'બ્રેક ફ્રી સ્ટોરીઝ'ની મોકળાશ .
- આજકાલ-પ્રીતિ શાહ
- માતા-પિતાએ તેમનાં બાળકોને બંધનમાં રાખવાને બદલે જીવનમાં ઊંચે ઊડવા માટે મોકળાશ આપવી જોઈએ
ભા રતીય સમાજમાં વર અને કન્યાપક્ષના પરિવારજનોના આનંદના વાતાવરણ વચ્ચે બે વ્યક્તિ લગ્નના બંધનથી જોડાય છે અને અનેક સ્વપ્નાઓ સાથે નવજીવનનો આરંભ કરે છે, પરંતુ કેટલાકના જીવનમાં આ આનંદ લાંબો સમય ચાલતો નથી અને છૂટાછેડામાં પરિણમે છે. છૂટાછેડાની પ્રક્રિયા લાંબી અને દુ:ખદ હોય છે કે ઘણી વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે કે આપઘાતનો વિચાર કરવા લાગે છે. આવી પરિસ્થિતિમાંથી પસાર થયેલી મલાપ્પુરમની રાફિયા અફી ડિવોર્સ કેમ્પનું આયોજન કરે છે. એમ.એસસી.ની ડિગ્રી ધરાવતી રાફિયાના લગ્ન ૨૦૧૫માં થયા હતા. રાફિયા કહે છે કે નવ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો તે મુશ્કેલ પરિસ્થિતિને એ એકલી ક્યારેય સહન કરી શકી નહોત, પરંતુ તેના જીવનના અત્યંત મુશ્કેલ અને દુ:ખદ દિવસોમાં પરિવારનો તેમજ મિત્રોનો સાથ મળ્યો.
રાફિયા વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારવા લાગી અને તેની સામે એક નવી દુનિયા ખુલતી ગઈ. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છૂટાછેડા, સિંગલ પેરન્ટ્સ, અને પોતે શું અનુભવ્યું - તે બધા વિશે લખતી ગઈ. તેના કારણે ઘણા લોકોના પ્રતિભાવો મળ્યા અને તેની સાથે જોડાઈને તેઓ પોતાના અનુભવો લખવા માંડયા. તેને ખ્યાલ આવ્યો કે લગ્નજીવનના તૂટતા સંબંધોના અંતે ીઓ અત્યંત દુ:ખ અનુભવે છે. દહેજને કારણે અપાતી યાતના વખતે પણ છૂટાછેડા લેવા કે પછી યાતનાભર્યું જીવન જીવવું તેની અવઢવમાં જીવતી હોય છે. તો ઘણીવાર છૂટાછેડાના ભયથી જ જીવનનો અંત આણે છે. છૂટાછેડા થવા એ કોઈ શરમજનક વાત નથી એવું સમજાવવા માટે 'બ્રેક ફ્રી સ્ટોરીઝ'ની ૨૦૨૪ના મે મહિનામાં સ્થાપના કરી. તેણે છૂટાછેડા લીધેલી, વિધવા બનેલી કે કાનૂની રીતે અલગ રહેતી સ્ત્રીઓ માટે બે દિવસના કૅમ્પનું આયોજન કર્યું. કેરળના ઈડુક્કી જિલ્લાના પહાડી શહેર વાગામોનમાં બ્રેક ફ્રી સ્ટોરીઝ દ્વારા યોજાયેલા આ કેમ્પમાં એકવીસથી પચાસ વર્ષની ઉંમરની વીસ સ્ત્રીઓએ ભાગ લીધો હતો. કેરળના મલાપ્પુરમ, ત્રિશૂર અને કોઝીકોડ જિલ્લામાંથી આ સ્ત્રીઓ આવેલી, જે આ પહેલાં એકબીજાને ક્યારેય મળ્યા નહોતા. આ કેમ્પનો કોઈ એજન્ડા નહોતો. એક મુક્ત વાતાવરણમાં નૃત્ય, સંગીત, રમતો રમવી, સાથે જમવું અને પોતપોતાની વાત શેર કરવી. ન કોઈ નકારાત્મક વાત, ન કોઈ થેરાપી કે ન કોઈ કાયદાકીય પ્રવચન.
