Get The App

સાડા પાંચ જણાની 'ઝંજીર' તૂટી! .

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
સાડા પાંચ જણાની 'ઝંજીર' તૂટી!                         . 1 - image

- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી

- આ ફિલ્મે અમિતાભની કરિયરને તો રાતોરાત આસમાન ઉપર પહોંચાડી દીધી હતી. પરંતુ ખુદ પ્રકાશ મહેરા માટે આ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો

એ તો સૌ જાણે છે કે 'ઝંજીર'ના હિરો બનવા માટે દેવ આનંદે ના પાડી હતી કેમકે એમાં એમના માટે કોઈ ગાયન નહોતું ! રાજકુમારે ના પાડી કેમકે પ્રાણના હાથે આટલો બધો માર ખાવાનું મંજુર નહોતું ! ધર્મેન્દ્રએ ના પાડી કેમકે એમને પોતાના નિર્માણ હેઠળ 'સમાધિ' બનાવવી હતી.

છેવટે જ્યારે અમિતાભનું નામ આપ્યું ત્યારે પ્રકાશ મહેરા અવઢવમાં હતા કેમકે તે વખતે અમિતાભની ઈમેજ 'બાબુ મોશાય' જેવાં ઢીલાં પોચાં કેરેક્ટરોની જ હતી ! ઉપરથી લખલૂંટ ખર્ચે બનેલી 'બંધે હાથ'માં તેનો ડબલ રોલ હોવા છતાં ફલોપ ગઈ હતી.

એવામાં પ્રાણે પ્રકાશ મહેરાને આગ્રહ કરીને કહ્યું હતું કે જ્યાં 'બોમ્બે ટુ ગોવા' ચાલી રહી છે એ થિયેટરમાં જાઓ અને માત્ર એક ચોક્કસ સીન જ જોજો ! તમને ખાતરી થઈ જશે કે આ 'કવિપુત્ર' ખરેખર તમારો હીરો બનવાને લાયક છે.

સીન તો નાનકડો જ હતો, જેમાં અમિતાભ બચ્ચન એક કલબમાં બે પાંચ ગુન્ડાઓની ધોલાઈ કરે છે. પરંતુ એ જોવા છતાં પ્રકાશ મહેરાને ભરોસો પડતો નહોતો. એટલે એમણે એક 'પરીક્ષા' લેવાનું નક્કી કર્યું. શું હતી એ પરીક્ષા ?

તો વાત એમ હતી કે 'ઝંજીરનો એક સીન, જેમાં એક દારૂથી ભરેલી ટ્રકના ડ્રાયવરે નિશાળે જતાં ત્રણ બાળકોને કચડી નાંખ્યા હતાં, તેને ચાકુ-છૂરીની ધાર બનાવનારી જયા ભાદુરીએ જોયો હતો.

જયા અહીં હોસ્પિટલમાં 'મૈં ને કિસી કો નહીં દેખાં' એવું કહેવા માટે આવી છે....ત્યારે અમિતાભ બચ્ચનનો બાટલો ફાટે છે અને ગુસ્સામાં આવીને તે વારાફરતી પેલાં ત્રણ બાળકોને ઓઢાડેલી ચાદરો ઉખેળતાં જયાને ધમકાવી નાખે છે...! યાદ આવ્યો એ સીન ?

પ્રકાશ મહેરાએ એ જ સીન 'પરીક્ષા' રૂપે  શૂટ કરવાનું નક્કી કર્યું હતું. અને... જે રીતે અમિતાભે એ ઘૂવાંધાર શોટ આપ્યો ત્યારે 'કટ' બોલાયા પછી ત્યાં હાજર રહેલા લાઈટમેનો અને સ્પોટ બોય્ઝે રીતસર તાળીઓ વગાડી હતી !

બસ, પ્રકાશ મહેરાને આ ઓર્ડીનરી કારીગરો, જે અંધારામાં ઊભા ઊભા દરેક કલાકારોના પરફોર્મન્સ વરસો સુધી જોતાં હોય છે, એમની 'પરખ' ઉપર ભરોસો બેસી ગયો ! પછી તો કહે છે ને...! રેસ્ટ ઈઝ હિસ્ટ્રી !

આ ફિલ્મે અમિતાભની કેરિયરને તો રાતોરાત આસમાન ઉપર પહોંચાડી દીધી હતી. પરંતુ ખુદ પ્રકાશ મહેરા માટે આ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો.

'ઝંજીર' પહેલાં પ્રકાશ મહેરાની કરિયર સાવ ડગુમગુ હતી. ફલોપ 'પૂર્ણિમા,' ઠીક ઠીક 'હસીના માન જાયેગી' અને ઓકે ઓકે 'મેલા' પછી તેઓ લો બજેટની કોમેટી 'એક કુંવારી એક કુંવારા'ની નિષ્ફળતામાં ભરાયા હતા.

એટલું જ નહીં, 'ઝંજીર'ની સ્ક્રીપ્ટ ઉપર એટલો બધો ભરોસો હતો કે તે જાતે પ્રોડયુસર બનીને રૂપિયા પણ લગાવી બેઠા હતા ! અને 'ઝંજીર' હિટ ગયા પછી ? પ્રકાશ મહેરા બચ્ચનની સાથે મળીને સળંગ છ-છ હિટ ફિલ્મો આપીને રીતસરના છવાઈ ગયા હતા. (બસ, 'જાદૂગર'થી એ જાદૂ ગાયબ થઈ ગયો.)

