Get The App

સોનાની જેમ વિદેશી સિગારેટોની દાણચોરી પણ વધી

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
સોનાની જેમ વિદેશી સિગારેટોની દાણચોરી પણ વધી 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- વર્ષમાં કુલ 65 વિદેશી બ્રાન્ડની 10 અબજ સિગારેટ ભારતીય બજારમાં ઘુસે છે. ગુજરાતમાંથી છેલ્લાં 4 વર્ષમાં 5.12 કરોડ નંગ વિદેશી સિગારેટ પકડાઇ છે જેની કિંમત રૂ.85 કરોડ થવા જાય છે

ત મે આ વાક્ય વાંચીને પુરું કરો એટલા સમયમાં જ દેશમાં પચાસ સિગારેટ દાણચોરીના રસ્તે આવી પહોંચી હશે. રોજની લગભગ ૨ કરોડ ૭૦ લાખ સિગારેટ આપણા દેશમાં પગ કરી આવે છે. મતલબ કે દર મહિને  ૧૦૦  કરોડ સિગારેટનું સ્મગલિંગ થાય છે.  આજકાલ  જમીન રસ્તે, દરિયાઇ રસ્તે અને હવાઇ માર્ગે સોનાની દાણચોરી  ખૂબ વધી  ગઈ છે. સરકારે  આ બજેટમાં  સિગારેટ પરની જકાત ૧૧ ટકાથી વધારીને  ૭૨ ટકા કરી હતી. ત્યારથી વિદેશી સિગારેટની  દાણચોરી વધી છે.પડોશી મિત્ર દેશ નેપાલ, શત્રુ દેશ પાકિસ્તાન અને અતડાં રહેતાં દેશો બર્મા તથા બંગલાદેશમાંથી  જાતજાતની અને ભાતભાતની સિગારેટો ભારતમાં ગેરકાનૂની રીતે આયાત થાય છે. પરિણામે ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટો એકદમ છૂટથી મળે છે. બધું મળીને વર્ષમાં કુલ ૬૫ વિદેશી બ્રાન્ડની ૧૦ અબજ સિગારેટ ભારતીય બજારમાં ઘુસે છે. 

દરેક બજેટમાં તમાકુ સિગારેટ પર સીન ટેક્સ (પાપ વેરો) નાંખવામાં આવે છે. આ કારણોસર  વિદેશી સિગારેટની ધૂમ દાણચોરી થઇ રહી છે.  ગુજરાતમાં પણ સસ્તી બ્રાન્ડની વિદેશી સિગારેટની  ડિમાન્ડ વધી છે.એકલા ગુજરાતમાંથી છેલ્લાં ૪ વર્ષમાં ૫.૧૨ કરોડ નંગ વિદેશી સિગારેટ પકડાઇ છે જેની કિંમત રૂ.૮૫ કરોડ થવા જાય છે.  

નફાની લાલચે નાના વેપારીઓ વિદેશી સિગારેટના ખરીદદાર બન્યાં છે કેમકે, યુવાઓને પણ મોંઘી સિગારેટ પોષાય તેમ નથી. આ જોતા અનરજીસ્ટર્ડ બ્રાન્ડની સસ્તી વિદેશી સિગારેટના યુવાઓ બંધાણી બન્યાં છે. યુવાઓ કદાચ એ વાતથી અજાણ હશે કે, વિદેશી સિગારેટમાં કેડિયમમાં પ્રમાણ વધુ હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઇ શકે છે. 

હમણાં વળી એવી વાત બહાર આવી છે કે વધુ પૈસા ચૂકવીને વિદેશી મશહૂર  બ્રાન્ડની સિગારેટ પીવાનો અહંમ સંતોષતા શોખીનો પોતાના સ્વાસ્થ્યનું જોખમ વહોરી લે છે. આવી સિગારેટ રસ્તા પરનાં પાન-બીડીનાં ગલ્લા પરથી ખરીદી હોય કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ડયુટી-ફ્રી શૅાપમાંથી લીધી હોય, તેમાં ઝેરી ફુગ ધરાવતી તમાકુ હોવાની શક્યતા પૂરેપૂરી છે.

