- પ્રણામિ બુચ દેસાઈ
- એક દિવસ બપોરના સમયે કનકપ્રસાદ કંઈક વાચનમાં વ્યસ્ત હતા. એવામાં ડોરબેલ વાગી. તેમણે બારીમાંથી જોયું તો કોઈ ડીલીવરી બોય હાથમાં પાર્સલ લઈને ઊભો હતો
- વિશાલ અને અદિતિ એકબીજા સામે જોઈ જોઈ રહ્યાં. પોતે જે વાત ભૂલી ગયાં હતાં તે વાત અયાનને યાદ હતી.
કનકપ્રસાદ ઘરનાં નાના ગાર્ડનમાં સવારમાં ચાની મોજ માણી રહ્યા હતા. એકના એક દિકરા વિશાલે થોડા સમય પહેલાં જ નવો બંગલો ખરીદ્યો હતો. શહેરની મધ્યમાં આવેલો બે બેડરૂમનો ફ્લેટ હવે તેનો નાનો પડતો હતો. વિશાલનો એકનો એક પુત્ર અયાન પણ હવે મોટો થવા લાગ્યો હતો, તેથી હવે તેઓને થોડી વધારે જગ્યાની જરૂર હતી. બંગલો બધી રીતે મોટો અને સરસ હતો, પરંતુ શહેરથી થોડો દૂર હતો. કનક પ્રસાદ અહીં પુત્ર વિશાલ, પુત્રવધુ અદિતિ અને પૌત્ર અયાન સાથે રહેતા હતા. તેમને પણ આ જગ્યાએ ફાવી ગયું હતું. બંગલો શહેરથી થોડો દૂર હતો. એટલે રોજીંદી જરૂરીયાતની નાની-મોટી વસ્તુઓ, શાકભાજી વગેરે સાવ નજીકમાં મળતું નથી. થોડે દૂર એક માર્કેટ હતી ત્યાં બધું મળી રહેતું. વિસ્તાર પૂરેપૂરો વિકસ્યો નહોતો એટલે વાહન વ્યવહાર પણ પ્રમાણમાં ઓછો. નજીકમાં રીક્ષા કે બસ સ્ટેન્ડ નહીં એટલે ક્યાંય જવા માટે જલ્દીથી વાહન મળે નહીં. વિશાલને પોતાની કાર હતી એટલે બીજી કોઈ મુશ્કેલી પડતી નહીં. અયાન પણ સ્કૂલ બસમાં જતો. માર્કેટ દૂર હોવાથી ઘરની જરૂરીયાતની વસ્તુઓ ઘણી ખરી ઓનલાઈન જ આવી જતી.
નવા વિસ્તારમાં કનકપ્રસાદની બહારની અવર જવર થોડી મર્યાદિત થઈ ગઈ હતી. માર્કેટ ચાલી ને જઈ શકાય એટલી નજીક નહીં, અને રીક્ષા કે બસ પણ તરત ન મળે. ફ્લેટ તો શહેરની મધ્યમાં હતો એટલે જે જોઈએ તે નીચે ઉતરતાં જ મળી જતું. કનકપ્રસાદ રોજ સવારે માર્કેટ જતા અને રોજબરોજની નાની-મોટી વસ્તુઓ, શાકભાજી વગેરે લઈ આવતા. ઘરમાં કોઈ ચીજની જરૂર હોય તો અદિતિ પણ કહેતી કે પપ્પા આજે માર્કેટ જાવ તો આ વસ્તુ લેવાની છે. નિવૃત્ત થયા પછી કનકપ્રસાદનો સમય આ રીતે પાસ થઈ જતો.
નવા બંગ્લોમાં શીફ્ટ થયા પછી કનકપ્રસાદની બહારની પ્રવૃત્તિઓ બંધે થઈ ગઈ હતી. અહીં તેમણે પોતાનું નવું રૂટીન ગોઠવી લીધું હતું. સવારનો સમય પૂજાપાઠમાં અને બાકીનો સમય ઘરનાં નાના-મોટાં કામ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં વીતી જતો. સ્વભાવથી શાંત અને સરળ હોવાથી તેઓ નવી જગ્યાએ પણ જલ્દીથી એડજસ્ટ થઈ ગયા હતા.
