- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- શેરીના થાંભલાને સ્ટમ્પ તરીકે રાખી ક્રિકેટ ખેલનારો રવિચંદ્રન અશ્વિન મધ્યમ વર્ગના એક સામાન્ય પરિવારમાંથી આગળ આવીને વિશ્વના તખ્તા પરનો મહત્ત્વનો ખેલાડી બન્યો
અ શ્વિન અને અચાનક ! આ બંને એક સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ગયા ડિસેમ્બરમાં ભારતે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનનાં મેદાન પર સામનાભરી રમત બતાવીને ટેસ્ટશ્રેણીને ૧-૧થી સરભર કરી. તે સાથે જ ભારતીય જર્સી સાથે ૨૮૭ મેચ ખેલી ચૂકેલા રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તમામ સ્પર્ધાઓમાંથી અણધારી નિવૃત્તિ લીધી અને એવી જ રીતે એણે તાજેતરમાં આઈ.પી.એલ.માંથી પણ નિવૃત્તિ લેવાની અણધારી જાહેરાત કરી.
અનેક વિક્રમો ધરાવતા અશ્વિને અનિલ કુંબલે પછી સૌથી વધુ ટેસ્ટ વિકેટ (૫૩૭ વિકેટ) ઝડપી છે. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એ એકસો વિકેટ ઝડપનારો સર્વપ્રથમ ગોલંદાજ છે અને વર્લ્ડ ચેમ્પિયનશીપના ત્રણેય ફોર્મેટમાં એકસો પંચાણુ વિકેટ ઝડપનારો સર્વશ્રેષ્ઠ ગોલંદાજ છે. એથીયે વિશેષ ૨૫૦, ૩૦૦ અને ૩૫૦ ટેસ્ટ વિકેટ ઝડપનારો સૌથી ઝડપી ક્રિકેટર છે અને ૫૦૦ ટેસ્ટ વિકેટ ઝડપનારો વિશ્વનો બીજો ગોલંદાજ છે.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૨૨૬ ખેલાડીઓને આઉટ કરનારો આ સ્પિનર બીજા પણ ઘણા વિક્રમો ધરાવે છે. વિશ્વનો કોઈ પણ ગોલંદાજ એની માફક બસો ડાબોડી બેટ્સમેનોને આઉટ કરી શક્યો નથી. આવા અનેક વિક્રમો ધરાવતા અશ્વિને એક માત્ર અનિલ કુંબલે પછી સૌથી વધુ ૪૭૫ વિકેટ લેનારો ગોલંદાજ છે.
રવિચંદ્રન અશ્વિનની આ અણધારી વિદાયને પરિણામે હવે એ માત્ર વિશ્વભરમાં ખેલાતી આઈ.એલ.ટી. ટ્વેન્ટી ટુર્નામેન્ટોમાં ભાગ લે તેવી શક્યતા છે. આ ટુર્નામેન્ટમાં અંબાતી નાયડુ સિવાય બહુ ઓછા પ્રસિદ્ધ ભારતીય ખેલાડીઓ રમે છે, ત્યારે અશ્વિનનું આ ટુર્નામેન્ટમાં આગમન એ સ્પર્ધાને વધુ લોકચાહના ધરાવતી બનાવશે.
બાળપણમાં ટી.બી.નો શિકાર થયેલો, શેરીના થાંભલાને સ્ટમ્પ તરીકે રાખી ક્રિકેટ ખેલનારો રવિચંદ્રન અશ્વિન મધ્યમ વર્ગના એક સામાન્ય પરિવારમાંથી આગળ આવીને વિશ્વના તખ્તા પરનો મહત્ત્વનો ખેલાડી બન્યો. શરૂઆતમાં એ જમોડી બેટ્સમેન તરીકે વિશેષ ખેલતો હતો અને સાથોસાથ થોડી સ્પિન ગોલંદાજી પણ કરી લેતો હતો, પરંતુ અનિરુદ્ધ શ્રીકાંતે એની આ શક્તિ પારખી લીધી. અનિરુદ્ધ શ્રીકાંત એ ભારતના સમર્થ ઓપનર ક્રિશ્નમાચારી શ્રીકાંતનો પુત્ર અને માત્ર સોળ વર્ષની વયે એણે પ્રથમ કક્ષામાં પ્રવેશ મેળવ્યો હતો તેમજ તમિલનાડુની રણજી ટ્રોફી ટીમનો એ સભ્ય હતો. આવા અનિરુદ્ધને અશ્વિનની ગોલંદાજી પર અતિ વિશ્વાસ હતો. કદાચ એના પિતા ક્રિશ્નમાચારી શ્રીકાંતની ક્રિકેટદ્રષ્ટિ એને વરેલી હોય.
