- જંગ શરૂ થાય તે પહેલાં જ શત્રુની પીઠ પાછળ ઘા કરી તેને પાંગળો કરી દેવાની જોખમી કામગીરી
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- સાડાચાર દાયકા પૂર્વ અમેરિકાએ ત્રાસવાદીઓ વિરુદ્ધ લડત આપવા અને તેમના કારસ્તાનો નાકામિયાબ બનાવવા એક દળની સ્થાપના કરી હતી. આ કમાન્ડો ટુકડીને ડેલ્ટાફોર્સનું નામ અપાયું હતું
વર્ષો પહેલાં 'ડેલ્ટાફોર્સ' નામની એક અંગ્રેજી ફિલ્મ આવી હતી. અમેરિકન ઉતારુઓને લઈ જતાં એક મુલકી વિમાનનું અપહરણ કરી તેને બળજબરીથી બૈરૂત લઈ જનારા ત્રાસવાદીઓ અને તેમનો મુકાબલો કરતાં જાંબાઝ કમાન્ડોના દિલધડક કારનામાને કારણે દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. બૈરૂતના એક અવાવરૂ મકાનમાં ગોંધી રખાયેલા અમેરિકન નાગરિકોને ઉગારી લેવા છાપામાર કમાન્ડો 'ડેલ્ટાફોર્સ' ની ટુકડી કેવી ચાલાકી અને શૂરવીરતાથી આ મિશન પાર પાડે છે તે દ્રશ્યો હજુ આજેય સ્મરણ પટ પર જળવાઈ રહ્યાં છે.
સાડા ત્રણ દાયકા પૂર્વે અમેરિકાએ ઇરાક સામે અખાતી યુધ્ધ માંડયું ત્યારે પણ વિશાળ સેના યુધ્ધભૂમિ પર કૂચ કરી જાય તે પૂર્વે અમેરિકાની વિશિષ્ટ કમાન્ડો ટુકડીએ મહત્ત્વની કામગીરી બજાવી હતી. આ સૈનિકો એટલે સ્પેશિયલ ફોર્સના ચુનંદા જવાનો જેઓ 'બિહાઇન્ડ ધી એનિમિ લાઇન' લડવા માટેની સચોટ તાલીમ ધરાવતા હોય છે. સહેજ વિસ્તારપૂર્વક આ વાત સમજાવવી હોય તો એમ કહી શકાય કે યુધ્ધનું વાતાવરણ જામ્યું હોય ત્યારે સામસામા દેશોની સેના એકબીજાની સામે મોરચાબંધી કરીને ઊભી હોય છે. શત્રુએ યુધ્ધ મોરચા પર સં૨ક્ષણની આખી હરોળ ઊભી કરી હોય છે. પોતાનું લશ્કર, મહત્ત્વના શસ્ત્રો, પુરવઠો વગેરે સરહદ પાસે ખડકાય છે, જેથી સામેથી ધસી આવતા શત્રુને જડબાતોડ જવાબ આપી શકાય.
જો કે અમેરિકા તેમજ બીજા વિકસેલા દેશોની મિલિટરીએ છેક બીજા વિશ્વયુધ્ધના સમયથી યુધ્ધની આ પરંપરાગત પધ્ધતિ બદલી નાંખી છે. શત્રુ જ્યારે યુધ્ધ લડવા સરહદ પર મોરચો માંડે ત્યારે અમેરિકા, બ્રિટન રશિયા જેવા દેશોનું મુખ્ય લશ્કર તેમને સરહદ પર જ સામે ટકરાય છે. તેઓ એકબીજા સામે ઘુરકિયા કરતા હોય, ખાંડા ખખડાવતા હોય ત્યારે વિકસેલા દેશોની વિશિષ્ટ ટુકડીઓ અંધારામાં બીજા જ રસ્તેથી મોરચાબંધી કરેલાં શત્રુ સૈન્યની પાછળ જમાવટ કરે છે. તેમની પુરવઠા લાઇનો કાપી નાંખે છે. તેમની રડારપ્રણાલિ તથા ટેલિકોમ્યુનિકેશન વ્યવસ્થા ખોરવી નાંખે છે. સરહદે લડતા સૈન્યને કુમક પહોંચાડવા માટેના ઘોરી રસ્તા, બ્રિજ, પુલ, ગોદામો વગેરે તોડી પાડે છે જેથી ખરેખર યુધ્ધ થાય ત્યારે મોરચા પરના સૈન્યને તેમના સાથીઓ કોઇ મદદ જ પહોંચાડી ન શકે.