ભારતીય સિગારેટ ધારા અનુસાર સિગારેટના દરેક પેકેટ પર ઊત્પાદનની તારીખ  તથા 'ધૂમ્રપાન સ્વાસ્થ્ય  માટે હાનિકારક છે'એ મુજબની ચેતવણી  છાપેલી હોવી જોઇએ. પરંતુ આપણાં દેશી બજારમાં મળતી વિદેશી સિગારેટોના પેકેટ પર ઉત્પાદનની તારીખ પણ લખેલી હોતી નથી તેમ ક્યારેક  સ્વાસ્થ્ય અંગેની ચેતવણી પણ છપાયેલી હોતી નથી. આમ મોટા નામ ધરાવતી વિદેશી સિગારેટ આપણી દેશી, સસ્તી સિગારેટ કરતાં વધુ જોખમી હોવાની શક્યતા ભરપૂર છે.

અમેરિકા, બ્રિટન ડેન્માર્ક અને જપાન જેવાં સુધરેલા દેશો ઊપરાંત શ્રીલંકા,બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા તથા થાઇલેન્ડની સિગારેટ ભારતમાં આવે છે. આમાં કેટલીક સિગારેટ ખૂબ નિમ્ન કક્ષાની પરંતુ આકર્ષક પેકિંગ ધરાવતી હોય છે. આ સિગારેટમાં હલકી કક્ષાની તમાકુ ભરેલી હોય છે.

કેટલીક વાર તો સ્થાનિક બજારમાં ન વેંચાયેલી,જુની, વાસી સિગારેટ ભારતીય બજારમાં ઠલવાય છે. આવી સિગારેટના પાર્સલ દરિયાઇ રસ્તે આવતાં હોય ત્યારે ભેજ લાગવાથી તમાકુમાં ફુગ વળી જાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ  અને ટોબેકો રિસર્ચ ઈન્સ્ટિટયૂટે   કરેલાં વિસ્તૃત પરીક્ષણ પરથી એવું જાણવા મળ્યું છે કે ભેજને કારણે સિગારેટની તમાકુમાં ઍાલ્ટર્નિયા,એસ્પરગિલસ અને પેનિસિલિયમ જેવી ફૂગ ઊત્પન્ન થાય છે. આવી સિગારેટનો વપરાશ કરનારા ધૂમ્રપાનના શોખીનોની શરીરમાં ટોકસિન વધી જાય છે. તેથી આવી વાસી, સડેલી સિગારેટનો તરત નાશ કરવો જોઇએ.

પરંતુ દાણચોરીથી આવતી વિદેશી સિગારેટોના વેપારને તો જાણે કાયદાનું કોઇ બંધન નડતું નથી તેથી આરોગ્યને લગતાં નિયમો પણ જળવાતા નથી. સામાન્ય રીતે સિગારેટનું પેકિંગ સારું હોય તો ત્રણ થી છ મહિના સુધી વપરાશ યોગ્ય રહે છે. પણ ગેરકાનૂની રીતે આયાત થતી સિગારેટના પેકેજ પર તો ઉત્પાદનની તારીખ પણ છપાયેલી હોતી નથી. ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેનના અધિકારીઓ પણ આ સમગ્ર મામલા પ્રત્યે આંખ મિંચામણા કરે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે માત્ર પાંચ સિગારેટ વિક્રેતાને ત્યાં દરોડા પાડી ૭૩૧ પેકેટ્સ જપ્ત કર્યા છે. એટલું જ નહીં, દાણચોરીના રસ્તે આવતી,હલકી ગુણવત્તા ધરાવતી સિગારેટ વેંચવા બદલ આજસુધી કોઇ વિક્રેતાની ધરપકડ નથી થઇ. એવો અંદાજ છે કે દાણચોરીના રસ્તે દેશમાં વેંચાતી સિગારેટોના કારણે ભારત સરકારને વર્ષે  રૂ. ૨૦૦૦૦ કરોડની 'રેવન્યુ લોસ' થાય છે. આ સિવાય વ્યક્તિગત રીતે આવી સિગારેટો પીને બીમાર પડતાં ધૂમ્રપાન શોખીનોને થતાં નુકસાનનો આંકડો માંડો તો બીજી એટલી જ રકમ થાય.

