- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- મૂલાધાર ચક્રની મધ્યમાં તે આત્મ તેજ, બ્રહ્મ તેજ રૂપી કુણ્ડલિની નિવાસ કરે છે. તે જ જીવશક્તિ પ્રાણ શક્તિ છે. તે તેજરૂપ છે. (યોગ કુણ્ડલ્યુપનિષદ)
મૂલાધારસ્ય બ્રહ્મયાત્મતેભે
મધ્યં વ્યવસ્થિતા ।
જીવશક્તિ: કુણ્ડલાખ્યા પ્રાણાકારાય તેજસ્વી ।।
મૂલાધાર ચક્રની મધ્યમાં તે આત્મ તેજ, બ્રહ્મ તેજ રૂપી કુણ્ડલિની નિવાસ કરે છે. તે જ જીવશક્તિ પ્રાણ શક્તિ છે. તે તેજરૂપ છે.
(યોગ કુણ્ડલ્યુપનિષદ)
કાલિકોપનિષદમાં દર્શાવવામાં આવ્યું છે કે મૂલાધારમાં દિવ્ય ત્રિકોણ તેજ-પુંજ ઊર્ધ્વગામી તેજ શિખાની વચ્ચે પર બ્રહ્મ રહેલું છે. તે તેજ જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, અક્ષર, કાલ, અગ્નિ, ચંદ્રમા, પ્રાણ વગેરે છે એ રીતે કુંડલિનું ધ્યાન કરવું જોઈએ. કાલિકોપનિષદ એક તાત્ત્વિક ઉપનિષદ છે જે કાલી માતાના તાંત્રિક રહસ્યો અને આધ્યાત્મિક શક્તિ પર કેન્દ્રિત છે.
મહાયોગ વિજ્ઞાનમાં નિરૂપણ કરવામાં આવ્યું છે - મૂલાધાર ચક્રમાં આત્મ-જ્યોતિ અગ્નિ રૂપે દેખાય છે. સ્વાધિષ્ઠાન ચક્રમાં તે પ્રવાલ અંકુર જેવી પ્રતીત થાય છે. મણિપુર ચક્રમાં તે વીજળીની જેમ ચમકે છે. હૃદય કમળના અનાહત ચક્રમાં તે જ્યોતિર્લિંગ આકૃતિ જેવી દેખાય છે. કણ્ઠના વિશુદ્ધિ ચક્રમાં તે શ્વેત વર્ણની દ્રશ્યમાન થાય છે. બન્ને ભ્રમરની વચ્ચે આજ્ઞાચક્રમાં દીવાની જ્યોતિ જેવી કે ધૂમ્ર શિખા જેવી દેખાય છે અને સહસ્રાર ચક્રમાં ચળકતાં પરશુ જેવી દેખાય છે. આ બધી શક્તિઓ એક જ છે. બધી આત્મજ્યોતિઓ છે. તે કુણ્ડલિનીની ક્રીડાથી જ અગ્નિની અનેક ચિનગારીઓની જેમ અનેક પ્રકારની પ્રતીત થાય છે.
શિવ પુરાણમાં મહા પરાક્રમી શિવ પુત્ર સ્કન્દ કે કાર્તિકેયના જન્મની વિસ્મયકારી કથા આવે છે. અસુરોનો સંહાર કરવા અને દેવોનું રક્ષણ કરવા દેવોએ ભગવાન શિવને પુત્રની ઉત્પત્તિ કરવા પ્રાર્થના કરી. શિવજીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો. પુત્રની ઉત્પત્તિના હેતુથી ભગવાન શિવજીનું રેતસ્ અગ્નિ રૂપે બહાર આવ્યું. પાર્વતીજી એને ધારણ કરવા અસમર્થ હતાં એટલે વૈશ્વાનરે (અગ્નિએ) નારી રૂપ ધારણ કરી લીધું અને પોતાના ગર્ભમાં એ અગ્નિરૂપ રેતસ્ (વીર્ય)ને ધારણ કરી લીધું. આ રીતે સ્કન્દ (કાર્તિકેય)નો જન્મ થયો તેમના જન્મ વખતે પણ તે પ્રચંડ તેજવાળા હતા તેથી બધા અસમંજસમાં મૂકાયા કે તેમનું પોષણ કોણ કરશે ? પાર્વતીજીને પણ આનો અનુભવ નહોતો. તે વખતે આ કાર્યને છ કૃતિકાઓએ સંભાળ્યું. તેમણે જ પાલન-પોષણ કરીને આ પુત્રને મોટો કર્યો. છ કૃતિકાઓનું દૂધ પીવા માટે એમના છ મુખ પ્રગટ થઈ ગયા. એટલે કાર્તિકેયને ષડાનન કે ષણ્મુખ નામથી પણ ઓળખવામાં આવે છે.
ભગવાન શિવના પુત્ર સ્કન્દ (કાર્તિકેય)ના અવતરણની આ કથા કુંડલિની તંત્ર યોગના રહસ્યને પ્રગટ કરનાર રૂપક તરીકે પણ જોવાય છે. સ્કંદ અવતરણ કુંડલિની મહાશક્તિ સાથે સંબંધિત ષટ્ચક્ર સમૂહ અને એના પ્રભાવનું વર્ણન સમજી શકાય. જનનેન્દ્રિય મૂળમાં રહેલા આધાર અગ્નિનું નામ જ કુંડલિની છે. શિવ રૂપ સ્વયંભૂ લિંગથી જે રેતસ્ ઉત્પન્ન થયું એને કુંડલિની આધાર અગ્નિને ગ્રહણ કર્યું, એને ગર્ભરૂપે વિકસિત કર્યું. છ કૃતિકાઓએ એનું પાલન-પોષણ કર્યું. આ છ કૃતિકાઓએ ષટ્ચક્ર જ છે. શિવ અને શક્તિનો આ સંયોગ-મેળાપ-મિલન સ્કંદ રૂપી મહાપરાક્રમ રૂપે પ્રગટે છે. ૬ કૃતિકાઓ દ્વારા પરિપોષિત ૬ મુખવાળા કાર્તિકેયને અલંકારના રૂપમાં છ ચક્રોના પ્રભાવ પરિણામ માનવા જોઈએ.
