- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
પ દ્મભૂષણથી સન્માનિત હજારી પ્રસાદ દ્વિવેદી (૧૯૦૭-૧૯૭૯) હિંદીના વરિષ્ઠ નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક હોવા ઉપરાંત સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. 'નાખૂન ક્યોં બઢતે હૈં' નામક તેમના વિચારપ્રેરક નિબંધનો સંક્ષેપ જોઈએ.
લેખકની નાની દીકરીએ પૂછયું, 'નખ કેમ વધે છે?' ત્યારે તેઓ કશું વિચારી જ ન શક્યા. નખ કાપી નાખો, તો તે દંડ ચુપચાપ સહી લે છે, પરંતુ નિર્લજ્જ ચોરની જેમ છીંડા પાસે ફરી વાર હાજર થઈ જાય છે. નખ સાવ નફ્ફટ કેમ? થોડાં લાખ વર્ષ પહેલાંની જ વાત છે, મનુષ્ય જંગલી હતો,તેને નખની જરૂર હતી, એ જ હતાં તેનાં શસ્ત્ર. પછી ધીરે ધીરે તેણે પથ્થરો અને ઝાડની ડાળોનો ઉપયોગ કરવા માંડયો. (રામચંદ્રજીની વાનરસેના પાસે આવાં જ તો શસ્ત્ર હતાં.) પછી હાડકાંનાં હથિયાર બન્યાં, જેમ કે દધીચિ ઋષિના અસ્થિમાંથી બનેલું વજ્ર. તે પછી આવ્યાં ધાતુનાં શસ્ત્ર. હવે તો બંદૂક,તોપ, બોમ્બ, વિમાનોએ માનવને કીચડભર્યા ઘાટ સુધી ઘસડયો છે. એટમ બોમ્બ આવી ગયો પણ નખ હજીયે વધે છે. હજીયે પ્રકૃતિ મનુષ્યને ભીતરના શસ્ત્રથી વંચિત નથી કરતી, યાદ અપાવતી રહે છે કે તું લાખ વર્ષ પહેલાંનો નખદંતાવલંબી જીવ છે, પશુના સ્તરનો. મનુષ્યની પશુતાને વારે વારે કાપવા છતાં તે મરતી નથી. અસ્ત્ર-શસ્ત્ર વધતા રહે તે પણ આપણી પશુતાની નિશાની છે.
ભારત અંગ્રેજીમાં કહીએ તો 'ઇન્ડીપેન્ડન્ટ' અને હિંદીમાં કહીએ તો 'સ્વાધીન' દેશ છે. હિંદી અનુવાદ કરતી વખતે આપણે 'સ્વ'નું બંધન સ્વીકાર્યું છે, સ્વને આધીન. આહાર-નિદ્રા-ભય-મૈથુનના પશુસુલભ સ્વભાવ માણસમાં પણ છે, પરંતુ સાથોસાથ તેનામાં સંયમ, સહાનુભૂતિ, શ્રદ્ધા, તપ અને ત્યાગ છે. આ માણસે પોતે સ્વીકારી લીધેલાં બંધન છે.
મનુષ્યને સુખ કેવી રીતે મળે? મોટા મોટા નેતા કહે છે, ઉત્પાદન વધારો, ધન કમાઓ. એક બુઢ્ઢો કહેતો હતો, બહાર નહિ, ભીતર જુઓ,લોકો માટે કષ્ટ સહો,કામ કરતા રહો, પ્રેમ કરતા રહો. બુઢ્ઢાને ગોળી મારવામાં આવી. નખ વધવાની વૃત્તિ વિજયી થઈ. સફળતા અને ચરિતાર્થતામાં ફરક છે. માણસને ભૌતિક વસ્તુઓથી જે મળી શકે તે સફળતા. પણ માણસની ચરિતાર્થતા પ્રેમમાં અને ત્યાગમાં છે. નખનું વધવું અંધ વૃત્તિનું પરિણામ છે, જે જીવનમાં સફળતા લાવવા ધમપછાડા કરે છે, નખને કાપવું આત્મબંધનનું ફળ છે, જે જીવનને ચરિતાર્થ કરે છે. નખને વધવું હોય તો વધે, મનુષ્ય તેને વધવા નહિ દે.
