- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર રાઇટર-ડિરેક્ટરનો રથ જમીનથી સાત વેંત અધ્ધર ચાલવા લાગતો હોય છે, પણ રાકેશ ઓમપ્રકાશ મહેરા કંઈક જુદી માટીમાંથી બન્યા છે. 'રંગ દે બસંતી' જેવી સુપરહિટ ફિલ્મ આપીને તરત તેઓ ફિલ્મરાઇટિંગનો કોર્સ કરવા ઉપડી ગયા હતા!
તમે એક ડિરેક્ટર-સલલેખક-સહનિર્માતા તરીકે એક અફલાતૂન હિન્દી ફિલ્મ બનાવી હોય, બોક્સ ઓફિસ પર તે હિટ થઈ હોય, ચાંપલા ફિલ્મ રિવ્યુઅરોએ પણ તે વખાણી હોય તો એ તમે શું કરો? તમારી સફળતા એન્જોય કરો, ચારે દિશાઓમાંથી વખાણનો જે ધોધ વહી રહ્યો છે તે છાતી ફૂલાવીને ઝીલ્યા કરો અથવા તો પછી બેગ પેક કરીને કશેક ફરવા ઉપડી જાઓ, રાઇટ? જો તમે રાકેશ ઓમપ્રકાશ મહેરા હો તો આમાંનું કશું જ ન કરો! ૨૦૦૬ની ૨૬ જાન્યુઆરીએ એમના કરીઅરની બીજી ફિલ્મ રિલીઝ થઈ - 'રંગ દે બસંતી'. આમિર ખાન, શર્મન જોશી, માધવન, સિદ્ધાર્થ, સોહા અલી, અતુલ કુલકર્ણી ઇત્યાદિને ચમકાવતી આ અદ્ભુત ફિલ્મ હિન્દી સિનેમામાં સીમાચિહ્નરૂપ ગણાય છે. ફિલ્મ રિલીઝ થતાં જ એકાદ-બે દિવસમાં સ્પષ્ટ થઈ ગયું કે આ ફિલ્મ નથી, આ તો સોનાની લગડી છે!
પહેલું વીકએન્ડ પૂરું થાય તે પહેલાં જ રાકેશ મહેરા અમેરિકાનિવાસી સિડ ફિલ્ડને ફોન જોડે છે. સિડ ફિલ્ડ (જન્મ: ૧૯૩૫, મૃત્યુ: ૨૦૧૩)ને 'ફાધર ઓફ મોડર્ન સ્ક્રીનરાઇટિંગ' એવું બિરુંદ મળ્યું છે. તેમણે ફિલ્મલેખનની કળા સમજાવતાં કેટલાંય પુસ્તકો લખ્યા છે, દેશ-વિદેશમાં ફિલ્મરાઇટિંગ સંબંધિત કેટલાય વર્કશોપ્સ કર્યા છે. દુનિયાભરના કેટલાય ફિલ્મમેકરો-લેખકો ઇવન એક્ટરો એમનાં પુસ્તકો વાંચીને ખૂબ શીખ્યા છે. રાકેશ મહેરા પણ એમાંના એક.
સિડ ફિલ્ડનું કામકાજ એમનાં પત્ની અવિવા સંભાળતાં. રાકેશ મહેરા એમને ફોન જોડીને કહે, 'મારે મિસ્ટર ફિલ્ડ સાથે વાત કરવી છે. મારે એમનો સ્ક્રીનપ્લે રાઇટિંગનો કોર્સ કરવો છે.'
અવિવા કહે, 'જરૂર. શું તમે અહીં લોસ એન્જલસ આવીને કોર્સ કરવા માગો છો? કે પછી ઉનાળામાં વેનિસમાં જે વર્કશોપ થવાનો છે તે અટેન્ડ કરવા ઇચ્છો છો?'
રાકેશ મહેરા કહે, 'હું અમેરિકા આવીને કોર્સ કરીશ, પણ મારે સમૂહમાં નહીં, પણ વ્યક્તિગત, વન-ટુ-વન કોર્સ કરવો છે.'
