Get The App

આપણા દશાવતાર અને વિજ્ઞાનનો ઉત્ક્રાંતિવાદ !

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
આપણા દશાવતાર અને વિજ્ઞાનનો ઉત્ક્રાંતિવાદ ! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- ભારત એ શિવનો વિરાટ દેહ છે, હિમાલય એ એની જટા છે, ધવલગિરિ એ એનો સુંદર મુકુટ છે. ઋષિમુનિઓએ જેની પ્રશંસા કરી છે એવું પવિત્ર ગંગાતીર્થ એમની જટામાંથી વહે છે

ધર્મ અને રાષ્ટ્રનું સાયુજ્ય કરીને એક કલ્પના કરીએ. આપણા દેશમાં છેક વેદકાળથી જુદાં જુદાં દેવોની ઉપાસના જોવા મળે છે. કોઈ સૂર્યદેવની ઉપાસના કરે, તો કોઈ ચંદ્રદેવની, પૃથ્વી, જળ, તેજ, વાયુ, વિદ્યુત અને મેઘની પણ ઉપાસના થતી હતી. આ સઘળી ઉપાસના કરવાની સાથોસાથ એક સાયુજ્ય પર પણ ભાર મૂક્યો છે અને એ જ હકીકતમાં તો વિવિધતામાં એકતા ધરાવતા ભારતવર્ષની ખૂબી છે. 

ઘણી વ્યક્તિઓ કહે છે કે આ દેશમાં દેવોનો ક્યાં પાર છે, તો પછી કયા દેવની કઈ રીતે ઉપાસના કરવી ?' આવે સમયે આપણે બે શબ્દોનો વિચા૨ ક૨વો જોઈએ અને એ બે શબ્દો છે एकम सत्  એટલે કે એક જ ઈશ્વર છે. એ હકીકત છે કે સમયે સમયે આની ધાર્મિક પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. છેક પૌરાણિકકાળ પર નજર ઠેરવીએ તો આપણને શિવ અને વિષ્ણુ એ બે દેવોનું પ્રાધાન્ય જોવા મળે છે. એમાં પણ શૈવોની સંખ્યા વધુ હતી. એ પછી જુદાં જુદાં સંપ્રદાયો અને ભિન્ન ભિન્ન ઉપાસના પદ્ધતિ જોવા મળે છે. 

વિષ્ણુ ભગવાનના અવતારોનું વર્ણન મળે છે. આ અવતારોની કલ્પનામાં પણ તમે ઉત્ક્રાંતિવાદના બીજ જોઈ શકો, કારણ એ કે પહેલો મત્સ્ય અવતાર એ હાથ-પગ વગરનો પહેલો અવતાર છે અને બીજો કુરમાવતાર એ મત્સ્ય કરતા વધુ ઊંચા સ્થાનનો અવતાર જોવા મળે છે. આ રીતે આ અવતારોનું અવગાહન તમે એક નવી દ્રષ્ટિથી કરી શકો છો. દુર્ભાગ્યે આપણે ત્યાં ધર્મનાં બાહ્યરૂપની ઉપાસના થાય છે, બાહ્યદર્શનનો મહિમા ગવાય છે, પરંતુ વિશેષ જરૂરી છે કે ધર્મની પાછળ રહેલા એ તત્ત્વને, એના ચિહ્નની પાછળ રહેલા ભાવને અથવા તો એને વૈજ્ઞાનિક વિચારને જોવો જોઈએ અને એટલે જ આ અવતારોની સંકલનામાં ધીરે ધીરે મનુષ્ય પૂર્ણ દશાએ પહોંચે છે અને છેક રામ, કૃષ્ણ અને બુદ્ધ સુધી આવે છે. 

એવી જ રીતે સમય જતાં ભાગવત્ ધર્મ, વૈષ્ણવ ધર્મ જેવાં ધર્મ અને સંપ્રદાયોનું મહત્ત્વ જોવા મળે છે. આવે સમયે સમગ્ર ધર્મગ્રંથોનાં વૈવિઘ્યને જોઈએ, પ્રત્યેક ધર્મને આદર આપીએ, પણ સાથોસાથ એનાં વ્યાપક તત્ત્વો વિશે ઘણી વ્યક્તિ પૃચ્છા કરે છે કે, 'કુમારપાળભાઈ, આટલા બધા ધર્મોને અને તેની ભિન્ન ભિન્ન ઉપાસના પદ્ધતિને એક સાથે કઈ રીતે જોઈ શકાય ?' 

