Get The App

આપણે મહાસત્તા હોવાના સપના જોઈએ છીએ, પણ ક્ષમતા કેળવતા નથી!

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
આપણે મહાસત્તા હોવાના સપના જોઈએ છીએ, પણ ક્ષમતા કેળવતા નથી! 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- આપણે હજુ ઈનોવેશન જવા દો, ક્વોલિટી કે પેકેજિંગ બાબતે પણ કોપી સિવાય કંગાળ છીએ. ટ્રાફિકમાં ડીસીપ્લિન નથી ને વહીવટમાં ટ્રાન્સપરન્સી નથી

'જો તમે ટેબલ પર નથી તો તમે મેન્યુમાં છો !'

કેનેડાના વડા માઇકલ કાર્નીએ તાજેતરમાં દાવોસ ખાતે પેલા આર્થિક મહાસંમેલનમાં જે બેનમૂન પ્રવચન આપ્યું, એમાં એમણે ક્વોટ કરેલો આ રૂઢિપ્રયોગ બહુ વાઇરલ થયો. આપણે વસુધૈવ કુટુમ્બકમની ફિલસૂફીમાં રહ્યા ત્યારે એમની સ્પીચ વાસ્તવવાદી હતી. ચેન્જિંગ વર્લ્ડ ઓર્ડર બાબતે લાલબત્તી ધરતી. કહેવાનો મતલબ એ હતો કે દુનિયાના બધા મોટા શેઠિયા ગણાતા દેશોને તમારી જરૂર કે ગરજ ન હોય જમવામાં બાજુમાં બેસાડવા જેવી તો પછી તમે એમની પ્લેટનું ભોજન છો ! એ તમારો કોળિયો કરી જશે, તમને શોષણ કરી નચાવશે.

ખેલ તો આ જ વર્ષોેથી ચાલે છે, માત્ર જીભ કે આંગળીને ટેરવે ફિલ્ટર ન હોઈને પ્રેસિડેન્ટ ટ્રમ્પસાહેબ એને ખુલ્લો કરી રહ્યા છે. એની પાછળ પણ દેખીતું કારણ છે. યાદ છે નરસિંહરાવે નવી આર્થિક નીતિ અપનાવી ત્યારે ડંકેલ ડ્રાફ્ટ અને ડબલ્યુટીઓની ચર્ચાઓ ? એ સમયે ગ્લોબલાઇઝેશન માટે અમેરિકા બધાના કાંડા આમળતું હતું. કારણ કે એને લાગતું હતું કે એ બહાને દુનિયાના બજાર આપણા માટે ખુલશે ને આપણો ડોલર વધુ સોના જેવો થશે. શરૂઆતમાં એમ થયું જ ને. આપણે ત્યાં કોક પેપ્સી, મેકડોનાલ્ડસ, સ્ટારટીવી, એમટીવી, ફોર્ડ કે શેવરોલે કાર, ડબ હોલિવૂડ ફિલ્મો, એપલ માઇક્રોસોફ્ટ ઇન્ટેલ બધાંની તગડી ઘરાકી ખુલી.

પણ આપણો માઇન્ડસેટ એ જ કરપ્ટ રહ્યો. આપણે ત્યાંથી નવી ટેલન્ટ ને અસરકારક પેટન્ટ ઘડવાને બદલે, જ્યુડિશ્યલ ને એકેડેમિક રિફોર્મ કરવાને બદલે એ જ હિન્દુ મુસ્લિમ, મંડલ કમંડલ કરતા રહ્યા. આધુનિકતાની આઝાદી સર્જક દિમાગોને આપવાને બદલે પ્રેમલગ્ન પણ પાપ હોય એવો જ્ઞાતિવાદ વધારતા ગયા. ઈન્ટરનેટને લીધે વૈજ્ઞાનિકતાને બદલે ધાર્મિકતામાં તેજી આવી. જેમ ટાણે સોનાચાંદી કે બિટકોઇન ન લીધા હોય એ પછી બીજાને કમાતા જોયા કરે એવી સ્થિતિ આજે થઈ. આપણા ભારતનો ફાયદો ફેસબુક ઇન્સ્ટા ટિકટોક વોટ્સએપ બધા લેતા રહ્યા, પણ આપણે ટેક્નોલોજીની કોપી કે ઉધારી સિવાય જગત આખું પગલુંદીવાનું થાય એવો લાભ ન લીધો. એડવાન્ટેજ વેસ્ટર્ન વર્લ્ડ, એમની બધી બ્રાન્ડસને ભારતનું માર્કેટ મળ્યું. એની કમાણી તગડી થઈ. પણ એવા ભ્રમમાં પણ ન રહેતા કે આપણે લીધે જ થઈ. ઓલરેડી તોતિંગ કમાતી કંપનીઓ આપણી નબળી ખરીદશક્તિને લીધે અહીં કમાય છતાં એટલું બધું નહીં કે આપણા વિના એમનો ધંધો જ પડી ભાંગે ! 

