Get The App

તેનો બગીચો વેરાન કરી દીધો .

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
તેનો બગીચો વેરાન કરી દીધો                                 . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- નાસ્તા-પાણીનો કાર્યક્રમ પૂરો થયા બાદ કૌસ્તુભ તૈયાર થઈને મિત્રોની મહેફિલ માટે નીકળી પડયો અને દિવ્યા પોતાની કહેવાતી વ્યસ્તતામાં ખોવાઈ ગઈ

'દિવ્યા હું ચાલવા જાઉં છું. મારે આવતા કદાચ થોડું મોડું થશે. તને ભુખ લાગે તો તારી રીતે ચા-નાસ્તો કરી લેજે. હું આવીને કરી લઈશ.' - કૌસ્તુભે ઘરની બહાર નીકળતા પહેલાં બુમ પાડી.

'સારું.' - દિવ્યાએ કહ્યું અને કૌસ્તુભ ઘરની બહાર નીકળી ગયો. દિવ્યા પોતાના રૂટિન પ્રમાણે અખબાર લઈને પોતાના હિંચકા ઉપર ગોઠવાઈ અને ધીમે ધીમે ઝુલતી રહી અને જાતભાતના સમાચાર વાંચતી રહી.

કૌસ્તુભ અને દિવ્યાના જીવનનો આ રોજિંદો વ્યવહાર હતો. કૌસ્તુભ દરરોજ સવારે તેના ઘરની પાસે આવેલા બગીચામાં ચાલવા જતો. દિવ્યા ત્યાં સુધી અખબાર વાંચતી. ત્યારબાદ કમલી આવતી અને ચા-નાસ્તો બનાવતી. બંને સાથે બેસીને ચા-નાસ્તો કરતા. ત્યારબાદ કૌસ્તુભ નિત્યક્રિયાઓ પૂરી કરીને તૈયાર થતો અને ત્યાં સુધીમાં ટિફિન તૈયાર થઈ જતું. કૌસ્તુભ ટિફિન લઈને દુકાને જતો રહેતો. દિવ્યા પોતાના નિરસ રૂટિનમાં જોડાઈ જતી. મોટાભાગનો સમય ઉદાસ ચહેરે હિંચકા ઉપર બેસી રહેવું અથવા તો સ્ટડી રૂમમાં ભરાઈને કોઈને કોઈ પુસ્તક વાંચવાનો પ્રયાસ કરવો.

દિવ્યાનું મન બીજે જ ક્યાંક ફરતું હતું. તેના વિચારો બીજા કોઈની આસપાસ ફરતા હતા. કૌસ્તુભ સાથે તે સદેહે રહેતી હતી પણ છેલ્લાં એક દાયકામાં તેનું મન ક્યારેય કૌસ્તુભ સાથે જોડાયું નહોતું. કૌસ્તુભ પણ આ વાત ખૂબ જ સારી રીતે જાણતો હતો. તેણે ક્યારેય દિવ્યાને કોઈ દબાણ કર્યું નહોતું. તેણે ઉપરથી દિવ્યાને આગળ ભણાવી અને વૈચારિક રીતે સમૃદ્ધ થવા વાંચનનો શોખ કેળવવા પ્રોત્સાહિત કરી હતી. ક્યારેક દિવ્યા પોતાના ભાઈ-ભાભીને મળવા જઈ આવતી. ક્યારેક હવાફેર કરવા કૌસ્તુભ પણ તેની સાથે સુરત આવી જતો.

એક રવિવારે સવારે કૌસ્તુભ મોર્નિંગ વોકનું રૂટિન પૂરું કરીને આવ્યો ત્યારે દિવ્યા પોતાના અખબારમાં વ્યસ્ત હતી. કૌસ્તુભ આવ્યો અને બીજું અખબાર લઈને પાસે પડેલી આરામ ખુરશીમાં ગોઠવાયો. થોડીવારમાં કમલી ચા-નાસ્તો લઈને આવી. કૌસ્તુભ અને દિવ્યાએ અખબારો બાજુએ મુક્યા અને ચા-નાસ્તા ઉપર ફોકસ કર્યું. કૌસ્તુભે માત્ર એક જ પરોઠું લીધું અને ચાનો કપ લઈ લીધો.

'નાસ્તો ઓછો લીધો આજે.' - દિવ્યાએ કહ્યું.

'હા. આજે બગીચામાંથી બહાર નીકળતા સૂપ પીધું હતું. બપોરે દેવેન્દ્રને ત્યાં જમવા જવાનો પ્લાન છે. જો નાસ્તો કરીશ તો દેવેન્દ્રને ત્યાં ન્યાય નહીં આપી શકાય. ઘણા વખતે અમે મિત્રો ભેગા થવાના છીએ. દેવેન્દ્રની પત્ની નિર્મળા સરસ પુરણપોળી, કઢી અને રિંગણનું શાક બનાવે છે. અમને બધાને આજે જલસો પડવાનો છે.' - કૌસ્તુભે કૃત્રિમ સ્મિત કરતા કહ્યું.

