- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- સ્વદેશીના નામે સંકુચિતતા તો સીઝનલ છે, પણ પરમેનન્ટ ફેક્ટ એ છે કે અમેરિકા વિના ડિજીટલ ઈન્ડિયા જ નથી અત્યારે!
એલેક ઈસિગોનિઝ.
સાંભળ્યું છે નામ ? સંભવત અજાણ્યું લાગશે. પણ આ એ અંગ્રેજ એન્જીનિઅર છે, જેણે ૧૯૫૬માં ''મોરિસ ઓક્સફર્ડ સીરિઝ થ્રી'' નામનું કારનું મોડલ બનાવ્યું હતું.
બનાવ્યું હશે. એમાં આપણે શું ને આજે વળી એનું શું છે ? આપણે ઘણુ ય છે ને આજનો આપણો મુદ્દો છે, એમાં આ નામો રિલેવન્ટ છે. આ અજાણ્યું લાગતું નામ એટલે આપણી એમ્બેસેડર કાર ! બિરલા ગુ્રપની હિન્દુસ્તાન મોટર્સે આના રાઈટ્સ લઈ ''સ્વદેશી'' એમ્બેસેડર કાર ૧૯૫૭માં લોન્ચ કરી. પ્રીતમ, ભપ્પી લાહરી, રાજેશ રોશન, અનુ મલિક, નદીમ શ્રવણ, આર.ડી. બર્મનના ઘણા ગીતોની જેમ આ ડિઝાઈન પણ કોપીપેસ્ટ જ હતી ! એમાં આપણું કશું નવીન યોગદાન નહોતું. મુદ્દાની વાત એ કે મૂળ મોરિસ કંપનીએ તો ૧૯૫૯માં જ આ મોડેલ અપગ્રેડ કરીને નવું લોન્ચ કરેલું, પણ આપણે છેક ૨૦૧૪ની સાલમાં અનેક વિદેશી બ્રાન્ડસ ઓટોમોબાઇલમાં આવવાને લીધે એમ્બેસેડરનું પ્રોડકશન બંધ કર્યું, ત્યાં સુધી એટલે કે પૂરા ૫૭ વર્ષ સુધી મોરિસ ઓક્સફર્ડ સીરિઝ થ્રીની બેઠ્ઠી નકલ જેવી એમ્બેસેડર કાર જ બનાવ્યા કરી ને ચલાવ્યા કરી ! 'આપણી ગાડી' ગણાતી એ કાર આપણી નહોતી, મૂળ બ્રિટિશ હતી એ તો ઠીક, એમાં છૂટક ડિઝાઈનના ફેરફારો સિવાય પબ્લિકે સાવ રિજેક્ટ ના કરી, ત્યાં સુધી એ ચાલી ગયા પછી પણ કશું નવું ના કર્યું આપણે ! છ દસકા સુધી એની એ ફોરેન ડિઝાઈન રિપિટ કર્યા કરી !
એમ્બેસેડરની હરીફાઈમાં યાને બિરલાની કોમ્પિટિશનમાં વાલચંદ હીરાચંદ ગુ્રપે ૧૯૬૪માં ફિઆટ ગુ્રપ સાથે કરાર કર્યા. જે ફિયાટ મૂળ ઇટાલીયન કંપની હતી. એના પ્રીમિયર ટાઇપની મોડલે ધૂમ મચાવી હતી નમણાશને લીધે એ સમયે, જેનું નામ જ ફિઆટ કરી દેવાયેલું. સીધી રીતે આ કંપનીઓ આવી શકતી નહોતી માર્કેટમાં પણ ફિઆટ પણ મૂળે પરદેશી કાર જ હતી. એ જ તરજ પર ભારતની પહેલી સ્વદેશી કાર તરીકે ગાજોવાજો મચાવેલ મારૂતિ ફ્રન્ટી ઉર્ફે ૮૦૦ તો નામથી જ ખબર પડે એમ જાપાનની સુઝૂકી સાથેનું જોઈન્ટ વેન્ચર હતું, અને ૧૯૭૯માં લોન્ચ થયેલી સુઝૂકી અલ્ટો કારના મોડલને જરાતરા ફેરફાર સાથે ભારતમાં મારૂતિ ૮૦૦ તરીકે મૂકવામાં આવી. આ જ કહાની જૂના સમયમાં આપણે ત્યાં ટેક્સીમાં ચાલતી 'દેડકા' જેવી ફોર્ડ અને લેલેન્ડ સાથે મળી હિન્દુજા ગુ્રપે લોન્ચ કરેલ અશોક લેલેન્ડના ટ્રક અને બસના મોડલોની છે !
