Get The App

આથક સંકડામણ હળવી થતાં વલ્લભભાઈએ ભાઈઓને મદદ કરી

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
આથક સંકડામણ હળવી થતાં વલ્લભભાઈએ ભાઈઓને મદદ કરી 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- જન્મથી માંડીને ભણતર સુધી, ભણતરથી માંડીને વકીલાતના આરંભના વર્ષો સુધી વલ્લભભાઈનો જીવનનિર્વાહ આર્થિક સંકડામણ વચ્ચે જ ચાલ્યો હતો. પરંતુ સફળ વકીલ થયા પછી અને નાણાંની છૂટ થયા પછી તેમણે પહેલું કામ કુટુંબવત્સલ પરિવારજન તરીકેની ભૂમિકા ભજવવાનું કર્યું હતું.

ગો ધરાની વકીલાત સમયે પ્લેગની મહામારીએ વલ્લભભાઈની આવક ઘણી ઓછી કરી નાંખી હતી. આ સમયે તેઓ માંડ ઘર ચલાવી શકવાની સ્થિતિમાં હતા, તો કુટુંબીજનોને મદદ તો શી રીતે કરી શકે? છતાં વચનબદ્ધ અને કુટુંબ વત્સલ વલ્લભભાઈએ જેવી પોતાની આર્થિક સ્થિતિ સુધરી કે તરત જ કરમસદમાં ભાઈઓને મદદ મોકલવાનું શરૂ કરી દીધું હતું. એકતરફ ગોધરાકાળ વખતે આર્થિક મદદ નહીં કરી શકવાની લાચારી દર્શાવતા વલ્લભભાઈનો એક તા.૧૬-૩-૧૯૦૧નો પત્ર છે, જેમાં તેઓ કરમસદના ઘેર કોઈ મદદ મોકલી શક્તા નથી, તે મતલબનો અફસોસ છે, તો બીજી તરફ બોરસદકાળની વકીલાત વખતે બે પાંદડે થયેલા વલ્લભભાઈનો કરમસદના ભાઈઓને મદદ મોકલતાં હોવાનો પત્ર પણ મળે છે. મોટાભાઈ નરસિંહભાઈને તા. ૧૪/૧/૧૯૦૪એ લખેલાં પત્રમાં તેઓ જણાવે છે કે... 

'નાણાંની મૂળ રકમ વ્યાજ સાથે નારણભાઈને મોકલી આપવાની સૂચના મેં આપી દીધી છે. આ બાબતમાં હવે તમારે ફિકર રાખવાની નથી... બહેનનાં ઘરેણાં ગીરવે મૂકવાની વાત તમને શોભતી નથી. મને લાગે છે કે તમારું દેવું આપણા સહુનું દેવું છે. કોની પાસેથી કેટલાં નાણાં લીધા છે તેની વિગતો મોકલશો તો હું તમને આ ભારમાંથી છોડાવી લઈશ. કાશીભાઈ નડિયાદ છોડીને કરમસદ તમારી પાસે કેમ આવી ગયા? તેને (ભણવા માટે)મુંબઈ મોકલવાનું આપણે ઠરાવ્યું હતું. મહેરબાની કરીને તેને અહીં મોકલજો. પૂજ્ય સોમાભાઈનો તાવ ઊતર્યો ન હોય તો તેમને પણ મોકલજો કે જેથી અહીં દવાદારૂ કરાવી  શકાય. તાવ ઊતરી ગયો હોય તો પણ અહીં હવાફેર થશે. તેમને અહીં જરૂર મોકલજો. કામકાજ લખજો. બસ એ જ. સેવક વલ્લભભાઈ.'

વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ, બંને બોરસદમાં જ રહેતાં હતા, બંનેની વકીલાત પણ ધીકતી ચાલતી હતી. છતાં વલ્લભભાઈ ઘરની અને ભાઈભાંડુઓની મુશ્કેલીનું પ્રમાણમાં વધારે ધ્યાન રાખતા હતા. જ્યારે વિઠ્ઠલભાઈની કમાણી સારી હોવા છતાં કરમસદના કુટુંબ માટે તેઓ કંઈ આપતા નહીં. આ વાત ધ્યાનમાં આવ્યા પછી તેમના પિતા ઝવેરભાઈએ એવું જાહેર પણ કરેલું કે વિઠ્ઠલભાઈ જ્યાં સુધી કુટુંબ તરફની પોતાની ફરજ પૂરેપૂરી બજાવશે નહીં, ત્યાં સુધી પોતે બોરસદના વિઠ્ઠલભાઈના ઘરમાં પગ મૂકશે નહીં. ('વિઠ્ઠલભાઈ પટેલ' લે. જી.આઈ.પટેલ)

જન્મથી માંડીને ભણતર સુધી, ભણતરથી માંડીને વકીલાતના આરંભના વર્ષો સુધી વલ્લભભાઈનો જીવનનિર્વાહ આર્થિક સંકડામણ વચ્ચે જ ચાલ્યો હતો. પરંતુ સફળ વકીલ થયા પછી અને નાણાંની છૂટ થયા પછી તેમણે પહેલું કામ કુટુંબવત્સલ પરિવારજન તરીકેની ભૂમિકા ભજવવાનું કર્યું હતું.

