Get The App

અત્યારે સ્વદેશી ઝુંબેશ કેટલી કારગત નીવડી શકે?

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
અત્યારે સ્વદેશી ઝુંબેશ કેટલી કારગત નીવડી શકે? 1 - image


- 1905માં લાલ, બાળ અને પાલે  સૌપ્રથમ 'સ્વદેશી ચળવળ'ના બીજ રોપેલા તે પછી ગાંધીજીએ તેને અહિંસક હથિયાર ઉપરાંત  તેને સાદગી, સંસ્કાર અને સભ્યતા સાથે જોડી દીધી હતી 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- 'યે શૂટ મેરા દેખો યે બુટ મેરા દેખો જૈસે ગોરા કોઈ લંડન કા' ગીત આજે પણ ભારતીયોમાં ગૌરવ સાથે પ્રસ્તુત છે 

- સ્વદેશી ઝુંબેશ ગમે તેવી વિજ્ઞાનિક સંશોધનોનાં આધાર વગરનો માલ પધરાવી દેવાની સ્કીમ (સ્કેમ) ન બની જવી જોઈએ

થો ડા દિવસો પહેલા મુંબઈમાં  એક જ્ઞાતિ આગેવાન વિશાળ જનસમુદાયને સંબોધી રહ્યા હતા તેમનો આશય વડાપ્રધાન મોદીના કાન સુધી તેમનું ભાષણ પહોંચે તેવું સ્પષ્ટ જણાતું હતું.આ મહાશય  અમેરિકાએ લગાવેલ ટેરિફ સામે સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો તેવું શુરાતન સમાજના નાગરિકોને ચઢાવી રહ્યા હતા.હવે આ ભાઈની સમસ્યા એ હતી કે તેઓ એક કરોડની વિદેશી કારમાં આવ્યા હતા. તેમણે વીસ લાખની સ્વીશ કાંડા ઘડિયાળ પહેરી હતી. તેઓ વિદેશ સ્થાયી થયા હોય અને આવા સમારંભમાં ભાગ લેવા પ્રાઇવેટ વિમાનમાં પણ આવ્યા હોય તેવી તેમની ચમક અને ઠાઠ હતો. હવે આ મહાશયનું ભાષણ સ્વદેશીની હિમાયત કરતું  અને ઉપસ્થિત મેદનીને પણ વિદેશી બનાવટની ચીજ વસ્તુનો ત્યાગ કરવાની હાકલ કરતુ હતું પણ એક એક શ્રોતા જાણતો હતો કે આ ભાઈની પેનથી માંડી ચશ્માની ફ્રેમ અને સ્પોર્ટ્સ શૂઝ સુદ્ધા વિદેશી બ્રાન્ડના હતા .તેથી તેમણે સીફ્તાતાથી જનસભા વચ્ચે જ જાહેરાત કરી કે અત્યાર સુધી હું નખશીખ વિદેશી રંગે જ રંગાયેલો છું પણ માનનીય વડાપ્રધાન મોદીની દેશવ્યાપી અપીલ પછી આજથી જે પણ વિદેશી હશે તેનો બહિષ્કાર કરીશ.જનમેદનીને તેમની પ્રતિજ્ઞામાં સહેજ પણ વિશ્વાસ ન જણાયો અને ખાસ તાળીઓ સાંભળવા નહોતી મળી. વર્તમાન સ્વદેશી સૂર વિસરાતા સાબિત થશે તેના કારણો જાણતા પહેલા ભારતમાં આ વિચારનો જન્મ ક્યારથી થયો તે જાણીએ.

