Get The App

એન્જિનમાં ઈથેનોલનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો?

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
એન્જિનમાં ઈથેનોલનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો? 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- ઈથેનોલનો ઉપયોગ સદીઓથી નશા માટે થતો હતો. એન્જિનમાં ઈથેનોલનો ઉપયોગ કરવાના પ્રયોગો તો ૧૫૦ વર્ષ પહેલાં થયા હતા, પરંતુ ખરેખર ઉપયોગની શરૂઆત ખૂબ મોડી થઈ

- E20 PETROL

દે શની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીને પાછો વળેલો 'ઈથેનોલ' શબ્દ પોણા બસ્સો વર્ષ પહેલાં સૌપ્રથમ વખત પ્રયોજાયો હતો. ૧૮૩૪માં ઈથેનોલ શબ્દના મૂળિયા મળે છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 'એથિલ ગુ્રપ'માંથી આ શબ્દ લેવાયો હતો. જર્મનીના સંશોધક જસ્ટસ વોન લિબિગે તીવ્ર રસાયણ માટે જર્મનીમાં વપરાતા શબ્દ 'એથર'નો ઉપયોગ કરીને શેરડી, મકાઈ, જવ, પાકેલા ફળો વગેરેમાંથી બનતાં રસાયણ માટે 'એથેનોલ' શબ્દ પ્રયોજ્યો હતો. જર્મનીનો 'એથર' શબ્દ વળી ગ્રીક 'આઈથર'માંથી બન્યો હતો. એનો અર્થ 'કાચી સામગ્રી' એવો થતો હતો.

અત્યારે ક્રૂડના સંદર્ભમાં વપરાતો આ શબ્દ શરૂઆતમાં આલ્કોહોલિક પદાર્થો માટે પ્રયોજાતો હતો. વધુ પાકી ગયેલા ફળો, ફૂલો અને અમુક છોડ વગેરેમાંથી જે ઉગ્ર અને આલ્કોહોલિક પદાર્થ છૂટો પડતો હતો તેને ઈથેનોલ નામ મળ્યું હતું. ઈથેનોલ નામ પડયું ન હતું ત્યારે પણ એનું અસ્તિત્વ તો હતું જ. પ્રાચીનકાળમાં આ રીતે ફળો, ફૂલો કે અમુક છોડમાંથી જે પ્રવાહી મેળવાતું હતું એ આજે જે ઈથેનોલ છે એ જ હતું, પરંતુ ત્યારે તેનો ઉપયોગ નશો કરવા માટે થતો હતો.

એમ તો સદીઓ પહેલાં ઈરાન અને ચીનમાં ઈથેનોલનો ઉપયોગ બેભાન કરવાની દવા તરીકે થતો હતો. તલવારના ઘા ઊંડા વાગ્યા હોય ને સર્જરી કરવી પડે એમ હોય ત્યારે દર્દીને ગાઢ નિંદ્રામાં સરકાવી દેવા માટે અફીણ-ઈથેનોલનું મિશ્રણ પીવડાવવામાં આવતું. એટલું જ નહીં, સૈનિકોને શરીરમાં તલવાર કે ભાલાના ઘા લાગ્યા હોય ત્યારે ઘણાં દેશોમાં ઈથેનોલનું દ્રાવણ ઘા પર નાખવામાં આવતું. એમાં એન્ટી ફંગસના ગુણો હોવાથી પાક થતો નહીં.

૧૮૯૨માં કોસ્મેટિક પાવડર જે પદાર્થોમાંથી બનાવવામાં આવતો હતો એનેય ઘણાં સંશોધકો ઈથેનોલ કહેતા હતા. તીવ્ર ગંધ આવતી હોય એવાં ફળો કે ફૂલોમાંથી બનાવેલું રસાયણ સૂકવીને એમાંથી પાવડર બનતો એ મહિલાઓમાં ખૂબ પોપ્યુલર હતો. એનાથી સ્કિન ચમકતી હતી. પરંતુ પછીથી પાવડર બનાવવા માટે બીજા સારા વિકલ્પો ઉપલબ્ધ બન્યા એટલે ઈથેનોલનો યુસ ઘટી ગયો.