ઈરાનમાં અમેરિકાએ આ જ વ્યૂહ અપનાવ્યો છે. છેલ્લાં બે સપ્તાહથી ઇઝરાયલ તથા અમેરિકાની વિવિધ સ્પેશિયલ ફોર્સના કમાન્ડો છુટા છવાયા, એકાંતરે સરહદેથી ઈરાનમાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા છે. ઈરાન નજીક જોર્ડનમાં અત્યારે ૨૦,૦૦૦ કમાન્ડો મોજૂદ છે. જેમાં ડેલ્ટાફોર્સનો પણ સમાવેશ થાય છે. બ્રિટનની સ્પેશિયલ ફોર્સનું નામ એસ.એ.એસ. (સ્પેશિયલ એર સવસ) છે. સૈન્યની મોટી ટુકડી હુમલો કરવા જાય તો ખુવારીની શક્યતા વધી જાય અને ધાર્યા નિશાન પાર ન પડે. તેના બદલે પોતાનો નિશ્ચિત મકસદ પાર પાડવા અદ્યતન સાધન-શસ્ત્રથી સજ્જ પસંદગીના કમાન્ડો ગુપ્ત મિશન પર નીકળે તો તેઓ મહત્ત્વના લક્ષ સર કરવામાં સફળ નીવડે છે.
આજથી સાડાચાર દાયકા પૂર્વ અમેરિકાએ ત્રાસવાદીઓ વિરુદ્ધ લડત આપવવા અને તેમના કારસ્તાનો નાકામિયાબ બનાવવા એક દળની સ્થાપના કરી હતી. આ કમાન્ડો ટુકડીને ડેલ્ટાફોર્સનું નામ અપાયું હતું. 'સ્પેશ્યલ ફોેર્સિસ ઓપરેશનલ ડિટચમેન્ટ'ના ટૂંકા સ્વરૂપને 'ડેલ્ટા' તરીકે ઓળખાવાય છે.
બ્રિટને વર્ષો પૂર્વે સ્પેશિયલ-એર-સર્વિસીઝ (એસ.એ.એસ.) નામે હવાઈ દળના કેટલાંક ચુનેદા પાયલટોને તાલીમ આપીને છાપામાર ટુકડીની રચના કરી હતી. ડેલ્ટાફોર્સની રચના પણ એસ.એ.એસ.ના ધોરણે જ થઈ છે. ડેલ્ટાફોર્સના કમાન્ડોને મુખ્યત્વે અપહત વિમાનમાંથી ઉતારુઓને છોડાવવાની કે બાનમાં રખાયેલા વીઆઈપીઓને ત્રાસવાદીઓના સકંજામાંથી મુક્ત કરાવવાની તાલીમ મળી છે પ્રત્યેક કમાન્ડો વિશ્વની વિવિધ એરલાઈન્સોના જુદાં જુદાં વિમાનોની ડિઝાઈન, રચના, ક્ષમતા વગેરેથી પરિચિત હોય છે. જાતજાતના વિમાનો ઉડાડી જાણે છે તેમ જ પ્લેનમાં લવાયેલા ત્રાસવાદીઓને કેવી રીતે ઝબ્બે કરવા તેની ટેકનિક પણ સુપેરે સમજે છે. ડેલ્ટાફોર્સના છાપામાર જવાનોને એવી સઘન તાલીમ અપાઈ છે કે મિશનની મહત્ત્વની કામગીરીને ગણતરીની પળોમાં આટોપી લે. શકય હોય ત્યાં સુધી લોહીનું એક ટીપું રેડાયા વિના મિશન પરિપૂર્ણ કરવાની નેમ આ કમાન્ડો ધરાવે છે. પરંતુ આવશ્યકતા જણાય તો ધાણીઓ ફૂટે એમ સ્ટેનગન ચલાવી દસ સેકન્ડમાં દસ આતંકવાદીઓની લાશો પાડી દેતાંય તેમને વાર નથી લાગતી કે જરાય ખચકાતા પણ નથી.