સ્વદેશી ચળવળનો સૌ પ્રથમ ખ્યાલ ૧૯૦૫માં અંગ્રેજોએ બંગાળના ભાગલા પડયા ત્યારે લાલા લજપતરાય, બાળ ગંગાધર  ટીળક અને બીપીનચંદ્ર પાલે આપ્યો હતો. બંગાળ તેનું કેન્દ્ર હોઈ રવીન્દ્રનાથ ટાગોર અને અરવિંદ ઘોષનું પણ સ્વદેશી ચળવળની ભાવના જગાવવામાં મોટું પ્રદાન હતું. 'વંદે માતરમ' રાષ્ટ્રભક્તિ ગાન પણ સ્વદેશી જુવાળ ઉભો કરવા માટે આ અરસાથી પ્રચલિત બન્યું. અંગ્રેજોએ બનાવેલી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવો તે એલાનનો મૂળ આશય તો દેશના નાગરિકોમાં રાષ્ટ ગૌરવની લાગણી જન્મે અને પ્રસરે તે તેમજ આઝાદી માટે બધા એકજુટ થાય તે હતો. લોકમાન્ય ટીળકે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવને ઠેર ઠેર  મહોલ્લામાં મૂર્તિ સ્થાપન અને વિસર્જનનો તહેવાર બનાવ્યો તેનું કારણ સંગઠન અને રાષ્ટ્ર - ધર્મની ભાવના પ્રબળ બનાવાનો જ હતો. સ્વ ગૌરવ જ સ્વદેશીની લાગણીને જન્મ આપી શકે. સ્વદેશી એટલે કે પોતાનું સર્જન કરેલું જો દેશપ્રેમ જગાડતું હોય તો સ્વદેશી કરતા પણ આગળ આપણું પોતાનું રાજ જ હોય તો કેવું તેવો વિચાર ઉદ્ભવ્યો અને 'સ્વરાજ' શબ્દનો જન્મ થયો જે શબ્દ મટીને જનઆંદોલનમાં પરિવર્તિત થયો. સ્વરાજ માટેનો જંગ આગળ ચાલ્યો પણ સ્વદેશી ચળવળ ૧૯૦૮ સુધીમાં ઝાંખી પડી ગઈ. ગાંધીજીએ ૨૨ વર્ષ પછી મીઠાનો સત્યાગ્રહ કરીને દાંડી કુચ યોજી. અંગ્રેજોની માલિકીની બનેલ મિલમાં બનેલા કપડાં, અંગ્રેજો દ્વારા ઉત્પાદિત મીઠું અને મદ્યપાન તેમજ અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર થવા માંડયો. જો કે તે અગાઉ જ ગાંધીજીના પ્રભાવમાં  વલ્લભ ભાઈ પટેલ જેવા કેટલાયે દેશના નાગરિકો કે જેઓ અંગ્રેજી વેશ પરિધાન અને ભોજન, વ્યસનને આધુનિક અને ભદ્ર સમાજના હોવાનો ભ્રમ સેવતા હતા તેઓએ શૂટ, કોટ, પેન્ટને અગનજવાળામાં કાયમ માટે ફેંકી દીધા. ગાંધીજીએ ખાદીનો પ્રચાર પ્રસાર કર્યો અને રેંટીયો સ્વદેશી ચળવળનું પ્રતિક બની ગયો. ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, હસ્ત હુન્નરો અને આગળ જતા કુટીર ઉદ્યોગનો જન્મના પાયામાં પણ સ્વદેશી ચળવળ જ છે. એટલે સુધી કે અંગ્રેેજો દ્વારા ચાલતી કચેરીની જગ્યાએ ભારતની પોતાની બેંક ,પોસ્ટલ વિભાગ, વીમા ઓફિસ પણ સ્વદેશી ગૌરવ આગળ વધારતી રચના જ છે. સરદાર વલ્લભ ભાઈ પટેલે સ્વદેશી સાથે 'સહકાર'નો વિચાર આપ્યો અને કૃષિ, દૂધ અને નાણાકીય સંસ્થાઓ સહકારી મંડળીઓ તરીકે ફૂલીફાલી. આમ સ્વદેશીને માત્ર વિદેશી  ચીજ-વસ્તુનાં  બહિષ્કારના દાયરામાં જ ન જોતા સ્વાભિમાન, સ્વનિર્ભરતા અને સહકારની રીતે જોવાની જરૂર છે. આઝાદીથી અત્યાર સુધી સ્વદેશી એટલે કે આપણા પોતાના જ દ્વારા નિર્માણ પામેલ ચીજવસ્તુ અને સંસ્થા બધું જ રાષ્ટ્રભાવના જગાવે છે.

