Get The App

એશિયામાં ડંકો વગાડનારી સાઈક્લિસ્ટ

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
એશિયામાં ડંકો વગાડનારી સાઈક્લિસ્ટ 1 - image

- ત્રિયાશા પોલ  : અનેક વિઘ્નોને પાર કરીને 

- Sports  ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- કોલકાતામાં જન્મેલી ત્રિયાશા પોલે રાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો જીતવાની સિદ્ધિ મેળવવાની સાથેે વૈશ્વિક સ્પર્ધામાં પણ કમાલ કરી દેખાડયો

જ્યારે કોઈ પણ મુખ્ય ધારાથી અલગ થઈને નવો ચિલો ચિતરવાનું શરુ કરે છે, ત્યારે તેની સામે અનેક અકલ્પિત પડકારો ઉભા હોય છે. ભવિષ્યની અનિશ્ચિતતા અને વર્તમાનની વિકટ સ્થિતિ છતાં પણ કંઈક પામી લેવાનો પ્રયાસ જ્યારે ખરા દિલથી કરવામાં આવે ત્યારે નવી રાહનું સર્જન થઈ જ જાય છે. થોડી હિંમત અને અથાગ મહેનત કરવાનો ઈરાદો ધરાવનારને મદદ કરનારો હાથ પણ મળી રહે છે. આવી જ નાની-મોટી મદદ થકી જે કેડી કંડારાય છે, તે જ આગળ જતાં સફળતાનો રાજ માર્ગ બની જાય છે અને તેના પર આગળ વધવું અનેક અનુગામીઓ માટે આસાન બની રહે છે. 

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટેત્તર રમતોનું ચલણ વધ્યું છે. જોકે અન્ય રમતોમાં પણ સાવ હાંસિયામાં જોવા મળતી સાઈક્લિંગની રમતની જનમાનસમાં ઓળખ સાવ નહીવત્ છે, તેમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. છેલ્લા કેટલાક સમયથી મેટ્રો શહેરોમાં સાઈક્લિસ્ટોના સમૂહોમાં વધારો થઈ રહ્યો છે, પણ સાઈક્લિંગને એક રમત તરીકે પસંદ કરીને આગળ વધનારા એથ્લીટ્ની સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. આમ છતાં તેઓ ઉજ્જવળ આવતીકાલની આશાની સાથેે સાઈકલના પેડલની જેમ પોતાની કારકિર્દી અને જિંદગીને આગળ ધપાવતા રહે છે. 

આંતરરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ બાદ ભારતીય સાઈક્લિસ્ટ તરીકેની ઓળખ ધરાવતી ત્રિયાશા પોલને ભારતીય રમત જગતમાં અને સામાન્ય ચાહકોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે સંઘર્ષ કરી રહી છે. ૨૩ વર્ષની ત્રિયાશાએ તમિલનાડુના ચેન્નાઈમાં યોજાયેલા ટ્રેક એશિયા કપ ૨૦૨૬માં તેણે મહિલાઓની એલિટ કિરિન ઈવેન્ટમાં જબરજસ્ત દેખાવ કરતાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. એશિયન સ્તરની સ્પર્ધામાં ત્રિયાશાનો આ  એશિયન ચેમ્પિયનશિપનો બીજો ચંદ્રક અને પહેલો સુવર્ણ ચંદ્રક હતો. તેણે ઈન્ડોનેશિયા, કઝાખસ્તાન તેમજ ઉઝબેક હરિફોને મહાત આપીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. 

સાઈક્લિંગમાં બે પ્રકારની સ્પર્ધાઓ યોજાતી હોય છે. ભારતમાં મોટાભાગે રોડ સાઈક્લિંગની ઈવેન્ટ વધુ પ્રચલિત છે. જ્યારે બીજા પ્રકારની સ્પર્ધા વેલોડ્રોમમાં આયોજીત થાય છે. જે એક પ્રકારનું ઈન્ડોર સ્ટેડિયમ હોય છે, જેમાં લંબગોળાકાર ટ્રેકમાં સાઈકલિસ્ટો સ્પર્ધા કરે છે અને તેની સરફેસ ઢળતી હોય છે. ત્રિયાશાએ કિરિનની ઈવેન્ટમાં આ સફળતા મેળવી છે. કિરિનમાં એક સાઈકલિસ્ટને સૌથી આગળ રાખવામાં આવે છે, જે સ્પર્ધાનો ભાગ હોતો નથી, પણ તે તમામની આગેવાની કરે છે અને આખરી લેપ પહેલા તે ખસી જાય છે અને તમામ સાઈક્લિસ્ટો વચ્ચે આખરી લેપમાં પૂરઝડપે રેસ યોજાય છે અને આખરે વિજેતાનો નિર્ણય લેવાય છે.

ત્રિયાશાએ કિરિનની એલિટ સ્પર્ધકોની રેસમાં સુવર્ણ સફળતા મેળવી લીધી હતી. તેણે સાઈક્લિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ચંદ્રકો જીતવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સાઈક્લિંગમાં તેણે છેલ્લા સાત વર્ષથી આગવો દબદબો સ્થાપિત કરતાં ટોચના ત્રણ ખેેલાડીઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. નેશનલ ગેમ્સમાં પણ તેણે ચંદ્રકો જીતવાનો સિલસિલો આગળ ધપાવ્યો છે, જેના કારણે રાષ્ટ્રીય સ્તરે તો તેણે દેશના એલિટ સાઈક્લિસ્ટમાં સ્થાન જાળવી રાખ્યું છે. સફળતાને એક વખત હાંસલ કરી લેવી એ અલગ બાબત છે, પણ ટોચ પર પહોંચ્યા બાદ ત્યાં લાંબા સમય સુધી ટકી રહેવુું આસાન હોતું નથી. જોકે ત્રિયાશાએ આવી વિરલ સફળતા માત્ર સખત મહેનત અને ખંતને સહારે હાંસલ કરી બતાવી છે. 