'કમલી, પરોઠા થોડા વધારે બનાવી દેજે તો આપણા બંનેને લન્ચમાં ચાલી જાય. શેઠ આજે જમવાના નથી તો બીજી કોઈ તૈયારી કરતી નહીં. રાત માટે સાંજે વિચારીશું.' - દિવ્યાએ બુમ મારીને કહ્યું અને ચા-નાસ્તો કરવા લાગી.

કૌસ્તુભને ક્યારેય સમજાયું નહોતું કે, દિવ્યાનો વ્યવહાર કેમ આવો છે. તેના મનમાં એવું તો શું ભરાયેલું છે જે વ્યક્ત થઈ શકતું નથી અને તેને અંદર પણ રહી શકતું નથી. તેણે ક્યારેય સવાલ કરવાની હિંમત કરી નહોતી કે તેને ઈચ્છા પણ થઈ નહોતી. બીજી તરફ દિવ્યા પોતાના ભૂતકાળને છોડી શકી નહોતી અને વર્તમાનમાં ગોઠવાઈ શકી નહોતી. તેના મનમાંથી ક્યારેય વિવેક ખસ્યો જ નહોતો. તેણે સતત વિવેક અને કૌસ્તુભની સરખામણી જ કરી હતી. 

નાસ્તાપાણીનો કાર્યક્રમ પૂરો થયા બાદ કૌસ્તુભ તૈયાર થઈને મિત્રોની મહેફિલ માટે નીકળી પડયો અને દિવ્યા પોતાની કહેવાતી વ્યસ્તતામાં ખોવાઈ ગઈ. આ દરમિયાન બપોરે તેના ભાઈનો ફોન આવ્યો.

'દિવ્યા, ગુરુવારે મામાના ઘરે કંકોત્રી લખવાની છે. તને અનુકુળ હોય તો આવી જા. અઠવાડિયું રોકાજે. બનેવીને પણ પૂછી જોજે.' - દિવ્યાના ભાઈએ કહ્યું.

'હું ચોક્કસ આવીશ. આમેય ઘણો સમય થયો. કૌસ્તુભની ખબર નથી પણ હું આવતીકાલે જ આવી જઈશ.' - દિવ્યાએ જવાબ આપીને ઔપચારિક વાતો કરીને ફોન મૂક્યો અને કૌસ્તુભ ઘરે આવ્યો.

'ગુરુવારે મામાના ઘરે કંકોત્રી લખવાની છે. ભાઈ આપણને બોલાવતા હતા.' - દિવ્યાએ કહ્યું.

'તું જઈ આવ. બને તો અઠવાડિયું રોકાજે. મારે પટેલ સાથે તમિલનાડુ જવાની ગણતરી છે. થોડું ધંધાનું કામ કરી આવું. હું તને પૂછવાનો જ હતો કે, મારે આવતા વીકમાં જવું છે તો તને પણ ઘરે જવું હોય તો જઈ આવ.' - કૌસ્તુભે કહ્યું. 

'સારું. હું કાલે સવારે જ ટ્રેનમાં જતી રહીશ. સોમવારે જ પાછી આવીશ. તમારું કેમનું છે.' - દિવ્યા બોલી.

'હું પટેલને ફોન કરીને કહી દઉં છું કે, કાલની જ ફ્લાઈટ લઈ લે તો અમે પણ અઠવાડિયામાં કામ પતાવી આવીએ.' - કૌસ્તુભ એટલું કહીને રૂમની બહાર નીકળ્યો. દિવ્યાએ ત્યાં સોફા ઉપર જ લંબાવી દીધું.

બીજા દિવસે બંને પોતાના નિયત સ્થાને જવા નીકળી ગયા. દિવ્યા સુરત પહોંચી ગઈ. તેના મનમાં એક જ ઈચ્છા હતી કે, જો વિવેક મળી જાય અથવા તો તેના કોઈ સમાચાર મળી જાય તો થોડી રાહત થાય. એક દાયકાથી તેના કોઈ સમાચાર નથી. દિવ્યા આ મનોમંથનમાં બે દિવસ તો રહી પણ બુધવારથી મામાના ઘરના આંટાફેરા શરૂ થઈ ગયા. ગુરુવારે પ્રસંગ પણ આટોપાઈ ગયો. શનિવારે સાંજે ભાઈ અને ભાભી બહાર જતા હતા ત્યારે તેમણે દિવ્યાને સાથે આવવા કહ્યું. દિવ્યાએ ના પાડી દીધી. તે ઘરે આરામ કરવા જ રહી.