ખબર ના હોય ને શીખવા બીજાનું લઈએ એ એક વાત થઈ, પણ આવું તે કેવું કે ઓફિશ્યલી કે અનઓફિશ્યલી ફોરેન કોન્સેપ્ટ લઈને એનો વેપાર, પ્રચાર બધું જ કરીને નફો રળવાનો પણ આટલા વર્ષે ય એની ટક્કરની શુદ્ધ સ્વદેશી પ્રોડક્ટ - કે જેનો કોન્સેપ્ટ, મેન્યુફેકચરિંગ, ડિઝાઈન બધું જ ભારતીય હોય, એવી વસ્તુઓ સર્જીને દેશ ઉપરાંત દુનિયામાં વેચવાની નહિ ! એ માઇન્ડસેટ જ નહિ ને !
એટલે તો તેજીના ને કપડાં વગેરે માટે યુરોપિયનો વગર નકશે ભારત શોધતાં શોધતાં અહીં આવી ચડયા, પણ આપણને ઘેર બેઠાં આરબ દલાલો પાસેથી મળતા નફા સિવાય જાતે ત્યાં જવાની કે નવું શીખવાની દરકાર જ નહોતી ! ચીને એમેઝોન પરથી પોતાનું અલીબાબા બનાવ્યા પછી એટલું અપગ્રેડ કર્યું કે અબજોના અબજો મળ્યા એ કંપનીને અને પછી તો અમેરિકાએ જેની સીધી નકલ કરવી પડે (મેટા કંપનીનું રીલ !) એવું ટિકટોક સફળતાપૂર્વક બનાવ્યું. આપણે ટિકટોક (રીલ માટે રસ્તો કરવા ?) બંધ થઈ ત્યારે એની જગ્યાએ આગવું આપણું કશું બનાવ્યું નહિ. 'મિત્રો' નામનું એક પ્લેટફોર્મ લોન્ચ થયું પણ એનો બેઝ બાકાયદા બીજી પરદેશી કંપનીની નકલ હતો એટલે બેસી ગયું. એમેઝોનની નકલ કરી આપણે ત્યાં ત્યારે એમેઝોન ન હોઈને ચાલી ગયેલ ફલિપકાર્ટ એમેઝોનની એન્ટ્રી બાદ બીજા નંબરે ગયું ને અંતે અમેરિકન વોલમાર્ટ પાસે એની માલિકી છે !
તો, જ્યારે ફરી એકવાર સ્વદેશી ઝિંદાબાદના નામે પરદેશી (વાંચો અમેરિકન) કંપનીઓના બહિષ્કારના ઢોલ પીટાવા લાગ્યા છે, ત્યારે મુદ્દો હરીફરી એ જ છે કે આઝાદીના ઓલમોસ્ટ ૧૦ વર્ષ અને ગ્લોબલાઇઝેશનના ઓલમોસ્ટ ૩૫ વર્ષ પછી પણ આપણે કેમ આખા જગતને ઝૂકાવે એવી ઓરિજીનલ બ્રાન્ડસ ઓટોમોબાઈલથી મોબાઈલ સુધીના ક્ષેત્રે બનાવતા નથી ? ક્યાં સુધી સરકારી સહાય અને રક્ષણના ટેકા પર જ જીવવું છે ? ખુદમુખ્તાર થઈને દોડવું કેમ નથી કાખઘોડી વગર?