આ તબક્કે પશ્ચિમના રાજકીય વિશ્લેષકો એવી ટિપ્પણી કરી રહ્યા છે કે શું હોલીવુડની 'ડેલ્ટાફોર્સ', ગ્રીન બેરેટ્સ, રૅમ્બો વગેરે ફિલ્મોમાં દાખવવામાં આવે છે એ રીતે અમેરિકી કમાન્ડો ઈરાનમાં સફળ થશે ખરા? ફૂલોરિડા ખાતેના મેકડિલ એર ફોર્સ બેઝ (ટામ્પા)ના સ્પેશિયલ ફોર્સના જોઇન્ટ કમાન્ડરો આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે ''આ કમાન્ડો (છાપામારો)ને યુધ્ધનીતિના તમામ પાઠ, દરેક પ્રકારના શસ્ત્રોની તાલીમ તો અપાય છે જ પરંતુ તેઓ યુધ્ધક્ષેત્રની કઠોર પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ ટેવાયેલા હોય છે, તેમજ જે વિસ્તારમાં કાર્યવાહી કરવાની હોય એ પ્રદેશના લોકો, તેમના પહેરવેશ, રિત-રિવાજ તથા તેમની બોલીથી પણ પરિચિત હોય છે.
૪૮ વર્ષ પૂર્વે, ૧૯ નવેમ્બર ૧૯૭૭ના દિવસે ડેલ્ટાફોર્સની રચના થઈ. આ ટુકડીની સ્થાપના બેકવીથ અને કર્નલ થોમસ હેન્રી દ્વારા થઈ હતી. વર્તમાન સમયમાં આ કમાન્ડો ટુકડીમાં આશરે ૨૦૦૦ સૈનિકો છે. જેમાંથી ૩૦૦થી ૪૦૦ 'ઓપરેટર' ડેલ્ટાફોર્સને મિશન પાર પાડવામાં સપોર્ટ સિસ્ટમ પૂરી પાડે છે.
ડેલ્ટાફોર્સ જાસૂસીનું કામ કરવા ઉપરાંત તેની બે પાંખ નેવી (સીલ) અને એરફોર્સ ૨૪ સ્પેશિયલ ટેકટિક સ્ક્વોડ્રન અમેરિકન મિલિટરીના સ્પેશિયલ મિશનમાં સામેલ છે. અમેરિકન પ્રમુખ અથવા ડિફેન્સ સેક્રેટરી દ્વારા મળેલાં આદેશ પ્રમાણે આ કમાન્ડો ટુકડી ગમે તેવા જોખમી અને ખતરનાક મિશન પાર પાડે છે. આ જવાનો પહાડો, જંગલો, નદી-નાળા અને ઊંડી ખીણોમાં ઊતરીને પણ પોતાનો ધ્યેય સિધ્ધ કરી જાણે છે.
તેમની પીઠ પર સાચવી શકાય તેટલો શસ્ત્ર સરંજામ લઇને નીકળી પડતા આ કમાન્ડો દિવસ-રાત, ઠંડી ગરમી, પહાડી વિસ્તાર કે બરફીલા મેદાન, જંગલ હોય કે સમુદ્રી વિસ્તાર, ગમે તે સ્થળે કામ કરવા ટેવાયેલા હોય છે. તેમનો જુસ્સો, ધ્યેય અને મજબૂત મનોબળ દાદ આપવાલાયક હોય છે. ગમે તેવા કપરા સંજોગોમાં પણ કેમ સફળ થવાય તેના તમામ પાઠ તેઓ ભણ્યા હોય છે. દિવસો સુધી રાંધેલું અનાજ ન મળે તો પણ ઝાડી-ઝાંખર, જીવજંતુના આધારે દિવસ કેમ કાઢવા તેની તાલીમ તેમને અપાઇ હોય છે. વિયેટનામના જંગલોમાં અમેરિકી સૈન્યને વહારે ધાયેલા કમાન્ડોએ દિવસો સુધી ઉંદર, સાપ, ડુક્કર, નોળિયા, બીવર જેવા પ્રાણીઓને મારીને પોતાની કામગીરી ધપાવી હતી.
