Get The App

પ્રબળ જિજ્ઞાસા શોધ બની ! .

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
પ્રબળ જિજ્ઞાસા શોધ બની !                             . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- પૂજા સ્કૂલેથી છૂટીને ઘરે તો ગઈ, પરંતુ તેના મન પર સમસ્યાની ધૂળ ચોંટી ગઈ. એણે પોતાની જાતને પ્રશ્ન કર્યો કે આ અંગે કંઈ થઈ શકે ખરું ?

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના સિરૌલી ગોસપુર બ્લૉકના દલાઈપુરવામાં રહેતી પૂજા પાલ અગેહરા સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ઘઉંની કાપણીની ઋતુ આવે ત્યારે થ્રેસર મશીનનો સતત અવાજ આવતો હોય. એક વખત એવું બન્યું કે બપોરે તેના ક્લાસરૂમમાં ધૂળ અને ભૂસાના બારીક કણોને લીધે વિદ્યાર્થીઓ ઉધરસ ખાવા લાગ્યા, કેટલાકને માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું. ભણાવવાનું અટકાવી દેવું પડયું. ગામડાંઓમાં કૃષિક્ષેત્રમાં અનાજના થ્રેસર મશીનને કારણે સતત ધૂળ ઊડતી હોય છે અને તેને કારણે ખાંસી, એલર્જી અને શ્વાસને લગતા રોગ થતા હોય છે. ખાસ કરીને બાળકો અને ખેતરમાં કામ કરતા મજૂરોને !

પૂજા સ્કૂલેથી છૂટીને ઘરે તો ગઈ, પરંતુ તેના મન પર સમસ્યાની ધૂળ ચોંટી ગઈ. એણે પોતાની જાતને પ્રશ્ન કર્યો કે આ અંગે કંઈ થઈ શકે ખરું ? બીજા દિવસે એણે પોતાના વિજ્ઞાન શિક્ષક રાજીવ શ્રીવાસ્તવને પ્રશ્ન કર્યો. તેના શિક્ષક પૂજાની પ્રતિભાને જાણતા હતા, કારણ કે તે હંમેશાં જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્નો પૂછતી હતી. દરેક બાળકમાં અલગ ગુણ હોય છે જેને ઓળખીને પ્રગટ કરવાનું કામ શિક્ષકનું હોય છે. રાજીવ શ્રીવાસ્તવે તેને કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ કાગળ પર નહીં, પરંતુ ગ્રાઉન્ડ પર જઈને વિચારવો પડે. પૂજાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે કેટલોક જૂનો નકામો સામાન ઘરમાંથી એકઠો કર્યો અને કેટલોક નવો ખરીદ્યો. એમાંથી થ્રેસર મશીન બનાવવાનું ચાલુ કર્યું. અનેક પ્રયત્ન અને ભૂલો પછી તેણે ભૂસા અને ધૂળને છૂટા પાડે તેવું ધૂળરહિત થ્રેસર મશીનનું પ્રોટોટાઇપ બનાવ્યું અને તેના શિક્ષકને બતાવ્યું. રાજીવ શ્રીવાસ્તવે એ જોયું અને પારાવાર આશ્ચર્યમાં ડૂબી ગયા. થોડા ફેરફારનું સૂચન કર્યું અને એક નાનું પણ ઉપયોગમાં આવે તેવું થ્રેસર મશીનનું મોડલ બન્યું. આ મશીનમાં ભૂસાના કણો હવામાં ઊડવાને બદલે મશીનની અંદર પાણીના પાત્રમાં એકત્રિત થાય છે, જેનાથી ખેડૂતોના સ્વાસ્થ્યને અને પર્યાવરણને - બંનેને ફાયદો થાય છે. 