સવાલમાત્ર એટલો જ છે કે આ દેશના ૨૫ કરોડ સિગારેટ પીનારાઓમાંથી એક ટકા લોકો (લગભગ ૨૫ લાખ લોકો)ની માનીતી પરદેશી સિગારેટ દેશમાં આવે છે ક્યાંથી ? કઇ રીતે ? કોના દ્વારા ?

ધૂમ્રપાનવિરોધી આંદોલનના વધી રહેલા દબાણને કારણે નુકસાન ભરપાઈની તગડી રકમ ચૂકવવી પડતી હોવાથી વિદેશી સિગારેટ ઊત્પાદકો અને દાણચોરોએ હાથ મિલાવીને ભારત જેવી બજારમાં પાછલે દરવાજેથી પ્રવેશ કરીને બજારને કબજે કરવાનો વ્યૂહ ઘડયો છે. દેશમાં વિવિધ પ્રતિબંધોને લીધે સિગારેટનાં ઘર આંગણેના બજારનું કદ ઘટતું જાય છે.બીજી તરફ છેલ્લા થોડા મહિનાઓમાં દાણચોરી દ્વારા દેશમાં હજજારો કરોડો રૂપિયાનું મૂલ્ય ધરાવતી વિદેશી બ્રાન્ડસની સિગારેટોનો જથ્થો ઠલવાયો  છે. મુંબઇમાં આવતી દાણચોરીની સિગારેટનું વેચાણ કુલ વેચાણના ૪૫ ટકા જેટલું છે. 

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિવિધ સ્તરે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકતાં ભારતમાં સિગારેટના વેચાણ પર માઠી અસર થઇ હોવાનું ભલે જણાતું હોય પણ તેથી ધૂમ્રપાનનું પ્રમાણ ઘટયું છે એવા નિષ્કર્ષ પર આવવું ફસામણીયુક્ત પુરવાર થશે. આરોગ્યને હાનિકારક પુરવાર થતાં ધૂમ્રપાનને હતોત્સાહ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારો સિગારેટ પર મહત્તમ વેચાણવેરો અને જકાત લાદે છે પણ તેનાથી છૂટક દુકાનદારને દેશી સિગારેટ કરતાં દાણચોરી દ્વારા દેશમાં પ્રવેશનારી વિદેશી બ્રાન્ડની સિગારેના વેચાણમાં વધુ નફો મળે છે. આ સિગારેટના વેચાણમાંથી રિટેઇલરને દેશી સિગારેટની  વેચાણની સરખામણીને ત્રણ ગણો વધુ નફો થાય છે. એટલે જ તેઓ વધુ ને વધુ વિદેશી બ્રાન્ડસની સિગારેટના વેચાણ માટે પ્રેરાય છે.

સરકાર દ્વારા રેલવે, સરકારી કાર્યાલય, શેક્ષણિક સંસ્થાઓના પરિસરોમાં સિગારેટ વેચવા અને ધૂમ્રપાન કરવા પર ભલે પ્રતિબંધ મૂકી દેવાયો હોય પણ ધૂમ્રપાન કરવાનું પ્રમાણ ભયંકર વધ્યું છે. આનો લાભ લઇ દાણચોરોએ વિદેશી સિગારેટોની દાણચોરી ભણી મોરચો વાળ્યો છે.