પણ આ વિશ્વ વેપારના મૂળ તો પોતાના સિવાય બીજા દેશોની બજારમાંથી કમાવા માંગતા પશ્ચિમી દેશોની ચાલબાઝીમાં ગોથાલિયું આવી ગયું એમની જ દવાનો ડોઝ એમને પીવડાવી દેતા ચીનને લીધે ! મોટી મોટી ગુલબાંગો ફેંકવાનો 'એમ્પટી ટોક્સ' કહેતા અને ચૂપચાપ કામ કરીને પરિણામ દેખાડવાની પોલિસી રાખતા આધુનિક ચીનના દીર્ઘદ્રષ્ટા દેંગ ઝિયાઓ પેગે માપના સામ્યવાદનું ખોખું રાખી અંદરનો માલ બદલાવી લીધો. એક સમયે ભારતની પાછળ એનું અર્થતંત્ર ઉત્પાદન કરીને સુધારવાનું શરૂ કર્યું. 

રીડરબિરાદર વિશાલ પારેખે એક વાર મુદ્દો મૂકેલો કે 'મહાસત્તા કે વિકસિત બનવા માટેની આપણી મૂળભૂત સમજ જ અધૂરી છે. યુરોપ અમેરિકા એ બજારવાદ/મૂડીવાદનો રસ્તો લીધો એટલા માત્રથી એ વિકસિત દેશ બની ગયા એવી માન્યતા છે આપણે ત્યાં શહેરી વર્ગમાં. પણ આ અધૂરું સત્ય છે. આ બધા દેશોએ બજારવાદ, ખાનગીકરણની સાથે મજબૂત ડેમોક્રસીનો રસ્તો લીધો એટલે તેઓ વિકસિત કે મહાસત્તા બની શક્યા. ફક્ત લોકશાહી જ ટ્રાન્સપેરંસી અને એકાઉન્ટેબિલીટી ટેબલ ઉપર લાવે છે અને આ ટ્રાન્સપેરંસી અને એકાઉન્ટેબીલીટી વિનાનો બજારવાદ/મૂડીવાદ એક મોટી પિરામિડ પોન્ઝી સ્કીમ સિવાય કશું નથી. કેમ કે આ ફિયાટ કરન્સી અને મોડર્ન મોનેટરી થિયરીનો યુગ છે, જેમાં સરકારો ધારે એટલી નોટ પ્રિન્ટ કરી શકે છે. અને બજારમાં ઇન્જેક્ટ કરી શકે છે. 

મીડિયા, ન્યાયપાલિકા, માર્કેટ રેગ્યુલેટર્સ, ચૂંટણી પંચ, તપાસ એજન્સી આ બધી સંસ્થા મજબૂત હોય, સરકારથી મહત્તમ સ્વતંત્ર અને સ્વાયત હોય એવી સુદ્રઢ લોકશાહી સાથે જ્યારે મુક્તબજારવાદનો સમાગમ થાય ત્યારે અને તો જ પહેલા હૃષ્ટપુષ્ટ અને ડિસ્પોઝેબલ ઈનકમ ધરાવતો મિડલક્લાસ જન્મ લે. અને આ જ મિડલક્લાસના ઘરે કોઈ સ્ટીવ જોબ્સ કે ઈલોન મસ્ક કે બિલ ગેટ્સ કે માર્ક ઝકરબર્ગ જેવો ઈનોવેટર કે ઉદ્યોગસાહસિક જન્મે જે પોતાની ટેલેન્ટ અને ઇનોવેશનથી નવી વેલ્થનું ક્રિએશન કરે, નવી રોજગારી સર્જે અને ડિસ્પોઝેબલ ઈનકમવાળા નવા મિડલક્લાસનો વિસ્તાર કરે. વળી એ નવા અપર મિડલક્લાસના કે હવે નિયો રિચ ક્લાસના કોઈ ઘરે નવો ઇનોવેટર કે સાહસિક ઊછરે. આમ આ સુચક્ર ચાલતું રહે તો અને તો જ સમય જતા જે તે દેશ જેને મિડલ ઈનકમ ટ્રેપ કહે છે તે ટ્રેપ તોડીને વિકસિત કે અમીર રાષ્ટ્ર બની શકે. 

