Get The App

બોરસદ સત્યાગ્રહે વલ્લભભાઈને 'સરદાર' બનાવવાનો પાયો નાંખેલો

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
બોરસદ સત્યાગ્રહે વલ્લભભાઈને 'સરદાર' બનાવવાનો પાયો નાંખેલો 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- બોરસદ તાલુકાના 88 અને આણંદ તાલુકાના 14 ગામો ઉપર આ વેરો ઝીંકાયેલો. એની સામે વલ્લભભાઈએ આખા પંથકમાં લડતની જબરજસ્ત જાળ ફેલાવી હતી. 

બોરસદ સત્યાગ્રહમાં વલ્લભભાઈ સાથીઓ સાથે

બોરસદની વકીલાત છોડયા પછી, અરે આખી જિંદગીની વકીલાત છોડયા પછી, વલ્લભભાઈએ બોરસદ આવીને ત્યાંની હૈડીયાવેરાની લડતનું સુકાન સંભાળેલું, અને સફળતાપૂર્વક પાર પણ પાડેલું. ૧૯૦૧ થી ૧૯૧૦ના બોરસદ નિવાસકાળ દરમ્યાન વલ્લભભાઈએ જીવનમાં જે કાંઈ મેળવ્યું હતું, સફળતા-સંપત્તિ અને સંબંધો, તેનું લૂણ ફેડવા માટે તેઓ બોરસદની ગરીબડી પ્રજાને થઈ રહેલાં અન્યાય માટે દોડીને આવી ગયા હતા.

આ બોરસદ સત્યાગ્રહ આમ તો માંડ પાંચ અઠવાડિયા ચાલેલો. બરાબર આંગળી મૂકીએ તો ૨-૧૨-૧૯૨૩થી ૧૨-૧-૧૯૨૪ સુધી. પરંતુ આ લડત જે સમયે થઈ, તે ભારતીય સ્વાતંત્ર્ય લડતની ભૂમિકામાં બહુ મહત્ત્વની રહી હતી. આ એ સમય હતો કે જ્યારે દેશભરમાં ગાંધીજીની અસહકારની લડત પડતીના કાળમાં હતી. ખુદ ગાંધીજી પણ લાંબા જેલવાસે હતા. અસહકાર ચલાવવો કે ધારાસભામાં ચૂંટાઈને અગ્રેજ સરકારને હલાવવી, તેવા મનોમંથનથી, તેવા વિચારભેદથી, તેવી અવઢવમાં દેશના લડતવીરો દેખીતી રીતે ઢીલા પડયાં હતા. આવા સમયે વલ્લભભાઈએ આ બોરસદ સત્યાગ્રહ થકી આખા ભારતની સ્વતંત્રતા ચળવળમાં નવું અને તાજું જોમ પૂર્યું હતું.

બોરસદની આ લડતે ગુજરાતનું રાષ્ટ્રીય અને પ્રજાકીય જીવન કેળવવામાં કેવો સંગીન ફાળો આપ્યો હતો, તે ગાંધીજીએ ૧૩-૫-૨૪એ લખેલાં સંદેશમાં કહ્યું છે. 'બોરસદે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદે સત્યાગ્રહ કરી, ભોગ ત્યાગ કરી, પોતાની અને હિંદુસ્તાનની સેવા કરી છે.' આ લડતનું મૂલ્યાંકન કરતાં બીજા એક લેખમાં કહેલું કે 'ગુજરાતનો છેલ્લાં બે વર્ષનો ઈતિહાસ શોભાવનારો છે. જે ગુજરાતને શોભાવે તે હિન્દુસ્તાનને શોભાવે. તેથી જેટલે અંશે ગુજરાત ચઢયું છે તેટલે અંશે આખો દેશ ચડયો છે.'

ગાંધીજીના આ શબ્દો બતાવે છે કે આઝાદીની લડત વખતથી (આજના યુગથી નહીં) ગુજરાત મોડેલ આખા ભારત માટે આદર્શ હતો. બીજા શબ્દોમાં એમ સમજીએ કે બોરસદ સત્યાગ્રહે આખા દેશમાં મરવાને વાંકે ચાલી રહેલી અસહકારની લડતને પ્રેરણા આપી, તેમાં જોમ પૂર્યું અને ગાંધીમાર્ગે સરકારને ઝૂકવી શકાય છે, તેનો દાખલો બેસાડયો.