બજારમાં ફરતાં એવુ ંસહેજે દેખાઇ આવશે કે દુકાનદારો ૫૫૫, માર્લબોરો, બેન્સન એન્ડ હેજીસ બ્રાન્ડની સિગારેટો મોટા પ્રમાણમાં રાખે છે. દુકાનદારો આ બ્રાન્ડની સિગારેટ દીઠ રૂ. ૩૦ લેતા હોય છે. ૨૦ સિગારેટના પાકીટના રૂ. ૬૦૦  લેતા હોય છે. જ્યારે તેમને એક પાકીટ રૂ. ૩૫૦ થી ૪૫૦ માં પડે છે.તેથી જ સિગારેટ શોખીનો અઝિઝ ગોલ્ડ,  ગુડાંગ ગરમ, રોથમેન્સ, ડનહીલ, કોંગડામ અને  રીચમેન, ગોલ્ડ લીફ, બનાની ગોલ્ડ તથા રૅાયલ ઓડિન બર્ગ જેવી અગાઉ કદી સાંભળી ન હોય તેવી સિગારેટોનો કસ ખેંચતા થયા છે.   આમાંથી  મોટા ભાગની  વિદેશી બ્રાન્ડની  સિગારેટ દુબઈથી  ભારત આવે છે.

મુંબઈની પબ, કલબ, કોલેજ કેમ્પસ કે કોલ સેન્ટરોની બહાર વટથી ફોરેનની સિગારેટના કશ લેતા ઘણાખરા લોકોને ખબર નહી હોય કે પાકિસ્તા કે બાંગલાદેશના માર્ગે આવતી મોટા  ભાગની સિગારેટો બનાવટી હોય છે અથવા તો જૂની હોય છે.

ક્રુઝેડ અગેઈન્સ્ટ ટોબેકો નામની તમાકુ વિરોધી સંસ્થાએ તાજેતરમાં જ કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે સામાન્ય રીતે સિગારેટ ત્રણ મહિના સુધી પીવાલાયક રહે છે. ત્યાર પછી તે પીનારાની તબિયતને વધુ નુકસાન કરે છે. જયારે દાણચોરીથી આવતી સિગારેટો કયારેક દોઢ-બે વર્ષ જૂની હોય છે. માર્લબ્રો, સ્ટેટ એક્સપ્રેસ અને રોથમેન્સ જેવી જાણીતી બ્રાન્ડની સિગારેટોની વધુમાં વધુ દાણચોરી  થાય છે.

તમે નહિ માનો, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ મુજબ આપણા દેશમાં માથાદીઠ સિગારેટ વપરાશ માત્ર છ કે આઠ સિગારેટ જેટલો જ છે. આપણે આ આંકડાને માત્ર સિગારેટ પીનારાઓ પૂરતો સીમિત કરીએ તો પણ આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આ દેશનો ધૂમ્રપાન કરનારો યુવક વર્ષે માત્ર ૨૫ સિગારેટ્સ જ પીએ છે- હસવા ન માંડતા આને આંકડાશાસ્ત્ર કહેવાય છે જેના પર બેસીને સરકાર પ્રગતિના ટ્રેક પર વિકાસની રેસ જીતવા માગે છે. 

પરંતુ હકીકતમાં એકલા મુંબઇમાં રોજના દસહજાર કારટન જેટલી પરદેશી સિગારેટો ખપે છે. યાને એકલાખ પાકિટ વેચાય છે. યાને ૨૦ લાખ સિગારેટ્સ પીવાય છે. અને દરેક સિગારેટની સરેરાશ કિંમત ૨૫ રૂપિયા પકડીએ તોે રોજના પાંચ કરોડ રૂપિયા આ સિગારેટ પાછળ મુંબઇ એકલું ખર્ચે છે બીજો નંબર દિલ્હીનો આવે છે.ત્રીજો નંબરે ક્રાંતિકારી કોલક્ત્તા છે. અને ચોથો નંબર અમદાવાદનો આવે છે.પાંચમાં નંબરે કાનપૂર અને ચેન્ન્ઇ અને પછી નકશાપર જેટલાં શહેર છે એ બધાની યાદી બારખડી પ્રમાણે બનાવી લો અને તમારી મેળે થોડીક ગણતરી કરી લો, તમને આંકડો જોઇને ચક્કર આવી જશે.

