Get The App

'મમ્મીની મમ્મી અને આયાની આયા'

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
'મમ્મીની મમ્મી અને આયાની આયા' 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- અમીતકુમારે પવિત્રાદેવીને બૂમ પાડી બોલાવ્યા : 'અરે પવિત્રા, જુઓ હું આવી ગયો. હવે કાલથી ઓફિસ બંધ. મન પડે તેમ જીવવાનું'

ચાળીસ વર્ષની સરવીસ પૂરી કરી, જિંદગીથી થાકી ગયેલા અમીતકુમાર રિટાયરમેન્ટના દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તેઓ રિટાયર્ડ થયા પછી પત્ની પવિત્રાદેવી સાથે શાંતિથી જીવવા માગતા હતા. અને આખરે એ દિવસ આવી પહોંચ્યો. ફેરવેલ પાર્ટી પતાવીને અમિતકુમાર ઘરે આવી પહોંચ્યા, તેમના મનમાં હતું કે તેમને ઘરે આવકારવા માટે પવિત્રાદેવી તથા પુત્ર અંબર પૂત્રવધૂ પ્રીતા સાથે બહાર જ ઊભા હશે.. પણ અફસોસ કોઈ બહાર ઊભું નહોતું.

અમીતકુમારે પવિત્રાદેવીને બૂમ પાડી બોલાવ્યા : 'અરે પવિત્રા, જુઓ હું આવી ગયો. હવે કાલથી ઓફિસ બંધ. મન પડે તેમ જીવવાનું. આરામથી પેપર વાંચી તમારી પાસે બેસીને ચા પીવા મળશે. ઓફિસ જવાનું ટેન્શન  ખતમ...'

પવિત્રા દેવી દોડતા બહાર આવ્યા. 'ઓહો, તમે આવી ગયા ?' કહીને પાછા ઘરમાં જતા રહ્યા. ધોબી કપડાં ગણી રહ્યો હતો અને પૌત્ર દીપ રડી રહ્યો હતો. પવિત્રાદેવીને અમિતકુમારની વાત સાંભળવાનો સમય જ ક્યાં હતો ?

થોડીવાર પછી પવિત્રાદેવી બહાર આવ્યા અને અમીતકુમારને પૂછવા લાગ્યા : 'તમે ચા પીશો ?' અમીતકુમારે ગુસ્સામાં કહ્યું : 'પવિત્રા તમને મારી વાત 'સાંભળવામાં રસ જ ક્યાં છે ?' મારા નિવૃત્તિના દિવસે પણ તમને સમય નથી. જાઓ ધોબીને કપડાં ગણાવો અને દીપને છાનો રાખો, મારે ચા નથી પીવી.'

પવિત્રા દેવી સમજી ગયાં કે અમીતકુમાર નારાજ થયા છે. એટલે એમણે પ્રેમથી કહ્યું : 'પ્લીઝ તમે નારાજ ના થશો. મને ખબર છે તમારો આજે નિવૃત્તિનો દિવસ છે, પણ મને આ ઘરની નોકરી વળગી છે એમાં તો કોઈ નિવૃત્તિને અવકાશ જ નથી. જુઓ પુત્રવધૂ પ્રીતા નોકરી કરે છે એટલે દીપની બધી જ જવાબદારી મારે શીરે છે. થોડાક સમય પછી આપણી દીકરી અધુના પણ રહેવા આવવાની છે, તે પણ આપણા ઘરે આવશે એટલે એને મારી ખૂબ જરૂર પડશે.' પવિત્રાદેવીની વાત સાંભળીને અમીતકુમારને આઘાત લાગ્યો. પવિત્રાદેવી પાસે ઘરની એટલી બધી જવાબદારી હતી કે તેમની પાસે અમીતકુમાર સાથે બેસવાનો સમય જ નહોતો. પવિત્રાને લઇને ચારધામની યાત્રા કરવા જવાની ઇચ્છા લઇને ઘરે આવેલા અમીતકુમાર ફરવા જવાની પવિત્રાદેવીને વાત નહીં કરવાનું નક્કી કરી પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

અમીતકુમાર જાણતા હતા કે ઘરના ઢસરડા કરી કરીને પવિત્રા દેવીની કાયા સાવ અશક્ત થઇ ગઇ હતી. પુત્ર અંબર અને પુત્રવધૂ પ્રીતા માટે મમ્મી પવિત્રાદેવી માત્ર 'સાધન' હતાં. તેઓ પ્રેમ અને લાગણીનો દેખાવ કરતાં, પણ હકીકતમાં તેઓ મમ્મીનાં સુખદુ:ખ પ્રત્યે લેશમાત્ર ચિંતા કરતાં નહોતાં. ઉનાળાનું વેકેશન શરૂ થાય એટલે બન્ને જણા ફરવા ઉપડી જતા પુત્ર દીપને મૂકીને અને દીકરી અધુના તથા જમાઈ અધ્યાય બન્ને જણા વેકેશનની મજા માણવા આવી જતા. અધુના મમ્મીના વાત્સલ્યના મોંફાટ વખાણ કરે, પણ ઘરકામ કે રસોઈમાં મમ્મીને જરાપણ મદદ ન કરી.