અવિવા હસીને કહે, 'ભાઈ, સિડ આ રીતે કોઈને પર્સનલ કોચિંગ આપતા નથી. આ એક સ્ટ્રક્ચર્ડ કોર્સ છે, તેની નિશ્ચિત ફી છે. તમારે બેચમાં સૌની સાથે જ કોર્સ કરવો પડે.'
રાકેશ મહેરા કહે, 'પણ તમે સર સાથે વાત તો કરી જુઓ. હું તમને કાલે પાછો ફોન કરીશ.'
બીજા દિવસે ફરી ફોન થયો. અવિવાએ કહ્યું, 'મિસ્ટર મહેરા, સર વ્યક્તિગત કોચિંગ આપવાની ના પાડે છે. મેં આ તમને ગઈ કાલે પણ કહ્યું હતું.'
'તમે પ્લીઝ એક વાર સર સાથે મારી વાત કરાવશો...?' રાકેશ મહેરાએ તંત ન છોડયો.
આખરે સિડ ફિલ્ડ લાઇન પર આવ્યા. રાકેશ મહેરાની વાત એમણે શાંતિથી સાંભળી, પછી કહ્યું, 'બેટા, હું વન-ટુ-વન ટયુશન નથી જ આપતો. જો તારે મારી પાસેથી ફિલ્મ કેમ લખવી તે શીખવું હોય તો મારી રેગ્યુલર બેચમાં બીજાઓની સાથે જ ભણવું પડે.'
'પણ હું તમને પૂરા પૈસા આપું તો?'
સિડ ફિલ્ડ હવે અકળાયા. કહે, 'અરે ભાઈ, તું સમજતો નથી. મારી બેચમાં ૩૦ જણા હોય છે. શું તું મને ૩૦ લોકોની ફી આપીશ?'
રાકેશ મહેરાએ શાંતિથી જવાબ આપ્યો, 'મિસ્ટર ફિલ્ડ, પ્લીઝ ખરાબ ન લગાડતા, પણ મારી હિન્દી ફિલ્મ ઇન્ડિયામાં હમણાં જ બ્લોકબસ્ટર સાબિત થઈ છે, ને મારી ખૂબ પૈસા આવી ગયા છે. હું આ પૈસાને સારા કામમાં વાપરવા માગું છું.'
સિડ ફિલ્ડને ખરેખર નવાઈ લાગી હશે. એમને થયું હશે કે ગજબ છે આ માણસ. ફિલ્મ બનાવતાં પહેલાં નહીં, પણ સુપરહિટ બનાવી લીધા પછી એ પટકથા શી રીતે લખાય તે શીખવા માગે છે!
આખરે તેઓ રાકેશ મહેરાની વાત માન્યા. સાડાચાર-પાંચ મહિના પછી, જૂન ૨૦૦૬માં, રાકેશ મહેરા અમેરિકા પહોંચી ગયા. સિડ ફિલ્ડના ઘરના પ્રાંગણમાં ઊભેલા ગેરેજ અપાર્ટમેન્ટમાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો. સિડ ફિલ્ડ સવારે નીચે ઉતરે તે પહેલાં રાકેશ મહેરાએ બન્ને માટે કૉફી બનાવી રાખી હોય. સાડાનવ થાય એટલે તેમનું કામ શરૂ થાય, જે બપોરના દોઢ વાગ્યા સુધી ચાલે. જતાં પહેલાં સિડ ફિલ્ડ હોમ વર્ક આપતા જાય, જે લંચ પછી દિવસના બાકીના ભાગમાં રાકેશ મહેરા પૂરું કરે. પાક્કી ગુરૂ-શિષ્ય પરંપરા અનુસાર આ
સિલસિલો પૂરા ૨૫ દિવસ સુધી ચાલ્યો.