અત્યાર લગી  નિયમ મુજબ ૨૦ કારટેલ યાને ૧૦૦ પાકિટનાં બે ખોખા અકબંધ લાવવાની છૂટ  હતી.  હવે નવા નિયમ  મુજબ  વિદેશથી  આવનાર ભારતીય નાગરિક ફક્ત ૧૦૦ સિગારેટ જકાતમુક્ત ધોરણે લાવી શકશે.  બે પાંચ પાકિટ ખિસ્સામાં લાવે છે  આ પાકિટનો મોટો હિસ્સો બજારમાં આવે છે. એ જ રીતે આપણા બંદરોએ રોજ અનેક સ્ટીમરો પરદેશથી આવે છે અને આવી સ્ટીમરોના ખલાસીઓ પોતાની સાથે આવી સિગારેટોનો જંગી જથ્થો લઇ આવે છે. નૈકાદળના જહાજ પણ વિદેશ સફર કરી આવે ત્યારે સાથે ત્યાંની સિગારેટનો જથ્થો લઇ આવે છે.

કસ્ટમ જે સિગારેટનો જથ્થો પકડે છે તેનો પેરીશેબલ ગુડઝના ઓઠા હેઠળ તત્કાળ નિકાલ કરવાની જરૂર હોવાછતાં તપાસ અને અદાલતી કાર્યવાહીમાં સમય જતો હોવાનું બહાનું કાઢી એનો નાશ કરવાનો હુકમ મેળવવામાં આવે છે. અને પછી આ માલ બજારમાં આવે છે. એટલે કે જપ્ત થયેલ સિગારેટો બજારમાં વેચીને કસ્ટમના કેટલાંક અધિકારીઓ એમાંથી કમાણી કરી લે છે.

બીજો માર્ગ વિમાન માર્ગે સિગારેટો લાવવાનો છે. અને તેમાં ઊતારૂઓ ઊપરાંત વિમાનના પાયલટ,પર્સર, એરહોસ્ટેસોે કર્મચારીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ લોકો સાથે કસ્ટમવાળા મળી ગયા હોઇને તેઓ ફાવે તેટલો માલ દેશમાં લઇ આવે છે અને પછી બજારમાં ફૂંકી મારે છે.  કસ્ટમવાળાઓને તેમાં ૪૦ થી ૫૦ ટકા ભાગ મળે છે. આખી સિન્ડિકેટ આ ગોરખધંધામાં જોડાયેલી છે.

ત્રીજો માર્ગ વિદેશી દુતાવાસના જથ્થામાંથી બજારમાં માલ ઘુસાડવાનો છે અને આ કામ દુતાવાસમાં કામ કરતા ભારતીય કર્મચારીઓ કરતા હોય છે.અનેક મલ્ટીનેશનલ કંપનીઓ મુંબઇમાં કૅાન્ફરન્સ યોજે ત્યારે નાસ્તા પાણી,શરાબની સાથે વિદેશી સિગારેટોની મબલખ લહાણી કરે છે.

મુંબઇમાં કોઇ પણ  ગલ્લા પર વિદેશી સિગારેટ મળે છે ને આવા ગલ્લા  પંદરથી વીસ હજાર છે,એટલું  કહી શકાય કે આ ધંધામાં દર તબક્કે સો ટકાનો નફો હોઇને વધુ ને વધુ લોકો એમાં દાખલ થઇ રહ્યા છે.

