Get The App

જો ખુફુનો મહાન પિરામિડ ખરેખર 20,000 વર્ષ જૂનો હોય તો શું થાય?

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
જો ખુફુનો મહાન પિરામિડ ખરેખર 20,000 વર્ષ જૂનો હોય તો શું થાય? 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

એક ભયાવહ અને રોમાંચક સંભાવના

ઇજિપ્તનું નામ સામે આવે ત્યારે, તમારી નજર સમક્ષ ખુફુનો મહાન પિરામિડ ઊભો થઈ જાય છે. આપણી આંખો સમક્ષ રણની રેતી વચ્ચે ઊભેલું ભવ્ય સ્મારક દેખાય છે. એક સદીથી વધુ સમયથી વિજ્ઞાનીઓ માનતા આવ્યા છે કે, 'આશરે ૪,૬૦૦ વર્ષ પહેલાં, આ અદ્ભુત પિરામિડની રચના ફારોહ ખુફુએ કરી હતી.' પરંતુ ૨૦૨૬ની શરૂઆતમાં, ઇટાલિયન ઇજનેર આલ્બર્ટો ડોનિનીએ એક એવો દાવો કર્યો છે, જેનાથી પુરાતત્વ જગતમાં ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટી ઓફ બોલોગ્નાના આલ્બર્ટો ડોનિનીનું કહેવું છે કે, 'પિરામિડની ઉંમર માત્ર ૪,૬૦૦ વર્ષ નથી, પરંતુ તે ૨૦,૦૦૦ થી ૪૦,૦૦૦ વર્ષ જેટલી જૂની હોઈ શકે છે!' સરળ ભાષામાં એમ કહી શકાય કે જેમ વૃક્ષના વલયો તેની ઉંમર નક્કી કરી શકે છે, તેવી જ રીતે સિવિલ એન્જિનિયરિંગમાં કોઈપણ વસ્તુને લાગેલા ઘસારા (પથ્થરનું ધોવાણ) પરથી તેની ઉંમર નક્કી કરી શકાય છે. જો તેમણે શોધી કાઢેલી ગણતરીની આધુનિક ટેકનિક 'રિલેટિવ ઇરોઝન મેથડ' (REM)ને વિજ્ઞાન જગત માન્યતા આપે તો, પિરામિડની સાચી ઉંમર અને તેની સાથે સંકળાયેલો ઇતિહાસ બદલવાની જરૂર પડે તેમ છે.

જ્યારે પિરામિડના પથ્થરો બોલે છે

જો ખરેખર ઇજિપ્તના પિરામિડ ૨૦,૦૦૦ વર્ષ જેટલા પ્રાચીન હોય તો, પિરામિડ કદાચ કોઈ ખોવાયેલી પ્રાચીન સભ્યતાનું નિર્માણ હોઈ શકે છે; એવી સભ્યતા જેના વિશે આપણે આજે બહુ ઓછું જાણીએ છીએ. પણ શું ખરેખર આવું શક્ય છે? શું આ પિરામિડની ઉત્પત્તિ ખરેખર હજારો વર્ષ પહેલાં થઈ હતી? આ સવાલનો જવાબ મેળવવા માટે, ઇતિહાસમાં થોડા વધારે ઊંડા ઊતરવું પડે તેમ છે. ઇજિપ્તના પિરામિડની ઉંમર અંગેની ચર્ચા નવી નથી. છેલ્લી એક સદીથી વધુ સમયથી વિદ્વાનો આ વિશાળ સ્મારકની તારીખ નક્કી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં અલગ-અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અગણિત દાવાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઇજિપ્તના પિરામિડની ઉંમર સાડા ચાર કે પાંચ હજાર વર્ષની જણાવાઈ છે, પરંતુ તેનાથી વધારે પ્રાચીન હોવાની વાતો સંશોધકો કરી ચૂક્યા છે. ત્યારે સવાલ અહીં એ થાય કે, 'સંશોધકોએ કેવી રીતે ઇજિપ્તના પિરામિડની ઉંમર નક્કી કરી હશે?'

