- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- એ પ્રભાત કેવું સુંદર હશે, જે પ્રભાતનો અનુભવ આજથી વર્ષો પહેલાં ભગવાન બુદ્ધે મૌનની વાણી વહેવડાવીને આપ્યો હતો!
મા નવી સતત પોતાની સુવિધા અને સુખસગવડનો જ વિચાર કરે છે. એના શરીર અને સ્વાર્થની આસપાસ જ એના વિચાર અને વર્તન ફેરફુદરડી ફરે છે. જે સંસારની શબ્દજાળમાંથી બહાર નીકળીને જુએ છે તે નવજાગૃતિની વિરલ પળ કે ચેતનની કોઈ નવીન ઉષ્મા પામી શકે છે.
સાચું મૌન એકાંત માગે છે. માણસ જન્મે છે એકલો અને મૃત્યુ પામે છે એકલો, પરંતુ એની વચ્ચે એ ભીડમાં જીવતો હોય છે. શબ્દોના કોલાહલમાં જીવન બસર કરતો હોય છે. માનવી ભીડમાં જીવે એટલે સંબંધ ઉત્પન્ન થાય, મિત્રતા અને શત્રુતા જાગે. મૌન એકાંતની છાયા છે. એ એકલવાયાપણાનો અનુભવ માનવીની મૌનની યાત્રામાં એને સફળતા આપે છે.
બીજાની સાથે વાત કરનાર પોતાની જાતને જાણતો નથી. 'તું'થી બંધાયેલો હોય ત્યાં સુધી 'હું'ને ઓળખી શકતો નથી, કારણ કે એનું સમગ્ર વલણ બીજાના ઉપર આધારિત હોય છે. ચોવીસે કલાક એ બીજાનો વિચાર કરે છે. પોતાની જાત પર આવતો નથી. જ્યારે માનવી પોતાની જાતને જાણે છે ત્યારે એ આત્માને ઓળખે છે. એના હૃદયમાં સત્યની રોશની ફેલાય છે અને સચ્ચાઈની સુવાસ પ્રસરે છે.
સમ્રાટ અશોકે પોતાના પુત્ર મહેન્દ્રને ભગવાન બુદ્ધનો સંદેશો આપીને શ્રીલંકા મોકલ્યો, એ શ્રીલંકાના રાજાને મળ્યો અને એણે રાજાને કેટલાક પ્રશ્નો પૂછ્યા. એનો પહેલો પ્રશ્ન હતો - 'દુનિયાના કેટલાક લોકો એવા છે કે જેની સાથે આપ એક યા બીજી ઓળખાણથી સંકળાયેલા છો અને કેટલાક એવા છે કે જેની સાથે આપને કશો સંબંધ નથી. આમ આવા બે વર્ગ છે. શું કોઈ એવું છે કે જે આ બે વર્ગમાં ન આવે ?'
રાજાએ કહ્યું - 'હું રહી ગયો.'
અશોકના પુત્રને કહ્યું - હવે આપને સંદેશો આપી શકાશે. તમે વિદ્વાન વ્યક્તિ છો. આ પ્રશ્ન મેં એ જાણવા માટે પૂછ્યો હતો કે શું પાછળ કશું શેષ રહ્યું છે કે પછી સંબંધિત અને અસંબંધિત એ બે વર્ગોમાં જ બધું સમાપ્ત થઈ ગયું છે?
જે સંબંધિત કે અસંબંધિત નથી તે જ મૌનનું ક્ષેત્ર છે. મૌન એટલે આત્મ પ્રતિ પ્રયાણ. મૌન એટલે ઊર્ધ્વ પ્રતિગમન. મૌન એટલે અવિનાશી અજ્ઞાતની શોધ.
જપના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. પહેલો જપ તે મોટેથી પાઠ કરવો. બીજો જપ તે હોઠ ફફડાવવા. જ્યારે જપનો ત્રીજો પ્રકાર તે અંદર બોલવાનો છે. જપની ક્રિયામાં જે જપ અંદર ચાલે છે તે જ શ્રેષ્ઠ છે.
