Get The App

શિવ અને પાર્વતીના પુત્ર ષડાનન સ્કંદ કુમાર એટલે કે કાર્તિકેયનું કુંડલિની યોગની ગહન સાધનાના પરિપ્રેક્ષ્યમાં ગૂઢ તાત્પર્ય !

- અગોચર વિશ્વ- દેવેશ મહેતા

- મયૂર (મોર) કુમાર સ્કંદનું વાહન છે. શિવના સર્પ અને કાર્તિકેયનો મયૂર પરસ્પર વેર ત્યજી મૈત્રી ભાવથી રહે છે. પ્રાણની આસુરી શક્તિને મયૂર શાંત અને સૌમ્ય બનાવે છે

Updated: Oct 31st, 2020

GS TEAM

Google News
Google News
શિવ અને પાર્વતીના પુત્ર ષડાનન સ્કંદ કુમાર એટલે કે કાર્તિકેયનું કુંડલિની યોગની ગહન સાધનાના પરિપ્રેક્ષ્યમાં ગૂઢ તાત્પર્ય ! 1 - image

મ હાકવિ કાલિદાસે રચેલા 'કુમાર સંભવ' મહાકાવ્ય અને 'શિવપુરાણ'માં કુમાર કાર્તિકેયના જન્મનું વિશદ વર્ણન જોવા મળે છે. કુમાર કાર્તિકેયને ષડાનન અને ષએમાતુર પણ કહેવાય છે. તે દેવોના સેનાપતિ છે. એમના જન્મને માટે જ શિવ-પાર્વતીના લગ્ન થયા હતા. મયૂર એમનું વાહન છે. તેમણે દેવોના સેનાપતિ બની તારકાસુર પર વિજય પ્રાપ્ત કર્યો હતો. સર્વે દેવોએ બ્રહ્માજી પાસે જઈને શૂરવીર, મહાપરાક્રમી, અજેય સેનાપતિ આપવા પ્રાર્થના કરી ત્યારે તેમણે કહ્યું હતું. આદિ દેવ, મહાયોગી શિવજી અને આદ્યા શક્તિ પાર્વતીના સંયોગથી જે મહાશક્તિશાળી પુત્ર જન્મે તે જ તારકાસુરનો વધ કરી શકે.

શિવજી યોગસમાધિમાં બેઠેલા હતા. તે સ્થિતિમાં તે પાર્વતી સાથે લગ્ન કરે અને સંતતિને જન્મ આપે તે શક્ય નહોતું. એટલે તેમને તે માટે પ્રેરવા-આકર્ષિત કરવા કામદેવને કામ સોંપાયું. કામદેવના પ્રયાસથી શિવજી બે-ચાર પળ તો પાર્વતી તરફ આકર્ષિત થયા પણ પછી સંયમિત થઈ કામદેવને ત્રીજું નેત્ર ખોલી યોગાગ્નિથી બળીને ભસ્મીભૂત કરી દીધો. તે પછી પાછા સમાધિમાં બેસી ગયા. પાર્વતીએ નિશ્ચય કર્યો - 'તપ: કિલેદં તદવાપ્તિ સાધનમ્ । ખરેખર તપશ્ચર્યા એ જ શિવજીની પ્રાપ્તિનું સાધન છે.' તપ દ્વારા અમોઘ શક્તિ એકત્રિત કરી શિવના પત્ની બનવાનો અધિકાર પ્રાપ્ત કર્યો. મહાયોગી શિવ અને તપશ્ચર્યાપૂર્ત પાર્વતીના અમોઘ ઊર્ધ્વરેતસ્ સંયોગથી જે દિવ્ય સંતતિ પ્રગટ થઈ તે કુમાર કાર્તિકેય.