પિરામિડની ઉત્પત્તિ અંગેના વિવાદો પણ નવા નથી. સદીઓથી કેટલાક વિચારકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, 'શું આવા ભવ્ય અને ચોક્કસ સ્મારકો ૪,૬૦૦ વર્ષ પહેલાં, જ્યારે ટેકનોલોજીનો વિકાસ સંપૂર્ણ ન હતો, ત્યારે બાંધવા શક્ય બન્યા હશે?' સંશોધકોએ અત્યાર સુધી પિરામિડની અંદર મળેલા શિલાલેખો, કામદારોની વસાહતોમાંથી મળેલા પુરાવાઓ અને તે સમયના અન્ય સ્મારકો સાથેની તુલનાઓ કરીને ઇજિપ્તના પિરામિડની ઉંમર નક્કી કરી છે. આ ઉપરાંત પિરામિડ સંકુલમાંથી મળેલી કાર્બનિક સામગ્રી પર રેડિયોકાર્બન ડેટિંગ કરીને પણ પિરામિડની ઉંમર નક્કી કરવામાં આવેલી છે, જે તેનો સમયગાળો આશરે ઈ.સ. પૂર્વે ૨૬૦૦-૨૫૦૦નો જણાવે છે. જેમ એક જૂની ઇમારતના દસ્તાવેજો, લાકડાની તકતીઓ અને તેની રચના શૈલી' આ બધું એકસાથે મળીને બાંધકામની ઉંમર નક્કી કરવામાં મદદરૂપ બને છે, તેવી જ રીતે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પિરામિડની ઉંમર નક્કી કરવામાં આવેલી છે. આ બધા પુરાવાઓ એક સાથે મળીને એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરી રહ્યા હતા કે વિશાળકાય પિરામિડની રચના એ પ્રાચીન કાળમાં માનવ શ્રમ, યોજના અને સમર્પણનું શુદ્ધ પરિણામ હતું, જેમાં કોઈપણ પરગ્રહવાસી જેવી રહસ્યમય શક્તિ સંકળાયેલી નથી.

આલ્બર્ટો ડોનિની : એક નામ જે પુરાતત્વની દુનિયાને ધ્રુજાવી રહ્યું છે!

આલ્બર્ટો ડોનિની, આ નામ કદાચ તમે પહેલીવાર સાંભળી રહ્યા હશો, પણ પુરાતત્વશાસ્ત્રના જગતમાં તેમનું નામ હવે ખૂબ ચર્ચાઈ રહ્યું છે. યુનિવર્સિટી ઓફ બોલોગ્નાના આ ઇટાલિયન ઇજનેર પરંપરાગત પુરાતત્વવિદ નથી; તેઓ એક સિવિલ એન્જિનિયર છે. જેમણે પથ્થરો, બાંધકામ સામગ્રી અને માળખાકીય વિશ્લેષણમાં દાયકાઓ સુધી કામ કર્યું છે. તેમણે પોતાની એન્જિનિયરિંગ પૃષ્ઠભૂમિનો ઉપયોગ કરીને એક અનોખી પદ્ધતિ વિકસાવી છે, જેને 'રિલેટિવ ઇરોઝન મેથડ' (REM) કહેવામાં આવે છે. તેમની નજર માત્ર ઐતિહાસિક દસ્તાવેજો પર નથી, પરંતુ 'પથ્થરો પોતે શું કહે છે?' તેના પર છે.

તેમનો અભિગમ પરંપરાગત પુરાતત્વશાસ્ત્રથી જુદો છે. જ્યાં પુરાતત્વવિદો મોટે ભાગે ઐતિહાસિક રેકોર્ડ્સ, શિલાલેખો અને સાંસ્કૃતિક સંદર્ભ પર આધાર રાખે છે, ત્યાં ડોનિની કહે છે કે, 'કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં બાંધકામ અને તેમાં વપરાયેલા પથ્થરોનો ઘસારો પવન, પાણી અને સમય દ્વારા થાય છે, જેમાં વિવિધ ઋતુઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. જો આ બધાની ગણતરી કરવામાં આવે તો, એક કુદરતી સમયની ઘડિયાળ નક્કી કરી શકાય, જેના પરથી વિવિધ પ્રકારના ઈજનેરી સ્મારકની સાચી ઉંમર જાણી શકાય છે.' આ સંશોધકે શોધેલી નવી ધ રિલેટિવ ઇરોઝન મેથડ (REM)નો ઉપયોગ કરીને તેમણે પિરામિડની ઉંમર નક્કી કરી છે. જાન્યુઆરી ૨૦૨૬માં ડોનિનીએ પોતાનો પ્રારંભિક અહેવાલ Zenodo અને Preprints.org જેવા પ્લેટફોર્મ પર પ્રકાશિત કર્યો છે. 