બીડી સિગારેટના ભાવ ગમે તેટલા વધારો, પણ ધૂમ્રપાનના રસિયાઓ ગજવું ખાલી કરીને પણ ધુમાડો કાઢવાનું ચૂકે એવા નથી. સરકાર સિગારેટ પરની આબકારી જકાત વધારે એટલે દેખીતી રીતે જ ભારતીય સિગારેટ કંપનીઓએ પણ પોતાની ઊત્પાદનના ભાવ વધારવા પડે. સિગારેટના કાયદેસરના  ઉત્પાદન  પર સરકાર આકરાવેરા  ઝીંકે છે.  માત્ર ૨૦૧૨થી  ૨૦૨૦ સુધીમાં આ વેરો ત્રણ ગણો વધ્યો છે.  વર્ષોથી  આ ભાવવધારાનો ફાયદો દાણચોરો લઇ રહ્યા છે. પૂછો કઇ રીતે ? વાસ્તવમાં દાણચોરીથી લવાયેલી વિદેશી બ્રાન્ડની સિગારેટના ભાવ ઘણા વખતથી વધ્યા નથી.ઊલટું કેટલીક ખ્યાતનામ કંપનીની સિગારેટના ભાવ ઘટયા છે. સ્વદેશી પણ મોંઘીદાટ સિગારેટના સ્થાને ખ્યાતનામ બ્રાન્ડની સિગારેટ નો યાર-દોસ્તોમાં વટ પાડવો શું ખોટો  એવું વિચારનારા ઘણા છે.

૧૯૯૩- ૯૪ ના નાણાકીય વર્ષમાં ભારતના સિગારેટ બજારમાં દાણચોરીની વિદેશી સિગારેટનો હિસ્સો ફક્ત આઠ ટકા હતો. આજે  ત્રણ દાયકા પછી આ ટકાવારી ૪૦નો આંકડો વટાવી ગઇ છે.  ગયા નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં અંદાજે ૯૭ અબજ સિગારેટ વેચાઇ હતી. આમાં વિદેશી સિગારેટનો ફાળો ત્રીસ અબજ હતો. વિદેશી સિગારેટોમાં પણ બેન્સન એન્ડ હેજિસ, ૫૫૫ અને માર્લબ્રો બ્રાન્ડની સિગારેટોની જ વધુ ખપત છે.

માર્ચ ૨૦૦૧ થી સિગારેટ પર નવો ૧૫ ટકા આબકારી જકાત અને સરચાર્જ નાંખવામાં આવ્યો તેથી ઘણીખરી સિગારેટ કંપનીઓએ એક રૂપિયાવાળી ફિલ્ટર સિગારેટ બનાવવાનું બંધ કરી દીધું. કારણકે નવી જકાત પછી આ સિગારેટ વેંચવાનું અશક્ય થઇ પડયું હતું. આ તકનો લાભ લઇ દાણાચોરોએ વધુ મોટી સંખ્યામાં ફિલ્ટર સિગારેટો ભારતનાં બજારોમાં ઘુસાડવા માંડી. ૭૦ મી.મી. લાંબી રેગ્યુલર ફિલ્ટર સિગારેટ ભારતમાં બનેલી હોય એનો ભાવ  ૧૫થી ૨૦ રૂપિયા પડતો હોય અને નેપાળ કે બાંગલાદેશથી આવતી કિંગ સાઇઝ મોટી સિગાારેટ ૧૨ રૂપિયામાં મળતી હોય તો સ્વાભાવિક રીતે જ ભારતીય સિગારેટ ના ડબ્બા ડુલ થઇ જાય. તેમાંય સિગારેટ શોખીનો વિદેશી સિગારેટ પીવાનો અહંમ પોસાતો હોય તો એ એની તરફ જ વળવાનો. આ રીતે ૬૯ ટકા માર્કેટ શેર ધરાવતા ફિલ્ટર સિગારેટના ભારતીય બજારને જબરદસ્ત ધક્કો વાગ્યો છે.

એમ કહેવાય છે કે દાણચોરીથી આવતી મશહૂર બ્રાન્ડની વિદેશી સિગારેટો જેવી જ બનાવટી સિગારેટો બનાવવાની પ્રવૃત્તિ આ દેશમાં થાય છે અને ઊલ્હાસનગરમાં માગે તે બ્રાંડની સિગારેટ બનાવી આપતાં કારખાનાં છે. આંધ્ર- ઓરિસ્સામાં પણ આ ડુપ્લીકેટ સિગારેટના ગોરખધંધા ચાલે છે. એમ કહેવાય છે કે પરદેશી સિગારેટના ખાલી પાકિટો ભેગા કરીને એમાં દેશી બનાવટી સિગારેટો વેચનારાઓનો પણ આ દેશોમાં તોટો નથી.બે વર્ષ પહેલાં અમદાવાદમાં ટ્રીપલ ફાઇવના પાકિટામાં વીલ્સ કીંગ્સ સાઇજ સિગારેટ ભરીને વેંચવાનું તરકટ પ્રકાશમાં આવ્યું હતું. 