એ સમયે ઓસ્ટ્રેલિયાને એકલે હાથે પરાજિત કરનાર હરભજન સિંઘની બોલિંગ એ અશ્વિનનો આદર્શ હતી. એ ઓફસ્પિન દડા નાખતો અને ક્યારેક એ જ એકશનથી લેગસ્પિન દડા નાખતો. ગોલંદાજ તરીકેની એની શક્તિમાં અનિરુદ્ધને શ્રદ્ધા હોવાથી એણે અશ્વિનને ગોલંદાજીનું કામ સોંપ્યું. એ સમયે અશ્વિન બીજા સ્પિનરોનાં મુકાબલે વધુ ઝડપથી દડો નાખતો હતો અને વચ્ચે ધીમો ફલાઇટેડ ઓફ બ્રેક નાખતો હતો.
સ્પિન ગોલંદાજીની દુનિયામાં અશ્વિને અનેક જુદી જુદી તરકીબો અજમાવી અને એમાં પણ અશ્વિને રંગાના હેરથ અને મેન્ડિસની માફક ગોપાલન ટ્રોફીમાં સુડોકુ નામની ગોલંદાજીની રીત અપનાવાતી જોઈ. અશ્વિને એ પોતાની ગોલંદાજીમાં આબાદ અપનાવી લીધી. ગોલંદાજીની આ પદ્ધતિને 'કેરમ બોલ' પદ્ધતિ પણ કહેવામાં આવે છે. જેમ કેરમ ખેલતો ખેલાડી એક જ આંગળીથી જોરથી સ્ટ્રાઇકરને ફિલપ કરે છે, એ રીતે આમાં દડાને ફિલપ કરવામાં આવે છે. વર્ષો સુધી ટેનિસ બોલથી ગોલંદાજી કરનારા અશ્વિનને આ પદ્ધતિમાં નિપુણ થતા સમય લાગ્યો, પરંતુ એક વાર એની પાસે આ કરતબ આવી ગયા પછી એણે એનો પુષ્કળ ઉપયોગ કર્યો. એની પ્રેક્ટિસની સાથોસાથ એના યોગ ગુરુ વેંકટસર પાસે સવારે સાડા ચાર વાગ્યે યોગ કરતો. પગ વાળવાના હોવાથી 'લેગી'ના નામે જાણીતા અશ્વિનને પદ્માસન કરવાનું મુશ્કેલ બનતું રહ્યું, પરંતુ સુખાસન કરે છે. યોગને કારણે અશ્વિને એનું વજન ઉતાર્યું અને ફિટનેસ માટેની એની ટ્રેનિંગમાં યોગ ઉપયોગી બન્યો.
મેચ પછી યોજાતી પાર્ટીથી અશ્વિન હંમેશા દૂર ભાગતો રહ્યો. એમાં પણ આઈ.પી.એલ.ના સમયે તો એને ભારે પરેશાની હતી. શહેરનાં જાણીતા માણસો વચ્ચે પોતે અજાણ્યો હોય તેવો અનુભવ કરતો. જે રીતે એ મહાનુભાવો પોશાક પહેરતા, જે આગવી ચાલે ચાલતા એ બધું જોઈને અશ્વિન જોઈ રહેતો કે તેઓ આ નિમંત્રણ બદલ કેટલું બધું ગૌરવ અનુભવી રહ્યા છે !