નવાઈની વાત તો એ છે કે આને માટે પૂજાના પરિવારને ત્રણ હજારનો ખર્ચ થયો હતો. જે એના પરિવાર માટે ઘણી મોટી રકમ હતી. ગામના લોકો તેની મજાક કરતા હતા. તેને કહેતા કે તે શું કરી રહી છે ? એનાથી શો લાભ થશે ? પરંતુ આટલી નાની ઉંમરમાં પણ પૂજા પોતાના લક્ષ્યને મક્કમતાથી વળગી રહી અને સ્વપ્ન પૂરું કર્યું. તેનું એક કારણ એ પણ છે કે પૂજાને તેના પરિવારનો સંપૂર્ણ સાથ મળ્યો હતો. પિતા પુત્તીલાલ દિહાડી મજૂર છે અને માતા સુનીલા દેવી સ્થાનિક સરકારી સ્કૂલમાં રસોઈ કરવાનું કામ કરે છે. તેમનું ઘર માટી અને ઘાસથી બનેલું છે. વીજળી કે શૌચાલયની વ્યવસ્થા નથી. વર્ષો સુધી કેરોસીનના દીવામાં અને પછી બેટરીથી ચાલતા બલ્બથી અભ્યાસ કરે છે. સાત સભ્યોના આ પરિવારમાં માતા-પિતા હંમેશા તેમનાં બાળકોને કહેતા કે, 'આપણે થોડું ઓછું ખાશું, કરકસર કરીશું, પરંતુ તમારે બધાએ અભ્યાસ કરવો પડશે, કારણ કે તેનાથી જ જીવનમાં આગળ વધી શકાશે.'

ભારતના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી વિભાગ દ્વારા 'ઇન્સ્પાયર' નામનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયો છે, જેનો ઉદ્દેશ યુવા વૈજ્ઞાનિક પ્રતિભાઓને પ્રેરિત કરવાનો છે. આમાં ધોરણ છથી દસ સુધીના વિદ્યાર્થીઓ સ્થાનિક સ્તરે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓનો ઉકેલ મેળવ્યો હોય તેવો વિચાર પ્રસ્તુત કરી શકે છે. તેમાં પસંદગી પામેલાને માર્ગદર્શન અને પ્રોટોટાઇપ બનાવવા માટે આર્થિક સહાય પણ મળતી હોય છે. ત્યારબાદ તેને જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવે છે. પૂજાના વિજ્ઞાન શિક્ષક રાજીવ શ્રીવાસ્તવે આ પરિયોજનામાં થ્રેશર મશીનને મૂકવા માટે માર્ગદર્શન આપ્યું. 

પૂજાના થ્રેશર મશીનની જિલ્લા કક્ષાએ ઍવૉર્ડ માટે પસંદગી થઈ અને ત્યારપછી ૨૦૨૧-૨૨માં રાજ્ય કક્ષાએ તેના માડલની પ્રશંસા થઈ. ૨૦૨૩માં સમગ્ર ભારતમાંથી ૪૪૧ વિદ્યાર્થીઓ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં પોતાના મૉડલ લઈને આવ્યા હતા. તેમાંથી કુલ સાઠ રાષ્ટ્રીય વિજેતાઓમાંથી ઉત્તર પ્રદેશમાંથી એક માત્ર પૂજાના મોડલને પસંદ કરવામાં આવ્યું અને ઇન્સ્પાયર ઍવૉર્ડ મળ્યો. તદ્દન નાના ગામમાં રહેતી પૂજા ઘણી વાર વિચારતી કે જીવનમાં તે પોતે બારાબંકી સુધી પણ પહોંચી શકશે કે કેમ ? ત્યારે તેના આ મૉડલે દિલ્હીથી આગળ જાપાન સુધીની સફર કરાવી. સકુરા સાયન્સ હાઇસ્કૂલ પ્રોગ્રામ ઓફ જાપાન અંતર્ગત તેની પસંદગી કરવામાં આવી. વિશ્વના પસંદગી પામેલા વિજ્ઞાનના વિદ્યાર્થીઓને એક અઠવાડિયા માટે જાપાન લઈ જવામાં આવે છે. ભારતમાંથી ચોપન વિદ્યાર્થીઓ ૨૦૨૫ના જૂન મહિનામાં એક અઠવાડિયા માટે જાપાન ગયા હતા, તેમાં પૂજા પણ હતી. તેણે ત્યાંના વૈજ્ઞાનિકો પાસેથી નવી ટૅક્નૉલૉજી શીખી. ટોકિયોમાં ફરવાની સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ કર્યું. જીવનના એક અવિસ્મરણીય અનુભવ સાથે તે જાપાનથી પાછી ફરી. તેણે પોતાના પરિવારને અને ગામને ગૌરવ અપાવ્યું. આજે તે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. ઘરમાં વીજળી આવી ગઈ છે. ભવિષ્યમાં તે વૈજ્ઞાનિક બનીને સમાજની સેવા કરવા માગે છે.

