Get The App

માનવીય સૌંદર્યની પરખ .

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
માનવીય સૌંદર્યની પરખ                      . 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- કાચી કેડીઓ ક્યાંયે દોરી જતી નથી તે વાત સાવ ઓછી અને અધૂરી છે. આવી કેડીઓ આપણને સુર્યાસ્ત અને સૂર્યોદયના દર્શન કરાવે છે 

સંસાર એક સીસકી પર સમાપ્ત હોગા, વિસ્ફોટ પર નહીં.

ટી. એસ. એલીઅટ (નોબેલ-વિજેતા કવિ)  

કાચી કેડીઓ ક્યાંયે દોરી જતી નથી તે વાત સાવ ઓછી અને અધૂરી છે. ક્યારેક આવી કેડીઓ આપણને સુર્યાસ્ત અને સૂર્યોદય બિંદુઓ કે નદીઓ, ઝરણા, ખીણોના સૌંદર્યના દર્શન પણ કરાવતી હોય છે. આખરે શુભ કે અશુભ કોઈ વોટર ટાઈટ કંપાર્ટમેન્ટ નથી પણ અંતરંગ રીતે જોડાયેલી જોડીઆ નગરીઓ છે. કેટલી કથાઓ એવો શાશ્વત બોધ લઈને ઝળહળતી હોય છે કે અનેક ધારાઓમાં તે જોવા મળે છે. આવો, આવા બૌદ્ધ-ઝેન ચૈતન્યને સ્પર્શીએ.

એક ખેડૂત પર્વતીય ઢોળાવ પર રહેતો અને નજીકના ઝરણેથી પાણી ભરી લાવતો અને નાનકડી ખેતી નિભાવતો હતો. આ માટે તેણે એક લાંબા વાંસને છેડે બે ડોલ બાંધેલી. એક વખત તેના ધ્યાનમાં આવ્યું કે બેમાંથી એક ડોલ કાણી થઈ છે અને ઝરણેથી પણ પાછા આવતા-આવતા તે કાણી ડોલ અર્ધી  થઈ જતી હતી.

 અલબત્ત, તેમ છતાં તેણે તે ડોલ બદલી નહીં. પણ કમનસીબે પેલી છલોછલ ભરાઈને પાછી આવતી ડોલનો   અસંતોષ અને અહંકાર વધ્યો.

એક વખત પેલો ખેડૂત થોડો દૂર બેઠો હતો ત્યારે પેલી છલોછલતાના મદથી છલકાતી ડોલે પેલી કાણી ડોલને ધમકાવતા કહ્યું 'તુ તો સાવ નકામી છો, અર્ધું જ કામ કરે છે; અડધું પાણી તો કેડીમાં વેડફી નાખે છે ત્યારે પેલી કાણી ડોલ થોડું શરમાણી અને દુભાણી. તેણે પેલી ની માફી માંગી. પણ ત્યારબાદ તે અબોલ અને ઉદાસ રહેવા લાગી. અલબત્ત, દૂર બેઠા-બેઠા પેલા ખેડૂતે આ બધું જોયેલું-સાંભળેલું. બીજા દિવસે જ્યારે ખેડૂત પાણી ભરીને પાછો ફરતો હતો ત્યારે મારગમાં તેણે ખભ્ભેથી ડોલ ઉતારી અને તે અટક્યો. તેણે પેલી અહંકારી ડોલને કહ્યું, 'જો સાંભળ.. જે બાજુએ આ કાણી ડોલનું પાણી ઢોળાતું હતું ત્યાં મે અનેક રંગીન ફૂલોના બીજો ઉછાળી લીધેલા-વાવી દીધેલા. આજે તે બાજુ અનેક રંગબેરંગી થી ઝગમગે છે અને સુવાસથી મઘમઘે છે. તારી બાજુની કેડી જો તે વેરાન અને પથરાળ જ રહી છે. કાણી ડોલ નકામી નથી. જળ વેડફાયું નથી.'

કદાચ, આપણે સૌ કાણી ડોલ છીએ પણ સવાલ છે એકાદ સ્વપ્ન, મૂલ્ય, આસ્થા, આકાંક્ષા, અભિપ્સાને વાવી દેવાનો-રોપી દેવાનો. અલબત્ત, આપણાં યુગમાં સંપૂર્ણ ડોલની બોલબાલા છે, કાણી ડોલની ખપત નથી. પણ, મર્યાદામાં મોટાઈ ભાળે એ તો છે માનવ્ય. વરસાદી વાવાઝોડાં પછી મેઘધનુષ્ય નિરખી લેવામાં તો છે માનવીય સૌંદર્યની પરખ. આપણે છો ને વિખેરાઈએ અને વેરાઈએ, વિખાઈએ અને વહેંચાઈએ પણ તો જ આપણે વવાશું અને ઉગી જશું. આજે પણ ઈરાન કે ઇઝરાયેલમાં, રશીયા કે યુક્રેનમાં ફૂલો તો ઉગે જ  છે. કદાચ વિશ્વની બધી જ કઠોરતા, ક્રૂરતા અને પાશવતા સામે વ્યક્તિ એક જ જવાબ આપી શકે છે- એક ખોબો ફૂલ ઉગાડીને. કવીવર રવીન્દ્રનાથ ટાગોરે કોઈ અનન્ય ઉજાસની પળે આ પંક્તિ લખી હશે :

હે પરમ,

 ફૂલો અને સૂર્ય-કિરણોમાં ઝગમગતી તારી પાવક ઉપસ્થિતિમાં તારું સત્વ તો  હું પામ્યો. હવે મને વેદના અને મૃત્યુની તારી વાણી સમજાવ.