તેમનાં વ્યક્તિત્વનું આ પાસું તેઓ જ્યારે દેશના ઘડવૈયા કે ગાંધીના લડવૈયા તરીકે ઉભરી આવ્યાં, ત્યારે પણ અકબંધ રહ્યું હતું. એટલે વાત એમ કે વલ્લભભાઈ પહેલેથી જ પારદર્શક, સ્પષ્ટવક્તા અને સાચાબોલાં હતા. તેમના વાણી અને વર્તનમાં અજબની એક્તા હતી. સામાન્ય રીતે લોકસેવક બધી જ વાતો, બધી જ પરિસ્થિતિમાં પૂરેપૂરી સાચી કહી શક્તો ન હોય, ત્યારે વલ્લભભાઈ લોકસેવાકાળે પણ સીધાં અને સ્પષ્ટ વચનો કહેવા માટે સુખ્યાત પણ હતા અને કુખ્યાત પણ.

કહેવાય છે કે માણસની મુખાકૃતિ, ચાલ-લઢણ કે બાહ્યાકાર તેના આંતર સ્વભાવની ચાડી ખાતો હોય છે. શરીરવિજ્ઞાન અને નૃવંશશાસ્ત્ર તેની વૈજ્ઞાનિક સાક્ષી પૂરે છે, તો ફેઈસરીડીંગ કે હેન્ડરાઈટીંગ નિષ્ણાતોની જ્યોતિષવિદ્યા જેવી ભવિષ્યવાણીઓ પણ આવી આગાહીઓની સફળતા બતાવતાં હોય છે. આ વાત વૈજ્ઞાનિક હોય કે શાસ્ત્રીય, તાર્કીક હોય કે શ્રધ્ધાપ્રેેરિત, પરંતુ વલ્લભભાઈના સંબંધે ઘણી સાચી ઠરે તેમ છે. અર્થાત્ વલ્લભભાઈનો દેખાવ અને વ્યવહાર, વાણી અને વર્તન એક જ હોય, તેવો અનુભવ અનેકોને થયેલો છે. 

વલ્લભભાઈના સમકાલીન, સમવયસ્ક અને સાથી પુરુષોત્તમદાસ ટંડને, વલ્લભભાઈની હયાતિમાં, ૧૯૪૭ના નવેમ્બરમાં, 'પ્રજાબંધુ' સાપ્તાહિકમાં, હિંદના આ લોહપુરુષનું એક ચિત્રાત્મક દ્રશ્ય બતાવતાં લખ્યું હતું કે....

'વલ્લભભાઈ પોતાની વાત સમજાવવાની તસ્દી લેતા નથી. બહુ દલીલોય કરતા નથી. તમારી વાત એ સાંભળે છે. તુરત જ નિર્ણય ઉપર આવે છે અને તે નિર્ણયને અમલમાં પણ મૂકી દે છે. ઊપસી આવેલા ગાલનાં હાડકાં અને જડબાંની સ્પષ્ટ રેખાઓવાળો તેમનો દઢ ચહેરો એમ સૂચવે છે કે આ માણસ વિચાર-શીલ હોવા કરતાં કાર્યશીલ વિશેષ છે. તેમની ભારે પોપચાંવાળી આંખો એમ સૂચવે છે કે આ માણસમાં છુપાવવાની શકિત ઘણી છે. પોતાનું હૃદય સ્પષ્ટ કરી આપે એવો તેમનો સ્વભાવ જ નથી. વલ્લભભાઈના એક જ દર્શને તમે તેમના જાજ્વલ્યમાન વ્યકિતત્વથી અંજાઈ જશો. તેમની હાજરીથી જ આપણામાં વિશ્વાસ અને બળની ભાવના જાગે છે. તેમની મુખાકૃતિ જ તેમના કાર્યશીલ સ્વભાવની પ્રતીતિ કરાવે છે. તેમની મુખાકૃતિમાં લેનીન અને ટિળકની મુખાકૃતિનું મિશ્રણ થયેલું માલૂમ પડે છે. આપણને એમ જ લાગે કે મુશ્કેલીના સમયમાં આ માણસ તરફથી આપણને ઉત્સાહ અને સાચી દોરવણી મળશે. તમે જો જાતે નેતા ન હો તો તુરજ જ તમે વલ્લભભાઈને નેતા તરીકે સ્વીકારશો.'

Tags :