Get The App

અજીત નારાયણ : ભારતીય વેઈટલિફ્ટિંગમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહેલો યુવાન

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
અજીત નારાયણ : ભારતીય વેઈટલિફ્ટિંગમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહેલો યુવાન 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- બેંગાલુરુમાં ફળો વેચીને ગુજરાન ચલાવતા પરિવારના પુત્ર અજીતે ૧૪ વર્ષની ઉંમરે વેઈટલિફ્ટિંગ શરુ કર્યું ને કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સુવર્ણ સફળતા મેળવી

દ રેક નવી શરુઆત હંમેશા મુશ્કેલ અને અત્યંત દુષ્કર હોય છે. જ્યાં કોઈ પણ પ્રકારની આશા-અપેક્ષા ન હોય, ત્યારે કંઈક કરી બતાવવાનું ઝનૂન અને પ્રયાસોને જાળવી રાખવા માટે, ચટ્ટાન જેવું મનોબળ જરૂરી હોય છે. તેના જ સહારે એક નવો ચીલો ચિતરવામાં સફળતા મેળવી શકાય છે. એક વખત નવી જ ઉંચાઈને હાંસલ કર્યા બાદ તો પ્રતિષ્ઠા અને પૈસાનો પ્રવાહ આપમેળે જ વહેવા લાગે છે, પણ ત્યાં સુધી પહોંચતા પહેલા વ્યક્તિને જે પ્રકારે એક-એક બૂંદ માટે તરસતા-તરસતા આગળ વધવાનું હોય છે, તે અત્યંત કપરો સમય હોય છે. જે કસોટીમાં મોટાભાગના પાર થઈ શકતા નથી, પણ જેઓ તેને પાર કરી લે છે, તેના માટે સઘળુ સહજ અને સુલભ બની જાય છે. 

આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતીય પ્રતિભાનો તેજલિસોટો ધીરે ધીરે વધુ ગાઢ અને સાતત્યતાથી સભર બનવા માંડયો છે. વૈશ્વિક સ્પર્ધાઓની ચંદ્રકોની યાદીમાં ભારતનું સ્થાન ઉર્ધ્વગામી બની રહ્યું છે અને તેની સાથે સાથે સમગ્ર ભારતીય રમતજગતનો આત્મવિશ્વાસ પણ વધવા માંડયો છે. આ જ પ્રકારનું નવુ જોશ ભારતીય ભારોત્તોલન એટલે કે વેઈટલિફ્ટિંગમાં જોવા મળી રહ્યું છે. કર્ણમ મલ્લેશ્વરી બાદ મીરાબાઈ ચાનુ સૈખોમની ઓલિમ્પિક સહિતની આંતરરાષ્ટ્રીય સફળતાએ વેઈટલિફ્ટિંગમાં ભારતના નામને ગાજતું રાખ્યું છે. ત્યારે આ રમતમાં હવે પુરુષો પણ નવા સીમાચિહ્નો સર કરી રહ્યા છે. 

તમિલનાડુના ૨૬ વર્ષના વેઈલિફ્ટર અજીત નારાયણે અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ૭૧ કિગ્રા વજન વર્ગના વિભાગમાં ભારતને સુવર્ણ સફળતાની સાથે ટોચનું સ્થાન અપાવ્યું હતુ. અજીતની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સુવર્ણ સિદ્ધિને કારણે તેણે ભારત માટે આવતા વર્ષે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં પણ સ્થાન પણ નિશ્ચિત કર્યું હતુ. અજીતની આ સફળતા તેની વરસોની મહેનતના યાદગાર વળતર સમાન છે. તેની આ સિદ્ધિએ આવતા વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ચંદ્રક જીતવાની આશા જગાવી છે. 

કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૫ના સિનિયર વિભાગમાં ભારતે જીતેલા ત્રણ સુવર્ણચંદ્રકોમાંનો એક સુવર્ણ અજીતનો હતો. આ ઉપરાંત ભારતની ઓલમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ મહિલા વિભાગમાં સુવર્ણ જીતનારી એકમાત્ર મહિલા વેઈટલિફ્ટર હતી. આ ઉપરાંત પુરુષોમા અજાયા બાબુ વાલોરીએ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. અજીતે ૭૧ કિગ્રા વજન વર્ગના વિભાગમાં સ્નેચમાં ૧૪૨ કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં ૧૭૨ કિગ્રા વજન ઊંચક્યું હતુ.  વેઈટલિફ્ટિંગામાં સ્નેચ અને ક્લિન એન્ડ જર્ક એ વજન ઊંચકવાની અલગ-અલગ તકનિક છે, જે બંનેનો કુલ સરવાળો જે થાય તેના આધારે વિજેતા નક્કી કરવામાં આવે છે. અજીતે કુલ મળીને ૩૧૭ કિલોગ્રામ વજન ઊંચકી બતાવ્યું હતુ. 