વેલ, આવા જુદા જુદા ઉપયોગમાંથી ઈથેનોલે એન્જિનમાં જગ્યા કેવી રીતે બનાવી? ચાલો જાણીએ...

***

૧૮૬૦ પછી પેટ્રોલિયમથી એન્જિન ચલાવવાના પ્રયોગો થઈ રહ્યા હતા એ જ અરસામાં ઈથેનોલથી એન્જિન ચાલે એવાય પ્રયોગો શરૂ થયા હતા. જર્મનીના સંશોધક નિકોલસ ઓટ્ટોએ ઈથેનોલથી એન્જિન ચલાવવાના પ્રયોગો કર્યા હતા. જોકે, પછીથી એનું ફોકસ બદલાયું હતું અને તેમણે પેટ્રોલિયમ ગેસથી ચાલતા એન્જિન પર ધ્યાન કેન્દ્રિત કર્યું એમાં ઈથેનોલના પ્રયોગો બહુ આગળ વધી શક્યા નહીં. હેનરી ફોર્ડે ૧૯૦૮માં પેટ્રોલિયમ અને ઈથેનોલથી ચાલતું મોડલ વિકસાવ્યું હતું, પરંતુ પછીથી સસ્તાં ભાવે પેટ્રોલિયમ મળી જતું હોવાથી ઈથેનોલનો ઉપયોગ પડતો મૂક્યો.

વર્ષો સુધી ઈથેનોલના ઉપયોગની ખાસ જરૂર પડી નહીં એટલે એના પ્રયોગો પણ છૂટાછવાયા જ થયા. મોટો વળાંક આવ્યો છેક ૧૯૭૦ના દશકામાં. અમેરિકન મલ્ટિ નેશનલ કંપની આર્ચર ડેનિયલ મિડલેન્ડે કોર્ન સિરપ બનાવતી વખતે જોયું કે ઘણો નકામો કચરો જવા દેવો પડે છે. કંપનીએ લેબમાં પરીક્ષણો કરાવીને ચકાસ્યું કે એનો શું ઉપયોગ થઈ શકે? કંપનીના લેબ સંશોધકોએ સલાહ આપી કે આમાંથી ઈથેનોલ બનાવી શકાય. બરાબર એ જ ગાળામાં અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિક્સને એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભર બનવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એનો ફાયદો ઉઠાવીને આર્ચર ડેનિયલ મિડલેન્ડે ઈથેનોલનું જથ્થાબંધ ઉત્પાદન શરૂ કર્યું. અમેરિકાએ શરૂઆતમાં પેટ્રોલમાં પાંચ ટકા ઈથેનોલ ભેળવવા માંડયું અને પછી એ મિશ્રણ ૧૦ ટકા સુધી લાવી દીધું. અમેરિકામાં તેના કારણે કેટલીય કંપનીઓ ઈથેનોલ બનાવતી થઈ ગઈ. પેલી આર્ચર ડેનિયલ મિડલેન્ડ તો તે વખતે અમેરિકાની પહેલા નંબરની ઈથેનોલ મેકર કંપની બની ગઈ.

પણ એનો સૌથી અસરકારક ઉપયોગ કર્યો દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલે. ૧૯૭૩માં દુનિયાભરમાં ક્રૂડ ઓઈલનું સંકટ ચાલતું હતું. ઘણાં દેશો વૈકલ્પિક ફ્યુઅલની તલાશમાં હતા. બ્રાઝિલમાં પણ અમેરિકાની જેમ ઉર્જામાં આત્મનિર્ભર બનવાનો પ્રસ્તાવ રજૂ થયો. બ્રાઝિલની સરકારે શરૂઆત જ ૧૦ ટકા ઈથેનોલથી કરી. એ વખતે ફ્યુઅલમાં ૧૦ ટકા જેટલી મોટી માત્રામાં ઈથેનોલનો ઉપયોગ કરનારો બ્રાઝિલ એકમાત્ર દેશ હતો. બ્રાઝિલે કાર મેકર કંપનીઓને એવા એન્જિન બનાવવાની તાકીદ કરેલી, તેના કારણે મલ્ટિનેશનલ કાર કંપનીઓ પણ બ્રાઝિલ માટે અલગ મોડલ બનાવે છે. બ્રાઝિલે એક જ દશકામાં આ પ્રમાણ વધારીને ૧૫થી ૨૦ ટકા કરી દીધું. બ્રાઝિલના વાહન ઉત્પાદકો એન્જિન જ ઈથેનોલફ્રેન્ડલી બનાવે છે. તેના પરિણામે આજેય બ્રાઝિલના ૯૦ ટકા વાહનોના એન્જિનમાં ૨૫ ટકા ઈથેનોલ ઉમેરાય છે. ઈથેનોલના ઉપયોગની વાત આવે ત્યારે આખી દુનિયામાં બ્રાઝિલ મોડલનું ઉદાહરણ ટાંકવામાં આવે છે.