મેઘદૂતમાં મહાકવિ કાલિદાસ કહે છે -

'તત્ર સ્કન્દં નિયતવસતિં પુષ્પમેધીકૃતાત્મા, પુષ્પાસારૈ: સ્નપયતુ ભવાન્ વ્યોમગંગાજલાદ્રૈ: । રક્ષાહેતોર્નવશશિલૃતા વાસવીનાં યમૂનામત્યાદિત્યં હુતવહેસુખે સંભૃતં તદ્ધિ તેજ: ।। હે મેઘ ! દેવગિરિ હિમાલય પર સદા રહેનારા સ્કંદ (કાર્તિકેય)ને આકાશગંગાના જળથી સીંચેલા પુષ્પોથી તું સ્નાન કરાવજે. ઇન્દ્રની સેનાઓના રક્ષણ માટે અગ્નિના મુખમાં શિવ દ્વારા સંભૃત થતું જે સૂર્યથી પણ અધિક પ્રકાશમાન તેજ છે તે જ 'સ્કંદ' છે. અમે એ જાણીએ છીએ કે અસુરોથી પરાજિત દેવસેનાના રક્ષણ માટે એને સેનાપતિ પ્રદાન કરવા શિવજીએ સ્કંદ રૂપે જન્મ લીધો. તે શિવનું તેજ અગ્નિના મુખમાં એકત્રિત કરવામાં આવ્યું.

કુંડલિની યોગ અનુસાર આ અગ્નિં એટલે જ સુષુમ્ણા નાડીની પ્રાણશક્તિ છે. છઠ્ઠા ચક્રના ભેદન બાદ કુમાર સ્કંદનો જન્મ થાય છે. છઠ્ઠું આજ્ઞાાચક્ર કહેવાય છે એની ઉપર સાતમું સહસ્ત્રાર ચક્ર છે. કેટલાંક એની વચ્ચે એક બીજા ચક્રની પણ ગણના કરે છે જેનાથી આઠ ચક્રોની સંખ્યા પણ ઉલ્લેખાય છે. અર્થવવેદમાં કહેવાયું છે - અષ્ટચક્રા નવ દ્વારા દેવાનાં પૂરયોધ્યા । અસ્યાં હિરણ્યમય: કોષ: સ્વર્ગો જ્યોતિષાવૃત્ત: ।। આ શરીર દેવનગરી છે, એનું નામ અયોધ્યા છે કેમકે અહીં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજયથી અસુરયુદ્ધ શાંત થઈ ચૂક્યું છે.

એમાં આઠ ચક્ર અને નવ ઇન્દ્રિય દ્વાર છે જ્યોતિ એટલે તેજથી આવૃત્ત જે હિરણ્મય કોષ (મસ્તિષ્ક) છે તે જ સ્વર્ગ છે. આ કોષ દ્યુલોકમાં આવેલો છે. એવો બ્રાહ્મણ ગ્રંથોમાં પણ નિર્દેશ છે. દ્યુલોક એ જ મસ્તિષ્ક છે. બધા દેવોનો અહીં વાસ છે. અહીંથી જ બધા જ્ઞાાનતંતુઓનો વિકાસ થાય છે. એનાથી જ અહીં જ્યોતિષાવૃત્ત એટલે કે પ્રકાશમય લોકની કલ્પના કરાઈ છે. આ બ્રહ્માંડના જ એક પ્રદેશનું નામ કૈલાસ છે. જ્યાં શિવ-પાર્વતી-કુમાર સ્કંદ અને ગણેશ સપરિવાર રહે છે.

શરીરની ભીતર આવેલા ચક્રોની સાથે નાડીઓ પણ આવેલી છે. એમાં ઇંડા, પિંગલા અને સુષુમ્ણા મુખ્ય ત્રણ નાડીઓ છે. ઇંડાને ચંદ્ર નાડી, પિંગલાને સૂર્ય નાડી અને સુષુમ્ણાને અગ્નિ નાડી કહેવામાં આવે છે. એમને ગંગા, યમુના અને સરસ્વતીના પ્રવાહ સાથે પણ સરખાવવામાં આવે છે. સુષુમ્ણા પ્રદેશમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત અને વિશુદ્ધિ ચક્ર એ પાંચ ચક્રો ભેદ્યા પછી છઠ્ઠું આજ્ઞાા ચક્ર આવે છે. પહેલાં ચક્રને ભેદીને જ્યારે યોગી બીજામાં પ્રવેશ કરે છે ત્યારે તે પહેલા ચક્રની શક્તિ અને સિદ્ધિને પોતાની સાથે લઈ જાય છે એ રીતે પાંચે ચક્રોની શક્તિ અને સિદ્ધિને લઈને તે છઠ્ઠા ચક્રમાં પ્રવેશ કરે છે.