લેખકે કહ્યું કે માણસની આદિમ હિંસક વૃત્તિને કારણે નખ વધતા રહે છે, તે સંદર્ભે યાદ કરી લઈએ સિગ્મન્ડ ફ્રોઇડની સાયકોએનાલિસિસની થિયરી. ફ્રોઇડ મનના આદિમ ભાગને 'ઇડ' કહે છે, જે ભૂખ, સેક્સ, હિંસા જેવી વૃત્તિ તાત્કાલિક સંતોષવા માગે છે. આ મન અજાગ્રત હોય છે, આપણાથી અજાણતા તે કાર્ય કરે છે. તે તર્કથી નહિ પણ આવેગથી દોરવાય છે. 'ઇડ'ની વૃત્તિ જન્મથી જ હોય છે. મનના બીજા ભાગને ફ્રોઇડ 'સુપર ઇગો' કહે છે, જે માતાપિતા અને સમાજ દ્વારા ઘડાયેલું મન છે, અને જે નૈતિકતાના ધોરણે સાચા-ખોટાનો નિર્ણય કરે છે. આ મન અંતરાત્મા છે, જે ખોટા કર્મથી અપરાધભાવ અનુભવે છે, અને સત્કાર્યોથી પ્રસન્નતા પામે છે. આ બન્ને મન (ઇડ અને સુપર ઇગો) વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે 'ઇગો.' એટલે નખ વધે તે 'ઇડ' સાથે સંકળાયેલી વૃત્તિ અને આપણે નખ કાપીએ તે 'સુપર ઇગો.'
વિલિયમ ગોલ્ડિંગની નવલકથા 'લોર્ડ ઓફ ધ ફ્લાઇસ' (૧૯૫૪) આનું ઉત્તમ ઉદાહરણ છે. છ થી બાર વર્ષના છોકરાઓ વિમાન તૂટી પડવાથી ટાપુ પર વિખૂટા પડી જાય છે. શરૂઆતમાં વ્યવસ્થા જાળવવા તેઓ રાલ્ફ નામના છોકરાને નેતા ચૂંટે છે, અને નિયમો ઘડે છે. રાલ્ફની સૂચનાથી રહેઠાણો બનાવાય છે અને આવતા જતા જહાજોની નજર પડે માટે અગ્નિ પ્રકટાવાય છે. પિગી નામનો બુદ્ધિશાળી પણ દુબળો છોકરો રાલ્ફનો સહાયક બને છે. પરંતુ જેક નામે છોકરો શિકારને અને શક્તિપ્રદર્શનને જ સર્વેસર્વા ગણે છે, તે છૂટો પડીને પોતાની ટોળી બનાવે છે. જેકની ટોળી કોઈ રાક્ષસી પશુની કલ્પના કરીને હિંસક કૃત્યો કરે છે, અને પિગીની હત્યા કરે છે. તેઓ રાલ્ફને પણ મારી નાખવાના હતા, તેટલામાં ધુમાડો જોઈને આવી ચડેલો નેવીનો અફસર તેમને રોકી દે છે. સૌ છોકરાઓને ઉગારી લેવાય છે, પણ તેમની કરપીણ વર્તણૂક જોઈને અફસર હેબતાઈ જાય છે. આ કથા દર્શાવે છે કે સૌજન્ય અને સારી રીતભાતની હેઠળ ક્રૂરતા પણ પડેલી છે. સંસ્કૃતિ અને પાશવી પ્રકૃતિ વચ્ચેની ભેદરેખા પાતળી છે.