અધુના વારંવાર કહેતી : 'અમારે મન તો મમ્મીનું ઘર એજ હિલસ્ટેશન અને એ જ હિલસ્ટેશન. પિયરના મોહને બહાને ઉનાળા વેકેશનને 'વેઇટીંગ રૂમ' ગણવાનો આનંદ કાંઈ ઓર જ હોય છે.' સવારે નવ વાગ્યા સુધી ઊંઘવું, મમ્મીએ તૈયાર કરેલો નાસ્તો પતાવી ફરવા નીકળી જવું. એ અધુનાનો દૈનિક કાર્યક્રમ રહેતો.

અમીતકુમારનું નોકરીમાં શોષણ થતું અને પગાર પણ લિમીટેડ. દીકરા અંબર પાસે પગાર નહીં માગવાનું વ્રત, અને અંબર પણ પપ્પાની ભલમનસાઈનો લાભ લઇ ઘરખર્ચ માટે રૂપિયો પણ ખરચવા તૈયાર નહોતો. અંબર, તેની પત્ની પ્રીતા અને પુત્ર દીપનો બધો ખર્ચ અમીતકુમાર ઉઠાવતા હતા. ત્યાં સુધી કે તેના પરિવાર માટે ડૉક્ટરે લખી આપેલું પ્રિસ્ક્રિપશન પણ અંબર પવિત્રાદેવીના હાથમાં પકડાવી દેતો હતો.

ઘર ચલાવવામાં પૈસા ખૂટે એટલે પવિત્રાદેવી અમીતકુમાર પર દબાણ કરે : 'હું અંબર સમક્ષ ક્યારેય હાથ લાંબો કરવાની નથી. આપણે હયાત છીએ ત્યાં સુધી એમને જલસા કરવા દો. પછી તો જવાબદારીઓ એમણે જ અદા કરવાની થશે.' પવિત્રાદેવીની વાત સાંભળી અમીતકુમાર ચૂપ રહેતા. હકીકતમાં તેઓ પવિત્રાદેવીને ખૂબ ચાહતા હતા. પવિત્રા ગરીબ ઘરની કન્યા. વિભાએ પુર્નલગ્ન કર્યું અને સાવકી માતા ઘરમાં આવી એટલે જાણે પવિત્રા પર આભ તૂટી પડયું. અપરમાતા એ 'પરાઈપુત્રી' માની પવિત્રાને પજવવામાં કશું બાકી રાખતાં નહોતાં. પવિત્રાના પપ્પાને તેના પર ગુજારાતા ત્રાસનો ખ્યાલ આવતો, પણ પત્ની 'વાઘણ' જેવી હિંસક હોવાને કારણે લાચાર બની જતા. પવિત્રાને આ ત્રાસમાંથી મુક્ત કરવાનો એક જ માર્ગ હતો : 'તેના લગ્ન કરી વિદાય કરી દેવાનો. અને નમ્ર તથા વિનયશીલ અમીતકુમાર પર પવિત્રાના પપ્પાની નજર ઠરી હતી. અમીતકુમારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, એની તેમને ખબર હતી પણ અભાવો વચ્ચે ઘડાયેલી પુત્રી પવિત્રા પરિસ્થિતિ સંભાળી લેશે તેની તેમને ખાત્રી હતી.'

અને બાંધ્યા પગારની નોકરીવાળા અમીતકુમારની પત્ની બનીને પવિત્રા સાસરે આવી. કપડાં, વાસણ અને ઘરની સફાઈ માટે કામવાળી રાખવાની અમીતકુમારની સ્થિતિ નહોતી એટલે ફરી પાછી પવિત્રા સંસારચક્રમાં પીસાવા લાગી.

સમય વહેતો ગયો. અમીતકુમાર 'વૈતરાં' જેવી નોકરી કરતા રહ્યા અને પવિત્રાદેવી પુત્ર અંબર અને પુત્રવધૂ પ્રીતા તથા પૌત્ર દીપની સેવામાં ખડેપગે રહી પોતાનાં કર્તવ્યો નિભાવતા રહ્યા. પુત્ર અને પુત્રવધુ તથા પૌત્રને એ ભોજન સાથે દૂધ આપે અને વધ્યું - ઘટયું જે રસોઇમાં બચ્યું હોય, તેનું છેલ્લે ભોજન કરી સંતોષ માની લે.