જ્યારે સામાપક્ષે તાનાશાહી અને મૂડીવાદનો સમાગમ થાય ત્યારે બાળક તરીકે ઓલિગાર્કી અને મોનોપોલીઝ જન્મે છે , જે ખાતાપીતા મિડલક્લાસનું શોષણ કરી એને ગરીબ બનાવી દે છે. અને એક વિષચક્ર ચાલુ થાય છે. કેમ કે, સત્તાના કેન્દ્રીકરણ માટે મૂડીનું કેન્દ્રીકરણ ફરજિયાત છે. 

ટૂંકમાં, હટ્ટોકટ્ટો મિડલક્લાસ લોકશાહી અને મૂડીવાદ બન્નેનું સહિયારું સંતાન છે, લોકશાહી વિનાનો મૂડીવાદ મધ્યયુગના સામંતવાદની દેન ગણોતિયા મજૂર જેવા ગીગવર્કર આપી શકે બહુ બહુ તો. અને આપણો શહેરી (મુખ્યત્વે) હિન્દુ મિડલક્લાસ લોકશાહીને તડકે મૂકીને વિકસિત બનવાના સ્વપ્નો જોઈ રહ્યો છે.જે અસંભવ છે.'

આમાં એક બીજું પરિબળ પણ છે. સાયન્સ. ટેક્નોલોજી ખરીદી શકાય છે. જેમ ઓઈલના ખર્ચે સાઉદી ખરીદીને નિઓમ નામનું ફ્યુચર સિટી બનાવવા નીકળ્યું છે. પણ વિજ્ઞાનનું મન એમ પેદા નથી થતું એટલે અબજો નાખ્યા પછી સાઉદીના ક્રાઉન પ્રિન્સ સલમાનનો એ પ્રોજેક્ટ ફ્લોપ શો થઈ ગયો હમણાં. રશિયા હોય કે અમેરિકા, જર્મની હોય કે ફ્રાન્સ, સિંગાપોર હોય કે ફિનલેન્ડ, બધાએ એવો શિક્ષણનો માહોલ બનાવ્યો છે કે સહજ રીતે જ બાળકને નવું જાણવા ને શીખવામાં રસ પડે. એનામાં ઓરીજીનલ ક્રિએટિવિટી ખીલી ઊઠે. એ માર્કસ કે પૈસાની રેસને બદલે આગવી રીતે કશું નવું એવું આપે જે દુનિયામાં નવી પ્રોડક્ટ માર્કેટ  ઊભી કરે. મોબાઈલ કે એઆઈ એનો દેખીતો પુરાવો છે. પણ આવી તો સેંકડો બાબતો છે.

ચીનમાં લોકશાહી નથી. પણ એણે બાકીના ફ્રન્ટ પર પ્રામાણિકપણે કામગીરી કરી ઇનોવેશન ને સુખી મિડલ ક્લાસ ઊભો કર્યો છે. આજે ટેસ્લાને ટક્કર એની બીવાયડી ઇલેક્ટ્રોનિક કાર આપે છે. આપણી જેમ મફતના અમેરિકાના સોશ્યલ મીડિયા વાપરીને સ્વદેશીની ફાંકાફોજદારી એ નથી કરતું. દુનિયાના લેબ ગ્રોન ડાયમંડનો ૭૦% હિસ્સો એનો છે, એમાં સુરતમાં મંદી છે ! જગતના ગોલ્ડ પ્રોડક્શનમાં એ પહેલા નંબરે ને સિલ્વરમાં બીજા નંબરે છે. રેર અર્થ મિનરલ્સમાં તો એ ૯૦% ઉત્પાદન દુનિયાનું કરે છે. ચીનમાં રૂબરૂ જાવ તો વિકાસ ખરેખર કોને કહેવાય એ જોવા મળે. હવે યુનિવર્સિટીમાં પણ ગ્લોબલ રેન્કમાં છે. ૨૦૨૫ની સૌથી વધુ કમાણી કરવાનો એનિમેશન ફિલ્મોનો રેકોર્ડ ડિઝનીને હંફાવી ચાઇનીઝ ફિલ્મ 'ની જા ટુ'નો છે. હોલિવૂડમાં ચાઇનીઝ એક્ટર ડાયરેક્ટર વજનદાર ગણાય છે. પોતાની જ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને મોરાલિટીન નમે એ આપણી જેમ વખોડતું નથી ને પોલિટિકલ સિવાયની બાબતો સેન્સર નથી કરતું. 

