકો પેપર લખતા પરીક્ષાર્થીઓના ચહેરાને ધ્યાનથી નિહાળે છે - શું દેખાય છે એ ચહેરામાં ?
વિદ્યાર્થી ચોરી કરવા કેમ લલચાય છે ? ચોરી નહિ કરનાર પ્રામાણિક વિદ્યાર્થી અને ચબરખી લખનાર વિદ્યાર્થી બંને એક પાટલી ઉપર બેઠા છે. પેલા પ્રામાણિક વિદ્યાર્થીને અન્યાય થાય છે કે નહિ ? કોઈને ય ખોટો લાભ મળે એ બીજાના ભોગે જ હોય છે. પરીક્ષામાં ચોરીઓ નથી થતી એવું તો છે જ નહિ, વિદ્યાર્થી પકડાતો નથી કે પકડતા નથી જે હોય તે પણ... સમાન વિદ્યાર્થીઓમાં અસમાનતા પ્રવેશે છે. પેલા પ્રામાણિક વિદ્યાર્થીની તરફ આદર તો થવો જોઈએ ને ? કેવળ લેખિત સામગ્રીથી બાળકની અખિલ પ્રજ્ઞાાની કસોટી થઈ શકે ? એ માત્ર ત્રણ કલાકમાં ?
માથાભારે વિદ્યાર્થી નિરીક્ષકની ઉદારતાને નામર્દાઈ પણ સમજે છે. ક્યારેક નિરીક્ષકની ભલમનસાઈ, સજ્જનતા વિદ્યાર્થીની આંખે ખરીદી લેવાય છે. ક્યારેક નિરીક્ષકને ડરાવાય છે. એમાં કેવળ વિદ્યાર્થી જ નહિ આખું તંત્ર ગોઠવાયેલું હોય છે. બિલાડીને જોઈ ઉંદર ડરે છે દરમાં ભરાઈ રહે છે, બહાર નથી નીકળતો અને કદાચ નીકળે અને બિલાડી જોઈ જાય તો ? બિલાડી જીવતદાન નથી આપતી... આપણે પરોક્ષ રીતે ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરીએ છીએ કે શું ?
પરીક્ષાર્થી વિદ્યાર્થીમાં જે અનૈતિકના દ્વાર ખુલે છે. તેમાં આપણો હિસ્સો પણ છે. આપણી જવાબદારી છે આપણા બાળકોને ઉત્તમ- આદર્શ પૂરો પાડીએ બીજી તરફ જે ખરેખર પ્રમાણિક છે એ સ્પર્ધામાં પાછળ રહી જશે તો વળી નવી અરાજકતા પ્રવેશ કરે છે. અવ્યવસ્થાઓ વધે છે. આપણે આપણી પરીક્ષા પદ્ધતિ અંગે પુનઃ વિચારીએ...