ઘણા બધાએ પ્રથમ વખત પોતાની જિંદગી વિશે ભય કે શરમ વિના વાત કહી અને હળવાશનો અનુભવ કર્યો તેમજ એક પ્રકારની આંતરિક તાકાતનો અનુભવ કર્યો. રાફિયા કહે છે કે તેમની ઇચ્છા સ્ત્રીઓને એક પૂર્વગ્રહ વિના જગ્યા આપવાની હતી. જ્યાં તેમને હસવું હોય તો હસી શકે અને રડવું હોય તો રડી શકે, કારણ કે સ્ત્રીઓ પોતાના આવા સંજોગોથી એટલી બધી મૂંઝાયેલી હોય છે કે તેને જીવનની દિશા મળતી નથી. ૩૧ વર્ષની રાફિયા કહે છે કે છૂટાછેડા પછી ક્યારેક તો સમાજમાંથી નહીં, પરંતુ પોતાની અંદરથી જ અનેક પ્રશ્નો ઉઠતા. પરંતુ આવું અનુભવનારી તે એકલી નથી એવું સમજતાં વર્ષો લાગ્યાં અને તેમાંથી જ બ્રેક ફ્રી સ્ટોરીઝનો જન્મ થયો. તેણે વાગામોન પછી અલાપ્પુઝામાં કેમ્પનું આયોજન કર્યું. અત્યાર સુધીમાં ચાર કેમ્પ કર્યા છે અને એક કેમ્પ દુબઈમાં પણ કર્યો.
રાફિયાની ઇચ્છા તો દર શનિ-રવિમાં કેમ્પ કરવાની છે, પરંતુ છ વર્ષની પુત્રીની સંભાળ, પિતાને વ્યવસાયમાં મદદ અને કોમ્યુનિટી ફૂટબોલ ક્લબનું કામ કરતી હોવાથી તે એટલું ઝડપથી આયોજન કરી શકતી નથી. દરેક કેમ્પમાં વીસ સ્ત્રીઓ હોય છે જેથી એકબીજા સાથે તેઓ મોકળાશથી જોડાઈ શકે. કન્નૂરની એક ી આ કેમ્પમાં જોડાયેલી જેનો ત્રણ વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. તે કહે છે કે આવા કેમ્પ કોઈ કાયદાકીય સલાહ નહીં આપે, પરંતુ વિચારોની સ્પષ્ટતા અને સૌથી મહત્ત્વનું મનની શાંતિ આપે છે. છૂટાછેડાને કારણે એક સ્ત્રી ડિપ્રેશનમાં સરી પડેલી અને આપઘાત કરવાનો વિચાર કરેલો ત્યારે તેના પિતાએ તેને બચાવી. હાલ તે યુ.એ.ઈ.માં ફાર્માસિસ્ટ તરીકે કામ કરે છે.
રાફિયા અફીના આ કાર્યમાં તેના પિતાનો સતત સહયોગ મળે છે. તેના પ્રથમ કેમ્પ વખતે તેઓ વીડિયો કોલમાં જોડાયા હતા અને કહ્યું કે માતા-પિતાએ તેમનાં બાળકોને બંધનમાં રાખવાને બદલે જીવનમાં ઊંચે ઊડવા માટે મોકળાશ આપવી જોઈએ. રાફિયા માને છે કે તમે કોઈ નવી વાત શરૂ કરો, ત્યારે સમગ્ર દુનિયા તમને સાથ આપશે એવી આશા રાખવી ન જોઈએ. રાતોરાત કોઈ પરિવર્તન આવતું નથી. તેને માટે સતત પ્રયત્ન કરવો પડે છે. લગ્ન સરસ જ હોય છે, પરંતુ પરસ્પર ન ફાવતું હોય તો લગ્નજીવન બિનજરૂરી ખેંચવાને બદલે તેનો સારી રીતે અંત લાવી દેવો. લગ્ન જેટલા જ સુંદર છૂટાછેડા છે. તે જીવનનું પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે. કદાચ ત્યાંથી જ વધુ સારું જીવન શરૂ થાય છે.