અમીતકુમાર મનોમન વિચારતા : કઇ માટીની બનેલી છે આ નારી ? શંકરની જેમ કડવા ઘૂંટડા ગટગટાવી જવા જ એનું નિર્માણ થયેલું છે ? પુત્રી, પત્ની, માતા, સાસુ - આ ચારેય ભૂમિકામાં પવિત્રા માટે તો વેદના સિવાય કશું હાથમાં આવ્યું જ નથી. દુ:ખ અને પીડા સહેવાનું વ્રત લઇને જન્મી હોય એવી પવિત્રાએ કદીયે પોતાના સુખનો વિચાર જ નથી કર્યો.

પોષણક્ષમ ખોરાક અને ઊંઘ-આરામના અભાવે પવિત્રાદેવીનું સ્વાસ્થ્ય કથળવા માંડયું. ઝીણા તાવ અને ઉધરસની ફરિયાદને કારણે ટેસ્ટ કરાવ્યા,

 પણ અમીતકુમારે ટેસ્ટનો રિપોર્ટ છાનો રાખી દવા ચાલુ કરી દીધી એટલે પવિત્રાદેવીને થોડી રાહત થઇ. અમીતકુમારે પોતાના સસરાજીને કહ્યું : 'પવિત્રાને આરામની જરૂર છે, તમારી છત્રછાયામાં રહેશે તો એને શાંતિ મળશે. જો કે પવિત્રા 'ઘરની માયા' છોડી ને આવવા તૈયાર નહીં થાય, પણ એના આરોગ્ય માટે હવે આરામની જરૂર છે.'

પવિત્રાના પિતા પોતાની પત્નીના વિચિત્ર સ્વભાવથી બરાબર વાકેફ હતા. પવિત્રા આરામ કરવા પિયર આવે એ વાતને સ્વીકારવા તૈયાર થશે નહીં. એટલે એમણે હેલ્થ-સેનિટોરિયમમાં પવિત્રાને રાખવાની તૈયારી દર્શાવી.

પણ પવિત્રા પરિવાર સમર્પિત નારી. એણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું મારો પરિવાર છોડી ક્યાંય જવા તૈયાર નથી. ભલો હોય કે ભૂંડો પણ મારો સંસાર મને વહાલો છે. ઘરની દરેક વ્યક્તિ પોતે ઠરવાનો આગ્રહ રાખે અને બીજાના ઠરવાની ઉપેક્ષા કરે, એને હું માણસાઈ માનતી નથી.

એટલે અમીતકુમારે દીકરી અધુનાને મળવાને બહાને હવાફેર કરવા મુંબઇ જવાનું આયોજન વિચાર્યું. અને પુત્રી અધુના સાથે ચર્ચા કરી જોઈ. ત્યારે જમાઈરાજે કહ્યું : 'પપ્પાજી, મમ્મીજીને આરામ માટે તમે અમારા ઘરે લઇ આવવાનું વિચારો છો પણ અમારું ઘર નાનું છે. એટલે મમ્મીજીને નહીં ફાવે. હું અને અધુના બન્ને જોબ પર જઇએ ત્યારે મમ્મીજી એકલા અહીંયા શું કરે ? તેમને અહીં ગમશે નહીં. માટે માફ કરજો. તેમને કોઈ હવા ખાવાના સ્થળે લઇ જવાની જરૂર છે.'

જમાઈરાજની વાત સાંભળી અધુના પરેશાન થઇ ગઈ. તેણે અમીતકુમારને કહ્યું : 'પપ્પાજી, નૈયાને સ્કૂલે જવાનો સમય થઇ ગયો છે, હું થોડીવાર પછી ફરી ફોન કરીશ.' કહીને અધુના તેના પતિને કહેવા લાગી : 'અધ્યાય તમે સમજવા, વિચાર્યા વગર કેમ બોલ બોલ કરો છો ? મને પૂછો તો ખરા. તમે તો જાણો છો કે મને મોટી જોબની કેટલી બધી ઓફરો આવે છે પણ નૈયા અને અંજનને કારણે હું જોબ સ્વીકારી શક્તી નથી. પાર્ટટાઈમમાં જોબથી ચલાવી લેવું પડે છે. મમ્મી અહીં આપણી સાથે રહે તો હું ઘર સાચવવાની જવાબદારીથી મુક્ત થઇ જાઉં. અને આપણા બંનેનો પગાર ભેગો થતાં મુંબઇમાં મકાન બનાવવાનું આપણું સ્વપ્ન પૂરું થાય. મમ્મી આવે એટલે આપણા બાળકોની આયાની પણ ફરજ બજાવશે. આપણા કામવાળીના પૈસા પણ બચી જશે. હવે જાવ. પપ્પાજીની માફી માગી, મમ્મીને આપણા ઘરે લઈ આવવાની ખશીથી હા પાડો.'