તો એનો તમે એને ત્રણ તબક્કામાં જોઈ શકો. જે ઈશ્વર અને આપણા સંબંધો વચ્ચેની ત્રણ ભૂમિકા દર્શાવે છે અને એ ત્રણ શબ્દો છે : तस्यैवाहम्, तवैवाहम् અને त्वेमेवाहम् આ ત્રણ શબ્દો ઉપાસકની ભૂમિકા બતાવે છે. એનો અર્થ એ છે કે આપણા આધ્યાત્મિક જગતને આલૌકિક કરે છે. 'તસ્મૈવાહમ્' એટલે 'હું તેનો છું' અર્થાત્ એ ઈશ્વરને થોડો દૂર હોય તેમ માને છે. એના નેત્ર પર અજ્ઞાનનાં આવરણો આવેલા છે, ધીરે ધીરે એમાં શ્રદ્ધા જાગતા એ આવરણો દૂર થાય છે અને પછી મનુષ્ય એ નિષ્ઠા, ઉત્સાહ અને ઇત્યાદિ દ્વારા ઈશ્વરનું સાંનિઘ્ય પામી શકે છે. 

અને જ્યારે એ સાંનિધ્ય પામે છે, ત્યારે બીજી સ્થિતિ આવે છે અને એ સ્થિતિ છે 'તવૈવાહમ્'. પહેલા ઉપાસક એમ કહેતો હતો કે 'હું તેનો છું', તેમાં એક પ્રકારનું અંતર હતું, આવરણ હતું, અજ્ઞાન હતું, પરંતુ જેમ જેમ એ અજ્ઞાનનું આવરણ દૂર થયું તેમ તેમ શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થયો અને શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ થતા જ એ ઉપાસકનાં હૃદયમાં 'તવૈવાહમ્' એટલે કે 'હું તારો છું' એવો ભાવ જાગે છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય એટલે તરત જ ઈશ્વર એને દ્રષ્ટિગોચર થાય છે. ધીરે ધીરે એ ઉપાસનાનાં એક પછી એક પગથિયાં પર આરોહણ કરતો જાય છે. 

અને પછી જે ત્રીજો ભાવ છે એ પહેલાં બેથી સાવ જુદો છે. પહેલામાં 'હું તેનો છું', એ પછી 'હું તારો છું' અને ત્રીજા ભાવમાં ઉચ્ચ સોપાન સિદ્ધ કરતા 'ત્વમેવાહમ્' એટલે કે 'હું તું જ છું' એમ કહે છે. આનો અર્થ કે આ અવસ્થામાં હું અને તું ટળી જાય છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ વિલીન થઈ જાય છે અને આ ઘટનાને જ આધ્યાત્મિક પ્રગતિની ટોચ માનવામાં આવે છે. એનું કારણ એટલું જ કે અહીં ઈશ્વર અને ભક્ત અથવા તો પ્રભુ અને સેવક બંને એકબીજામાં લીન થઈ જાય છે. આને વેદાંત અર્થાત્ વેદનું અને જ્ઞાનનું સર્વોચ્ચ સ્થાન બતાવે છે. 

અહીં વાત કરવી છે આવતા રવિવારે આવનારી મહાશિવરાત્રીની અને કહેવું એટલું જ છે કે શૈવ સંપ્રદાય એ અદ્વિતીય છે. શિવોપાસનાનું અંતિમ ધ્યેય પણ આ જ છે. ત્રિકાંડમાં જ્ઞાનકાંડની રચના પણ આ જ અદ્વૈતમત ૫૨ આધારિત છે. ગુજરાતી સાહિત્યનાં મહાન સર્જકો ગોવર્ધનરામ ત્રિપાઠી અને મણિલાલ નભુભાઈ પણ અદ્વૈતવાદી હતા. આ અદ્વૈતવાદ એ જ્ઞાનમાર્ગ હોવાથી સામાન્ય વ્યક્તિઓને માટે કઠિન હોય છે, પણ એ કઠિન હોવાથી એની ઉપેક્ષા કરવી યોગ્ય નથી એમ 'શ્રીમદ્ ભગવદ્ગીતા'માં સ્વયં શ્રીકૃષ્ણએ કહ્યું છે. 

આ જ્ઞાનમાર્ગ ઉપરાંત અન્યત્ર ભક્તિમાર્ગ અને કર્મમાર્ગથી પણ ઈશ્વરપ્રાપ્તિની વાત મળે છે. કયો માર્ગ ઈશ્વરપ્રાપ્તિનો યોગ્ય માર્ગ છે એવી વ્યર્થ ચર્ચાનો કોઈ અર્થ નથી. સાધક કોઈ પણ ઉપાયથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે, પછી તે ભક્તિમાર્ગ હોય કે યોગમાર્ગ હોય, પણ અંતે તો એને આંતરબાહ્ય ઈશ્વરનું જ દર્શન થાય છે અને ચિત્તમાં, નેત્રમાં, કાર્યમાં, પ્રેમમાં એમ સર્વ સ્થળે ઈશ્વરાનુભવનો અખંડ અનુભવ પામે છે. ભગવાન શિવના ઉપાસકોએ અદ્વૈત મતનો આશ્રય લઈને ઈશ્વરપ્રાપ્તિનો અનુભવ મેળવ્યો છે અને જ્યારે આવો અનુભવ પ્રાપ્ત થાય, ત્યારે ન પંથનો ભેદ રહે છે, ન જાતિનો ભેદ રહે છે, ન વર્ણનો અવરોધ રહે છે, ન વિષય રહે છે કે ન અહંકાર ટકે છે. આપણા સઘળાં માર્ગોનું અંતિમ ગંતવ્ય આ છે અથવા તો એનું લક્ષ્ય આ છે અને ત્યારે શિવોપાસનાનું મહત્ત્વ જાણવું જરૂરી છે. 