મૌન વિશે કેટલીક ભ્રાંતિ પ્રવર્તે છે. એક તો મૌન તે નિષ્ક્રિયતા માનવામાં આવે છે, પરંતુ મૌન તે નિષ્ક્રિયતા નથી. બલ્કે વિશિષ્ટ પ્રકારની જાગૃતિ છે. હવાની લહરીઓ વહેતી હોય, પવનના સુસવાટા વાતા હોય, માનવીઓની ભીડની દોડધામ મચી હોય, આખું વિશ્વ ઉઘમાત કરતું ગતિમાન હોય, ત્યારે તમે આ બધાથી સહેજે લોપાયા વિના જાગૃતિનો અનુભવ કરશો. કંઈક ન કરવામાં પણ ક્રિયા રહેલી છે. આવી મૌનની ક્રિયાથી હૃદયમાં શાંતિ ઊતરશે. કંઈક કરું છું એવો ભાવ મનમાં તંગદિલી ઊભી કરશે. એક પ્રકારનું ટેન્શન પેદા કરશે. આમ મૌનમાં પણ કર્મ રહેલું છે. મૌનમાં કર્મમાર્ગનો ત્યાગ નથી. યોગી અરવિંદ તો સૂક્ષ્મ રીતે એમ પણ કહે છે કે માણસ કશું ન કરે, બોલ્યા વગર પડી રહે, તોપણ જે શ્વાસ લેવાય છે તે પણ એક કર્મ જ છે. કેટલીક વ્યક્તિઓ મૌન સમયે બીજાને લખીને પોતાની વાત કરે છે. માત્ર વાચિત મૌન પાળનારાઓ માટે આ યોગ્ય છે. કિંતુ પરમ મૌનમાં તો મન સરોવરના જળ જેવું વિચારહીન, તરંગહીન, શાંત થઈ જવું જોઈએ. તળાવમાં કાંકરી પડે અને વમળનાં વન પેદા થાય એમ મૌન વખતે લખીને કહેવાથી મનમાં દુનિયાના વિચારો તો ચાલતા જ હોય છે. જે આત્મખોજ કરે છે તેને આવું મૌન ઉપકારક નથી.
મૌન સ્વાભાવિક હોવું જોઈએ. બળજબરીથી લદાયેલું મૌન એ વ્યક્તિમાં કૃત્રિમતા આણે છે. મૌન સાથે માણસના જીવનનો ઉલ્લાસ છલકવો જોઈએ. એની સામે કોઈ બહુ બોલ બોલ કરે તોપણ એને કંટાળો આવવો જોઈએ નહીં. સાચા સાધક કે સાચા મૌનીના ચહેરા પર તમે ક્યારેય ઉદાસીનતા જોશો નહીં, કારણ કે મૌન એ ભાવનો અભાવ નથી, બલકે વિધાયક આનંદ છે.
વાણીમાં પ્રદર્શન છે, પોતાની માન્યતા લાદવાની કોશિશ છે. ક્યાંક પોતાના અહંકારને અભિવ્યક્ત કરવાનો આશય હોય છે. ઈશ્વરે બોલવા માટે એક જીભ આપી છે અને સાંભળવા માટે બે કાન આપ્યા છે, એની પાછળનો એવો સંકેત છે કે સાંભળો વધારે અને બોલો ઓછું. જ્યારે આપણે તો બોલીએ છીએ વધુ અને સાંભળીએ છીએ ઓછું. બોલવામાં માનવીની શક્તિનો વ્યય પણ ઘણો થાય છે. યોગી અરવિંદે બોલવાનું બંધ કરી દઈને માત્ર લખવા પર ભાર મૂક્યો. જ્યારે રમણ મહર્ષિએ બેમાંથી એકે ઉપર લક્ષ આપ્યું નહીં. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે લાંબા સમય સુધી મૌન પાળ્યું હતું અને ઘણે સ્થળે ગુરુ પોતાના શિષ્યોને મૌનથી જ ઉપદેશ આપતા.
