- થોડામાં ઘણું-દિલીપ શાહ
હસરત જયપુરી : અંદાઝ મૂવીમાં બાઇક ઉપર જીવનની ફિલસૂફીના પાડેલા પડઘા... ''જિંદગી એક સફર હૈ સુહાના... કલ ક્યા હો કીસને જાના ? ફરગેટ ધ પાસ્ટ, ટુ મોરો અસરટેન... એન્જોય ધ પ્રેઝન્ટ. ૨૪ કેરેટનો બોધ !''
ગુલઝાર : શબ્દોને માંજી માંજીને ઉજળા કરવાનો કસબ ગુલઝારજીનો. વાતચીતની જનભાષામાં સંદેશ ટકોરાબંધ. 'આનેવાલા કલ, જાને વાલા હૈ...' ફરી ક્ષણે ક્ષણને માણી લેવાની મીઠડી વાત. 'જિંદગીકે સફર મેં મકામ...' માઇલસ્ટોન જેવી ધુ્રવ પંક્તિઓમાં જીવનશૈલી કેવી સરસ વણી લીધી છે. શબ્દોનાં શિલાલેખ કોતરનાર કલમ કસબી એટલે ગુલઝારજી. ''તેરે બીના જિંદગી...'' માં પ્રિયજનનો શૂન્યાવકાશ !
યોગેશજી : જિંદગી કૈસી હૈ પહેલી... પ્રશ્નાર્થ ચિહન ? ની જેમ રોજેરોજ જિંદગી જીવનમાં ક્યારેક ઉદ્ગાર ! તો ક્યારેક અલ્પવિરામ... જુદા જુદા વિરામચિહનો વચ્ચે જિંદગીનું લોલક કેવું આંદોલિત કરતું રહે છે?
નીરજજી : ફૂલોકા તારોંકા સબકા કહેના હૈ... બહેનના ભાઈ પ્રત્યેના અનુરાગની જ્યારે જ્યારે વાત આવે ત્યારે ત્યારે નીરજની કલમનો સળવળાટ ધબકવા માંડે. ખિલતે હૈ ફૂલ યહાઁ... 'ખીલ કે બીખર જાનેકો.' પરપોટા જેવી ક્ષણભંગુરતાની કેવી સરળ રજૂઆત!
ગુલશન બાવરા : યારી હૈ ઈમાન મેરા, યાર મેરી જિંદગી... દોસ્તીની દાસ્તાન-એ પૈગામ ! 'મેરી પ્યારી બહનિયા, બની હૈ દુલ્હનિર્યાં' ઉપર ભઈનો પ્રેમ તો નીચે 'રીટર્ન ગીફટ' બેનની અસલ ગઠબંધન !
કૈફી આઝમી : 'વક્તને કીયા ક્યા હસીં સીતમ, ના હમ રહે ના તુમ' સમયની સરાણ પર ઘસાતી જિંદગીનો એક્સ-રે આ પંક્તિઓમાં સરસ ઝીલાયો છે. 'યે દુનિયા, યે મહેફીલ... મેરે કામકી નહિ...' વર્તમાન રાજકારણની વ્યથા જોઈ લાગણીનો બળાપો તો આ નથી લાગતો ?
જાવેદ અખ્તર : 'પંછી, નદિયા, પવનકે ઝોંકે...' આઝાદીની ખુમારીની ઝલકનો દસ્તાવેજ ! સંદેશે આતે હૈ... ઘર કબ આઓગે ? સરહદ, સીમા પરના જવાનોના પરિવારની વેદનાની વાણી ! યે કહાઁ આ ગયે હમ ? (પૃથ્વી પર એન્ટ્રી લીધા પછીની અનુભૂતિ !)