ડોનિનીની સંશોધન પદ્ધતિ સમજવા માટે પહેલા એક સરળ ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે તમારા ઘરની બે દીવાલો છે, જે ઘણાં વર્ષથી પવન અને વરસાદના ઘસારા સામે ખુલ્લી છે. જ્યારે બીજી દીવાલ પરનું પ્લાસ્ટર છેલ્લા પાંચ વર્ષથી ઉખડી ગયેલું છે. જો તમે ૫ વર્ષમાં દીવાલ કેટલી ઘસાઈ છે તેનું માપ શોધી કાઢો, તો ગણિતની ફોર્મ્યુલા દ્વારા વર્ષો પહેલા ખુલ્લી થયેલી દીવાલમાં ધોવાણ કેટલા વર્ષ પહેલાં શરૂ થયું હતું તે નક્કી કરી શકાય. સરળ ભાષામાં કહીએ તો, બાંધકામની ઉંમર નક્કી કરવા માટે આ ગણિતની પદ્ધતિ ઉપયોગી થઈ શકે તેમ છે.

કુદરતની પ્રયોગશાળા : પથ્થરોએ કેવી રીતે સમય માપ્યો

મહાન પિરામિડ પર એક સમયે સફેદ ચૂનાના પથ્થરનું બહારનું આવરણ હતું. ૧૩૦૩ એ.ડી.માં ભૂકંપ પછી અને મધ્યયુગીન કાળમાં, કૈરોના લોકોએ ઇમારતો બનાવવા માટે ખુફુના મહાન પિરામિડના ચૂનાના પથ્થરો ઉખાડી લીધા હતા. હવે એમ કહી શકાય કે આ પિરામિડ ત્યારબાદ પ્રકૃતિની પ્રયોગશાળા બની ગયો. તેને લાગતો ઘસારો 'ઘસારો માપવા માટેનો કુદરતી પ્રયોગ' બની ગયો. પિરામિડમાં કેટલાક પથ્થરો હજારો વર્ષથી ખુલ્લા હતા, જ્યારે કેટલાક પથ્થરો માત્ર ૬૭૫ વર્ષથી ખુલ્લા થયા હતા.

ડોનિનીએ પિરામિડના પાયાની આસપાસ બાર જુદા-જુદા સ્થળોએ પથ્થરો પર કુદરતી રીતે થયેલો ઘસારો માપી જોયો હતો. દરેક સ્થળે તેમણે બે પ્રકારની સપાટીઓ શોધી કાઢી હતી : એક, જે પિરામિડ બાંધ્યા પછીથી વાતાવરણમાં ખુલ્લા પડેલા પથ્થરો, અને બીજી, જે માત્ર ૬૭૫ વર્ષ પહેલાં ઉઘાડી થઈ હતી. જ્યારે ડોનિનીએ આ ગણતરીઓ કરી, ત્યારે પરિણામો આશ્ચર્યજનક મળ્યા હતા. કેટલાક સ્થળોએ ધોવાણનો સમયગાળો ૫,૭૦૦ વર્ષનો જોવા મળતો હતો, તો કેટલાક સ્થળોએ આ સમયગાળો ૫૪,૦૦૦ વર્ષ દર્શાવતો હતો. આ ગણતરીની સરેરાશ કાઢતા, પિરામિડ બાંધકામનો સમયગાળો સરેરાશ લગભગ ૨૪,૯૦૦ વર્ષ, એટલે કે આશરે ઈ.સ. પૂર્વે ૨૨,૯૦૦ મળી આવ્યો છે, જે એક સંભાવના દર્શાવે છે. તેમણે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરીને જણાવ્યું કે, ૬૮.૨ ટકા સંભાવના એવી છે કે 'જાણીતો ખુફુનો પિરામિડ લગભગ ૧૧,૦૦૦ થી ૩૯,૦૦૦ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો.' જોકે તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે, 'અનેક પરિબળો આ માપણીઓને પ્રભાવિત કરી શકે છે.' પ્રાચીનકાળમાં ઇજિપ્તનું વાતાવરણ આજ કરતાં વધુ ભેજવાળું હતું, જે પથ્થર પર લાગતા ઘસારાને વધારી શકે છે. તાજેતરના સમયમાં આધુનિક પ્રદૂષણ અને એસિડ વરસાદ પણ પથ્થરોનો ઘસારો વધારી શકે છે. જો થોડા સમય માટે એવું માની લઈએ કે 'પરિણામો સાચા છે', તો પિરામિડના ઇતિહાસ અને ભવિષ્ય પર શું અસર થઈ શકે?