એટલે દુનિયા ચીનથી ડરે છે. એની નોંધ લે છે. આપણે આપણી નોંધ લેવડાવવા ઉધામા કરવા પડે છે. હમણાં આપણે જાપાનને હંફાવી ઈકોનોમીમાં આગળ નીકળ્યા. પણ આપણી માથાદીઠ આવક ૨૮૦૦ ડોલર આસપાસ છે અને જાપાનની માથાદીઠ આવક ૩૨,૦૦૦ ડોલર આસપાસ ! આ બાર ગણી વધુ આવક જાપાનના દરેક નાગરિકની હોય તો અંદાજ આવે છે તફાવતનો ? વસતિ ઘટાડવાના પગલાને બદલે આપણે તો વધારવાની હાકલો કરનારા બ્રહ્મચારીઓ પડયા છે ! જાપાનની ખરીદશક્તિ પણ આપણાથી પાંચ ગણી છે. એટલે ત્યાં જીવનધોરણ આપણાથી ક્યાંય ઊંચું છે. આર્થિક ઉદારીકરણ પહેલા તો જાપાનની માથાદીઠ આવક ૧૧૮ ગણી વધુ હતી ભારતથી ! 

એટલે ખાલી આંકડા વધારવાથી દેશ સુખી નથી થવાનો. અમુક વગદાર વર્ગનો વૈભવ વધવાનો છે. ચીને પશ્ચિમની જ પીચ પર એમની બાજી પોતે રમી લીધી. એના જોરે એમણે ઉત્તમ ને સસ્તો માલ વેંચી એમના જ પૈસે તાકાત ઊભી કરી. એમનું જ્ઞાન નકલ કરવાને બદલે શીખી લઈ પોતાનું ઉત્પાદન મજબૂત કર્યુંં. કેટલાય દેશોને પોતાની પર નિર્ભર બનાવ્યા. આપણને ભળતું નથી છતાં ચીન સાથે આપણો વેપાર જગતમાં બીજા નંબરે છે ! આટલી દુશ્મની અને આત્મનિર્ભર થવાના ખ્વાબ છતાં અઢળક આયાત બાબતે આપણે ચીન પર નિર્ભર છીએ આજે પણ ! ભારત ચીનમાં ૧૬ અબજ ડોલરની નિકાસ કરે છે પણ ત્યાંથી આયાત ૧૧૨ અબજ ડોલરથી વધુ કરે છે સતાવાર. નજીક હોય એ સસ્તું પણ પડે છે. એમ તો પેટ્રોલિયમ ને ગેસને લીધે જેમને રોજ સવારે ઊઠીને નફરતથી વખોડવામાં આવે છે એ ઇસ્લામિક દેશો સાઉદી અરેબિયા, યુએઈ (ભારતનું ત્રીજા નંબરનું ટ્રેડ પાર્ટનર) અને ઈરાન, ઓમાન, કતાર વગેરે સાથે પણ આપણો ઘણો વેપાર છે. અને એમાં આપણી પાસેથી એ બધા ઘણું ખરીદે પણ છે એટલે આપણે પણ ફાયદો મેળવીએ છે.

રશિયા ઇમોશનલી આપણું જૂનું સાથી હોવા છતાં, એણે પ્રચાર માટે મફત પુસ્તકો અહીં વહેંચ્યા પછી પણ ક્દી કનેક્ટ જ નથી થયું. રશિયન ફિલ્મો કે પ્રવાસનું એવું આકર્ષણ નથી હજુ પણ. આપણે હવે એની સાથે વેપાર વધારી એને ચોથા નંબરનું ટ્રેડ પાર્ટનર જરૂર બનાવ્યું છે. એમ તો બ્રિટન ને નેધરલેન્ડ્સમાં આપણી એક્સપોર્ટ વધુ છે. 

હવે પાડોશમાં વિયેતનામ વગેરેમાં વધુ છે. પણ ત્યાં એટલો પૈસો જ નથી કે આપણે સમૃધ્ધ થઈએ. 