સિડ ફિલ્ડ એકદમ ભલા માણસ. તેઓ રાકેશ મહેરાના ફક્ત ગુરૂ ન રહ્યા, એમના મિત્ર પણ બન્યા. રાકેશ મહેરાએ એમને પછી ઇન્ડિયા આવવાનું આમંત્રણ આપ્યું, જે એમણે પ્રેમથી સ્વીકાર્યું હતું. મુંબઈમાં લેખકોને એમણે એક માસ્ટરક્લાસ આપ્યો હતો. પછીના વર્ષે 'રંગ દે બસંતી'ને ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી. સિડ ફિલ્ડ હોલિવુડમાં 'રંગ દે બસંતી'ના રીતસર પ્રવક્તા જ બની ગયા હતા. ઓસ્કરના નિર્ણાયકો માટે યોજાયેલાં આ ફિલ્મનાં તમામ સ્ક્રીનિંગ્સમાં તેઓ હાજર રહેતા. આપણી જેમ સિડ ફિલ્ડને પણ 'રંગ દે બસંતી' ખૂબ ગમી હતી. તાજેતરમાં 'રંગ દે બસંતી'એ ૨૦ વર્ષ પૂરાં કર્યાં તે નિમિત્તે એક પોડકાસ્ટમાં રાકેશ મહેરાએ આ વાતો શેર કરી હતી.
'રંગ દે બસંતી'નો અફલાતૂન સ્ક્રીનપ્લે રાકેશ મહેરા અને રેન્સિલ ડી' સિલ્વાએ સંયુક્તપણે લખ્યો છે. કેટલાં બધાં એલીમેન્ટ્સ છે આ ફિલ્મમાં. એક તરફ ભગતસિંહ અને એમના સાથી સ્વાતંત્ર્યસેનાનીઓની વાત ચાલે છે, તો બીજી બાજુ વર્તમાનમાં કોલેજ કેમ્પસમાં ધમાલમસ્તી કરતા જુવાનિયાઓનું ટોળું દિશાહીન ઘુમી રહ્યું છે. અત્યંત કલ્પનાશીલ રીતે આ બન્ને જૂથો એકબીજામાં ધીમે ધીમે સમરસ થતાં જાય છે. શું આઝાદ ભારતમાં યુવાનો પર કશી જવાબદારી નથી? શું એમણે માત્ર ફરિયાદો જ કરવાની છે? અથવા વિદેશ નાસી જવું છે? એવાં કયાં સાર્થક કામો છે જે તેમણે ભારતની ધરતી પર રહીને કરવાં જોઈએ? ૧૯૪૭ પહેલાં દમનકારી અંગ્રેજો હતા, તો ૧૯૪૭ પછી ભ્રષ્ટ નેતાઓ આવી ગયા. એમની ચુંગાલમાંથી દેશને શી રીતે છોડાવીશું? આ ફિલ્મમાં ફાઇટર પાઇલટ બનેલા માધવનનો એક યાદગાર ડાયલોગ છે: 'કોઈ દેશ પરફેક્ટ હોતો નથી, દેશને પરફેક્ટ બનાવવો પડે છે...' આપણે જોકે કહેવું પડશે કે 'રંગ દે બસંતી' એક પરફેક્ટ ફિલ્મ છે. તે મનોરંજક છે અને સાથે સાથે અર્થગંભીર પણ છે. એક-બે દાયકામાં માંડ આવી એકાદ સાર્થક ફિલ્મ આપણને મળતી હોય છે.
સિડ ફિલ્ડ પાસે પાછા ફરીએ. ફિલ્મલેખનના જે મુખ્ય સિદ્ધાંતો એમણે રાકેશ મહેરા સહિત એમના અસંખ્ય વિદ્યાર્થીઓને શીખવ્યા છે તે કંઈક આ પ્રમાણે છે:
(૧) દરેક ઉત્તમ પટકથા થ્રી-એક્ટ સ્ટ્રક્ચર અથવા કહો કે ત્રણ અંક ધરાવતા માળખાને અનુસરે છે: એક છે શરૂઆત (સેટ-અપ), બીજું, પાત્રો કે પરિસ્થિતિઓનો સંઘર્ષ (કોન્ફ્લિક્ટ), અને ત્રીજું, ઉકેલ (રિઝોલ્યુશન).
