- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'તમે લોકો અહીંયા હતા ત્યાં સુધી તો વાંધો નહોતો. તમે ગયા તેના પછીના વર્ષથી કાળનું ચક્ર બદલાયું હતું અને ઠાકોર કાકાની પડતી બેઠી
'દી કરા, કંઈક આપતો જા, ઠાકર તારું ભલું કરશે. મારા ઠાકરને પ્રસાદ ધરીશ અને બાળકોને એ પ્રસાદ વહેંચીને આનંદ આપીશ. પાંચ-દસની મદદ કરતો જા.' - ડાકોરના મંદિરની બહાર નીકળેલા નચિકેતનો હાથ એક વૃદ્ધે પકડયો અને તે સાવ ડઘાઈ ગયો.
નચિકેતનો હાથ કોઈ ભિક્ષુકે નહીં પણ ઠાકોર કાકાએ પકડયો હતો. ઠાકોર કાકા, તેમની જ લક્ષ્મીજીની ખડકીમાં રહેતા હતા. ચાર માળનું મોટું મકાન હતું તેમનું. એકાએક આવી કેવી સ્થિતિમાં આવી ગયા હશે. નચિકેતના મનમાં અનેક સવાલો દોડવા લાગ્યા. તે હાથ છોડાવવા મથવા લાગ્યો પણ કાકાએ વધારે જોર કર્યું. નચિકેત તેમના હાથમાં ૫૦ની નોટ મુકીને આગળ જતો રહ્યો.
નચિકેત ડાકોરમાં જ ઉછરેલો અને સમયાંતરે આવતો હતો. તેના પિતા અહીંયા જન્મેલા અને ઉછરેલા હતા. શરૂઆતમાં તેઓ ગોધરા નોકરી કરતા હતા અને ત્યારબાદ તેમની અમદાવાદ ટ્રાન્સફર થઈ ગઈ એટલે તેમનો પરિવાર અમદાવાદ સેટલ થઈ ગયો. ડાકોરમાં નચિકેતના પરિવારના અને મિત્રોના અંદાજે આઠ-દસ મકાનો હતા. નચિકેત માટે આજનો દિવસ શ્રેષ્ઠ હતો. તે સોફ્ટવેર એન્જિનિયર થઈને ભગવાનના આશીર્વાદ લેવા આવ્યો હતો. બેંગ્લોર નોકરી માટે જતા પહેલાં તે રાત રોકાવા અને નાના-નાનીને મળવા ખાસ આવ્યો હતો. લગભગ દસ વર્ષે તે ડાકોર આવ્યો હતો. લક્ષ્મીજીની ખડકીમાં નચિકેતના મામાએ મકાન રાખેલું હતું. તેના માટે ઘર અને મોસાળ બધું જ એક જ ખડકીમાં હતું. નચિકેતે ત્યાં જવા પગ ઉપાડયા.
નચિકેત મામાના ઘરે પહોંચ્યો ત્યારે મામા અને નાના વચ્ચે ચોકમાં બેઠા હતા. તેઓ કંઈક હિસાબ કરતા હતા. નચિકેત નાનાને પગે લાગ્યો અને નાનીને મળવા મેડા ઉપર ચડયો.
'તારી નાની, બજારમાં ગઈ છે. મામી પણ ગોમતીઘાટે ગઈ છે. થોડીવારમાં આવશે. અધિરો ના થઈશ.' - મામાએ નીચેથી બુમ મારી.
નચિકેત તેમની વાત સાંભળીને નીચે આવ્યો. રસોડામાં જઈને પાણીની બોટલ લીધી અને પાછો ઉપર મેડે જતો રહ્યો. તે નાનીના રૂમની અગાસીમાં જઈને પાળી ઉપર બેઠો. તેની નજરની સામે જ છેલ્લું ચાર માળનું મકાન દેખાતું હતું, એ મકાન હતું ઠાકોર કાકાનું મકાન. મકાન હજી અકબંધ હતું, સરસ રંગરોગાન કરેલા હતા. જૂનું હેરિટેજ મકાન હોય તેમ સચવાયેલું હતું.
તે હજી વિચાર કરતો હતો ત્યાં જ ઠાકોર કાકાના ઘરમાંથી ઘંટડીનો અવાજ આવ્યો. તેને સમજાઈ ગયું કે, ઠાકોર કાકાએ તેમના લાલાને પ્રસાદ ધરાવ્યો છે. આ ઘંટડીના સૂર સાથે જ તે ભૂતકાળમાં પટકાઈ ગયો.
નચિકેત લગભગ છ-સાત વર્ષનો હશે ત્યારે ઠાકોરકાકા આ ખડકીમાં રહેવા આવ્યા હતા. નસીબદારને જ લક્ષ્મીજીની ખડકીમાં મકાન મળે તેમ કહેવાતું હતું. નચિકેત પાસે તો પોતાના પિતાનું અને મામાનું બંનેનું મકાન હતું. તેમના મકાનો કરતા ઠાકોર કાકાનું મકાન ભવ્ય હતું. ચાર માળનું લાકડાની સરસ કોતરણીવાળી બારસાખો, ઝરુખો, દરવાજા અને બીજું ઘણું.