ઊલ્હાસનગરમાં બનતી સિગારેટો અંગે એમ કહેવાય છે કે વાસ્તવમાં આ સિગારેટો ભારતના સિગારેટ ઉત્પાદકો જ બનાવી આપે છે. ઉલ્હાસ નગરના ગઠિયાઓ તો માત્ર રેપરમાં બાંધીને વિતરણનું  જ કામ કરે છે.

આ રીતે બનાવટી પરદેશી સિગારેટ આ દેશમાં કેટલી વેચાતી હશે એનો કોઇ અંદાજ નથી. પરંતુ છેલ્લા ચાર વર્ર્ષમાં મુંબઇમાં જ આવાં ચાર કારખાનાં પકડાયાં હતાં.  

 એક અંદાજ  પ્રમાણે ભારતમાં ઘૂસાડાતી અથવા દેશમાં જ ચોરીછૂપીથી બનાવાતી સિગારેટનું માર્કેટ ૨૫ ટકા જેટલું છે.   દર ૧૦૦  સિગારેટમાં  ૨૫ સિગારેટ ગેરકાનૂની રસ્તે બજારમાં પહોંચે છે.  આ પ્રકારની ગેરકાનૂની સિગારેટના વેપારને કારણે સરકાર દર વર્ષે ૨૧,૦૦૦ કરોડની આવક ગુમાવે છે.

યુરોમોનિટર  ઈન્ટરનેશનલ નામની એક સંસ્થાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ૨૦૨૩માં ગેરકાનૂની  સિગારેટનો  વેપાર ૩૪ અબજ સિગારેટ સ્ટીક સુધી પહોંચ્યો હતો. આ  વેપારમાં ભારત ચોથા નંબરે આવે છે.

ભારતમાં ચાલતી બોગસ સિગારેટ  કંપની દ્વારા ઉત્પાદિત સિગારેટ (ફિલ્ટરવાળી) ક્યારેક વેપારીઓને  બે રૂપિયાની  નજીવી કિંમતે વિતરણ કરાય છે.  કાયદેસર બનતી સિગારેટ પર તો નંગ દીઠ આ રકમથી બમણો  વેરો લદાતો હોય છે.  સ્વાભાવિક છે કે વધુને વધુ લેભાગુ લોગો નફાની લાલચમાં આવા ગેરકાનૂની  ધંધામાં રસ લેતા થાય છે.

આવા ગોરખધંધાથી  સરકારી  તિજોરીનેતો ફટકો પડે જ છે. પરંતુ દેશની સલામતી માટે પણ જોખમી  છે.  કારણ કે એવું મનાય  છે કે ભારતમાં  ચાલતો ગેરકાનૂની  સિગારેટનો બિઝનેસ કેટલીક ગુનાહીત ટોળકી (સિન્ડિકેટ)ના હાથમાં  છે. જેઓ  આ ધંધામાંથી થતી કમાણી બીજી ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં  વાપરે છે.

વળી  આ બે નંબરી ધંધાથી  સરકાર દ્વારા રચાયેલી ટોબેકો કન્ટ્રોલ પોલીસીનો  અર્થ સરતો નથી.  બીજી તરફ  આવા ગેરકાનૂની સિગારેટોમાં  મોટેભાગે વિદેશી તમાકુ વાપરવામાં આવતી હોવાથી તમાકુ  ઉગાડનારા  આપણા  ખેડૂતોની  આજીવિકાનો ધસારો પહોંચવાની શક્યતા રહેલી છે.