પિતૃયજ્ઞા : પૂર્વજોનાં સ્મરણ સાથે કરવામાં આવતું શાસ્ત્રોક્ત કાર્ય
- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- દરેક વ્યક્તિના ડી.એન.એ. અર્થાત્ રંગસૂત્રોની જોડ યુનિક એટલે કે અનન્ય હોય છે. દરેક પરિવાર / કુટુંબ / માણસ પોતાની પેઢી સાથે જોડાયેલો હોય છે.
પાં ચ પ્રકારના સત્કાર્યો, જેને હિંદુ શાસ્ત્રોએ યજ્ઞાની સંજ્ઞા આપી એ અંગેની લેખમાળાનો આ ત્રીજો ભાગ છે; જેમાં ત્રીજા પ્રકારનો યજ્ઞા એટલે કે 'પિતૃયજ્ઞા' વિશે વિગતવાર વાત માંડવાનો સમય આવી ચૂક્યો છે. પ્રથમ બે યજ્ઞાો - ભૂતયજ્ઞા અને મનુષ્યયજ્ઞા - વિશે જાણકારી પ્રાપ્ત કરતી વેળા જ્ઞાન લાધ્યું કે પ્રકૃતિ સહિત સમસ્ત જીવસૃષ્ટિની સેવા તથા આસપાસના સમાજમાં વસવાટ ધરાવતાં લોકોને મન-વચન-કર્મથી હાનિ ન પહોંચાડવી એ કાર્યનો સમાવેશ પણ યજ્ઞામાં થાય છે. ઘરે આવેલાં અતિથિનું સન્માન પણ એમાંનુ એક કાર્ય છે. એટલે જ, શાસ્ત્રોએ કહ્યું, 'અતિથિ દેવો ભવ:'! જેમની આવવાની તિથિ અર્થાત્ તારીખ અને સમય નક્કી ન હોય, એવા પરિજન એટલે 'અતિથિ'. અચાનક ઘરે આવી ચડેલાં ગરીબ વ્યક્તિને પેટ ભરાય એટલું ભોજન કરાવવું એ પણ શાસ્ત્રોક્ત યજ્ઞાકાર્ય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
ત્યારબાદ, શાસ્ત્રોએ મૃતક સ્વજન અંગે વાત કરી છે. દિવંગત પરિવારજનો માટે કરવામાં આવતું કાર્ય અને સેવા એ 'પિતૃયજ્ઞા' છે. અહીં માત્ર પૂર્વજો માટે કરવામાં આવતાં શ્રાદ્ધકાર્યની વાત કરવાનો અર્થ નથી, પરંતુ સાથોસાથ એને વિજ્ઞાન સાથે સાંકળીને પીરસવાનો પ્રયત્ન કરવામાં આવે, તો જ હેતુ પૂર્ણ થાય એમ છે.
દરેક વ્યક્તિના ડી.એન.એ. અર્થાત્ રંગસૂત્રોની જોડ યુનિક એટલે કે અનન્ય હોય છે. દરેક પરિવાર / કુટુંબ / માણસ પોતાની પેઢી સાથે જોડાયેલો હોય છે. પેઢી દર પેઢી તેનામાં પૂર્વજો દ્વારા અપાયેલાં સંસ્કારો અને આધ્યાત્મિકતાનું વહન થતું રહે છે. આજનું વિજ્ઞાન તો એટલી હદે આગળ વધી ચૂક્યું છે કે જે-તે પ્રદેશમાં વસવાટ ધરાવતાં લોકોના રંગસૂત્રોનાં પરીક્ષણ પરથી એમના મૂળિયાં કોની સાથે જોડાયેલાં છે, એ સુદ્ધાં કહી આપે છે. આજના સમયમાં કોઈક ક્ષેત્રમાં રહેતાં માણસનું ઑરિજિન એટલે કે ઉદ્ભવસ્થાન (તેની પેઢી અથવા પરિવારનું મૂળ સ્થાન - પૉઈન્ટ ઝીરો) શું છે, તેના વિશે પણ સચોટ માહિતી મેળવી શકાય છે.