ઠાકોરકાકા મૂળ બ્રાહ્મણ અને રાજા રણછોડના ભગત. ઉમરેઠમાં સિંચાઈ ખાતામાં અધિકારી હતા. ઉમરેઠ તેમનું મૂળ વતન. તેઓ નિવૃત્તિ પહેલાં પોતાના વતન આવવા માગતા હતા અને આવી ગયા પણ રહેવાનું તેમણે ડાકોરમાં પસંદ કરેલું.
ઠાકોર કાકાના પત્ની એટલે ભદ્રા કાકી. આખી ખડકીના લોકો તેમને ભદ્રા કાકી કહીને જ બોલાવે. ભદ્રા કાકીને ખડકીમાં અને ઘરમાં બહુ વટ હતો. તેમનો કડપ પણ એવો જ હતો. ઘરમાં ત્રણ છોકરા હતા પણ કોઈ આડુંઅવળું થઈ શકતું નહીં. ઠાકોર કાકાના ઘરમાં સવાર સાંજ આરતી થતી, ઘંટ વાગતો અને પછી તેઓ ખડકીમાં નીચે આવીને છોકરાઓને માખણ-મિસરીનો પ્રસાદ આપતા હતા. આ તેમનો નિત્યક્રમ હતો. છોકરાઓને પ્રસાદ વહેંચાઈ જાય પછી તેઓ નાસ્તો કરીને તૈયાર થઈને ઓફિસ જતા રહેતા.
સાંજે ઓફિસથી આવે અને તૈયાર થઈને પોતાના ઠાકરોજી પાસે જાય અને તેમને સ્નાન કરાવે, સાંજના શણગાર કરે અને પછી આરતી કરીને આરામ કરાવે. બહાર આવીને છોકરાઓને રેવડી અથવા ચુરમાનો પ્રસાદ પણ આપે. ઘણી વખત રજા હોય તો સાંજે શિરાનો પ્રસાદ પણ ધરાવે અને વહેંચે.
નચિકેત પોતાના ભૂતકાળમાં આંટા મારતો હતો ત્યાં જ નીચેથી બુમ આવી,
'નચિકેત નીચે આવ. નાની આવી ગઈ છે. તારા માટે ગોરસઆંબલી લાવી છે. મામી પણ કંઈક કહે છે.' - મામાએ બુમ મારી હતી. તેનાથી નચિકેતના વિચારો અટક્યા.
નચિકેત દોડીને નીચે ગયો. નાની અને મામીને પગે લાગ્યો અને તેમની જ પાછળ રસોડામાં ઘુસી ગયો.
'નાની, આ ઠાકોર કાકાને
શું થયું છે.' - નચિકેતે નાનીની બાજુમાં બેસતાની સાથે જ સવાલ કર્યો.
'એમણે તારી પાસે પૈસા માગ્યા.' - મામી બોલ્યા. નચિકેતે માત્ર માથું હલાવી હા પાડી.
'બેટા, કશું કહેવા જેવું નથી. ઠાકોરની સેવા કરવા અને આંખ ઠારવા જે માણસ અહીંયા આવ્યો તે અત્યારે ઠોકરો ખાતો થઈ ગયો છે.' - દાદી ધીમા અવાજે બોલ્યા.
'તમે લોકો અહીંયા હતા ત્યાં સુધી તો વાંધો નહોતો. તમે ગયા તેના પછીના વર્ષથી કાળનું ચક્ર બદલાયું હતું. સમય પસાર થતો ગયો. ખડકીના છોકરાઓ મોટા થતા ગયા અને ઠાકોર કાકા વૃદ્ધ થતા ગયા. તેઓ નિવૃત્ત થયા અને ડાકોરમાં જ તેમનું મન વસી ગયું હતું. તેમના ત્રણ દીકરા હતા. મોટો દિવાકર જે સિંચાઈ ખાતામાં જ જોડાઈ ગયો હતો. વચલો દીકરો સુજય હતો જે ગોધરામાં સરકારી વકીલ તરીકે કામ કરતો હતો. ત્રીજો છોકરો હતો અશોક. અશોકે પિતાના પૈસા થકી ડાકોરમાં ખાણી-પીણીની બે-ત્રણ લારી કરી હતી અને ભાગીદારીમાં ગામથી થોડે દૂર ખેતર લીધા હતા. ખેતી કરતો અને ધંધો પણ કરતો.