હવે ત્રીજા માણસના ટર્નિંગ પોઈન્ટ પર આવીએ. એ હતા શાંત અવાજે બોલતા, ઠંડા કલેજે કતલ કરાવતા અને હંમેશાં સફેદ વસ્ત્રોમાં દેખાતા વિલન તરીકે હિન્દી ફિલ્મોમાં 'કમ-બેક' કરનારા અભિનેતા અજીત !

અજીતની કેરિયર તો જાણે લગભગ પતી જ ગઈ હતી ! ૫૦ના દશકમાં જે બી ગ્રેડ ફિલ્મોના હીરો હતા, 'નયા દૌર'માં તે સપોર્ટિંગ રોલમાં આવ્યા અને પછી સતત નાના મોટા વિલન અથવા મોટાભાઈ, કાકા, મામા વગેરે ફાલતુ રોલમાં અટવાતા હતા...તે 'ઝંજીર'થી અચાનક 'ન્યુ સેન્સેશન' બની ગયા !

ત્યાં સુધી કે ખુદ સલીમ જાવેદે 'યાદોં કી બારાત'માં પણ સેઈમ પાત્રા લેખન કરીને અજીતની આ 'કુલ' ઈમેજની રોકડી કરાવી ! બીજી બાજુ સુભાષ ઘાઈએ તો 'કાલીચરન'માં 'ઝંજીર'વાળા અજીતનું પાત્ર બેઠું જ ઉઠાવી લીધું હતું !

ચોથો અને પાંચમો ટર્નિંગ પોઈન્ટ સલીમ અને જાવેદ માટે સાબિત થયો. કેમકે આ પહેલાં 'હાથી મેરે સાથી' અને 'અંદાઝ' હિટ જવા છતાં સલીમ-જાવેદનાં નામો પોસ્ટરો ઉપર છપાતાં નહોતાં. 'ઝંજીર' વખતે પણ નહોતાં જ છપાયાં ! પરંતુ આજે સૌ જાણે છે એમ, 'ઝંજીર' હિટ થતાંની સાથે જ સલીમ જાવેદે મુંબઈના પેન્ટરોને પૈસા આપીને રાતોરાત 'ઝંજીર'નાં તમામ પોસ્ટરો ઉપર 'રીટન બાય સલીમ-જાવેદ' એવી સ્ટેન્સિલ બનાવડાવીને પોતાનાં નામો મોટાં મોટાં અક્ષરે છપાવડાવ્યાં હતાં ! (આને 'દાદ માગી લીધી' એમ કહેવાય !)

હવે રહી વાત સાડા પાંચમી વ્યક્તિની, તો એ હતાં જયા બચ્ચનજી ! કહે છે કે 'ગુડ્ડી'ના સેટ ઉપર જયા અને અમિતાભ મળ્યાં કે તરત પ્રેમમાં પડી ગયાં હતાં પરંતુ બચ્ચન સાહેબ સતત ફલોપ જઈ રહ્યાં હતાં અને જયાજી હિટ ઉપર હિટ આપી રહ્યાં હતાં. ત્યારે બન્નેએ નક્કી કર્યું હતું કે જો 'ઝંજીર' હિટ જશે તો બન્ને પરણી જશે. નહિંતર બચ્ચનજી હજી પોતાની સફળતા માટે સંઘર્ષ કરતા રહેશે.

હવે તમે પૂછવાના કે આમાં 'સાડા પાંચ' કેમ લખ્યું ? તો સાહેબો, જયા બચ્ચન અમિતાભનાં 'અર્ધાંગિની' થયાં કે નહીં ?

રહી વાત 'ઝંજીર' ફિલ્મના નામની, તો એમાં એવું છે કે સલીમ-જાવેદ એક હોલીવૂડની એકશન મૂવીમાંથી આખી વાત ઉઠાવી હતી કે હીરો જયારે નાનો હોય છે ત્યારે એણે કબાટમાં સંતાઈને પોતાના મા-બાપની હત્યા થતાં જોઈ છે ! પરંતુ બારણાંની ફાટમાંથી તેને હત્યારાના કાંડા ઉપર પહેરેલી 'ચેઈન' (ઝંજીર) જ દેખાતી હતી, જેમાં લોકિટ તરીકે એક નાનકડો સફેદ ઘોડો છે ! બોલો.

એ જ કારણસર પેલા હોલીવૂડના હીરોને પણ 'બચ્ચનની જેમ જ' હણહણાટી કરી રહેલા સફેદ ઘોડાનાં સપનાં આવતાં હતાં ! બોલો.

* હિન્દી ફિલ્મોમાં યંગ મેનની શરૂઆત આ ફિલ્મથી થઈ હોવાનું મનાય છે.

* અજીતની ઠંડા કલેજે વાત કરવાની સ્ટાઈલની પ્રેરણા સલીમ જાવેદે ભોપાલના એક નાના ગુન્ડાની રીતભાત ઉપરથી લીધી હતી.

* એક પણ ગાયન નહીં ગાનારો હીરો અમિતાભ આના પછી 'દિવાર', 'ત્રિશૂલ' 'કાલા પથ્થર' અને 'અગ્નિપથ'માં રીપીટ થયો હતો.

* કરણ જોહરે સાઉથના રામ ચરણને લઈને ૪૦ વરસ પછી આ જ નામે રિ-મેક બનાવી હતી જે માત્ર હાસ્યાસ્પદ જ નહીં, ફલોપ પણ હતી !

* 'ઝંજીર' પછી અમિતાભ અને પ્રકાશ મહેરાએ સતત ૧૬ વર્ષ સુધી સાથે કામ કર્યું.