ચોખાની એક લાખ જાત!
બાબુલાલથી પ્રેરિત થઈને બાયોડાઈવર્સિટી બોર્ડે શાકભાજી અને ઔષધિઓની ૧૬૦૦ સ્વદેશી જાતો એકઠી કરી છે
મ ધ્ય પ્રદેશના સતના જિલ્લાના પિથૌરાબાદ ગામમાં ખેડૂત પરિવારમાં બાબુલાલ દહિયાનો જન્મ થયો હતો. એંશી વર્ષના બાબુલાલ બાળપણને યાદ કરતા કહે છે કે તેઓ સ્કૂલની રજાઓમાં વતનમાં આવતા અને પિતા સાથે ખેતરે જઈને તેમને કામમાં મદદ કરતા. બાબુલાલને નાનપણથી જ પોતાની સ્થાનિક ભાષા બઘેલીમાં કવિતા અને વાર્તા કહેવાનો શોખ હતો. અભ્યાસ પૂર્ણ કરીને ગામમાં પોસ્ટ માસ્તરની નોકરી કરી. તે દરમિયાન તેઓ કવિ સંમેલનોમાં ભાગ લેતા અને પોતાની કવિતાની પ્રસ્તુતિ કરતા. બઘેલીભાષી આદિવાસી સમુદાયમાં બાબુલાલનું નામ જાણીતું થયું અને મધ્યપ્રદેશ આદિવાસી લોકકલા અકાદમીમાં તેઓ સામેલ થયા. અકાદમીએ પણ તેમને બઘેલી લોકસાહિત્ય ગીતો, કહેવતો, લોકકથાઓ, કિંવદંતીઓ વગેરેનું દસ્તાવેજીકરણ કરવાનું કહ્યું. તેમણે બઘેલી મૌખિક લોકસાહિત્ય પર પાંચ પુસ્તકો લખ્યા અને બે કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યા.
આ કામ કરતાં કરતાં તેમને ગીતો, કહેવતો અને લોકકથાઓ એવી મળી કે જેમાં ચોખાની વિવિધ જાતો વિશે એવા ઉલ્લેખો હતા કે જે તેઓ ખેતી સાથે સંકળાયેલા હોવા છતાં ક્યારેય સાંભળ્યા નહોતા. એક કહેવત હતી કે 'ધાન બોવે કરગી તો સૂઅર ખાયે ન સમધિ' અર્થાત્ કરગી ચોખા વાવશો તો તે ન સૂવર ખાશે કે ન તો વેવાઈ. તપાસ કરતાં ખબર પડી કે કરગી ચોખામાં ઝીણા કાંટા હોય છે, તેથી સૂવર ખાઈ શકતું નથી. કલાવતી નામના ચોખા કાળા રંગના હોય છે અને તેને તૈયાર થતાં દોઢસો દિવસ થાય છે. તેમાં અદ્ભુત ઔષધીય ગુણો હોય છે. બાબુલાલે વિચાર્યું કે ગીતો અને લોકકથાઓનું દસ્તાવેજીકરણ કરવાથી લોકસંસ્કૃતિને બચાવી શકાય છે, પરંતુ વિવિધ જાતના અનાજનું શું? અને એમણે લોકકથાઓ અને ગીતોમાં સાંભળેલા ચોખાની જાતોને બચાવવાનું અભિયાન ૨૦૦૫થી શરૂ કર્યું. પોતાની આઠ એકર જમીનમાંથી બે એકર જમીનમાં તેમણે ચોખાના જે અનોખા બીજ મળ્યા હતા તે વાવ્યા.
બાબુલાલ કહે છે કે એક સમયે આપણા દેશમાં ચોખાની એક લાખ કરતાં પણ વધારે જાતો હતી. હવે એ સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે, તેઓએ બસો જેટલી ચોખાની જાતો મેળવી છે. પારંપરિક ચોખાની જાતોથી જમીનની ફળદ્રૂપતા જળવાય રહે છે. અલગ અલગ હેતુ માટે અલગ અલગ જાતો વાવવામાં આવે છે. જેમકે ચોખાની બજરંગા જાતમાં કાપણીમાં સમય લાગે છે, તો કમલશ્રી જાત લોકો મહેમાનો માટે ખરીદે છે. નેવારી જાત ખેડૂતો વેચવા માટે વાવે છે, કારણ કે તેમાં નફો વધુ મળે છે.