સમયાંતરે ત્રણેય બરાબર ઠેકાણે પડયા અને ત્રણેયના લગ્ન થઈ ગયા. ઘરમાં ત્રણ છોકરા, ત્રણ વહુઓ અને ઠાકોર કાકા અને ભદ્રા કાકી આટલા લોકો રહેતા હતા. દરેકના ભાગે એક માળ હતો. ઘરમાં ક્યાંય કશું ખૂટે તેમ નહોતું. ઠાકોર કાકાનો નિત્યક્રમ યથાવત હતો. ભદ્રાકાકીનો પણ નિત્યક્રમ હતો. ઠાકોર કાકાની સેવા પૂરી થવા આવે એટલે ઘરની બહારના ચોકમાં આવીને ગોઠવાય. ખડકીના અને આસપાસની ખડકીના છોકરાઓ પ્રસાદ લેવા આવ્યા હોય તેમને ડોળા કાઢીને ડરાવે. છોકરાઓ બધા લાઈનમાં ગોઠવાઈ જાય અને પ્રસાદ લઈને નાસી જાય. ભદ્રાકાકીનો આવો ભય હતો. ત્યારબાદ બે માણસ ચા પાણી કરે અને પછી ભગવાનનું નામ લે અને મંદિરે જઈ આવે. કાકી તો બે જ વખત જતા પણ ઠાકોર કાકા તો નિવૃત્ત થયા પછી લગભગ ચાર-પાંચ વખત મંદિરે આંટા મારી આવે અને દર્શન કરતા આવે.
એક દિવસ બંને માણસ સાંજે શયન આરતી કરવા નીકળ્યા અને મંદિરે પહોંચ્યા. આરતી દરમિયાન ભદ્રાબેનને છાતીમાં દુ:ખાવો ઉપડયો. કોઈ કંઈ સમજે તે પહેલાં તો હરીના ધામમાં પહોંચી ગયા.
તેમને ઘરે લાવ્યા, અંતિમ સંસ્કાર કર્યા. ભદ્રા કાકી આ ઘરમાંથી ગયા અને જાણે કે ઠાકોરની લક્ષ્મી નારાજ થઈ ગઈ હોય તેમ દિ બદલાઈ ગયા.
આખા ઘરમાં જેનું માનપાન હતું તે ઠાકોર ભાઈને છોકરાઓ ધુત્કારવા લાગ્યા. વાતે વાતે ઉતારી પાડે. વહુઓ તો ફાટીને ધુમાડે ગઈ છે. કોઈને ગાંઠતી જ નથી. આજેય જ્યાં ને ત્યાં ઝઘડતી જ ફરે છે. ભદ્રાબેન વખતે આ ઘરનું જે માનપાન હતું તે બધું છેલ્લાં એક દાયકામાં વર્ષમાં ધૂળધાણી કરી નાખ્યું.
ઠાકોરભાઈ તો એક દાયકામાં રાજામાંથી રંક થઈ ગયો. આખા ડાકોરમાં રખડે છે, ભીખ માંગે છે અને પૈસા ભેગા કરીને જીવન જીવે છે. છોકરાઓએ ઘર પચાવી પાડયું છે. ત્રણેય ભાઈઓમાંથી કોઈને ડોશાની પડી નથી.
-----
તેનું પેન્શન પણ આ લોકો લઈ લે છે. તેને રહેવા માટે પેલી બહારની ઓરડી આપી દીધી છે. ઠાકોર અને તેના ઠાકર બંને હવે પેલી નાની ઓરડીમાં રહે છે.
ઠાકોરભાઈનું તો મગજ બેર મારી ગયું છે. તેમને ખબર જ નથી હોતી કે તેઓ શું કરે છે. બસ રોજ સવારે બજારમાં રખડે, ભીખ માંગે અને પછી માખણ-મીસરી લઈને ઘરે આવે. ઓરડીમાં જઈને આરતી કરે, પ્રસાદ ધરાવે અને પછી છોકરાઓને વહેંચવા પાછા રસ્તે રઝળવા લાગે. કોઈ પ્રસાદ લેવા પણ આવતું નથી.
લોકો તેને જોઈને એક જ વાત કરે છે, ઠાકર કરે ઈ ઠીક. ખબર નહીં લક્ષ્મી રૂઠી ગઈ કે ઠાકરે ઠોકર મારી દીધી. રૂઆબભેર જીવેલો અને આખી જિંદગી ઠાકરની સેવા કરનારો આ ઠાકોર આજે ઠાકરના ધામમાં ઠોકરો ખાતો થઈ ગયો છે.
નચિકેત નાનીની વાત સાંભળીને બહાર આવ્યો અને સીધો જ ખડકીની બહાર મિત્રોને મળવા નીકળી ગયો. ગોમતી ઘાટે પહોંચ્યો ત્યાં તેની નજર ઠાકોર કાકા ઉપર પડી. નચિકેત હિંમત કરીને તેમની પાસે જાય ત્યાં તો ઠાકરના મંદિરમાં ઝાલરો વાગી અને શયન આરતીનો શંખ ફુંકાયો.