ક્યારેક હિંમત કરીને એ આવી પાર્ટીમાં જતો, પરંતુ પછી અજાણ્યા મહાનુભાવો વચ્ચે પોતાની જાતને કોઈ અજનબી દુનિયામાં આવી પડયો હોય તેવું અનુભવતો. વળી બીજી મુશ્કેલી એ હતી કે લોકો એને શિષ્ટાચારથી ક્રિકેટ વિશે પ્રશ્નો પૂછે અને અશ્વિન આખીય રમતનું વિસ્તૃત વિશ્લેષણ કરતો. લોકોની જિજ્ઞાસા કેટલા પ્રમાણમાં છે, તે સમજવાની પોતાની અશક્તિ વિશે સભાન હતો. એની અગાઉની જિંદગી માત્ર ક્રિકેટ અને કોલેજથી ઘેરાયેલી હોવાથી એ નાઇટ કલબમાં ક્યારેય ગયો નહોતો. એને મન પાર્ટી એટલે જન્મદિવસની કે લગ્નની પાર્ટી. જ્યારે આ તો આખી જુદી જ દુનિયા હતી. પરિણામે ક્યારેક તો એ આતુરતાથી દૂર ઊભો રહીને આ પાર્ટીમાં શી ગતિવિધિ થતી હોય છે, એ જોતો હતો.
ક્યારેક એ વિજય અને નયનતારા નામના દક્ષિણનાં વિખ્યાત અદાકારોને નિહાળવા માટે પાર્ટીમાં થોડી વાર રહેતો, કારણ કે તેઓ ચેન્નાઈ સુપરકિંગની ટીમના બ્રાન્ડ એમ્બેસેડર હતા અને તેથી ક્યારેક પાર્ટીમાં સામેલ થતા, પરંતુ એનું મન તો સતત શૈક્ષણિક ડિગ્રી લેવા પાછળ દોડતું હતું. પોતાની નેમપ્લેટમાં એ ડિગ્રી લખાવવી ઘણી ગમતી હતી અને અંતે આઈ.પી.એલ. રમ્યા બાદ અશ્વિનને ઇન્ડિયા સિમેન્ટ્સના કોસ્ટ ડિપાર્ટમેન્ટમાં સિનિયર મેનેજરની નોકરી મળી ગઈ, જેમાં ભારતના ઘણા ક્રિકેટરો પણ કાર્ય કરતા હતા.
આને પરિણામે અશ્વિન વર્ષોથી જે ટીમ તરફથી રમતો હતો તે કેમ્પપ્લાસ્ટ ટીમ છોડવી પડી. જોકે ઇન્ડિયા સિમેન્ટ્સની ટીમ એ આઈ.પી.એલ.ની સ્પોન્સરર હતી અને તેથી અશ્વિનના ઉજળા ભાવિને જોઈને સહુએ એને સહર્ષ વિદાય આપી હતી. એ પછી અશ્વિન ઇન્ડિયા સિમેન્ટ્સની વિજટ ક્રિકેટ કલબ તરફથી ખેલતો રહ્યો. એ સમયે એબ્સન્ટ માઇન્ડેડ શ્રીકાંત સાથે એક એવો અનુભવ થયો કે એક વાર શ્રીકાંતે કહ્યું કે, 'ચેન્નાઈ સુપરકીંગ તરફથી રમવાની તમને સુવર્ણ તક સાંપડી છે અને તમે જેટલું શીખી શકો એટલું શીખી લેજો.' હકીકત એ હતી કે અશ્વિનને એ સમયે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો.
આ ગોલંદાજના જીવનની બે બાબતો વિશેષ ધ્યાન ખેંચે છે. એક વાર સી.એસ.કે.ની ટીમ સમયે કાશી વિશ્વનાથન નામના ઇન્ડિયા સિમેન્ટ્સના અગ્રણીએ પારિતોષિકો આપતી વખતે યુવાન ખેલાડીઓને કહ્યું કે, 'હવે તમને સી.એસ.કે.ના માયકલ હેસી, એમ.એસ. ધોની, મેથ્યુ હેડન અને મુરલીધરન સાથે ખભેખભા મિલાવીને ખેલવાની ભવ્ય તક મળશે.' આ સમયે અનેક ભાવિ આશાઓ સાથે ક્રિકેટ ખેલી રહેલા અશ્વિને પોતાની જાતને કહ્યું, 'હું આવા ખેલાડીઓ સાથે ખભેખભા મિલાવીને ખેલવા આવ્યો નથી, પણ હું એ સાબિત કરવા આવ્યો છું કે હું પણ એમના જેવો જ ખેલાડી છું.'