અજીતની સાથે બરોબરીની સ્પર્ધામાં નાઈજીરિયાનો આફ્રિકન ગેમ્સ ચેમ્પિયન જોસેફ યુમોફિયા પણ હતો,જે એક કિલોગ્રામ પાછળ રહેતા રજત ચંદ્રક જીત્યો હતો. કોમનવેલ્થ ચેમ્પિયનશિપની સફળતાએ અજીતના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. હવે તેણે આવતા વર્ષની કોમનવેલ્થ ચેમ્પિયનશિપની સાથે સાથે એશિયન ગેમ્સ તરફ પણ મીટ માંડી છે. અજીતની કારકિર્દીનો આ બીજો કોમનવેલ્થ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ છે. દ્વિવાર્ષિક યોજાતી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગમાં તેણે ૨૦૨૩માં ૭૩ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ભાગ લેતાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ તેનો સતત બીજી કોમનવેલ્થ ચેમ્પિયનશિપનો સુવર્ણ છે.

ભારતીય વેઈટલિફ્ટિંગમાં નવો પ્રકાશ રેલાવી રહેલો અજીત તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં આવેલા સતુવાચારી ગામનો વતની છે. સતુવાચારીનું નામ ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં પ્રખ્યાત છે. આ ગામે જ ભારતને એમ. તમિલ સેલ્વન અને સતિષ સિવાલિંગમ જેવા ઓલિમ્પિયન વેઈટલિફ્ટરો આપ્યા છે. અજીત પણ આ જ ગામનું પાણી પી ને ઉછર્યો હોવાથી તેનામાં વેઈટલિફટર તરીકેની કુદરતી કુશળતા વણાયેલી હતી. અલબત્ત, બાળપણમાં તેણે ક્યારેય આ અંગે વિચાર્યું સુદ્ધાં નહતુુ. 

અજીતનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો અને તેના પિતા ફળો વેચીને ગુજરાન ચલાવતા. અજીત પણ આ કામમાં પિતાને મદદ કરતો. તેને આ કારણે બાળપણમાં સખત મહેનતનું કામ કરવું પડતુું. આ કારણે સ્વાભાવિક રીતે જ તેનું શરીર કસાયું. વળી, તે દરરોજ કસરત પણ કરતો. કિશોરાવસ્થામાં ડગ માંડી રહેલા અજીતની આંખોમાં કંઈક કરી બતાવવાની ઝંખના હતી અને તેને સૌ પહેલા તેના એક સગા ભાસ્કરને ઓળખી. ભાસ્કરને અજીતના માતા પિતાને સમજાવ્યા અને  તેની જિંદગી સુધરે તે માટે તેને પોતાની સાથે બેંગાલુરુ લઈ જવાનો પ્રસ્તાવ મુક્યો. 

કુમળી વયે જ પરિવારને છોડીને બેંગાલુરુ જેવા મહાનગરમાં આવેલા અજીતે તેના ભાસ્કરન સાથે જીમ જવાનું શરુ કર્યું. થોડા જ સમયમાં તેની કુશળતાને જોઈને ભાસ્કરને જ તેને વેઈટલિફ્ટિંગ પર હાથ અજમાવવા માટેની સૂચના આપી. આ પહેલા અજીતે ક્યારેય વેઈટલિફ્ટર બનવા વિશે વિચાર્યું સુદ્ધાં નહતુ. જોકે, ભાસ્કરન કે જેઓ રેેલવેની વેઈટલિફ્ટિંગ ટીમના કોચ હતાં, તેમણે અજીતની કારકિર્દીના ઘડતરમાં વિશેષ રસ લીધો.જુનિયર કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર દેખાવ કરનારા અજીતને મલીયાદુથુરાઈ ખાતેના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટરમાં વેઈટલિફ્ટિંગની તાલીમ માટે પસંદ કરવામાં આવ્યો.

રાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચ એસ.શન્મુગવેલના માર્ગદર્શનમાં તૈયારી કરી રહેલા અજીતની કારકિર્દીને ધીરે ધીરે નિખાર મળવા લાગ્યો. આ દરમિયાન તેણે રાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સફળતા હાંસલ કરી હતી અને આધારે તેને રેલવેમાં ટિકિટ ચેકર તરીકેની નોકરી પણ મળી ગઈ. જેના કારણે તેના પરિવારની આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ આવ્યો.

આ દરમિયાન તેણે નેશનલ ગેમ્સમાં પણ પ્રભાવશાળી દેખાવ જારી રાખતાં ગોલ્ડન હેટ્રિક પણ સર્જી હતી, જેમાં તેણે ગુજરાતમાં ૨૦૨૨માં યોજાયેલી ગેમ્સમાં પણ સુવર્ણ સફળતા મેળવી હતી. આ દેખાવના કારણે તેને વર્ષ ૨૦૨૩ની સાઉથ કોરિયામાં યોજાયેલી એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. જેમાં તેણે ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું હતુ, પણ તેમની એશિયન ગેમ્સમાં ચંદ્રક જીતવાની શક્યતા ખુબ જ ઓછી હોવાથી તેમને ભારતની ટીમમાં સ્થાન મળી શક્યું નહતુ. 

અલબત્ત, આ બધી નિષ્ફળતા છતાં અજીતે તેના દેખાવમાં સુધારાનો પ્રયાસ જારી રાખ્યો અને આખરે કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ સફળતા મેળવવાની સાથે સાથે આગામી કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ. હવે તેણે ચંદ્રક જીતવા માટે સખત મહેનત કરવી પડશે. જોકે, આ સુવર્ણ ચંદ્રકે તેનો જુસ્સો બેવડા દીધો છે અને હવે તેની નજર આવતા વર્ષની ચેમ્પિયનશિપ પર મંડાઈ છે.