પણ આપણું પહેલા નંબરનું ટ્રેડ પાર્ટનર આજે પણ અમેરિકા જ છે ! એમાં પણ એની આયાત આપણે ડયુટી ને પ્રતિબંધિથી ઓછી રાખી છે. કુલ વેપારના ૪૫ અબજ ડોલર (૯૦ કે ૯૨ તો થઈ ગયા છે એક અમેરિકન ડોલરના એટલે સગવડ ખાતર બે મીંડા અબજ પછી ચડાવતા જજો) અમેરિકાથી આપણે ઈમ્પોર્ટ કરીએ છીએ. પણ એથી બમણા ૮૭ અબજ ડોલર જેટલું એને એક્સપોર્ટ કરીએ છીએ. ભારતનું સૌથી મોટું એક્સ્પોર્ટ માર્કેટ અમેરિકા છે. 

હવે લેટેસ્ટ ટેરિફ ટ્રેડ ડીલ બાબતે જોઈએ તો પાક્કું ડોક્યુમેન્ટ હજુ આવ્યું નથી. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી બાબતે વધુ વાતો કરી ને ટ્રેડ ડીલ વિશે ઓછી. પણ દરેક વખતની જેમ ટ્રમ્પસાહેબે જ બધી માહિતી આપી ને આપણે આભારી થઈને હા એ હા કરી છે. અને એમનું તો ઘણી વખત સ્ટેટમેન્ટ મૂડ મુજબ ફરી જાય છે. ઓન અત્યારે એમની વિગત મુજબ ચાલીએ તો એમણે તો એમનું ધાર્યું કાંડું આમળીને આપણી લાંબી મક્કમતા પછી પણ કરાવ્યું છે. એમણે પહેલેથી એ વાંધો હતો કે ભારત અમેરિકન માલ પર ટેરિફ નાખી એને રોકે અને અમેરિકા ભારતમાંથી ચીજો મંગાવ્યા કરે. હવે એમણે રશિયા પાસેથી સસ્તું ઓઈલ ન ખરીદવાની માંગ મનાવી હોવાનો દાવો કર્યો અને જોડે ભારતની અમેરિકન ઇમ્પોર્ટ પર ટેરિફ ઝીરો કરાવી. કૃષિ પેદાશ સહિત ૫૦૦ અબજ ડોલરના કારોબારની વાત કરી. મતલબ આપણે અમેરિકાને આશરે ૪૫૦ અબજ ડોલરનો વેપાર કોઈ ટેરિફ લીધા વગર કરાવવો ! આમાં આપણી શરતો ન હોય તો આમ આજીવન અમેરિકાને ફાયદો થાય. આવડો મોટો વેપાર એને મળે કંઈ રીતે ભારતમાં છે એનાથી અગિયાર ગણો? 

પણ અમેરિકાને બહુ મોડું સમજાયું છે કે એની ગ્લોબલ ઇકોનોમીના ગાળિયો ચીને ઉપયોગ કરી એને ભેરવી દીધો છે. એટલે એને પણ એનું ગ્રાઉન્ડ કવર કરવાનું છે. અને આપણે ? 

આપણે હજુ ઈનોવેશન જવા દો, ક્વોલિટી કે પેકેજીંગ બાબતે પણ કોપી સિવાય કંગાળ છીએ. ટ્રાફિકમાં ડીસીપ્લિન નથી ને વહીવટમાં ટ્રાન્સપરન્સી નથી. ખામીઓ ચીંધનારને દેશદ્રોહી ગણીએ છીએ. બેસ્ટ મેરિટવાળા લોકો મોટી સંખ્યામાં વિદેશી નાગરિક બને એ આંકડો વધતો જાય છે. ઇસ્યૂ આ બધા આપણા માટે છે જ નહીં. આપણા ઇલેક્શન જુદા જ મુદ્દા પર લડાય છે. જગ્યા ત્યાંથી સવાર થઈ શકાય. પણ રાષ્ટ્રવાદના નામે અફીણી ઘેનમાં જ હોય ત્યાં સવારની સાંજ પડે તો પણ ખબર ના પડે ! શક્યતાઓ અપાર હોવા છતાં આપણે કાયમ મહાન બનવા માટે ભૂતકાળમાં જોઈએ છે, ભવિષ્યમાં નહીં! 

ફાસ્ટ ફોરવર્ડ

'ખોટુ કરવા માટેના ટેક્સને દંડ કહેવાય, સાચું કરવા માટેના દંડને ટેક્સ કહેવાય!'

(માર્ક ટ્વેઇન)