આ વિધાનમાં જેમ એનો આત્મવિશ્વાસ છે, એ જ રીતે એનો આંતર સંઘર્ષ પણ જોવા મળે છે. એણે જોયું કે શ્રેષ્ઠ ક્રિકેટરોને પણ એમની કારકિર્દીમાં સફળતા કરતા નિષ્ફળતાનો વધુ સામનો કરવો પડે છે. ખેલાડી સતત પોતાની પાસેથી એ જવાબ ખોળતો હોય છે કે એ શા માટે નિષ્ફળ ગયો. ક્યારેક એને પોતાની નિષ્ફળતાનું સાચું કારણ મળે છે અને એ પોતાની જાતને સમજાવે છે, પરંતુ ઘણી વાર નિષ્ફળતાનું સાચું કારણ મળતું નથી. તમે બધું સાચું કર્યું હોય અને છતાં તમને નિષ્ફળતા સાંપડી હોય. આને કારણે અશ્વિને જોયું કે ઘણા ખેલાડીઓ જુદાં જુદાં વહેમો અને માન્યતાઓમાં શ્રદ્ધા ધરાવતા હોય છે અને ક્યારેક એમાં ઘણા ઊંડા ખૂપી જતા હોય છે.
ખેર, એક સાવ સામાન્ય સંજોગોમાં જન્મેલા સામાન્ય ખેલાડીએ અસાધારણ સિદ્ધિઓ મેળવીને ભારતીય ક્રિકેટને જે ગૌરવ અપાવ્યું છે તે માટે અશ્વિનને સો-સો સલામ.
મનઝરૂખો
એકાએક પાંત્રીસ વર્ષની યુવાનવયે ચાર્લ્સ બોનાપાર્ટનું અકાળ અવસાન થતાં એની પત્ની લટેસિયા પર કુટુંબની સઘળી જવાબદારી આવી પડી. આ લટેસિયા કોર્સિકા પ્રદેશમાં રહેતી હતી. જ્યાં વારંવાર દુશ્મનોનાં આક્રમણો થતાં હતાં. ગ્રહણ ટાણે સાપ નીકળે એમ કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો. લટેસિયાનું ઘર પડી ગયું. શાસકોએ કોર્સિકાના નગરજનોને આ ઉજ્જડ પ્રદેશ છોડીને અન્યત્ર વસવાટ કરવાનો હુકમ કર્યો. લટેસિયા મોટા પરિવારને લઈને કોર્સિકા છોડી મર્સાઇમાં આવી. અંધાધૂંધીમાં ઘેરાયેલા ફ્રાંસમાં સતત પક્ષપલટો થતો. ઘણા લોકોને આજીવિકાનાં ફાંફાં હતાં. આવે સમયે લટેસિયાએ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોનું ધ્યાન રાખ્યું. આ લટેસિયાનો પુત્ર નેપોલિયન સમય જતાં ફ્રાન્સનો સેનાપતિ અને ત્યારબાદ ફ્રાન્સનો સમ્રાટ બન્યો. લટેસિયાને સમ્રાટની માતા તરીકે આદર-સન્માન અને ઊંચી પદવી મળવા લાગ્યાં. નેપોલિયન એની માતાને હંમેશાં આદર આપતો અને એમે કહ્યું પણ ખરું, ''હે માતા ! તમે જીવનમાં અપાર દુ:ખો વેઠયાં છે. હવે ફ્રાન્સના સમ્રાટનાં માતા તરીકે અપાર સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો.''
આટલી બધી જાહોજલાલી હોવા છતાં સમ્રાટની માતા લટેસિયા પોતાના ભૂતકાળના દુ:ખી અને દારિદ્રયમય દિવસોને ભૂલી ન હતી. એ સાદાઈ અને કરકસરથી જીવતી હતી. કોઈ એની ટીકા કરે અને કહે કે સમ્રાટનાં માતા કેવું સામાન્ય અને ગરીબાઈભર્યું જીવન જીવે છે, તો લટેસિયા એમને જવાબ આપતી, ''આજે મારો દીકરો સમ્રાટ છે. પણ જીવનમાં ક્યારે દુ:ખ આવી પડે એની કોઈને ખબર નથી. આવે સમયે સુખ કે ઉપભોગ નહીં, પરંતુ સાદું અને સામાન્ય જીવન જ આશ્વાસક બની રહે છે.''