આ સવાલનો જવાબ નહિ મળે ત્યાં સુધી આપણે આત્મનિર્ભર ને મેઈક ઈન ઇન્ડિયાના ખ્વાબ જોતા જોતા પણ કોઈને કોઈ મહાસત્તા જોડે સાંઠગાંઠ કરવાનું મને-કમને પણ ચાલુ રાખવું પડશે. જો નેહરૂને ચીન કેવી રીતે દગો આપી ગયું હોય એની કથાઓ હજુ થતી હોય, તો ડિટ્ટો એવી જ રીતે હાઉડી ને નમસ્તેના ઔપચારિક મૈત્રીથી અધિક માનપાન પછી પણ ટ્રમ્પે સેકન્ડ ટર્મમાં પ્રેસિડેન્ટ થઈ ઉઘાડેછોગ પાકિસ્તાનની તરફદારી કરી આપણી પીઠમાં છૂરો ભોંક્યો એ સત્ય સ્વીકારવું પડશે. પણ ટ્રમ્પના પૂતળા બાળી બહિષ્કારના મેસેજ કરનારા એ જ તળિયા વગરના લોટા જેવા પક્ષભક્તો છે, જે ડેમોક્રેટિક પાર્ટીને અહીં બેઠા બેઠા હરાવવાની તમન્ના સાથે વામપંથીઓના ને મીડિયાના કાળ તરીકે ટ્રમ્પ સાહેબની ફેવરમાં અહીં મફતિયો પ્રચાર કરતા હતા !
ખેર, એચએમવી કંપનીના જૂના સિમ્બોલ જેવી આ જમાતને નાક તો ઠીક, સ્વતંત્ર વિચારવાનું મગજ હોતું નથી, ને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ એમના ગજા બહારની વાત છે, એટલે એમની પાસેથી તો વિઝનની અપેક્ષા શું રાખવી ? હા, વડાપ્રધાને ભારત હિતમાં મક્કમ વલણ બતાવી ઝૂકવાની ના પાડી ટેરિફટેરર સામે એ પગલું યોગ્ય છે. પણ જ્યાં સુધી આપણે વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી ટોપ ક્વોલિટીના સ્વદેશી ઉત્પાદનો નહિ બનાવીએ, ત્યાં સુધી આર્થિક વિકાસ માત્ર નેબર્સ ગેઈમમાં ટ્રેડિંગના અને ટેક્સના આંકડાઓમાં દેખાશે. પણ આપણી ગ્લોબલ બ્રાન્ડસ વિના વિશ્વબજાર કબજે થવાની નથી !
***
આપણી પાસે ખૂબ બધા માથા છે, એટલે માર્કેટ છે, એ દલીલ અર્ધસત્ય છે. વસતિ ખરી પણ ખરીદશક્તિ આપણી હજુ કમજોર છે. એ ખરું કે આપણે ત્યાં પરદેશના પ્રમાણમાં હજુ મોંઘવારી ઓછી છે ને ગ્રાહકો વધુ છે. પણ એ ય ખરું કે મોટા ભાગનાની આર્થિક ક્ષમતા ઓછી છે. આવકની અસમાનતાનો ગેપ ઝાઝો છે અને બેકારી પણ વધુ છે.
આપણે એવું વર્ષોથી માનીએ છીએ કે આપણા માર્કેટને લીધે આપણી મલ્ટીનેશનલ કંપનીઓને દબાવી દઈશું. પણ આમાં ફેન્ટેસી વધુ છે, ને ફેક્ટ ઓછી. નહિ તો ડોલર કે યુરો સામે રૂપિયો આટલી હદે રાંક ન થયો હોત. ટૂંકી વાત એટલી છે કે દુનિયામાં જે કોઈ સ્ટ્રોંગ ગ્લોબલ બ્રાન્ડસ છે. એ ભારતનું કે ફોર ધેટ મેટર ચીનનું પણ બજાર એમના માટે ખૂલ્યું, એ પહેલાથી છે. પોતાના નાના દેશોમાંથી પણ નફો રળીને ઘણી કંપનીઝ વિશ્વવ્યાપી બની છે. બિઝનેસ એમને પ્રીમિયમ કેટેગરીનો ઓલરેડી ભારતના બજાર સિવાય પણ મળતો હતો. એને વધારવાનો મોહ તો દરેક ધંધાદારીને હોય, એટલે અહીં આવીને લલચાવે. પણ એના વિના કંઇ ફૂટપાથ પર શકોરું લઇને ભીખ ન માંગે ?