કમનસીબે આપણે સ્વદેશી અપનાવવું તેને હંમેશા કોઈ વિદેશી તાકાત સામે લડવા જ ઉપયોગ કરીએ છીએ. ચીન સામે રાજકીય દુશ્મનાવટ વધી એટલે ચીનની ચીજ વસ્તુઓ અને સેવાનો બહિષ્કાર કરવાની હાકલ પડે અને કેન્દ્ર સરકાર દ્વારા ચીનની કંપનીઓ પર પ્રતિબંધ પણ જાહેર થાય. હવે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લગાવ્યો છે એટલે અમેરિકાની ચીજ-વસ્તુ પર પ્રતિબંધની હાકલ વાગે અને ચીન પ્રત્યે હળવાશ ભરી નીતિ રાખીને એવું વાતવરણ રચાય કે ચીન  આપણું દોસ્ત છે.લગભગ પ્રત્યેક તહેવારમાં ચીનની  પ્રોડક્ટથી ઉજવણી ન કરવી તેવો પ્રચાર થાય. ચીનની પતંગની દોરી ન ખરીદવી. ચીની બનાવટના ફટાકડા અને કોડિયા અને રોશનીને જાકારો આપવાનો ગોકીરો મચે.ખરેખર તો સ્વદેશી કોઈ દેશ જોડે સંબધો વણસે ત્યારે જ લગાવાતો નારો ન હોવો જોઈએ પણ આપણી ચીજ વસ્તુ અને તેમનું ઉત્પાદન કરનાર માટેના ગૌરવની ભાવના  ઉમેરીને  તેને વિદેશની પ્રોડક્ટની જગ્યાએ ખરીદવાની જરૂર છે. આપણે વિદેશ જઈએ છીએ ત્યારે ત્યાં વસતા વિદેશી કે  ભારતીય પરિચિતોને માટે ખાસ ભારતીય હસ્ત કળા, કોઈ રાજ્ય કે પ્રાંતની ચીજ વસ્તુ, ઈમીટેટ જ્વેલરી,ભરતકામ, હુન્નર,કપડા, અને અન્ય ગીફ્ટ આર્ટિકલ આપતા હોઈએ છીએ.અંદરથી આપણે જાણીએ છીએ કે વિદેશમાં આ જ ચીજ વસ્તુ જોઇને બધા ધન્યતા અનુભવશે.આપણે ભારતમાં મળતી 'મેડ ઇન ચાઈના' કે અન્ય દેશમાં બનેલી વસ્તુ ભેટમાં નથી આપતા. આ જ બતાવે છે કે આપણે જાણીએ છીએ કે સ્વદેશી જ આભારની લાગણી વ્યક્ત કરાવશે. આપણે એવી ભાવના ઉમેરવી રહી કે ભારતીય સંસ્કૃતિ અને પ્રત્યેક રાજ્યોની વિવિધતામાં એકતા સાથેનું અદ્ભુત સર્જન ટકાવી રાખવું હશે તો સ્વદેશી અપનાવવું જ રહ્યું.રોજગારી ટકાવી રાખવાની રીતે પણ દ્રષ્ટિકોણ ઉમેરવો જોઈએ.ભારતનાં  હીરા ઝવેરાત, કપડાં, કૃષિ ઉત્પાદનોની અમેરિકામાં કઈ હદે માંગ છે કે ટ્રમ્પને ટેરિફની જંગી આવક દેખાય છે. આપણે આયાતી ચીજ વસ્તુ અને વેશ પરિધાન માટે લઘુતા ગ્રંંથી સાથે ક્રેઝ બતાવીએ છીએ અને વિદેશમાં આપણા માલસામાનની માંગ છે. આપણે  જ જો સ્વદેશી ખરીદી સાથે વપરાશ વધારીએ તો અમેરિકાને નિકાસ કરવાની પણ શું કામ પરવા રાખીએ.