***

૧૯૯૦ના દશકામાં ક્રૂડની કિંમતમાં મોટો ઘટાડો થયો. ક્રૂડને સ્ટેબલ રાખવા માટે અમેરિકા-રશિયા જેવા શક્તિશાળી દેશો મેદાનમાં હોવાથી ઈથેનોલના ઉત્પાદન પર નિયંત્રણો આવ્યા. પરિણામ એ આવ્યું કે ઈથેનોલનું ઉત્પાદન ઘટી ગયું અને ઈથેનોલ મોંઘુ થયું. મોઘુ જ ફ્યુઅલ વાપરવાનું હોય તો કોઈ ઈથેનોલ શું કામ વાપરે? પરિણામે એ ગાળામાં ઈથેનોલની પડતી બેઠી.

પરંતુ હવે ફરીથી ઝીરો કાર્બનના ગ્લોબલ મિશનમાં દુનિયાની નજર ઈથેનોલ પર મંડાઈ છે. ઈથેનોલથી વિન વિન સિચ્યુએશન છે એવું ગાઈ વગાડીને કહેવાઈ રહ્યું છે. ભારતમાં તો કેન્દ્ર સરકાર એવો આંકડો આપે છે કે ત્રણ વર્ષમાં ઈથેનોલના ઉત્પાદનના કારણે ખેડૂતોની આવકમાં ૫૭ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો. જો ખરેખર એમ હોય તો ઈથેનોલનો ઉપયોગ આવકાર્ય ગણાય.

પણ જો માત્ર દાવો હોય તો એનો કોઈ અર્થ રહેશે નહીં. જો પર્યાવરણને ફાયદો મળવાનો ન હોય, વાહન માલિકોને ફાયદો મળવાનો ન હોય કે ઈથેનોલનું ઉત્પાદન વધે તેનાથી ખેડૂતોનેય ફાયદો થવાનો ન હોય તો આ વિકલ્પ લાંબાંગાળે વિચારણા માંગી લેશે. 

ઈથેનોલથી વાહનની એવરેજ ઘટે તેવી ભીતિ

ઈથેનોલનો પેટ્રોલમાં ૨૦ ટકા ઉપયોગ શરૂ થશે તેનાથી એન્જિનમાં કેવી અને કેટલી અસર થશે એ બાબતે ભાત-ભાતની માન્યતાઓ ચાલી રહી છે. કેટલાક લોકો માને છે કે ૨૦૨૦ પહેલાં બનેલા એન્જિન ૨૦ ટકા ઈથેનોલને ધ્યાનમાં રાખીને બન્યા ન હતા એટલે એવા એન્જિનમાં અસર થઈ શકે. ઘણાં નિષ્ણાતો એમ કહે છે કે ઈથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં ૨૦ ટકા સુધી થશે એનાથી એવરેજને અસર થશે. પ્યોર પેટ્રોલની જે અવરેજ હતી એ તૂટશે. જોકે, સત્તાવાર રીતે સરકાર આ બધી જ ધારણાઓનું ખંડન કરે છે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કેટલાક લોકો વાહન માલિકોમાં ઈથેનોલનો ભ્રમ ફેલાવે છે. ખરેખર એવું કોઈ નુકસાન વાહનને થવાનું નથી. સરકારે કહ્યું કે ૧૦ હજાર કિલોમીટર સુધી એના પ્રયાગો થયા છે અને એમાં એન્જિનને નુકસાન થયાનું કે એવરેજ ઘટયાનું જણાતું નથી. જોકે, લોકો આ સ્પષ્ટતાથી જોઈએ એટલા કન્વિન્સ નથી. પેટ્રોલ વાહનો બનાવતી કંપનીઓ કોઈ રિસર્ચ કરે એવું લોકો ઈચ્છે છે.

