Get The App

સળ : ચાંચલ્યનો સંકેત? .

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
સળ : ચાંચલ્યનો સંકેત?                           . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- મૂળે તો શરીરના દબાણથી ચાદરમાં પડેલા આડા-અવળા આંકા એ સળ. સળ વગરની પથારીમાં કંઈ કેટલીયે સળવાળી જિંદગીઓ કણસતી હોય છે

ચો ક્ખી સળ વગરની પથારીમાં સૂઈ ગયા પછી જ્યારે માણસ સવારે ઊભો થાય છે ત્યારે પથારીમાં સળ પડી ગયેલા નજરે પડે છે. મૂળે તો શરીરના દબાણથી ચાદરમાં પડેલા આડા-અવળા આંકા એ સળ. સળ વગરની પથારીમાં કંઈ કેટલીયે સળવાળી જિંદગીઓ કણસતી હોય છે. સળ સાહજિક અને બિનસાહજિક બંને પ્રકારનો હોઈ શકે. વધારે પડતા દબાણથી ડૂચો વાળી પદાર્થની ઉપેક્ષા કરીએ ત્યારે પણ એમાં સળ ઊભા થાય. ચોળેલો કાગળ, ચોળેલું કપડું એ બિનસાહજિક સળના નમૂના છે. પણ માણસની કાયા ઉપર, વય વધવાને લીધે પડતી કરચલિયોમાં જે સમયના સળ છે એ સાહજિક છે. હોસ્પિટલની પથારીઓમાં સળ ન પડે એવી ગમે તેટલી કાળજી રખાઈ હોય પણ દર્દીના દેહ ઉપર તો સળ છલકાય જ છે. લકીર, લીટી, રેખા અને દોરો સળના પર્યાયો છે.

સળ દ્રશ્ય અને અદ્રશ્ય બંને પ્રકારનાં હોઈ શકે. ચોળાયેલા કપડામાં કે કાગળમાં પડેલી ગેડ (ગડી), કાપા એ દ્રશ્યાત્મક છે. પથારીમાં પડેલી, ચાદર ચોળાયેલી દેખાય એ દ્રશ્યાત્મક સળ છે. જળ અને વાયુમાં પણ દ્રશ્ય-અદ્રશ્ય સળ પડે છે. સળ એ કોઈ ક્રિયાનું પરિણામ છે. સળ પડે ત્યારે નૂતન વ્યવસ્થાની ભ્રાન્તિ રચાય પણ એ વ્યવસ્થાને પણ શોભા હોય છે. સ્થિર જળને શોભા છે એવી જ શોભા વ્હેતા જળની પણ છે. બંને વચ્ચે ફરક સળનો છે. સળની સાથે 'વળ' શબ્દ સંયોજી જે સામાસિક શબ્દ 'સળવળ' બને છે તેમાં પણ ચાંચલ્યનો સંકેત છે, એક પ્રકારની ગત્યાત્મકતા છે. કવિ રમેશ પારેખની જાણીતી પંક્તિઓ જુઓ - (ફૂલ દીધાનું યાદ).

'સળવળ વ્હેતી કેડસમાણી/લીલોતરીના તરતા ખેતર શેઢે/તમને ફૂલ દીધાનું યાદ સોનલ...'

'સળ' શબ્દમાં ચાંચલ્યનો મહિમા દેખાય છે. સ્થિરતાની હવડ સ્થિતિમાં બહાર લાવે છે 'સળ'. વૃક્ષો અને વનસ્પતિની સૃષ્ટિમાં જ્યાં જ્યાં ચેતનાનાં સળ પડે ત્યાં ત્યાં નવો આકાર પ્રાપ્ત થાય. 'સળી કરવી' જેવા પ્રયોગમાં પણ નૂતન ચૈતન્યની અપેક્ષા રખાતી હશે કે શું ? જુવાનીનો સળવળાટ હોય કે બાળપણનો એ સળવળાટમાં વૈવિધ્ય છે. જળ, પ્રાણ, પૃથ્વી, અગ્નિ, આકાશ બધાં જ તત્ત્વો વલયો વચે છે તેમાં પણ સળાભાસ થાય છે. જ્યાં માત્ર એક જ 'સળ' છે એવા પદાર્થને આપણે સળેકડી કહીએ છીએ. તે એજ અર્થમાં હશે ?