રહી વાત સ્વદેશી ઝુંબેશની તો મેકડોનાલ્ડ ,પેપ્સી જેવા ખાદ્ય કે સોફ્ટ ડ્રીન્કથી આમ પણ આપણે દુર જ રહેવું જોઈએ. વિદેશી કોસ્મેટિક્સ પણ ત્વચાની  કેન્સર જેવી બીમારી  માટે નિમિત્ત બને છે. વિકલ્પમાં આપણી આહાર વિહાર પધ્ધતિ આપણી તાસીરને અનુરૂપ હોવી જોઈએ. ચોકલેટ કે ખાંડની જગ્યાએ ગોળની કે દુધની મીઠાઈઓ પણ છે.આપણા આયુર્વેદ, જડીબુટ્ટી, રસોડાનાં મરી મસાલા, શાકભાજીનું વૈવિધ્ય, શરબત, ફળોના રસ, નારીયેલ પાણી .. લીસ્ટ ઘણું લાંબુ છે.ભારત જેટલી વાનગીઓનું શાસ્ત્ર વિશ્વમાં ક્યાંય  નથી.હવે તો મલ્ટીનેશનલ વિરુદ્ધ સારો એવો અને સુવ્યવસ્થિત પ્રચાર થઇ ગયો હોઈ 'મેડ ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા' જેવા સ્લોગન સાથે પ્રોડક્ટની જાહેરાત ગ્રાહકોને 

આકર્ષે છે.

જો કે કેન્દ્ર સરકારે એમ પણ વિચારવું જોઈએ કે ભારતની પોતાની પણ મલ્ટીનેશનલ બ્રાંડ પણ હોવી જોઈએ. વિશ્વના બજારમાં ભારતને જો સારી રીતે માર્કેટિંગ કરતા આવડે તો વૈવિધ્ય ધરાવે છે. હા,વિશ્વની જાણીતી  કન્ઝયુમર બ્રાન્ડને સ્વદેશી બ્રાન્ડ ચોક્કસ ફટકો પહોંચાડી શકે છે પણ વિદેશી મોબાઈલ ફોન, ટીવી, ગેજેટ્સ,તબીબી અને સર્જરીના સાધનો, કાર, વૈજ્ઞાનિક શોધ સંશોધનો, મશીનરી,  ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે સંપૂર્ણ સ્વદેશી બની શકીએ તેમ નથી.

સ્વદેશી અને રાષ્ટ્રની ભાષા, સંસ્કૃતિ અને દેશપ્રેમ માટેની બડી બડી વાતો કરનારાના સંતાનો વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ વસે છે. ભારતમાં ખાદી પહેરી ફરનારા વિદેશમાં વિદેશી કારમાં હાફ પેન્ટ અને નાઈકીના શુઝ સાથે ફરતા હોય છે.

ઉપદેશ આપનાર પોતે જ આચરણમાં ન મુકતા હોય પછી નાગરિકો પર તેનો પ્રભાવ ન જ પડે. અને હા .. સ્વદેશી પણ ભેળસેળ વગરનું અને ગુણવત્તાસભર હોવું જોઈએ. સ્વદેશી ઝુંબેશ ગમે તેવી વિજ્ઞાનિક સંશોધનોનાં આધાર વગરનો માલ પધરાવી દેવાની સ્કીમ (સ્કેમ) ન બની જવી જોઈએ.

જ્ઞાન પોસ્ટ

Are these things really better than the things i already have? or am i just trained to be dissatisfied with what i have now' 

-  Chuck palahniuk      

Tags :