આવી જ એક સવારે કનકપ્રસાદ ગાર્ડનમાં ચા પીતા બેઠા હતા. એવાંમાં જ વિશાલ પણ ગાર્ડનમાં આવ્યો અને કનકપ્રસાદને કહ્યું, ''ગુડ મોર્નિંગ પપ્પા'' કનકપ્રસાદે પણ સામું અભિવાદન કર્યું, ''ગુડ મોર્નિંગ બેટા, ઓફીસ જવા માટે તૈયાર ?'' વિશાલે કહ્યું કે હા પપ્પા, થોડો સમય હતો એટલે થયું કે સાથે ચા પીએ. વાત વાતમાં કનકપ્રસાદને યાદ આવ્યું અને તેમણે વિશાલને કહ્યું, ''અરે બેટા, મને હમણાં જ યાદ આવ્યું કે પુજા માટે ઘરમાં અગરબત્તી ખલાસ થઈ ગઈ છે, જો તને સમય રહે તો ઓફિસથી આવતાં તું લેતો આવજે. વિશાલે કહ્યું,''ભલે પપ્પા, હું આવતાં-જતાં લેતો આવીશ.'' ત્યારબાદ વિશાલ ઓફિસ જવા નીકળી ગયો અને કનકપ્રસાદ પણ પોતાના નિત્યક્રમમાં લાગી હતા. ઘરમાં બે-ત્રણ દિવસથી અગરબત્તી ખાલી થઈ ગઈ હતી. કનકપ્રસાદ પૂજા કરતા ત્યારે યાદ આવતું બાદમાં ભૂલાઈ જતું. આજે તેમણે ખાસ યાદ રાખીને વિશાલને અગરબત્તી લાવવા કહ્યું હતું. ફ્લેટમાં હતા ત્યારે તો પોતે રોજ માર્કેટ જતા અને આવી નાની-મોટી વસ્તુઓ લઈ આવતા. નવા વિસ્તારમાં આવ્યા પછી ઘરમાં ઘણી ખરી વસ્તુઓ ઓનલાઈન જ આવી જતી, પરંતુ ક્યારેક આવી નાની ચીજ રહી પણ જતી.''
આ વાતને એક-બે દિવસ થઈ ગયા. સહુ પોતાના નિત્યક્રમમાં વ્યસ્ત હતાં. વિશાળ પણ ઓફિસના કામમાં વ્યસ્ત હતો અને અગરબત્તી લાવવાની વાત સાવ વિસરાઈ ગઈ હતી.
એક સાંજે ઘરનાં બધાં જ સભ્યો ગાર્ડનમાં ચા-નાસ્તો કરતાં બેઠાં હતાં. દિવાબત્તીનો સમય થતાં અચાનક જ કનકપ્રસાદને અગરબત્તી યાદ આવી. તેમણે ફરી એક વખત વિશાલને યાદ અપાવ્યું. વિશાલે પણ કહ્યું, ''હા, પપ્પા, મારાં મગજમાંથી સાવ નીકળી જ ગયું. પણ હું આવતા-જતાં લેતો આવીશ.'' વિશાલે અદિતિને પણ કહ્યું કે તું ઓનલાઈન કંઈ મંગાવે તો તેમાં અગરબત્તી પણ મંગાવી લેજે. અદિતિએ પણ હા પાડી. ફરી થોડા દિવસો વીતી ગયા. બધાં પોતાના નિત્યક્રમમાં એટલાં વ્યસ્ત હતાં કે આવી નાની ચીજ લાવવાનું રહી જ જતું હતું. કનકપ્રસાદ પણ એ વાત સમજતા હતા. એમને થયું કે હશે, આજ નહીં તો કાલ અગરબત્તી આવી જશે, અને દરમ્યાનમાં પોતે પણ ક્યાંય બહાર નીકળશે તો પોતે જ લેતા આવશે.
આ વાતને પણ બે ચાર દિવસ વીતી ગયા. એક દિવસ બપોરના સમયે કનકપ્રસાદ કંઈક વાચનમાં વ્યસ્ત હતા. એવામાં ડોરબેલ વાગી. તેમણે બારીમાંથી જોયું તો કોઈ ડીલીવરી બોય હાથમાં પાર્સલ લઈને ઊભો હતો. કનકપ્રસાદને થયું કે ઘરની કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી હશે. તેમણે પાર્સલ લેવા માટે બારણું ખોલ્યું. ડીલીવરી બોય એ નામ પૂછ્યું, ''કનકપ્રસાદ'' ? કનકપ્રસાદે જોયું તો પાર્સલ પર પોતાનું નામ હતું. આમ તો ઘણી વસ્તુઓના પાર્સલ આવતાં રહેતાં અને મોટા ભાગે વિશાલ કે અદિતિના નામના જ હોય, આજે આવેલાં પાર્સલ પર પોતાનું નામ જોઈને કનકપ્રસાદને થોડું આશ્ચર્ય થયું. ડીલીવરી બોય પાર્સલ આપીને જતો રહ્યો. પોતાના નામથી આવેલાં પાર્સલમાં શું હશે એવું કૂતૂહલ કનકપ્રસાદને થયું. સાંજે જ્યારે વિશાલ આવશે ત્યારે આ પાર્સલ તેને બતાવી દઈશ એવો મનોમન વિચાર કરી કનકપ્રસાદ ફરી વાચનમાં વ્યસ્ત થઈ ગયા.
