- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
હું માનવતાની ખેતી કરું છું.
- તથાગત બુદ્ધ
અ ર્થાત્, આપણા ભારતમાં માનવ અને માનવતાની ખેતીનો ઇતિહાસ ૨૫૦૦થી વધારે વર્ષનો છે. જ્યાં માનવીય મૂલ્યોની ખેવના હોય ત્યાં આટલી બધી અનીતિ અને અન્યાય, હિંસા અને હતાશા. નકારાત્મકતા અને નિષ્ફળતા, વૈમનસ્ય અને વિખવાદ કેમ ? આટલી બધી સાક્ષરતા ત્યાં માનંવતા આટલી બધી કુરુપ કેમ ? એવું તો નથી ને કે સફળતા અને સાક્ષરતાની આસક્તિમાં આપણે જીવનનું સત્વ, સૌંદર્ય અને સાર્થકતા ખોઈ નાખ્યા છે ? સપ્ટેમ્બરમાં શિક્ષક દિવસ અને સાક્ષરતા દિવસ બન્ને આવે છે ત્યારે આવા પ્રશ્નો મનમાં સહજ ઉદ્દભવે છે.
માત્ર બૌદ્ધિકતાને લીધે સ્પર્ધા તો આવી પણ સંબંધો અને સંવાદ ખોવાયા, સંઘર્ષો વધ્યા સમાધાન ખોવાયું. આપણે ભૂલી ગયા કે શિક્ષણ વ્યવસાય નથી પણ અનન્ય ધૈર્ય અને પ્રેમથી રચાતી કૃતિ છે જે જીવનભર રચાયા કરે છે. જીવનમરમી વિનોબાજી કહેતા 'જીવન અને શિક્ષણ બિલકુલ એકરૂપ છે, એમને અલગ-અલગ કરી દેવાથી કોઈ કામ નહીં થાય. જીવન સાથે ઓતપ્રોત થવાની કળા એ જ તો શિક્ષણ છે. વિદ્યાર્થીને વર્તમાન જીવનથી અલિપ્ત રાખીને ભવિષ્યના જીવનનું શિક્ષણ આપી શકાય જ નહીં.'
તેઓ આપણાં સમાજને રાહુ-કેતુ નો સમાજ કહે છે. જેમાં માથા છે ત્યાં ધડ નથી અને જ્યાં ધડ છે ત્યાં માથા નથી. જ્ઞાન અને કર્મ વચ્ચે એક ખાઈ છે. કામ કરનારા પાસે જ્ઞાન નથી પહોંચતું અને જેમનો બૌદ્ધિક વિકાસ થયો છે તેઓ કામ નથી કરતાં. આજની સૌથી મોટી સમસ્યા એ છે કે જેમને નફો, બજાર અને સફળતા દેખાય છે તેમને અન્યનો સંઘર્ષ, ભૂખ અને પીડા કેમ નથી દેખાતી?
હિટલરની ત્રાસ છાવણીમાંથી બચી ગયેલ ડો. હાઈમ ગીનોટનો શિક્ષકોને લખેલ એક પત્ર આજે પણ પ્રસ્તુત છે તે વાંચીએ;
'વ્હાલા શિક્ષક,..
શ્વાસને ગુંગળાવનારી છાવણીમાંથી હું માંડ-માંડ બચ્યો છું. કોઈપણ માણસ કદી જોવા ન ઈચ્છે તેવું સઘળું મારી આ આંખોએ જોયું છે. સુશિક્ષિત ઇજનેરોએ બાંધેલી ગેસચેમ્બર, શિક્ષિત તબીબો દ્વારા વિષ પામેલા બાળકો, તાલીમબદ્ધ પરિચારીકાઓ દ્વારા મારી નાખવામાં આવેલા શિશુ, હાઈસ્કૂલના તેમજ કોલેજના શિક્ષકો દ્વારા સળગાવી દેવામાં આવેલા બાળકો અને સ્ત્રીઓ-આ બધું મેં નજરોનજર જોયું છે, તેથી શિક્ષણ વિશે હું જરા શંકાશીલ છું.'
તમારાં બાળકોને સાચા માનવ બનાવજો. તમારા પ્રયત્નોને કારણે તેઓ કદી પણ શિક્ષિત રાક્ષસો, ચબરાક મનોરોગીઓ કે આઈકમેન જેવા ઘાતકીઓ ન બને તે જોજો. વાંચન, લેખન અને ગણન વધારે અગત્યનાં ત્યારે જ બને, જયારે તે આપણાં બાળકોને સાચા માનવ બનાવે.'