મૌનની પ્રક્રિયા જેટલી સહેલી લાગે છે તેટલી સહેલી નથી. યોગશાસ્ત્રમાં નાદબ્રહ્મ અને શાંતબ્રહ્મની વાત છે. આ શાંતબ્રહ્મમાં દરેકનું પરિણામ શાંતિ આવે છે. મૌનને શાંતિ કહી શકાય અને આ શાંતિ જ જીવનનો
પાયો છે. યોગવશિષ્ટ રામાયણમાં પાંચ પ્રકારનાં મૌન બતાવ્યાં છે : એક છે વાચિક મૌન. જેમાં માત્ર વાણી આથમી જાય છે. કશુંય બોલવાનું હોતું નથી, શબ્દોનો ખડખડાટ શાંત પડી ગયો હોય છે, પણ માત્ર વાચિક મૌનથી બીજી ભીતરી ક્રિયાઓ થતી હોય છે. માનવી મુખેથી મૌન હોય, પણ મનથી એ આ જગતમાં ચોતરફ ઘુમતો હોય છે. આથી આ વાચિક મૌન પ્રમાણમાં સરળ છે, પરંતુ આત્મઓળખનાં માર્ગે એ વિશેષ ઉપયોગી બનતું નથી.
બીજું મૌન છે એ સમાધિ મૌન છે. આ સમાધિ મૌનમાં વ્યક્તિ નેત્રો બંધ કરીને સમાધિમાં ડૂબી જાય છે. એનો અર્થ એ કે એ કશું જોતો નથી. માણસની આંખ બંધ થાય એની સાથે બાહ્યજગતની ઘણી લીલાઓ સમાપ્ત થઈ જાય છે. બહારની દુનિયાનાં આકર્ષણો હવે નજરને આકર્ષતા નથી અને એ રીતે સમાધિ મૌનમાં સાધક કશું જોતો નથી.
જ્યારે કાષ્ઠ મૌન એ વધુ કપરું મૌન છે. એમાં મન અને ઇંદ્રિય બંનેને વશમાં રાખવાની હોય છે. એટલે કે આપણી ઇંદ્રિયનાં વ્યાપારો શાંત થઈ ગયા હોય, આંખ, કાન કે જીભ વિશે સંયમ પ્રવર્તતો હોય અને એની સાથોસાથ માનવીનું અત્યંત ચંચળ મન પણ એના વશમાં હોય.
જ્યારે સુષુપ્ત મૌનમાં વાણી અને ઇંદ્રિય કાર્ય કરે છે, પણ આત્મસાધનાથી એ મૌનમાં ઊંડે ઉતરી જતો હોય છે, પણ શ્રેષ્ઠ મૌન તો એ કે જેમાં મૌન દ્વારા આત્મા જાગૃત થાય.
આ રીતે સાધક શબ્દોનો ઉપયોગ છોડી દે છે, કારણ કે શબ્દો એને સતત સંસારમાં રાખતા હોય છે. ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લએ આ શબ્દો વિશે લખ્યું છે,
'ખીજડે ટાંગિયાં છે મડાં, શબ્દો
હોઠ બસ ફડફડે પાંદડાં, શબ્દો
ક્યાં લગણ જીવશે બાપડા શબ્દો,
મૃતકને ધાવતાં વાછડાં શબ્દો !'
વ્યર્થ વપરાતાં શબ્દો વિશે કવિનો મનોભાવ જોવા જેવો છે. ખીજડાનાં વૃક્ષ પર ટાંગેલા મૃતદેહ જેવા એ શબ્દો છે અથવા તો મૃતકને ધાવી રહેલા વાછડાં જેવા આ શબ્દો છે. આ શબ્દો માનવીની આસપાસ કેવું કારાગૃહ રચે છે, તે બતાવ્યું છે. આવા શબ્દના કારાગૃહમાંથી મુક્તિ મેળવવા માટે મૌનની સાધના જરૂરી છે, કારણ કે મનથી આપણે બહારનું જગત જોઈએ છીએ, જ્યારે મૌનથી આપણે આપણા પોતાના ભીતરનું જગત અનુભવીએ છીએ.
આજે જ્યારે જીવન સમરાંગણ બન્યું છે, ત્યારે એને સમતાંગણ બનાવવા માટે શબ્દોની ભીડમાંથી માનવીઓના ટોળામાંથી, અવાજના કોલાહલમાંથી બહાર નીકળીને સ્વયંની પહેચાન માટે કોઈ એકાંત ખૂણે વિચારની તરંગલીલા સમાપ્ત કરીને મૌનમાં ડૂબી જવાની જરૂર છે.
એ પ્રભાત કેવું સુંદર હશે, જે પ્રભાતનો અનુભવ આજથી વર્ષો પહેલાં ભગવાન બુદ્ધે મૌનની વાણી વહેવડાવીને આપ્યો હતો !