આ શિવોપાસનાને જરા આગવી મૌલિક દ્રષ્ટિએ પણ વિચારી શકાય. જેમકે ભારત એ શિવનો વિરાટ દેહ છે, પ્રચંડ હિમાલય એ એની જટા છે અને ધવલગિરિ એ જ એનો સુંદર મુકુટ છે. ઋષિમુનિઓએ જેની અપરંપાર પ્રશંસા કરી છે એવું પવિત્ર ગંગાતીર્થ એમની જટામાંથી વહે છે. વિંધ્યાચલ રૂપી નાગ એ તેનો કંદોરો છે, પૂર્વ અને પશ્ચિમ તરફનો પ્રદેશ એ એમના હાથ છે અને પ્રચંડ ગર્જના કરનારો મહાસાગર એ તેમનું ડમરુ છે. શિવના અંશ રૂપે પ્રાણીમાત્રની સેવા કરનાર વ્યક્તિ હકીકતમાં તો શિવસેવા જ કરે છે અને કહ્યું છે કે આ શિવસ્વરૂપમાં જેઓ તલ્લીન વરે છે, તેઓ કાળે કરીને શિવસ્વરૂપ પામશે. આ સંદર્ભમાં આપણા ચિંતક હરિભાઈ કોઠારીએ કહ્યું છે તેના પર પણ નજર કરી લઈએ. शिवो भृत्वा शिवं यजेत् (ય।શ્ર શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ. શિવ બનવાની પ્રેરણા શિવદર્શનમાંથી જ સાંપડે છે. 

શિવ એ જ્ઞાનના દેવ છે. તેમના મસ્તકમાંથી સતત જ્ઞાનગંગા વહે છે. જ્ઞાનરાણા શિવજીની ઉપાસના કરવા ઇચ્છનાર માણસ પણ જ્ઞાનપિપાસુ હોવો જોઈએ. ગંગા જેમ શિવજીની જટામાંથી નીકળે છે તે રીતે જ્ઞાની માણસની વિશુદ્ધ બુદ્ધિએ જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ. સાચા જ્ઞાનની સામે કોઈ જ સમસ્યા ટકતી નથી. સાચા જ્ઞાનીને ગમે તેવા જટિલ પ્રશ્નોનો જવાબ સહજ સાધ્ય હોય છે. જીવનની ઊંચાઈ દ્રષ્ટિને વ્યાપક બનાવે છે. શિખરસ્થ માણસને જેમ દૂરનું તેમજ વ્યાપક દર્શન થાય છે તેમ જ્ઞાનીની દ્રષ્ટિ પણ ત્રિકાળને અને ત્રિભુવનને આવરી લે છે. જ્ઞાનપીઠ અર્થાત્ વ્યાસપીઠ ઊંચી હોવી જોઈએ. વ્યાસપીઠ પર બેસનારો માણસ વ્યાપક દ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ અને નહીં કે સંકુચિત દ્રષ્ટિનો ! કોઈની પણ શેહમાં તણાયા વગર હિંમતથી જે વ્યાસના મંતવ્યને રજૂ કરી શકે, તેને જ વ્યાસપીઠ પર બેસવાનો નૈતિક અધિકાર છે. રાગદ્વેષાધીન થઈને કોઈની ખુશામદ કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો પ્રયત્ન જો વ્યાસપીઠ પરથી થાય તો એ વ્યાસપીઠ પોતાની પવિત્રતા અને ગરિમા ગુમાવી બેસે છે. વ્યાસપીઠ પોતાની ઊંચાઈ ગુમાવી બેસે ત્યારે જ્ઞાનરાણા શિવજી અતિશય ત્રસ્ત થાય છે અને વાડ્મયમૂર્ર્તિ વેદવ્યાસ વિષાદગ્રસ્ત બને છે. 

વળી કૈલાસના ઉત્તુંગ શિખર પર બેઠેલા શિવજી આપણને સમજાવે છે કે શિવ એટલે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જોઈએ. શિવ એ કંઈ રસ્તામાં પડેલી વાત નથી. કલ્યાણનો માર્ગ કપરો અને કાંટાળો હોય છે. શ્રેયના પંથે જતી વખતે અનેક સીધાં ચઢાણો ચડવાં પડે છે. કઠિન સાધના સિવાય શિવત્વ સાંપડતું નથી. જીવનની રોજબરોજની સામાન્ય વાતોથી ઉપર ગયા વગર શિવત્વની ઝલક મળતી નથી.

(ક્રમશ:)