ડેલ્ટાફોર્સ હોય કે ગ્રીન બેરેટ્સ કે પછી બ્રિટનની એસ.એ.એસ. ટુકડી હોય. આ તમામ કમાન્ડો લશ્કરની દરેક પ્રકારની કામગીરીથી તો વાકેફ હોય જ છે. ઉપરાંત તેમને દરેક હથિયા૨, દરેક વાહન ચલાવતાં આવડે છે. લશ્કરની સઘન તાલીમ મેળવી ચૂક્યા પછી અને કેટલાંક યુધ્ધ લડયાનો અનુભવ હોય તો પણ ડેલ્ટાફોર્સ કે એસ.એ.એસ. જેવા કમાન્ડો દળમાં સામેલ થવા પ્રત્યેક જવાને નવેસરથી તાલીમ લેવી પડે છે. આવા તાલીમાર્થીઓમાંથી વીસેક જણમાં માંડ એકાદને સ્પેશિયલ ફોર્સમાં સ્થાન મળે છે.
દળમાં સામેલ થયા પછી પણ પ્રત્યેક કમાન્ડોએ આકરી તાલીમ લેવી પડે છે. જેમાં આંખે પાટા બાંધી પ્લેનમાંથી નીચે કૂદી પડવાની તાલીમ મુખ્ય છે. કારણ કે અજાણી ધરતી પર અચાનક ગેરિલા હુમલો ક૨વાનો હોય, ઓચિંતો છાપો મારવાનો હોય ત્યારે આ કમાન્ડોને ઊંચે આકાશમાં ઉડતા વિમાનમાંથી જ સીધા જમીન પર ઉતારાય છે. આ માટે ક્યારેક બારથી તેર હજાર ફૂટની ઊંચાઇએથી કમાન્ડો કૂદકા મારે છે. આ કામગીરી માટે તેઓ સ્ટીલ્થ પેરાશ્યુટ વાપરે છે. જે જમીન પરથી દેખાતી નથી. હેલિકોપ્ટરમાંથી જ અંધારી રાતે કોઇ મકાન કે કિલ્લા પર ઉતરાણ કરી મહત્ત્વનું મિશન પાર પાડી ઝડપથી પાછા હવામાં અધ્ધર રહેલાં હેલિકોપ્ટરમાં પહોંચી જવાની કપરી કામગીરી પણ આ કમાન્ડોને શીખવાડાય છે. તાલીમ દરમિયાન તેમને જીવંત કારતુસ અને જીવંત બોમ્બ અપાય છે. જરૂર પડે જંગલમાં કે આસપાસમાં જે વસ્તુ મળે તેનો શસ્ત્ર તરીકે કઇ રીતે ઉપયોગ થઇ શકે તે પણ શીખવવામાં આવે છે. સામાન્ય અમેરિકન સૈનિકની સરખામણીમાં આ કમાન્ડો પાસે વધારાના શસ્ત્ર અસ્ત્રમાં નાઇટ વિઝન ગીયર (રાત્રે અંધારામાં પણ જોઇ શકાય તેવું ઉપકરણ), લેસર ડિવાઇઝ (અંધારામાં નિશાન તાકવા માટેનું ઉપકરણ) તથા વાયરલેસ રેડિયો પૂરા પાડવામાં આવે છે. આ રેડિયો વડે તેઓ પોતાના મથકને જે કોઇ સંદેશા મોકલે છે તે એવી ટ્રાન્સમિશન પધ્ધતિના હોય છે, જે વાતચીતને કોઇ આંતરી શકતું નથી.
ડેલ્ટા ફોર્સની કમાન્ડો ટુકડીએ અત્યાર સુધીમાં અનેક કપરી કામગીરી બજાવી છે. જેમાં ઇરાની આતંકવાદીઓએ બાન પકડેલા નાગરિકોને છોડાવવાનું રેસ્ક્યુ મિશન (ઑપરેશન ઈગલક્લૉ) અણીના સમયે હેલિકોપ્ટર તૂટી પડવાથી નિષ્ફળ ગયું હતું.
