- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- ભગવાન વિષ્ણુ સામે છિન્નભિન્ન થયેલો મહાદેવનો દેહ ફરી એકવાર પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થાય છે. શ્રીહરિના લલાટ પર આવેલી સળ જોઈને મહાદેવ હસી પડે છે
શ્રીદામા અસુરે ત્રિલોક પર મચાવેલાં હાહાકારને લીધે સમસ્ત દેવતાગણ દ્વારા ભગવાન વિષ્ણુનો આશ્રય લેવામાં આવ્યો. પરિણામસ્વરૂપ, ભગવાન વિષ્ણુએ શ્રીદામાનો વધ કરવાનું ઉત્તરદાયિત્વ સ્વીકાર્યુ, જેના માટે એમને એક અમોઘ શસ્ત્રની આવશ્યકતા હતી. વર્ષો સુધી દેવાધિદેવ મહાદેવની ઘોર તપસ્યા કર્યા પછી શ્રીહરિએ મહાદેવને પ્રસન્ન કર્યા. ભોળાનાથ શિવ દ્વારા એમને વરદાનમાં સુદર્શન ચક્ર અર્પણ કરવામાં આવ્યું. લીલાધર શ્રીવિષ્ણુએ ભગવાન શિવના દિવ્યદેહ પર સુદર્શન ચક્રનું પરીક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. ગયા અઠવાડિયે અહીંયા સુધીની અદ્ભુત કથામાં ડૂબકી લગાવ્યા બાદ વામનપુરાણમાં વર્ણવવામાં આવેલી સમગ્ર ઘટનાને હવે આગળ ધપાવીએ.
મહાદેવ તરફથી અનુમતિ મળતાંની સાથે જ ભગવાન વિષ્ણુએ એકઝાટકે એમના પર સુદર્શન ચક્રનો પ્રહાર કર્યો. ઘડીનાં છઠ્ઠા ભાગમાં એ ચક્ર મહાદેવનાં શરીરને ત્રણ ખંડોમાં વિભાજિત કરી નાખે છે. હા, આ કોઈ કાલ્પનિક કથા નહીં, પરંતુ શાસ્ત્રોમાં આલેખાયેલી દિવ્યાતિદિવ્ય કથા છે, જેમાં સાધક પોતાના સાધન વડે સાધ્યનો વધ કરી નાખે છે. મહાદેવનું શરીર ત્રણ ખંડોમાં વિભાજિત થયેલું જોઈને ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રના સામર્થ્ય પર વિશ્વાસ તો બેસી જાય છે, પરંતુ પોતાના આરાધ્યનો વધ કરી નાખવાનો પશ્ચાતાપ એમના અંતરમનમાં ઉત્પન્ન થાય છે. અલબત્ત, આ પણ એમની જ લીલાનો એક ભાગ હતો.
ગણતરીની ક્ષણોમાં ભગવાન વિષ્ણુ સામે છિન્નભિન્ન થયેલો મહાદેવનો દેહ ફરી એકવાર પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થાય છે. શ્રીહરિના લલાટ પર આવેલી સળ જોઈને મહાદેવ હસી પડે છે અને એમને આશ્વાસન આપતાં કહે છે કે, 'ચિંતા ન કરશો, હે હરિ! લીલાનાં એક ભાગરૂપે બનેલી આ ઘટના સમસ્ત માનવજાતિનાં કલ્યાણનું દ્યોતક બનશે.'
શ્રીવિષ્ણુ હજુ પણ અચંબામાં હતાં.