સ્વપ્નાંની વફાદારી, એ જ જીવન

પિન્ટુ પોહાન કહે છે કે તેમનું પેટ ક્યારેય માછલી-ભાત ખાવાથી નથી ભરાયું, પરંતુ કોઈ અર્થ સાથે જીવન જીવવાથી તે ભરાય છે. 

પાનની દુકાન કે પાનનો ગલ્લો બોલતાંની સાથે જ એક દ્રશ્ય આપણા ચિત્તમાં ઉભરી આવે, પરંતુ આપણે ક્યારેય કલ્પના ન કરી હોય કે પાનની દુકાનમાં પુસ્તકો પણ હોય અને તે પણ તેના માલિક દ્વારા લખાયેલા ! કૉલકાતાના ૪૭ વર્ષના પિન્ટુ પોહાનની કૉલકાતાના રાજા રામમોહનરાય રોડ પર બેહાલા સ્ટ્રીટમાં નાનકડી પાનની દુકાન આવેલી છે. પાનની સાથે તેમણે લખેલાં પુસ્તકો પણ જોવા મળશે. પાન અને ચૂનાની સુગંધ સાથે શબ્દો અને તેમનાં સ્વપ્નાઓનું વિશ્વ જોડાયેલું છે. આજુબાજુ શાકભાજી વેચતા ફેરિયા, બજારમાં પડતી બૂમો અને રીક્ષાના અવાજ વચ્ચે લખવું ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ પિન્ટુ પોહાન કહે છે કે એમણે જે કંઈ લખ્યું છે તે આ નાનકડી દુકાનમાં બજારમાં થતા અવાજ વચ્ચે બેસીને જ લખ્યું છે. 

તેઓ પોતાના બાળપણના દિવસો યાદ કરતા કહે છે કે ૧૯૮૯માં તેમના વિસ્તારમાં પૂર આવેલું ત્યારે તેઓ ચોથા ધોરણમાં અભ્યાસ કરતા હતા. ઘર છોડીને કાકાને ત્યાં થોડા દિવસ રહેવા જવું પડયું. ત્યાં તેમણે ઘરની બહાર ઝાડ નીચે થોડાં પુસ્તકો જોયા જેના પર ધૂળ ચડી ગઈ હતી. તેમણે જોયું તો તે ટૂંકી વાર્તાનાં પુસ્તકો હતાં. એક પછી એક પુસ્તકો વાંચવાં લાગ્યાં અને તેમને લેખક બનવાની ઇચ્છા જાગી. પિન્ટુ બરીશા જનકલ્યાણ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા હતા અને તેમના માતા-પિતા રોજમદાર તરીકે મજૂરી કરતા હતા. તેઓ પણ કંઈક કામ કરતા, જેથી તેમના અભ્યાસનો ખર્ચ પરિવારને ભોગવવો ન પડે. તેઓ પસ્તીવાળા પાસેથી પણ પુસ્તકો મેળવીને વાંચતા હતા. તેઓ જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારે અખબારમાં 'ગીતકાર જોઈએ છે'ની જાહેરખબર વાંચી અને પોતાની લખેલી કવિતાઓ લઈને પહોંચી ગયા. એમાંથી બે ગીત પસંદ થયા અને તેના છસો રૂપિયા આપવાની વાત કરી, ત્યારે એક મિનિટ તો હૃદય ધબકારો ચૂકી ગયું કારણ કે તેમની મહિનાની આવક ત્રણસો રૂપિયા હતી, પરંતુ વાત કરતા જણાયું કે આ કોઈ ફ્રોડ છે !

દસમા ધોરણની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી ૧૯૯૫માં પિતાને અકસ્માત થતા અભ્યાસ છોડવો પડયો. ઘરની જવાબદારી અને કામ સંભાળતા થોડા પૈસા ભેગા કરીને ૧૯૯૯માં તેમણે અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવીને અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ કૉલેજમાં પ્રવેશ તો મેળવ્યો, પણ ફરી પાછી એ જ સમસ્યા. કૉલેજની ફી ભરવા માટે પૈસા ક્યાંથી લાવવા ? કૉલેજ છોડીને જે કામ મળે તે કર્યું. મજૂરી કરી, ફેક્ટરીમાં કામ કર્યું, મદદનીશ તરીકે નોકરી કરી, કોન્ટ્રાક્ટર સાથે ત્રણ મહિના કામ કર્યું અને પૈસા માગ્યા પણ કોઈની ક્યાંયથી મદદ ન મળી. તેથી તેમણે વિચાર્યું કે હવે જાતે જ કંઈક કરવું પડશે. પોતાની પાસેના પંદરસો રૂપિયા હતા. તેમાંથી ૧૯૯૯માં પાનની દુકાન શરૂ કરી. 