પ્રાણીઓની કાયા ઉપર, ચામડી ઉપર જે કાપા ઉપસી આવે છે તે વયોચિત ફેર ભલે સૂચવે, પણ એ સળ છે. સળને કારણે ચહેરાનું, કાયાનું સૌંદર્ય ઝંખવાતું જણાય પણ એ સળ ખરેખર સંકેત રચે છે. ઘણીવાર મનમાં, વિચારોમાં અને હૃદયમાં પણ સળોના સરવાળા હોય છે. ભવસાગરથી ભર્યાં ભર્યાં દિલના દરિયામાં જીવન અનુભવોનાં જે આંદોલનો આવે, એનાથી જે સળ પડે એ અલૌકિક સળોના સૌંદર્યોનો હિસ્સો જીવનમાં સાવ નિરર્થક થોડો હોઈ શકે ? કોઈ યૌવનાના ચહેરા ઉપર ક્યારેક શરમના સળ પણ પડે છે અને શાંત તળાવમાં એક પત્થર પડે ત્યારે એ પાણીમાં જે આંદોલનો રૂપે વલયો રચાય... એ જળમાં પડેલા સળ છે ! સળ કોઈને કોઈ આંતરિક કે બાહ્ય દબાણને કારણે પદાર્થના મૂળ સ્વરૂપમાં થયેલ ફેરફારો, જેને આપણે આંકો કહીએ તે જ સળ છે.

'સળ' શબ્દ ઉપરથી સળી, સળવળ, સળેકડી, સળવળાટ, જેવા શબ્દો બન્યા હશે ? એની વ્યુત્પત્તિ ચકાસીએ તો માલુમ પડે. સળ મોટેભાગે સાહજિક હોય છે કોઈને કોઈ દ્રશ્ય-અદ્રશ્ય દબાણ હેઠળ પદાર્થની અસલ સ્થિતિમાં જે વિકાર આવે અથવા નૂતન દર્શન થાય તે સળ છે. નિર્જીવમાં તે પડાય છે, સજીવમાં પડે છે.

આપણે ધ્યાનથી જોઈએ તો સળ એ ચેતનાની અને ચંચળતાની સંકેતાત્મક અવસ્થા છે. યુવાન સિંહ અને ઘરડો સિંહ ક્યાં ચિહ્નોથી ઓળખી શકાય ! તદ્દન સીધા તાડના ઝાડ કરતાં ઘટાટોપ વડનો મહિમા કેમ વધારે છે ? આ ઉત્તરોમાં તમને 'સળ' સહાયરૂપ થઈ શકે. વૃક્ષના થડની ગોળાઈમાં જે સળ હોય છે તે વૃક્ષની વય સૂચવે છે.

બાહ્ય રીતે માણસને સળ વગરના કપડાં ગમે છે તે ઈસ્ત્રીયુક્ત કપડાં પરિધાન કરે છે, પરંતુ એના જીવાતા સમગ્ર જીવનમાં સળને અવકાશ છે - સળથી જ જીવન ધન્ય અને રમ્ય બને છે. સળ દ્વારા જ પરિવર્તનો આવે છે. સળ જ સમયની ઓળખ બની શકે છે. વૃક્ષની જેમ સમગ્ર સજીવની કાયામાં, થડમાં, ડાળમાં, પાંદડાંમાં ખૂબ ધ્યાનથી જોવાથી એ સળોનો પરિચય થાય છે. સળ એ સાહજિકતાનું પ્રમાણપત્ર છે. આંખોમાં પણ સળ હોય છે. એ સળ આત્મીયતાની સરહદ સુધી પ્રવેશ કરાવે છે. કોઈ લલનાના દુપટ્ટામાં, સ્મિતમાં જે સળ હોય છે તે સળ લલનાના લાલિત્યની સરહદ સુધી લઈ જાય છે. વય વધવાની સાથે આંખે ઝાંખપ પડે છે ત્યારે દ્રષ્ટિમાં સળ પડે છે, એ સળ પણ વયસૂચક હોય છે. પ્રત્યેક સંજ્ઞાનું અસ્તિત્વ આ રીતે સળનો સરવાળો બને છે. આંદોલિત હિંચકો પણ સળની ગત્યાત્મકતાનો દ્યોતક છે. 'ધરતી તરડાઈ' કહીએ ત્યારે પણ ધરામાં સળ પડયા છે - એવો અનુભવ થાય છે. ખેતર સળોનો સરવાળો જ છે. પર્વતને ધ્યાનથી જુઓ તો એમાં પણ સમયના સળ જીવન નૈયાના આમ પ્રત્યેક સળ સમયનું નિદર્શન બને છે.