જસ્ટ થિંક, મર્સીડિઝ અને બીએમડબલ્યુ કે ઓડી ભારતમાં નહોતી મળતી સહેલાઇથી, ત્યારે પણ જગતમાં સુપર લકઝરી બ્રાન્ડ તરીકે ચિક્કાર કમાણી કરતી જ હતી. હોન્ડા ને ટોયોટા ભારત આવ્યા પહેલા જ ટોપ બ્રાન્ડ હતી. સોની, હિટાચી, પાનાસોનિકનું પણ એવું ! વોલ્વો સ્વીડન અને સ્કોડા ચેક રિપબ્લિક જેવા ટચૂકડા દેશમાંથી આવતી પ્રોડક્ટ હોવા છતાં અને ભારતમાં ઓછી ચાલતી હોવા છતાં દુનિયામાં ધૂમ મચાવે છે. નોકિયા ફિનલેન્ડની તો સેમસંગ કોરિયાની કંપની છે. એમનું સામ્રાજ્ય શું ભારત આધારિત હતું કે છે ? કાર્ટિયે, લુઇ વિત્તોં, મોં બ્લાં, સ્કોચ એન્ડ સોડા, ગુચ્ચી, સોનેલ, પ્રાડા, રોલેક્સ, અરમાની, વર્સાચે, ઓમેગા, લોરિયલ, નિવિઆ વગેરે શું ફક્ત ભારતની માર્કેટને લીધે અબજોનો કારોબાર કરે છે ? માત્ર વાયગ્રા કે એઝેપિક થકી એ લોન્ચ કરતી ફાર્મા કંપનીઝનો ગ્લોબલ બિઝનેસ કેટલો વધી ગયો હશે. એ અંદાજ છે ? અરે આટલી ભાષાઓમાં ફિલ્મો બનતી હોવા છતાં હજુ હોલીવૂડની ગ્લોબલ બ્લોકબસ્ટર ફિલ્મો ભારતની જ ટેરેટરી પર આધારિત નથી !
કડવી લાગે પણ સાચી વાત છે, જો આંખો ને પછી દિમાગ ઉઘડે તો આપણી ટેલન્ટ વિદેશ જઇ નામ કાઢે છે, પણ ત્યાં જ રહી જાય છે અથવા કોઈ બીજા પરદેશી માલિક માટે કમાણી કરે છે. સુંદર પિચાઈ કે સત્ય નાદેલા મૂળ તો નોકરી કરે છે, ને એ કંપનીના માલિકો એમને તગડા પગાર આપે એટલું કમાય છે, ને આ કોઈ સ્વદેશ આવતા નથી. ભારતના વિદેશમંત્રી અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર યાને જયશંકરસાહેબ અને દોભાલસાહેબના સુપુત્રો પણ વિદેશ છે ! ટીસીએસ-ઇન્ફોસિસનો કારોબાર પ્રચંડ પણ ક્લાયન્ટસ ધંધો અપાવનાર ઘણા વિદેશી જે યુક્રેન કે ઇસ્ટોનિયાને પણ અપાવી શકે !
ઘડીઘડી કોઇના ચારિત્ર્ય પર આક્ષેપ કરવા, કોઇની ઇર્ષામાં બળીને ટાંટિયાખેંચ કરવા, કોઇને નાચતા કે પ્રેમ કરતા કે મોજ કરતા જોઇને સંસ્કૃતિના નામે સેન્સર કરવા, જૂનું કેટલું મહાન હતું એના ગુણગાન ગાવા, બીજા કેવા પાપી ને પતિત છે એના ઉદાહરણો દેવા, અંગત આસ્થાને જાહેર તમાશો બતાવવા, ટ્રાફિક અને ગંદકીના ખડકલા કરવા, ઉજવણીના નામે અવ્યવસ્થા અને ઘોંઘાટ કરવા, રાજકીય કે ધાર્મિક કે જ્ઞાતિવાદી ભેદભાવને લીધે અભિમાન વધારવા ને બીજાને ખરાબ ગણવા, કળા કે રસિકતા કે આધુનિકતાથી લાગણી દૂભવવા, શિક્ષણના નામે ગોખણપટ્ટી કરવા અને ટેકનોલોજીના નામે મોબાઈલ મચડવા સિવાય કંઇક ફુરસદ હોય તો તાબડતોબ કરવા જેવી બે બાબત છે : રિસર્ચ એન્ડ ઇનોવેશન ! ના, એના માટેના નિવેદન નહિ, એ તો બહુ છે. પણ હાડમાં ઘૂસેલા ભ્રષ્ટાચાર ને જૂઠ વિના એનું મંથન.