અધુનાને ખબર નહોતી કે સાઇડમાં મૂકેલો ફોન ચાલુ રહી ગયો હતો. એટલે અધુનાએ જમાઈરાજ અધ્યાયની સાથે કરેલી બધી વાતો એમણે સાંભળી. નારાજ થઇને એમણે ફોન બંધ કરી દીધો. થોડીવાર પછી જમાઇરાજનો ફોન આવ્યો : 'પપ્પાજી, નમસ્તે. મારું કહેવાનું એમ હતું કે અમારું ઘર નાનુ છે એટલે મમ્મીને ફાવશે ?' 'બાકી મમ્મી અમારે ત્યાં આરામ કરવા આવે એથી રૂડું શું ? આપ એમને અહીં મૂકી જાવ. હું અને અધુના તેમનો પૂરતો ખ્યાલ રાખીશું. પપ્પાજી, હું ખરા હૃદયથી કહું છું. મમ્મીને વહેલી તકે અમારા ઘરે મોકલી દો.'

'બેટા, મેં તમારી અને અધુનાની વાતો સાંભળી છે. 'એક પંથ દો કાજ'' મમ્મીની મમ્મી અને આયાની આયા. પવિત્રા કોઈ સાધારણ નારી નથી. પણ ત્યાગ અને તપસ્યાની દેવી છે. દેવીની સેવા કરાય કે દેવી પાસે સેવા કરાવાયા ? સંતાનો ગણતરીબાજ થશે તો વૃદ્ધ મા-બાપોના કેવા હાલ થશે ? જમાઈરાજ, તમારો અને અધુનાનો કોઈ પ્લાન નહીં ચાલે. તમારા સ્વાર્થી પ્લાનનો શિકાર બનવા માટે જ તમારી મમ્મી પવિત્રાએ જન્મ લીધો છે ? મારે અને પવિત્રાએ હવે 'ભોટ'માં નથી ખપવું. પવિત્રાનો વિસામો હું અને મારું ઘર કહીને અમીતકુમારે ફોન મૂકી દીધો.

અમીતકુમારની વાત સાંભળી રહેલી પુત્રવધૂ પ્રીતાએ કહ્યું : 'પપ્પાજી, તમે શું મમ્મીને અધુનાદીદીને ત્યાં મોકલવાનો પ્લાન કર્યો છે ં? ના પપ્પાજી. એવું ના કરશો. મમ્મીજી અમને ખૂબ જ વહાલાં છે. એમને હું ક્યાંય પણ જવા નહીં દઉં, મમ્મી ના હોય તો અમારું કોણ ?

'પ્રીતાવહુ, તમે, મમ્મીને તમારી સુવિધાઓ અને ઘરની જવાબદારીઓ લાદવાનું સાધન માનો છો ? તમારી સેવા કરતાં કરતાં એનું શરીર ઘસાઈ ગયું છે. છતાં એણે કદી ફરિયાદ કરી નથી. હવે હું એને આઝાદ કરવા ઇચ્છું છું.'

'કેવી રીતે પપ્પા, મમ્મીને અહીંયા શું દુ:ખ છે ?' પ્રીતાએ પૂછ્યું.

'એના દુ:ખની તમે કે અંબરે ક્યારે ય પરવા કરી છે ખરી ? વહુ લહેર કરે અને સાસુ વૈતરું કરે - એને તમે સુખી પરિવાર ગણો છો ? મારે પવિત્રાને કમોતે નથી મરવા દેવી સમજ્યા ?' અમીતકુમારે બળાપો કાઢતા કહ્યું.

અમીતકુમારે પવિત્રાને કહ્યું : 'પવિત્રા, જિંદગીનાં પાંચ-દસ વર્ષો બાકી હોય તે આપણે આનંદથી જીવવા છે. એટલે મેં હરદ્વારમાં એક ધર્મશાળામાં એક મહિનાનું બુકિંગ કરાવ્યું છે. તને આરામ પણ મળશે અને હવાફેર પણ થશે. જો તું ના પાડે તો તને મારા સમ છે.'

પવિત્રાદેવી પતિની ઉષ્માભરી લાગણીથી ગદ્ગદ્ થઇ ગયા હતા. અને ભવરણથી થાકેલાં બે હૈયાં આરામ અને આનંદની શોધમાં ગૃહત્યાગ કરી રહ્યાં હતાં.