પિન્ટુ પોહાને પોતાના જીવનસંઘર્ષનો પડછાયો ક્યારેય તેના સ્વપ્નાં પર પડવા ન દીધો. તેઓ પાનની દુકાનમાં બેસીને પુસ્તકો વાંચતાં અને લખતાં. તેમને જોઈને કેટલાક લોકો તેમની મજાક-મશ્કરી કરીને કહેતા કે રવીન્દ્રનાથ ટાગોરનો અભિનય સારો કરી જાણો છો, પરંતુ તેને તેઓ પ્રશંસાના સ્વરૂપે લેતા અને ખરાબ ન લગાડતા. તેમના કેટલાક લેખો અખબારમાં પ્રકાશિત થતા હતા, પરંતુ તેમને તો લેખક બનવું હતું. ૨૦૦૫માં તેમણે હિન્દીનો ડિપ્લોમા કોર્સ કર્યો. ૨૦૧૨માં સ્નાતકની ડિગ્રી મેળવી અને ૨૦૧૫માં બંગાળી ભાષામાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. ડૉક્ટરે તેમને લાંબા સમય સુધી બેસીને કામ કરવાની ના પાડી અને ચેતવણી આપી કે આવી રીતે કામ કરશો તો મણકાને ઘસારો પહોંચશે અને સ્પોન્ડીલાઇટીસ થઈ જશે, પરંતુ પોતાનાં સ્વપ્નને સાકાર કરવા તેમણે અવિરત મહેનત ચાલુ રાખી.

તેઓ પોતાની પાનની દુકાને બેસીને ગદ્ય અને પદ્યમાં લેખનકાર્ય કરે છે. તેમનાં લખાણો 'આનંદ બઝાર પત્રિકા', 'આનંદમેલા', 'દેશ', 'શુકતારા' જેવા અખબારો અને સામયિકોમાં પ્રકાશિત થાય છે. અત્યાર સુધીમાં દસ પુસ્તકો પ્રકાશિત થયા છે અને બે પુસ્તકો પર કામ ચાલુ છે. ૨૦૧૭માં તેમનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. લોકડાઉન સમયે ફરી કેટલોક સમય મુશ્કેલી પડી, પરંતુ ૨૦૨૦માં બાળવાર્તાનાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં. આ બધાં વર્ષોમાં તેમના પત્ની પુતુલનો તેમને સંપૂર્ણ સાથ મળ્યો છે. તેમની પુત્રીએ કૉલકાતા યુનિવર્સિટીમાંથી ઝૂલોજી વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને હજી આગળ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવે છે. નાનપણથી પુસ્તકો વચ્ચે ઉછરેલી પુત્રીને સાહિત્ય પ્રત્યે લગાવ છે અને પિતા પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે છે.

પિન્ટુ પોહાન કહે છે કે તેમનું પેટ ક્યારેય માછલી-ભાત ખાવાથી નથી ભરાયું, પરંતુ કોઈ અર્થ સાથે જીવન જીવવાથી તે ભરાય છે. ગરીબી ગુનો નથી, પરંતુ જીવન છોડી દેવું કે સ્વપ્નાંને છોડી દેવા તે ગુનો છે. તેઓ કહે છે કે, 'આ પાનની દુકાનમાં જ મારું ઘડતર થયું છે. કોઈ મને પૂછે કે તમે જીવનમાં શું શીખ્યા તો હું કહીશ કે તમે લક્ષ્યાંક સુધી ન પહોંચો તે ખરાબ નથી, પરંતુ તેની સામે લડવાનું બંધ કરી દો તે ખરાબ છે. જીવનમાં હું હજારવાર પાછો પડયો છું, પરંતુ હજી હું લડત આપી રહ્યો છું.' ગરીબી, દુ:ખ, નોકરીમાં નિષ્ફળતા, લાંબો સમય કામ, પોલીસની હેરાનગતિ વચ્ચે ક્યારેય હાર ન માનનાર પિન્ટુ પોહાન એક હાથે લોકોને પાન આપે છે, બીજા હાથે પુસ્તક !