તે પોતાની જૂની ગમતી જગ્યા એટલે કે બગીચાના ખુણામાં બનાવેલા સ્ટડી રૂમની બારીએ બેસીને તાપી નદીને જોયા કરતી. આજે પણ તેમના બંગલામાંથી તાપી નદી દેખાતી હતી. 

કલાક જેવું પસાર થયું હશે ત્યાં ઘરનો ડોરબેલ રણક્યો. તે કમને  દરવાજો ખોલવા આવી. દરવાજો ખોલતા જ તે થીજી ગઈ. તેની સામે વિવેક ઊભો હતો. 

'વિવેક તું. અહીંયા અચાનક.' - દિવ્યા બોલી પડી.

'ભાઈ અને ભાભી ક્યાં છે. હું તો મારા દીકરાની જનોઈની કંકોત્રી આપવા આવ્યો છું. તું ક્યાંથી ભુલી પડી અહીંયા.' - વિવેક ડ્રોઈંગરૂમમાં ખુરશીમાં ગોઠવાતા કહ્યું.

'મામાના ઘરે પણ કંકોત્રી લખવાની હતી એટલે આવી હતી. તું ક્યાં છે, તારા કોઈ સમાચાર નથી.' - દિવ્યા ઉત્સાહ સાથે બોલી.

'હું પરિવાર સાથે વલસાડ સેટ થઈ ગયો છું. અહીંયાની દુકાન નાનો ભાઈ ચલાવે છે. વલસાડની દુકાન મારી વાઈફ ચલાવે છે અને હું હોલસેલ સંભાળું છું. ભગવાનની દયાથી સુંદર પત્ની અને બે બાળકો છે. દીકરો નવ વર્ષનો થયો એટલે તેને યજ્ઞાોપવિત સંસ્કાર આપવાના છે. દીકરી હજી નાની છે. તું કેમ સાવ ઘરડી થઈ ગઈ છે. તારું શરીર તો જો સાવ લેવાઈ ગયું છે. પરિવારમાં બધું બરાબર તો છે ને.' - વિવેક બોલ્યો.

'વિવેક તને કોઈ ફરક પડયો નથી કે આપણા લગ્ન ન થયા. તું મને સાવ ભુલી ગયો.' - દિવ્યાએ કહ્યું.

'દિવ્યા હું તને યાદ રાખીને શું કરતો. તારા પપ્પાનો નિર્ણય બદલાય એવો નહોતો. મારી મમ્મી પણ માને તેમ નહોતી. તેથી મેં નિયતીને સ્વીકારી લીધી અને તેની સાથે તાલમેલ સાધીને જીવવા લાગ્યો. આજે ઘણો ખુશ છું. એ બધું ઠીક છે. આવતા મહિને સુરત આવે તો પ્રસંગમાં ચોક્કસ આવશે. તારા વરને પણ લેતી આવજે. હું જાઉં છું. મારે સોસાયટીમાં બે-ત્રણ ઘરે જવાનું છે.' - વિવેક એટલું કહીને ઊભો થઈને જતો રહ્યો. દિવ્યા આઘાત સાથે તેને જોતી રહી.

તે રાત્રે દિવ્યા બેફામ રડી. તેને સમજાયું કે, જેના માટે તેણે પોતાના જિંદગીનો એક દાયકો શુષ્ક બનીને પસાર કરી દીધો તેની પોતાની લીલી વાડી છે. જે માણસે મારી શુષ્કતાને સ્વીકારીને પોતાનો ભયોભાદર્યો બગીચો વેરાન કરી નાખ્યો અને છતાં તે કોઈ સવાલ કરતો નથી. હવે તે બસ સોમવારની રાહ જોવા લાગી. 

સોમવારે સવારે ટ્રેનમાં ગોઠવાઈ અને ઘરે પહોંચી ગઈ. રાત્રે કૌસ્તુભ તમિલનાડુથી ઘરે આવ્યો અને દરવાજો ખોલ્યો ત્યાં દિવ્યા દોડીને તેને ભેટી પડી. 

'કૌસ્તુભ મને માફ કરી દે. મેં તારી જિંદગીના ૧૦ વર્ષ ખરાબ કરી નાખ્યા. મારા કારણે તારે ઘણું સહન કરવું પડયું.' - દિવ્યાએ કહ્યું.

'મારે તારી માફી નથી જોઈતી. તારા મનમાં રહેલી દ્વિધાનું જો સમાધાન થઈ ગયું હોય અને તું પોતાની જાતને પાછી મળી ગઈ હોય તો મને વધારે આનંદ છે. જે ગયું તેને ભુલીને નવી જિંદગી શરૂ કરીશું. બોલ કેરળ ફરવા જવું છે.' - કૌસ્તુભે કહ્યું.

'તમને કેવી રીતે ખબર કે મને કેરળ ગમે છે.' - દિવ્યા એટલું બોલી અને ફરી કૌસ્તુભને વળગી પડી.