ત્રિયાશાનો જન્મ પશ્ચિમ બંગાળના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. નદિયા જિલ્લામાં આવેલા મદનપુરમાં જન્મેલી ત્રિયાશાના પિતા ત્રિદિબ કુમાર પોલ પોતાનું ગેરેજ ચલાવતા. તેઓ ખુદ એક જમાનામાં અચ્છા ફૂટબોલર રહી ચૂક્યા હતા અને તેમના  પિતા એટલે ત્રિયાશાના દાદા મદુસુદન પોલ પણ ફૂટબોલર હતા. તેઓએ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લઈને ચંદ્રકો જીત્યા હતા અને તેના જ કારણે તેઓને ભારતીય રેલવેમાં નોકરી મળી હતી. આ કારણે ત્રિયાશા પહેલેથી રમતગમત તરફ આકર્ષાયેલી. ઘરના ડ્રોઈંગ રુમમાં પિતા અને દાદાની ટ્રોફીઓની ચમક તેની આંખોમાં સ્વાભાવિક રીતે જ અંજાયેલી અને આ કારણે તે શરુઆતમાં ફૂટબોલ રમતી અને ત્યાર બાદ તેણે એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરુ કર્યું હતુ.

રોજ સવારે ત્રિયાશા તેના પિતા ત્રિદિબ સાથે મદનપુરમાં આવેલી નેતાજી સાંઘા કલબમાં એથ્લેટિક્સની પ્રેક્ટિસ કરવા જતી અને આ દરમિયાન જ તેની મુલાકાત જીબેેષ ઘોષ સાથે થઈ, જે અગાઉ નેશનલ ગેમ્સમાં સાઈક્લિંગની ઈવેન્ટમાં ભાગ લઈ ચૂક્યા હતા. તેમણે ત્રિયાશાને સાઈક્લિંગની રમતમાં ભાગ્ય અજમાવવાની સલાહ આપી. આ સાથે ૧૫ વર્ષની ત્રિયાશાએ સાઈક્લિંગ શરુ કર્યું. ત્રિયાશાએ એથ્લીટ તરીકે સફળતા મેળવવા માટે કરેલી સખત મહેનતનું ફળ તેને સાઈક્લિંગમાં મળ્યું અને કોલકાતાની ્રટ્રાયલ્સમાં તેની પસંદગી થઈ ગઈ. આ પછી દિલ્હીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સાઈક્લિંગની પસંદગી ટ્રાયલ્સમાં પણ તેેણે બીજું સ્થાન મેળવ્યું.

કુમળી વયે સાઈક્લિસ્ટ બનવાના સપના સાથે ત્રિયાશા દિલ્હીના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટર ખાતે પહોંચી,જ્યાં કોચ ચિંતામણી દેશમુખના માર્ગદર્શનમાં તેની રમતમાં ઝડપથી નિખાર આવવા માંડયો. આથક મુશ્કેલીઓ અને સંઘર્ષ વચ્ચે પણ ત્રિયાશાએ તેની પ્રેક્ટિસમાં કોઈ પણ જાતની કચાશ ન રાખી અને રાષ્ટ્રીય સ્પર્ધામાં ચંદ્રકો જીતવાની શરુઆત કરી. રાષ્ટ્રીય સાઈક્લિંગમાં આગવી સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા છતાં ત્રિયાશાને બંગાળની સરકાર તરફથી કોઈ પ્રકારની સહાયતા ન મળી.

રાષ્ટ્રીય સ્તરે બંગાળનું નામ રોશન કરનારી ત્રિયાશાએ આ બાબતનો ખુબ જ રંજ હતો. સાઈક્લિંગની જેવી ખર્ચાળ રમતમાં ટકી રહેવા માટે તેણે પરિવારના ગાંઠના નાણાં ખર્ચીને આગળનો કપરો પ્રવાસ જારી રાખ્યો. આખરે તેણે દિલ્હી તરફથી ભાગ લેવાનું શરુ કર્યું, જ્યાં તેને સારી એવી આર્થિક મદદ પણ મળવા માંડી. દરમિયાનમાં સાઈક્લિંગની સિદ્ધિઓને સહારે તેને રેલવેમાં નોકરી મળી. 

એશિયન સ્પર્ધાઓમાં કાંસ્ય અને સુવર્ણ ચંંદ્રક જીતનારી ત્રિયાશાએ કિરિન ઈવેન્ટમાં વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં શાનદાર દેેખાવને પરિણામે તેની આર્થિક મુશ્કેલીઓ પણ ઓછી થઈ. હવે તેનું લક્ષ્ય આગામી સમયમાં વૈશ્વિક સ્પર્ધામાં ચંદ્રક જીતીને દેશમાં સાઈક્લિંગની રમતને આગવું ગૌરવ અપાવવા તરફ છે.'