ષટ્ચક્રો શું છે ? તે ક્યાં આવેલા છે અને તેમનું યોગસિદ્ધિ પરત્વે શું પ્રયોજન છે તેની પ્રારંભિક જાણકારી મેળવી લેવી જોઈએ. જનનેન્દ્રિયના મૂળમાં મેરુદન્ડનો જ્યાં અંત આવે છે એની વચ્ચે જે પોલું સ્થાન છે એને યોગની સાધનાત્મક ભાષામાં યોનિ કંદ કહેવામાં આવે છે. ત્યાં સુષુમ્ણા નાડી ગુચ્છક આવેલું છે. સૂક્ષ્મ શરીર વિજ્ઞાન પ્રમાણે ત્યાં જે ઊર્જા કેન્દ્ર રૂપ વિશેષ અવયવ છે તેને મૂલાધાર ચક્ર કહેવાય છે. એની નીચેની પીઠ કાચબા જેવી હોય છે એને કૂર્મ કહેવાય છે. એની ઉપર એક નાનો મેરુદંડ છે એને સુમેરુ કહે છે. ત્યાં સ્વયંભૂ લિંગ રહેલું છે. એને સાડા ત્રણ આંટા મારીને સુષુપ્ત સર્પિણી રૂપ કુંડલિની શક્તિ રહેલી છે.
મોટેભાગે ચક્રોની વાત આવે છે ત્યારે ષટ્ ચક્ર (છ ચક્રો) એવો શબ્દ પ્રયોગ થાય છે. પણ આ બધાથી ઉપર એક સાતમું સહસ્રાર ચક્ર પણ આવેલું છે. જે આ બધાનું અધિપતિ છે અને સર્વોપરી છે એટલે એની ગણના સામાન્ય ચક્રોમાં કરાતી નથી. જ્યારે એની ગણના કરાય ત્યારે 'સપ્તચક્રા' શબ્દ વપરાય છે. આ ચક્રોમાં અંતર્નિહિત શક્તિઓ, દેવો, આકૃતિઓ વગેરેનો ઉલ્લેખ અનેક યોગગ્રંથો - તંત્રશાસ્ત્રોમાં કરાયો છે. તેને સંક્ષેપમાં જોઈએ તો તે આ પ્રમાણે છે -
૧. મૂલાધાર ચક્ર : તત્ત્વ-પૃથ્વી, રંગ-પીળો, તન્માત્રા-ગંધ, ધ્વનિ-લં, લોક, ભૂ લોક, દેવતા-ગણેશ, કાલી, સ્થાન-જનનેન્દ્રિય અને ગુદાની વચ્ચે ૨. સ્વાધિષ્ઠાન ચક્ર: તત્ત્વ- જળ, રંગ, સફેદ, તન્માત્રા-રસ, ધ્વનિ-વં, લોક-ભુવ: લોક, દેવતા-બ્રહ્મા, સરસ્વતી, સ્થાન - પેઢૂ. ૩. મણિપુર ચક્ર : તત્ત્વ-અગ્નિ રંગ - લાલ, ધ્વનિ - રં લોક-સ્વ:, તન્માત્રા - રૂપ, દેવતા-વિષ્ણુ અને લક્ષ્મી સ્થાન-નાભિ ૪. અનાહત ચક્ર : તત્ત્વ-વાયુ, રંગ-ધૂ્રમ (ધૂમાડિયો) તન્માત્રા - સ્પર્શ, ધ્વનિ-યં, લોક-મહ:, દેવતા-શિવ, પાર્વતી, સ્થાન-હૃદય ૫. વિશુદ્ધિ ચક્ર : તત્ત્વ-આકાશ, રંગ-ભૂરો, તન્માત્રા - શબ્દ, ધ્વનિ, હં દેવતા-શંકર, ઉમા, સ્થાન-કંઠમૂળ (ગળું) ૬. આજ્ઞા ચક્ર : રંગ-સફેદ, લોક-તપોલોક ધ્વનિ-ઓમ ઓમ સ્થાન - બન્ને ભૃકુટિની વચ્ચે (કપાળમાં) ૭. સહસ્ત્રાર ચક્ર : આકૃતિ-હજાર પાંખડીવાળા કમળ જેવી. રંગ-સોનેરી દેવતા-દેવતા-સદાશિવ, પરબ્રહ્મ, સ્થાન-મસ્તિષ્કની મધ્યમાં (રેટિકુલર એક્ટિવેટિંગ સીસ્ટમ પાસે).
પ્રાણાગ્નિ જ કુંડલિની શક્તિ રૂપે પ્રગટ થાય છે. પ્રશ્નોપનિષદમાં કહેવાયું જ છે. પ્રાણાગ્નય એવાડસ્મિન્ બ્રહ્મપુરે જાગૃતિ । અર્થાત્ આ બ્રહ્મપુરી એટલે કે શરીરમાં પ્રાણ જ અનેક પ્રકારના અગ્નિઓના રૂપમાં પ્રજ્વલિત થાય છે.