આ ઉપરાંત સોમાલીના વોરલોર્ડ તરીકે ઓળખાતા કમાન્ડર મોહમ્મદ એઈદીદનું અપહરણ કરવામાં પણ ડેલ્ટા ફોર્સ નિષ્ફળ ગયેલું. બાકી ગ્રેનેડા પર હુમલો તથા લેબેનોન અને મધ્ય અમેરિકામાં વિવિધ દેશોમાં અમેરિકન રાજદૂતોને ઉગારી લેવાની કામગીરી રોમન કેથોલિક ધર્મગુરૂ જ્હોન પોપ પોલ બીજાની લેટિન અમેરિકાની યાત્રા વખતે સલામતી બંદોબસ્ત તેમજ ૧૯૮૪નો લોસ એન્જિલસ તથા ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિકમાં પણ સલામતી વ્યવસ્થાનો દોરીસંચાર ડેલ્ટાફોર્સે કર્યો હતો.
૨૦૧૨માં લિબિયાના ટ્રિપોલી શહેરમાં આવેલી યુએસ એલચી કચેરી પર ત્રાસવાદી હુમલો થયો ત્યારે આ એમ્બેસીના સ્ટાફને ઉગારી લેવામાં ડેલ્ટાફોર્સે મહત્ત્વની કામગીરી બજાવી હતી. ઓક્ટોબર ૨૦૧૯માં ઇરાકના ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ બકર બગદાદીને પકડવા ડેલ્ટાફોર્સે કાયલા મુલર નામે ખૂબ જ જોખમી મિશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન પાર પાડવા ઇરાક અને તુર્કીની હવાઈ સીમાને ક્રોસ કરી હેલિકોપ્ટરમાં નિર્ધારિત સ્થળે પહોંચવાનું હતું. બગદાદી છુપાયો હતો તે જગ્યાએ ખુલ્લા મેદાનમાં હેલિકોપ્ટર ઉતર્યું તો ખરું પરંતુ બગદાદીને જીવતો પકડવાના પ્રયાસ સફળ થાય તે પહેલાં જ તેણે પોતે પહેરેલા બખ્તરમાં સંતાડેલો બોમ્બ વિસ્ફોટ કરીને આપઘાત કરી લીધો હતો. એની સાથે બે દીકરા પણ આ વિસ્ફોટમાં માર્યા ગયા હતા.
૧૯૮૯માં અમેરિકાએ પનામા પર હુમલો કર્યો ત્યારે યુદ્ધની વચ્ચે ડેલ્ટાફોર્સે ઓપરેશન એસિડ ગેમ્બિર પાર પાડયું હતું. આ મિશનમાં પનામાની મોડેલો જેલમાં બાન રખાયેલા અમેરિકી નાગરિકોને છોડાવવાના હતા. જે કામ ડેલ્ટાફોર્સે સુપેરે પાર પાડયું. પર્શિયન ગલ્ફ વૉરમાં પણ ડેલ્ટાફોર્સ મિત્ર દેશોને ગુપ્ત બાતમી પૂરી પાડવા તથા ઈરાકી આર્મીને છેતરવાના કાંડ રચ્યા હતા. ઈરાકની ૨૬ સ્કડ મિસાઈલને નિષ્ફળ બનાવી ઈઝરાયલ પર હુમલો કરતાં રોક્યા હતાં.
થોડા વર્ષ પૂર્વે પેરૂદેશની રાજધાની લીમામાં વીસેક માર્ક્સવાદી ગેરિલાઓએ જાપાનની એલચી કચેરીમાં ઘૂસી જઇ બધા માણસોને બાન પકડયા હતા. આ લોકોને છોડાવવામાં ડેલ્ટાફોર્સના માત્ર ૧૦ જ કમાન્ડોએ નોંધપાત્ર કામગીરી બજાવી હતી. બાન પકડાયેલા ૭૪ વીઆઇપીઓના ડેલ્ટાફોર્સના કમાન્ડોએ ઓચિંતો છાપો મારી આંખના પલકારામાં છોડાવ્યા હતા. અફઘાનિસ્તાનમાં પણ ડેલ્ટાફોર્સ તથા એસએએસ (બ્રિટન)ના કમાન્ડો શત્રુ પ્રદેશમાં ઘુસી જઇ ગુપચુપ પોતાની ફરજ બજાવી હતી.