પીઅર રિવ્યૂની અગ્નિપરીક્ષા?

ડોનિનીના આ સંશોધને વૈજ્ઞાનિક સમુદાયમાં તીવ્ર ચર્ચા શરૂ કરી દીધી છે. કેટલાક વિદ્વાનો આ નવી પદ્ધતિને રસપ્રદ અને અન્વેષણ યોગ્ય માને છે, તો મોટાભાગના પરંપરાગત પુરાતત્વવિદો શંકાશીલ છે. તેમનો મુખ્ય વાંધો એ છે કે, 'ધોવાણ એક સરળ 'ઘડિયાળ' નથી. હજારો વર્ષોમાં આબોહવા બદલાય છે, રેતી આવે અને જાય છે, અને પ્રદૂષણ વધે છે.' આ બધા પરિબળો ધોવાણની ઝડપને અસર કરે છે.

હાલમાં આ અભ્યાસ હજી 'પીઅર રિવ્યૂ' (સાથીદાર સમીક્ષા)માંથી પસાર થયો નથી. આ એક મહત્વપૂર્ણ પગલું છે, જેમાં અન્ય નિષ્ણાતો ડોનિનીની પદ્ધતિ, માપણીઓ અને ગણતરીઓની તપાસ કરશે. સરળ ભાષામાં એમ કહી શકાય કે આ પ્રક્રિયા એક 'ગુણવત્તા તપાસ' જેવી છે, જે વૈજ્ઞાનિક સંશોધન માટે અગત્યનો ઘટક છે. આગામી મહિનાઓ અને વર્ષોમાં અન્ય સંશોધકો ડોનિનીના પરિણામોને પ્રયોગો દ્વારા પુનરાવર્તિત કરવાનો પ્રયત્ન કરી શકે છે. તેઓ આ પદ્ધતિનો ઉપયોગ કરીને પિરામિડ પર વધુ સ્થળોએ માપણી કરી શકે છે, જેના માટે આધુનિક વિવિધ તકનીકો વાપરી શકાય. પોતાના સંશોધનમાં તેઓ આ પદ્ધતિની મર્યાદાઓ શું છે તેને વધુ સારી રીતે સમજી શકે છે.

વિજ્ઞાનની આ જ સુંદરતા છે. કોઈપણ પ્રકારનો દાવો કરવો સરળ છે, પરંતુ તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાબિત કરવાનું કામ કઠિન બની જાય છે. રસપ્રદ વાત એ છે કે તાજેતરના વર્ષોમાં પિરામિડ અંગે અનેક નવા સિદ્ધાંતો સામે આવ્યા છે, જેમાં બાંધકામની અંદરની ખેંચતાણ (સ્ટ્રેસિસ) પ્રણાલી વિશે, ભૂગર્ભ ઓરડાઓની ભૂમિતિ વિશે અને હવે ધોવાણ આધારિત ડેટિંગ વિશે વિવાદો ઊભા થયા છે. દરેક નવો સિદ્ધાંત આપણને વિચારવા મજબૂર કરે છે કે, 'શું આપણે ખરેખર પ્રાચીન સભ્યતા વિશે બધું જ જાણીએ છીએ? શું ઇઈસ્ પદ્ધતિ ખરેખર વિશ્વસનીય છે? ડોનિનીની પદ્ધતિમાં શું આબોહવા પરિવર્તનને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવ્યું છે? શું ખુફુએ ખરેખર કોઈ જૂના પિરામિડનું નવીનીકરણ કર્યું હતું?' આ પ્રશ્નોના જવાબ આવનારા સમયમાં જ મળશે.