ઈથેનોલના ઉપયોગથી શેરડીના ખેડૂતોને ફાયદો થશે?

ઈથેનોલનો ઉપયોગ વધવાથી શેરડીના ખેડૂતોને ફાયદો થશે એવું અત્યારે કહેવાઈ રહ્યું છે. શેરડી, ઘઉં અને મકાઈ વગેરેમાંથી ઈથેનોલ મેળવવામાં આવશે. તેનું વાવેતર કરતાં ખેડૂતોને હવે આડપેદાશમાંથી પણ કમાણી થશે એવા દાવા થઈ રહ્યા છે. જોકે, ખેડૂતો એમાં સીધી રીતે જોડાયેલા નહીં હોય. ઈથેનોલ બનાવતી કંપનીઓ ખેડૂતો પાસેથી કાચી સામગ્રી ખરીદશે અને પછી માર્કેટમાં ઈથેનોલ વેચશે. ઈથેનોલના વપરાશને લીલીઝંડી મળી તે સાથે જ ઈથેનોલ મેકર કંપનીઓના શેરમાં હળવો ઉછાળો આવ્યો ખરો, પરંતુ એનાથી ખેડૂતોને સીધો કોઈ ફાયદો નહીં થાય એમ એક વર્ગ માને છે. શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે, પરંતુ વર્ષોથી ખેડૂતો પરેશાન છે. તેમના પ્રશ્નો જ્યાં હતા ત્યાં જ છે. એક દલીલ એવી છે કે ખેડૂતો પાસેથી ઈથેનોલ ઉત્પાદકો એવા કોઈ ઊંચા ભાવે ખરીદશે નહીં કે ખેડૂતોને તેનો એટલો ફાયદો થાય. ઈથેનોલના ૨૦ ટકા ઉપયોગ પછીય ખેડૂતો ઠેરના ઠેર રહેશે. ખેડૂતોને ફાયદાના મુદ્દે અત્યારે સામ-સામી દલીલો થઈ રહી છે.

ઈથેનોલના 20% ઉપયોગથી ફાયદો કોને?

ઈથેનોલનો પેટ્રોલમાં ૨૦ ટકા ઉપયોગ થાય તેનો અર્થ એ થયો કે પેટ્રોલમાં ૨૦ ટકા ભેળસેળ થઈ, તો એનો બીજો અર્થ એવો થયો કે તો પછી પેટ્રોલના ભાવમાં જ ઈથેનોલ કેમ વેચવામાં આવે છે? ખરેખર તો ઈથેનોલનો ઉપયોગ વધે એમ પેટ્રોલની કિંમત ઘટવી જોઈએ. એક થિયરી એવી છે કે આજની તારીખે જો ૨૦ ટકા ઈથેનોલના મિશ્રણથી પેટ્રોલ મળતું હોય તો એની કિંમત ૭૮ રૂપિયા લિટર હોવી જોઈએ. અત્યારે પ્રાઈઝમાં કોઈ ફરક પડયો નથી. કેન્દ્ર સરકારની એવી દલીલ છે કે ઈથેનોલનો ઉપયોગ વધશે તેનાથી દેશની ક્રૂડ આયાત ઘણી ઘટશે. વળી, ખેડૂતોને અને ઈથેનોલ મેકર્સને દેશમાં ફાયદો થશે. પરંતુ તેની સામે અત્યારે વાહન માલિકોને કોઈ ફાયદો મળી રહ્યો નથી એ મુદ્દે સોશિયલ મીડિયામાં પણ ડિબેટ ચાલી રહી છે. લોકોની દલીલ છે કે તમે પેટ્રોલના ભાવે ઈથેનોલ ન વેચી શકો. જો પેટ્રોલની કિંમત પણ એ જ રહેવાની હોય તો વાહનોને નુકસાન થાય એ જોખમ વાહન માલિકોએ લેવું પડે છે.