પામીટ પર્વતમાળામાં બિન લાદેન છુપાયો હોવાની ભાળ પણ તેમણે જ મેળવી હતી. રશિયાના અમુક ગુપ્તચરોએ આ પર્વતમાળામાંના લાદેનના ક્વાર્ટર્સને ખોળી કાઢવામાં અમેરિકી કમાન્ડોને સહાય કરી હતી. એક સમયે અફઘાનમાં લડતા રશિયન સૈનિકોએ આ પર્વતમાળાની અંદર જ ગુપ્ત ભોંયરામાં ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલોનો સંગ્રહ કર્યો હતો.
ડેલ્ટાફોર્સના કારનામાનો તાજો જ દાખલો લઈએ. ગઈ ત્રીજી જાન્યુઆરીએ ડેલ્ટાફોર્સના કમાન્ડોએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ મદુરાઓ અને તેની પત્ની સિલિયા ફ્લોરેસને બેડરૂમમાં નિદ્રાધીન હતા ત્યાં જ ઝડપી લીધા. 'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ'ના નામે જાણીતા આ મિશનના જાંબાઝોએ (માત્ર ૨૦ની સંખ્યા) વેનેઝુએલાની રાજધાનીમાં આ કામગીરી ગણતરીની મિનિટોમાં પૂરી કરી લીધી હતી. તેઓ પ્રમુખ અને તેની પત્નીને સીધા નજીકના દરિયાઈ વિસ્તારમાં સ્થિત યુએસ નેવીના જહાજ ઇવો જીમા પર લઈ ગયા હતા અને છેવટે અમેરિકામાં લાવી જેલમાં ગોંધી દીધા હતા.
આવી ઉલ્લેખનીય કામગીરી ઉપરાંત આ કમાન્ડો ફોર્સે વિયેટનામ, કમ્બોડિયા, લાઓસ, ગ્વાટેમાલા, નિકારગુઆ, એલ સાલ્વાડોર, કોલમ્બિયા, પનામા, હૈતી, સોમાલિયા, બોસ્નિયા, કોસોવો, ઇરાક, અફઘાનિસ્તાન, ફિલિપાઇન્સ, સિરિયા, યમન, નાઇજર, તેમ જ પૂર્વ આફ્રિકન દેશોમાં અનેક નાના-મોટા મિશન પાર પાડયા છે.
ડેલ્ટા ફોર્સને એ વાતની તાકીદ કરવામાં આવી છે કે ઈરાનમાં ખેલાનારા પ્રારંભિક ગેરિલા યુધ્ધમાં નિર્દોષ ઈરાની નાગરિકોનો જાન જાય નહીં તે વાતની પૂરી કાળજી લેવામાં આવે. તેથી યુધ્ધ વખતે અમેરિકન બોમ્બર વિમાનો જે બોમ્બ વર્ષા કરે એ પણ ઈરાનના મિલિટરી બેઝ મિસાઈલ ફેક્ટરી બીજા કે શસ્ત્રસમૂહ પર જ પડે એ વાતની તકેદારી કમાન્ડો લઇ રહ્યા છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો આગળ જતા ભરપૂર ઉપયોગ કરી ઈરાનમાં ઘૂસેલા કમાન્ડો દરેક મહત્ત્વના થાણાનું ચોક્કસ લોકેશન નક્કી કરી ખૂબ જ સ્પષ્ટ માહિતી પેન્ટાગોનને પાઠવશે.
આ બધું જોતા લાગે છે કે ૨૦૨૬માં ફરી એકવાર વિશ્વને અમેરિકા તથા ઈઝરાયલ દ્વારા ખેલાનારું હાઇ-ટેક યુધ્ધ જોવા મળશે. ભારતીય લશ્કરે આ વખતે જે વાત બરાબર સમજી લેવાની છે તે એ કે યુધ્ધ પૂર્વે જ શત્રુને ખોખરો કરવાની અમેરિકાની ગેરિલા પધ્ધતિ-કમાન્ડો મિશનની ટેકનિક ખરેખર આત્મસાત કરવા જેવી છે. ભવિષ્યમાં આ જ યુધ્ધ નીતિ પાકિસ્તાનને મુક્ત કરાવવા કે બાંગ્લાદેશને ખોખરું કરવામાં કામ લાગશે.