આમ તો બહારવટીયાઓના ત્રાસને કારણે ઉભા કરવા પડેલા પોલીસ બંદોબસ્તનો ખર્ચ કાઢવા સરકારે પ્રજા ઉપર ઝીંકેલા આકરા કરને પાછો ખેંચાવવાની આ લડત હતી, તે પણ અસહકારને માર્ગે. બોરસદ તાલુકાના ૮૮ અને આણંદ તાલુકાના ૧૪ ગામો ઉપર આ વેરો ઝીંકાયેલો. એની સામે વલ્લભભાઈએ આખા પંથકમાં લડતની જબરજસ્ત જાળ ફેલાવી હતી. સત્યાગ્રહના કુલ ૧૮ થાણાં કર્યા, દરેક થાણાં હેઠળ ૮થી ૧૦  ગામો. આ થાણાઓ ઉપર મજબૂત કાર્યકરો. જેમાં ખેડા લડતના મુખ્ય સુકાનીઓ. મોહનલાલ પંડયા તો જાણે લડતના સેનાપતિ. બોરસદની મુખ્ય છાવણીનું સુકાન દરબાર ગોપાળદાસે સંભાળ્યું. રાવજીભાઈ નાથાભાઈ પટેલ, ભોગીલાલ ચોકસી, છોટાલાલ વ્યાસ, ગોકળદાસ તલાટી, શિવાભાઈ ગો.પટેલ જેવા કેટકેટલાં કાર્યકરો આખા પંથકની છાવણીઓ પર ગોઠવાઈ ગયા. દરેક છાવણીએ ધ્યાન આપવાનું કે પોતાના તાબા હેઠળના કોઈ ગામમાં પોલીસના દબાણથી લોકો વેરો ભરી દેતા નથી ને? આ નાની-નાની છાવણીઓ નિયમિત રીતે બોરસદની મુખ્ય છાવણીને અહેવાલ મોકલતા કે પોતાના તાબાના ગામોમાં ક્યાંય પોલીસ કે અન્ય સરકારી માણસો સાથે ગામ લોકોએ કાંઈ અજુગતું નથી કર્યું ને? હીંસા નથી કરીને? સંઘર્ષ નથી થયો ને? પ્રજામાં લડતનો જુસ્સો બરાબર ટકી રહે તે માટે મુખ્ય છાવણીએથી બધી જ શાખા છાવણીઓમાં જોમ-જોસ્સો વધારતી પત્રિકાઓ પહોંચાડવામાં આવતી. સભાઓના આયોજનો પહોંચાડતા અને ઝીણી ઝીણી વિગતોથી તળના લોકોને વાકેફ કરવામાં આવતા.

પેલી તરફે સરકારે પણ વેરો નહીં ભરનારાઓની જપ્તીઓ પુરજોશમાં કરવા માંડી હતી. પોલીસ ઉપરાંત કોર્ટના કારકુનો, મામલતદારો, કલેક્ટરના તાબા હેઠળના નોકરીયાતો, સહુને જપ્તીના કામે લગાડી દીધા હતા. સાવ નજીવી રકમના વેરા માટે ભેંસો, ઘરની કીંમતી ચીજવસ્તુઓ, મોંઘી જમીનો જપ્ત કરવામાં આવતી.

પરંતુ વલ્લભભાઈએ લડતમાં એવું જોમ પૂર્યું હતું કે આ પ્રજા અહિંસક અસહકારના માર્ગે સરકારી તંત્રને હંફાવતી હતી. પંથકની પ્રજા પાસેથી જપ્ત કરેલો માલ કોઈ ખરીદતું જ નહીં. અરે, જપ્ત કરેલાં માલને ગામથી જે-તે સરકારી કચેરી સુધી લઈ જવા કોઈ માણસો/મજૂરો મળતાં નહીં. જપ્ત કરવા આવનારા સરકારી બાબુઓને ટાળવા આખેઆખા ગામ પોતાના ઘર બંધ કરીને વહેલી સવારે ખેતરોમાં જતા રહેતાં, અને મોડી રાત્રે પરત ફરીને રોટલા બનાવી દેતાં. ત્યારે બોરસદના બજારો પણ દિવસે જડબેસલાક બંધ રહેતાં અને રાતે, ફાનસના અજવાળે ભરાતાં. 

વલ્લભભાઈની આગેવાની હેઠળ આખા પંથકમાં એવી તો અપૂર્વ જાગૃતિ ઉભી થઈ હતી કે છેક મુંબઈના ગવર્નર સુધી પ્રજાની મક્કમતા અને નીડરતાને પહોંચી વળાતું નથી, તેવી ફરિયાદો પહોંચી હતી. મુંબઈ ઈલાકામાં (ત્યારે બોરસદનું રાજકીય થાણું મુંબઈ ઈલાકામાં ગણાતું હતું) નવા આવેલાં ગવર્નર સર લેસ્લી વિલ્નસ બોરસદ લડતનો ચિતાર સાંભળીને હચમચી ગયા. તેમણે તુરત જ પોતાના પ્રતિનિધિ તરીકે હોમ મેમ્બર સર મોરિસ હાવર્ડને જાત તપાસ માટે બોરસદ મોકલ્યાં. આ અંગ્રેજ અમલદારે અહીં આવીને લડતનો આખો ચિતાર મેળવ્યો, ત્યારે મનમાં ગાંઠ વાળી કે બોરસદ પંથકમાં બહારવટીયાઓનો ત્રાસ પ્રજાને કારણે નહીં, પરંતુ પોલીસના શિથીલ અને સડેલા તંત્રને કારણે ફેલાયો છે. જેવો આ સાચો અહેવાલ મુંબઈ પહોંચ્યો, કે તુરત જ સરકારે હૈડિયાવેરો રદ કર્યો, અને પ્રજાને માથે ઝીંકેલો વધારાનો પોલીસ ખર્ચ પાછો ખેંચીને ખુદ સરકારે જ એ ખર્ચ વેંઢારવાનો હુકમ થયો.

આ રીતે વલ્લભભાઈની કાર્યદક્ષતા, ચતુરાઈ અને અડગનિષ્ઠા થકી જે ઝડપથી આ લડત ફેલાઈ હતી, તેટલી જ ઝડપથી સંકેલાઈ પણ ગઈ. જો કે તેનો આ યશસ્વી અંત કાંઈ બેઠા-બેઠા નહોતો આવ્યો. એ માટે વલ્લભભાઈએ રાત-દિવસ એક કરીને જે ચતુરાઈપૂર્વક વ્યવસ્થાપન ગોઠવ્યું હતું, એ આખા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં એક અનોખા મોડલરુપ હતું. જેની હકીકતો જાણવા જેવી છે.