મહાદેવે આગળ કહ્યું, 'મારા દિવ્યદેહનો વધ તો આમ પણ શક્ય નથી. એટલું જ નહીં, જેનો જન્મ હોય, તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે; પરંતુ અજર-અમર પરમાત્માનું કોઈ મૃત્યુ નથી હોતું. સ્થૂળદેહનો ક્ષય સંભવ છે, સૂક્ષ્મશરીરનો નહીં! આથી હે વિષ્ણુ, શોક ન કરશો. મારા દેહનાં ત્રણ ખંડ વાસ્તવમાં ત્રણ અલગ અલગ સ્વરૂપો ધારણ કરશે, જેમને ક્રમશ: વિરૂપાક્ષ, હિરણ્યાક્ષ અને સુવર્ણાક્ષ તરીકે ઓળખવામાં આવશે. આવનારા સમયમાં આ ત્રણેય સ્વરૂપોની ઉપાસના થકી મનુષ્ય પરમપદને પ્રાપ્ત કરી શકશે.'
આ ઘટનાક્રમ બાદ ભગવાન શિવના ત્રણ સ્વરૂપો વિરૂપાક્ષ, સુવર્ણાક્ષ અને હિરણ્યાક્ષ લોકપ્રચલિત થાય છે અને પૂજનીય બને છે.
અહીં મહત્વની વાત છે, શ્રીહરિનું ચક્ર. શ્રીવિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાન વિષ્ણુના એક હજાર નામોમાં એકથી વધુ વખત 'ચક્ર' નામ સાથે આહુતિ આપવામાં આવે છે : ઁ ચક્રિણે નમ:! આ નામ વિશે ખૂબ સુંદર સમજ મકરંદ દવે લિખિત દળદાર ગુજરાતી પુસ્તક 'શ્રીવિષ્ણુસહસ્ત્રનામ: આંતરપ્રવેશ'માં આપવામાં આવી છે.
સમસ્ત બ્રહ્માંડ એક ચક્ર છે. સમયરૂપી ચક્રને આધીન થઈને સઘળું ફર્યા રાખે છે. યુગ બદલાતાં રહે છે, ઋતુઓનું આવનજાવન ચાલુ રહે છે, કલ્પો બદલાતાં રહે છે, નવી સૃષ્ટિનું સર્જન અને સંહાર અવિરતપણે ચાલ્યા રાખે છે. ભગવાન વિષ્ણુએ આ નિત્ય પરિવર્તનશીલ અને ગતિશીલ સમયને ચક્ર સ્વરૂપે પોતાના હાથ પર ધારણ કર્યો છે. વિધાતા બનીને તેઓ અવનવા બ્રહ્માંડોના સર્જન અને વિનાશ માટે કારણભૂત છે. આમ છતાં, તેઓ સ્વયં અચળ-અવિનાશી-અજર-અમર પરમાત્મા છે. ગતિશીલ સમયને ચક્ર સ્વરૂપે ધારણ કર્યો હોવા છતાં તેઓ સ્વયં ગતિમાન નથી. પરમમુક્ત અવસ્થામાં તેઓ પોતાના સ્વધામ - વૈકુંઠમાં શાશ્વતરૂપે સ્થિર છે, સ્થિતપ્રજ્ઞા છે. યોગબળ અને ભગવાનના નિત્યસ્મરણ સાથે જે આ ચક્રને ભેદવાનો પ્રયત્ન કરે છે, એ જીવાત્મા અંતત: પરમાત્મામાં જ વિલીન થઈ જાય છે, સદાકાળ માટે સમાહિત થઈ જાય છે. એ પછી એમને ફરી કોઈ નવા ચક્રમાં અથવા જીવન-મૃત્યુના વહેણમાં ફસાવાની આવશ્યકતા નથી રહેતી.
જીવનના નશ્વર સ્વભાવને દર્શાવવા માટે પણ ચક્રની ઉપમાનો ઉપયોગ થાય છે. સુખ પછી દુ:ખ, દિવસ પછી રાત, શિયાળા પછી ઉનાળો, પ્રકાશ પછી અંધકારનું સૃષ્ટિચક્ર અસ્ખલિત ચાલ્યા રાખે છે. એકમાત્ર પરમાત્મા પરમેશ્વર સિવાય અહીં કશું જ શાશ્વત નથી, એની ઊંડાણપૂર્વકની સમજ સુદર્શન ચક્ર થકી પ્રાપ્ત થાય છે.