સાંજે ફરી બધાં સાથે બેઠાં હતા ત્યારે કનકપ્રસાદને પેલું પાર્સલ યાદ આવ્યું. તેમણે વિશાલને કહ્યું, ''બેટા, કંઈ પાર્સલ આવવાનું હતું ?'' ''આજે બપોરે એક પાર્સલ આવ્યું છે અને તે પણ મારા નામથી.'' વિશાલને પણ આશ્ચર્ય થયું. હાલમાં તો કંઈ મંગાવ્યું નથી તો આ પાર્સલ શેનું છે? દરમ્યાનમાં કનકપ્રસાદ પાર્સલ લઈ આવ્યા અને વિશાલના હાથમાં મૂક્યું. વિશાલ પાર્સલ ખોલવા જ જતો હતો ત્યાં અયાન વચ્ચે બોલ્યો, ''અરે પપ્પા, પાર્સલ દાદાજીના નામનું છે તો તેમને જ ખોલવા દો ને.'' વિશાલે પણ કહ્યું કે હા, પપ્પા, તમે જ પાર્સલ ખોલો, જોઈએ તો ખરા કે અંદર શું છે ? કનકપ્રસાદ બોલ્યા કે મેં તો કંઈ મંગાવ્યું નથી. અચાનક જ વચ્ચે અયાન બોલી ઊઠયો, ''દાદાજી, પાર્સલમાં જે છે તે તમે જ મંગાવ્યું છે. તમે ખોલો તો તમને ખબર પડી જશે.'' કનક પ્રસાદે ધીરેથી પાર્સલ ખોલ્યું અને એક સુખદ આશ્ચર્ય સાથે અયાન સામે જોઈ રહ્યા. પાર્સલમાં ચાર અલગ અલગ સુગંધની અગરબત્તીના પેકેટ હતાં. કનકપ્રસાદ જોતાવેંત ખુશ થઈ ગયા. અયાન બોલી ઊડયો, ''કેમ દાદાજી, હવે બોલો... તમે મંગાવ્યું હતું કે નહીં ?'' કનકપ્રસાદ હસતાં હસતાં બોલી ઊઠયા, ''હા બેટા, મેં જ મંગાવ્યું હતું. પણ લઈ આવ્યો તું.'' અયાને આ પાર્સલ તેના દાદાજી માટે ઓનલાઈન ઓર્ડર કર્યું હતું.
વિશાલ અને અદિતિ એકબીજા સામે જોઈ જોઈ રહ્યાં. પોતે જે વાત ભૂલી ગયાં હતાં તે વાત અયાનને યાદ હતી. બંનેને મનોમન અફસોસ થયો અને સાથે સાથે પોતાના દીકરા અયાન માટે ગર્વ અનુભવી રહ્યાં. અયાન ભાઈને તો મમ્મી-પપ્પા અને દાદાજી તરફથી શાબાશી મળી વસ્તુ નાની હોય પણ વડીલો માટે મહત્ત્વની હોઈ શકે એવી અનુભૂતી બધાંને થઈ.
દિવાબત્તીનો સમય થઈ ગયો હતો. કનકપ્રસાદે અગરબત્તીનું પેકેટ ખોલી અને સેન્ડલવૂડની ખુશ્બુ વાળી એક અગરબત્તી મંદિરમાં અને એક તુલસી ક્યારે કરી. અયાન બોલી ઊઠયો, ''દાદાજી, કાલે ચંપાનો વારો'' કનકપ્રસાદ બોલી ઊઠયા, ''હા, હા, તું જે કહે તે કરશું'' આજે મન આનંદથી ભરાઈ ગયું હતું. અયાને પોતાની નાની જરૂરીયાત યાદ રાખી એટલા માટે વિશાલ અને અદિતિ પણ બોલી ઊઠયા, ''વાહ પપ્પા, ઘણા દિવસે ઘરનું વાતાવરણ પવિત્ર બન્યું.'' મોડે સુધી બધાં વાતો કરતાં બેઠાં રહ્યા. અગરબત્તીની સુવાસ ઘરની સાથે સાથે બધાંનાં મનમાં પણ પ્રસરતી રહી..