(૨) પહેલા અને બીજા અંક (એક્ટ)ના અંતે સ્ટોરીમાં કશોક નવો નાટયાત્મક વળાંક આવવો જોઈએ.
(૩) પાત્રની અસલી તાસીર તેની એક્શન દ્વારા, એ શું કરે છે તેના દ્વારા પ્રગટ થાય છે, માત્ર ડાયલોગ્ઝ કે ખુલાસા કે પાત્રના મનોવિજ્ઞાન દ્વારા નહીં.
(૪) દરેક દ્રશ્ય વાર્તામાં કશુંક ઉમેરો કરતું હોવું જોઈએ. પ્રત્યેક સીનને કારણે સ્ટોરીમાં કાં તો કશુંક બદલાતું હોવું જોઈએ, અથવા તો જે સંઘર્ષની જે સ્થિતિ પહેલેથી બનેલી છે તે આગળ વધવી જોઈએ. જો જે-તે સીનમાં આ બેમાંથી કશુંય થતું ન હોય તો તે નકામો જાણવો.
(૫) ફિલ્મની વાર્તામાં એક કેન્દ્રીય પ્રશ્ન હોવો જોઈએ કે જે પ્રેક્ષકોને લાગણીના સ્તરે જોડી રાખે.
(૬) એક્ટ-ટુમાં સંઘર્ષ વધારે તીવ્ર બનવો જોઈએ, વધારે વસ્તુઓ દાવ પર લાગવી જોઈએ. અહીં માત્ર અગાઉની પરિસ્થિતિનું રિપીટીશન થતું રહે તે પૂરતું નથી.
(૭) સિનેમા એક વિઝ્યુઅલ માધ્યમ છે, તેથી દ્રશ્યો અને પાત્રોનાં વર્તન દ્વારા જ વાર્તા આગળ વધવી જોઈએ, વિચારો દ્વારા નહીં.
સિડ ફિલ્ડે લખેલાં 'સ્ક્રીનપ્લે: ધ ફાઉન્ડેશન ઓફ સ્ક્રીનરાઇટિંગ', 'ધ સ્ક્રીનરાઇટર્સ વર્કબુક', 'ગોઇંગ ટુ ધ મૂવીઝ' જેવાં અંગ્રેજી પુસ્તકો દરેક સિનેમાપ્રેમીની પર્સનલ લાઇબ્રેરીમાં હોવા જોઈએ. યાદ રહે, સિડ ફિલ્ડના સિદ્ધાંતો પથ્થરની લકીર નથી. એવી કેટલીય ઉત્તમ ફિલ્મો છે, જેણે સ્ક્રીનપ્લે રાઇટિંગના પ્રચલિત નિયમોને તોડીફોડી નાખ્યા છે. સિડ ફિલ્ડના સિદ્ધાંતો હવે જૂનવાણી થઈ ગયા છે તેવું માનનારો એક વર્ગ પણ છે, ભલે, પણ ફિલ્મનિર્માણની પ્રક્રિયાને ગંભીરતાથી સમજવા માગતા શોખીનોએ પ્રારંભમાં સિડ ફિલ્ડને જરૂર વાંચવા જોઈએ. 'સ્ક્રીનરાઇટર્સ ઓન સ્ક્રીનરાઇટિંગ' (જોએલ એન્જલ), 'સ્ટોરી' (રોબર્ટ મેક્કી) અને 'ક્રિયેટિવ રુલ્સ: રાઈટર્સ વર્કશોપ' (જોન વોરહૉસ) જેવાં પુસ્તકો પણ જોરદાર છે. વાંચજો.
શો સ્ટોપર
હિન્દી સિનેમા જોઈને હવે એવું લાગે છે કે જાણે મેડમ તુસાદના મ્યુઝિયમમાં પ્લાસ્ટિકનાં પૂતળાં મૂક્યાં હોય.
- પ્રકાશ રાજ, (દક્ષિણ ભારતીય ફિલ્મોના કેરેક્ટર એક્ટર)