તાજેતરમાં 'જિન એડિટિંગ' ટેક્નિક વડે કેન્સર જેવા રોગોને ખાળવા સુધીની વાત વિજ્ઞાનજગત કરી રહ્યું છે. ડીએનએમાં પરિવર્તન લાવવાથી ઘણાં ચમત્કારો સર્જાઈ શકે એમ છે, એવું હવે વૈજ્ઞાનિકો સ્વીકારતાં થઈ ગયાં છે. માણસની ઉંમર વધારવાથી શરૂ કરીને ભવિષ્યમાં તેના શરીરમાં ઉત્પન્ન થનારા રોગોને અગાઉથી જ દૂર કરી શકવાની પ્રક્રિયા રંગસૂત્ર-વિજ્ઞાન વડે સંભવ છે. ટૂંકમાં કહેવું હોય તો, રંગસૂત્રો એ વસ્તુત: શરીરનું ડેટા-સ્ટૉરહાઉસ છે, જેના થકી અકલ્પનીય પરિવર્તન લાવવું શક્ય છે.
બસ, આ જ બાબતને ધ્યાનમાં રાખીને ઋષિ-મુનિઓએ પણ એક પ્રાચીન પદ્ધતિ આપી, જેમાં પૂર્વજોનું તર્પણ સમાવિષ્ટ છે. વ્યક્તિ જો પોતાના ડીએનએ સાથે જોડાયેલી ઊર્જાને કોઈક પ્રકારે નિયંત્રણમાં લાવી દે, તો જીવનમાં ઘણાં કાર્યો સુગમ તથા સુલભ થઈ શકે. શ્રાદ્ધપક્ષ અથવા પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતાં કાર્યો એ વાસ્તવમાં 'પિતૃયજ્ઞા'નો પ્રકાર છે; જેમાં પિતૃઓ સંબંધિત વિધિ-વિધાનો દ્વારા માણસ પોતાના રંગસૂત્ર સંબંધિત ઊર્જાને સંતુલિત કરી શકે છે. જે પૂર્વજો સ્વયંની પેઢીનાં મૂળિયાંમાં અંતર્નિહિત હોય, એમના સુધી પહોંચીને આધિદૈવિક તથા આધ્યાત્મિક આપદા દૂર કરી શકાય છે. જેવી રીતે માણસ પોતાના રંગસૂત્રમાં બદલાવ થકી આવનારી બિમારીઓને પારખવા તથા દૂર કરવા સક્ષમ બન્યો છે, એવી જ રીતે 'પિતૃકાર્ય' થકી સાધક પોતાના 'પિતૃ ડીએનએ' (છહબીજાચિન ઘશછ) સાથે સંકળાઈને આધ્યાત્મિક તેમજ ભૌતિક જીવનમાં આવનારી બાધા દૂર કરી શકે છે.
સીધું ગણિત છે. જો એક પિતા પોતાના સંતાન અને આવનારી પેઢી માટે ભૌતિક સંપત્તિ વિરાસતરૂપે મૂકી જવા સક્ષમ હોય, તો પછી આધ્યાત્મિક સંપત્તિ પણ એ માર્ગે પ્રાપ્ત કરી શકવી સંભવ છે. જો પુત્ર પોતાના પૂર્વજો દ્વારા અપાયેલી મિલ્કતનો ઉપયોગ કરી શકવા સક્ષમ હોય, તો કેટલીક પ્રાચીન પૂજા-પદ્ધતિ વડે પૂર્વજોની ઊર્જાને જાગૃત કરી ભૌતિક/આધ્યાત્મિક વિશ્વના કેટલાક કાર્યોને સુચારુરૂપે કરાવવા પણ શક્ય છે જ!
તો આ હતી પિતૃયજ્ઞા અંગેની સમજૂતી. અન્ય બે યજ્ઞાો વિશે આવતાં અઠવાડિયે ચર્ચા કરીશું.