પણ એને બદલે થાય છે શું ? અક્કલનું પ્રદર્શન. દરેક વાતમાં બીજા દેશોને તોછડાઈથી ઉતારી પાડવા કે બહિષ્કારોના એલાન કરી એની સમગ્ર પ્રજા ને વહીવટીતંત્રને દુશ્મન બનાવવાના ધંધા ખતરનાક છે ને એના માઠા પરિણામો ફટીચર ફડતૂસ જેવા ફોલ્ડરિયાએ નહિ, પણ રિયલ ટેલેન્ટે ભોગવવાના આવશે. કાલ ઉઠીને સમીકરણો ફરી જાય ને સમાધાન થાય, તો થૂંકેલું આપણે ચાટી લઈએ એની આદત છે, પણ બધે આપણા જેવા ભૂલકણા હોતા નથી !
લેટેસ્ટ બોયકોટ અમેરિકાનો જૂના રાજીવ દીક્ષિતના જમાનાના બોગસ ટેમ્પલેટ મુજબનો ટ્રેન્ડ પણ વર્તમાનમાં જ એક જોક જેવો લાગે છે. કારણ કે, એની અપીલો જે માધ્યમો કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર થાય છે, એ બધા જ અમેરિકન છે ! કાયદેસર અમેરિકન જ ! એક ટેલીગ્રામને બાદ કરતા જે રશિયન છે, પણ એનો ફાઉન્ડર પાછો બહાર વધુ રહે છે ! બાકી અમેરિકન બહિષ્કારના એલાનો જેમાં અપાય છે, એ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટયુબ અને એક્સ યાને ટ્વીટર સંપૂર્ણપણે અમેરિકન કંપનીઓ છે ! પહેલા તો એનો જ ત્યાગ કરવો પડે, પેપ્સીકોક-મેક્ડોનાલ્ડસ ડોમિનોઝ તો પછી આવે! આ તૈયારી મફતનો ચસકો લાગ્યા પછી કોઈની નથી. બોયકોટિયાઓની તો જીવાદોરી જ અમેરિકન સોશ્યલ નેટવર્ક છે!
ડિજીટલ દુનિયામાં ગમે કે ના ગમે, અમેરિકાનો ઓલમોસ્ટ એકચક્રી દબદબો છે. પ્રેસિડેન્ટ તો કાલ બદલાઈ જશે, પણ આ બધા બિઝનેસ એમ જ રહેશે. ભારતમાં મુખ્ય ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ, પ્રાઈમ અને જિયો હોટસ્ટાર (ડિઝની) અમેરિકન છે. સોની પણ - આડધું તો ! હવે શું સીરિઝ કે મેચ નહિ જોવાના ?
અરે મોબાઈલ લેપટોપમાં જે યુનિકોડના ગુજરાતી-હિન્દી વગેરે ફોન્ટસ ટાઇપમાં વપરાય છે, એ પણ અમેરિકાના છે અને વિન્ડોઝ (માઈક્રોસોફ્ટ), આઈઓસ (એપલ) કે એન્ડ્રોઈડ (ગૂગલ) ત્રણે લેપટોપ મોબાઈલની મુખ્ય ઓપરેટિંગ સીસ્ટમ જ અમેરિકન છે ! ચેટજીપીટી કે ગ્ર્રોક કે જેમિની એ.આઇ. કે બ્રાઉઝર તો ઠીક ઈન્ટરનેટ પણ મૂળ અમેરિકન પેન્ટાગોનની શોધ છે !
માટે બહિષ્કાર છોડો, ફોર્ડ કાર બનાવે એના સો વર્ષે મસ્ક જ ટેસ્લા જેવી ઇલેકટ્રિક કારમાં ય નંબર વન હોય એવા આવિષ્કાર પર ધ્યાન આપો તો ભારતનો ધ્વજ લહેરાશે !
ફાસ્ટ ફોરવર્ડ
ડેરી ઉદ્યોગમાં આપણને અમેરિકાની જરાય જરૂર નથી, એ વાત સાવ સાચી છે. પણ અષ્ટમ્ પષ્ટમ્ કોન્સિપરિસી થિયરીના મેસેજ ફોરવર્ડ કરતા પહેલા એ વિચાર્યું કે ટચૂકડા ન્યુઝીલેન્ડ, બેલ્જીયમ કે સ્વીત્ઝર્લેન્ડ કે ઈંગ્લેન્ડ જેવી પણ ક્વોલિટી ચોકલેટ બ્રાન્ડ કેમ નથી આપણી સ્વદેશી જેને વિશ્વના એરપોર્ટ પર લોકો શોધતા હોય !


