- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- સજ્જનો, વાંચન, સંતો, સાધુ પુરુષોનો સત્સંગ આપણી ભીતરનો મેંલ દૂર કરે છે એ અંદરથી આપણને ઊજળા કરે છે
ભાષા કહીએ છીએ ત્યારે તેમાં ઉચ્ચારણ અને લેખન ધ્વનિ અને લિપિ ઉભયનો સમાવેશ થતો હોય છે. લિપિ એ ભાષાને લેખિત સ્વરૂપે પ્રગટ કરવાનું સાધન છે. લિપિને, લખનારા કે બોલનારા કે વાંચનારાની જાત-ન્યાત- ધર્મ-પ્રાન્ત- રાષ્ટ્ર સાથે કોઈ સંબંધ હોતો નથી. માત્ર અમુક ધ્વનિના ઉચ્ચારને અમુક 'વર્ણ' નિયત થયા એ એક આદત છે - મહાવરાથી દ્રઢ થયેલી વાત છે. પણ જરૂર જણાય તો આપણે લિપિમાં ફેરફાર કરી શકીએ. એ આપણે આપણા ઉચ્ચારણોમાં જે ઝડપથી ફેરફાર થતો જોઈએ છીએ તેવા ફેરફાર લેખનમાં આપણે કરતા જ નથી, એ કરવો જરૂરી છે. એમ ન કરીએ તો ઉચ્ચારણ અને લેખન વચ્ચે અંતર વધતું જાય તો સમસ્યાઓ પણ વધે.
સંસ્કૃત વર્ણ માળાની મુખ્ય લિપિઓ દેવનાગરી, ગુજરાતી, બંગાળી, પંજાબી, ઊડિયા, કાનડી, તેલુગુ, મલયાલમ અને તમિલ ગણાવી શકાય. આ પૈકી તામિલ સિવાય બીજી બધી લિપિઓની વર્ણમાળા એક જ છે. ખરેખર તો મૂળ એક લિપિમાંથી કાળાન્તરે આવેલા જુદા જુદા મરોડો એ લિપિઓનું વૈવિધ્ય છે. મૂળ બ્રાહ્મી લિપિ કાળાંતરે દેવનગરી (કાશી)માં સ્થિર થઈ વપરાશ વધતાં- દેવનાગરી કહેવાઈ. ગુજરાતી ભાષા તેનું જ રૂપાંતરણ છે. ગુજરાતીમાં પણ ઉચ્ચારણ અને લેખન વચ્ચે સામ્ય જરૂરી છે.
આપણે ત્યાં લિપિ અને લેખનની સામ્યતા અંગે આગ્રહ અવશ્ય રખાયો છે, પણ ઉચ્ચારણ પરિવર્તિત થયું એમ લેખનમાં બન્યું નથી. ઉચ્ચારણ અને લેખન વચ્ચે સંપૂર્ણ સામ્ય જોવા મળતું નથી. 'બહેન' ઉચ્ચારણ કરીએ છીએ પણ 'બેન' લખીએ છીએ ત્યારે 'કૉલેજ' બોલીએ અને કોલેજ લખીએ વૅર બોલીએ વેર લખીએ. ગૉળ બોલીએ ને ગોળ લખીએ. તે બરાબર નથી. એવા એક 'મૅલ' શબ્દ વિશે આજે વિચારીએ.
મેલ (છોડી દેવું, એક્સપ્રેસ ટ્રેઇન), મૅલ (ગંદુ, મલિન, અસ્વચ્છ) 'મેલ'નો અર્થ (મિલન અને મેળાપ) પણ થાય છે. આપણે ગુજરાતીમાં 'મેલ' લેખન એક જ છે પણ ઉચ્ચારણો ભિન્ન છે.
* રંગરસિયા મારો મારગડો મેલ
* રંગરસિયા મારો પાલવડો મેલ (છોડી દે)
* નિશ્ચયના મે'લમાં વસે મારો વ્હાલમો (મ્હેલ)
* તન મેલા મન ઊજળા. (મલિન, ગંદા, અસ્વચ્છ)
* લોકલ છૂટી ગઈ, મેલમાં આવ્યા. (ઝડપી ટ્રેઇન)
આપણે ત્યાં ગુજરાતીમાં ઉચ્ચારણમાં ભેદ હોવા છતાં લિપિમાં ફરક નથી પડતો એવા કેટલાંક શબ્દો છે એમાંનો આ એક શબ્દ 'મેલ' છે.