પારંપરિક ચોખાની ખેતીનો બીજો ફાયદો એ છે કે વારંવાર નીંદવું પડતું નથી. તેમાં થતાં કીટકો કરોળિયા, મધમાખી, કીડી અને અન્ય જંતુઓ દ્વારા નિયંત્રિત થાય છે. અળસિયા પણ માટી સાથે ભળીને ઉપર-નીચે થતાં તેને નરમ બનાવે છે અને તેથી છોડને વધવામાં મદદ મળે છે. ૨૦૧૧-૧૨માં જ્યારે આ પ્રદેશમાં દુષ્કાળ પડયો હતો, ત્યારે બધાના ખેતરો સૂકાઈ ગયા હતા. જ્યારે બાબુલાલના પારંપરિક ચોખાનો પાક બરાબર ઊગ્યો હતો. આને ન તો વધુ પાણી જોઈએ છે કે ન રાસાયણિક ખાતર. પારંપરિક ચોખાની ખેતીમાં તેની દાંડીની ઊંચાઈ વધારે થવાથી જમીનમાં પાણીનો સંગ્રહ કરવામાં તે મદદરૂપ બને છે. સંકર જાતિના ચોખાની ખેતીમાં આવું થતું નથી. હરિયાળી ક્રાંતિને કારણે ઘણાં દેશી બીજ લુપ્ત થઈ ગયા છે. તેમણે બીજ બચાવો યાત્રા કરી જે ચાળીસ જિલ્લામાં પહોંચી છે. તેમની પાસે બસો જાતના ચોખાના બીજ છે અને વીસ પ્રકારના ઘઉં છે. તે ખેડૂતોને નિ:શુલ્ક બીજ આપે છે અને દર વર્ષે તેમની બે એકર જમીનમાં જુદા જુદા બીજ વાવીને તેનું સંરક્ષણ કરે છે.
બાબુલાલે સર્જના સામાજિક સાંસ્કૃતિક અને સાહિત્યિક મંચની સ્થાપના કરી છે જે પારંપરિક બીજનું દસ્તાવેજીકરણ અને માહિતી આપવાનું કામ કરે છે. બાબુલાલના કામથી પ્રેરિત થઈને બાયોડાયવસટી બોર્ડે શાકભાજી અને ઔષધીય ગુણો ધરાવતા દેશી જાતના છોડના બીજ સંગ્રહિત કરવાનું કામ શરૂ કર્યું છે અને સોળસો જાતો એકત્ર કરી છે. બીજ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બાબુલાલ કુંડામાં જુદા જુદા પ્રકારના અનાજ ઉગાડે છે અને તે પછી મધ્યપ્રદેશ સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડનાં બીજ બેંકમાં જમા કરે છે. તેઓ ભારતના ઘણા રાજ્યોમાં સ્કૂલના બાળકોમાં પણ આ અંગે જાગૃતિ માટે વર્કશોપ કરે છે. તેઓ કોદો, કુટકી અને જુવાર જેવા જાડા ધાનની ખેતી પણ કરે છે. તેમણે પોતાના ઘરના પહેલા માળે સતના દેશી સંગ્રહાલય નામનું એક અનોખું મ્યુઝિયમ બનાવ્યું છે. જેમાં લુપ્ત થઈ ગયેલા અને થઈ રહેલા માટીના વાસણો, શસ્ત્રો, લોખંડની બનેલી ચીજો, ખેતીને લગતા યંત્રો અને ઓજાર, પત્થર, ધાતુ અને ચામડાના શિલ્પ જેવી અઢીસો અવનવી વસ્તુઓ છે અને તેની સાથે એમને મળેલા અનેક ઍવૉર્ડ પણ!