'મહેલ' શબ્દ જ્યારે મે'લ કહીએ ત્યારે ત્યાં મર્મર ધ્વનિ છે, પણ મેંલ એટલે ગંદુ, અસ્વચ્છ, ગોબરું એમ લખાવું જોઈએ, આપણે લખીએ છીએ મૅલ (વિવૃત્ત) આપણે ત્યાં ભાષાવિજ્ઞાનમાં 'એ' સ્વર નાસિક્ય લેતો નથી એવા પ્રકારની વાત થઇ છે. વ્યવહારમાં તો 'એ' સ્વર નાસિકય લેતો હોય તેવા દાખલા મળે છે. 'મેં' કહીએ ત્યારે 'એ' નાસિકય લેતો દેખાય છે એવું જ મેંલ શબ્દ નું ન હોય ? પેંટ શબ્દ બોલીએ છીએ ત્યારે, બેંક શબ્દમાં 'એ' નાસિકય લેતો જઆંય છે. 'વેંત' બોલીએ છીએ ત્યારે પણ નાસિકય એ માં 'ન' મળે છે, છતાં આપણે ભણીએ ભણાવીએ છીએ કે 'એ' નાસિકય લેતો નથી પણ સંવૃત્ત વિવૃત્ત ઉચ્ચારણ ધરાવે છે અથવા ઍ, ઑ ગુજરાતીમાં સ્વતંત્ર સ્વર તરીકે ઓળખાય છે. 'રા' ખેંગાર' લખીએ છીએ ત્યારે 'એ' ઉપર નાસિકય હોય જ છે. 'ગેંગ' શબ્દમાં પણ ટેંટોડો, રેંટ, બેંડવાજાં... આવા ઘણા શબ્દો ગુજરાતી ભાષા બોલે છે ત્યાં વિવૃત્ત ઉચ્ચારણ નથી નાસિક્ય છે.
આપણે 'મૅલું' અથવા 'મેલું' સાથે જોડણીકોશ મુજબ લખવાનું સ્વીકાર્યું છે. પણ ખરેખર તો એ ઉચ્ચારણ તે બંનેની વચ્ચેનું છે. 'મલિન' શબ્દ ઉપરથી મૅલાં થાય, શરીર મૅલુ થાય મન મૅલુ થાય અને માણસ પણ મૅલો હોય. આ મલિનતાનો અભિધા પ્રયોગ જ નથી લાક્ષણિક અર્થમાં એ શબ્દ વપરાય છે. સ્થૂળ અર્થમાં મૅલ કાઢવો એટલે ઊજળું કરવું. મૅલ નાકમાં, કાનમાં, આંખમાં, શરીર ઉપર વ્યાપી વળે છે. પેટમાં પણ મૅલ જામે છે. સાબુથી, પાણીથી એ દૂર કરવાના પ્રયત્નો થાય છે. એ સ્થૂળ મેંલ છે. નખમાં ભરાઈ ગયેલો મૅલ ક્યારેક કોઈ તીણી સળીથી કાઢીએ છીએ. કપડાં જ નહિ, પુસ્તકો, પુસ્તકો રાખવાનાં કબાટ, કબાટ ઉપરના પડદા એ બધુંજ મેંલુ થાય છે. સમયનો મૅલ પણ ચઢે છે. માથુ મેંલુ થાય અને તેને ધોવામાં આવે જે મેંલ નીકળે તે સ્થૂળ મેંલ પણ મગજ મેંલું થાય ત્યારે ? બુદ્ધિ બગડી એમ કહીએ છીએ ત્યારે એ શુદ્ધ નથી રહી અશુદ્ધિ પ્રવેશી છે એવો ખ્યાલ છે. મૅલ શબ્દ 'શુદ્ધ'ની અખંડિતતાને નંદવી નાખનારો છે જે શુધ્ધ નથી એ મેંલું છે.
સજ્જનો, વાંચન, સંતો, સાધુ પુરુષોનો સત્સંગ આપણી ભીતરનો મેંલ દૂર કરે છે એ અંદરથી આપણને ઊજળા કરે છે. વાસણ માંજવાની ઘટના સ્થૂળ ઘટના છે પણ મન માંજવાની ઘટના સૂક્ષ્મ ઘટના છે. સ્થૂળ ઘટનાનાં પરિણામો ત્વરિત જોઈ શકાય છે. સૂક્ષ્મ ઘટના પણ પરિણામ તો આપે જ છે એ પરિણામો ભીતરને અજવાળતાં હોઈ તેનો હિસાબ નરી આંખે વરતી શકાતો નથી. 'જીભ મેલી છે' એનો સ્થૂળ અર્થ 'ઉલ' થાય પણ એમ કહીએ 'મંથરાની જીભમાં મેલ હતો.' ત્યારે જે અર્થ થાય તે સૂક્ષ્મ અર્થ વ્યંજના આપે છે એનો મતલબ મંથરામાં, મનમાં અશુદ્ધિ હતી.