આમ તે પાંચેય ચક્રોની શક્તિનો સ્વામી બની જાય છે. સુષુમ્ણા કે અગ્નિના છ ચક્રો જ તે મુખ છે જેમાં શિવનું તેજ ક્રમશ: તપ્ત થાય છે અને ઉપર ઉઠી બ્રહ્માંડ સુધી પહોંચે છે. છઠા ચક્રમાં પહોંચીને જે શક્તિ ઉત્પન્ન થાય છે એનું જ નામ કુમાર કે સ્કંદ શક્તિ છે. તે બ્રહ્મચર્ય સિદ્ધિની પરમ અવસ્થા છે. એટલે જ સ્કંદ કુમારને સનાતન બ્રહ્મચારી કહેવાય છે. આવો જ યોગી સ્થિત પ્રજ્ઞાતાંને પ્રાપ્ત થાય છે અને તેનું મન પર બ્રહ્મ સિવાય બીજે ક્યાંય આમ તેમ ભટકતું નથી.

ષડ્ચક્રભેદથી કુમાર કાર્તિકેય, સ્કંદનો પ્રાદુર્ભાવ થાય છે. આ કુમાર શિવનું જ તેજ કે સ્વરૂપ છે. સુષુમ્ણાના મુખમાં આ તેજ ક્રમશ: સંભૃત થાય છે. તેને યોગની પરિભાષામાં સુષુમ્ણા પુત્ર કે અગ્નિ પુત્ર પણ કહી શકાય. અગ્નિની દેવી કૃતિકા છે. કૃતિકા નક્ષત્રવાળા કાળમાં જન્મ લેવાને કારણે કુમારને કાર્તિકેય તરીકે પણ ઓળખવામાં આવે છે.

તપને અનુકૂળ જે જીવનક્રમ છે તે જ અગ્નિ દેવતાથી અધિષ્ઠિત છે. જે સમયે અગ્નિ સર્વથી અધિક સુખાકારી અને સૌમ્ય હોય તે કૃતિકાનો સમય છે. ષટ્ચક્રોમાં પુષ્ટ થવાને કારણે કુમારને ષડાનન, ષણ્મુખ કે ષણ્માતુર કહેવામાં આવે છે. ષષ્ઠી તિથિ પણ કુમાર કાર્તિકેયને સૌથી વધારે પ્રિય છે.

મયૂર (મોર) કુમાર સ્કંદનું વાહન છે. શિવના સર્પ અને કાર્તિકેયનો મયૂર પરસ્પર વેર ત્યજી મૈત્રી ભાવથી રહે છે. પ્રાણની આસુરી શક્તિને મયૂર શાંત અને સૌમ્ય બનાવે છે છ ચક્રોનો સંમીલિત ઉદ્ગીથ કે સ્વર ષડજ કહેવાય છે. આ ષડજ સ્વરથી સંવાદિની વાણી બોલનાર મયૂર જ છે. શિવની સમાધિ અને પાર્વતીની તપશ્ચર્યાથી જન્મેલા કુમારનું વાહન બનીને મોર કુંણ્ડલિની-સર્પ શક્તિનો મિત્ર બની જાય છે. સર્પમાં વિષનો દ્વેષ કરનારી મયૂરી એ ગરુડની પાંખોથી ઉદ્ભવી જે સ્વર્ગથી અમૃત ઘટ લાવે છે.

ઋગ્વેદમાં ત્રિ:સપ્ત એટલે કે એકવીસ મયૂરીઓનો ઉલ્લેખ છે - 'ત્રિ:સપ્તમયૂર્ય: સપ્ત સ્વસારો અગુ્રવ: । તાસ્તે વિષં વિજભ્રિર ઉદકં કુંભિનીરિવ ।। ૨૧ મયૂરી, સાત બહેનો તારા વિષને એ રીતે દૂર લઈ ગઈ જે રીતે કુંભ વાહિની સ્ત્રીઓ જળને લઈ જાય છે. આનો ગૂઢાર્થ એવો છે કે પ્રાણોની વિષાકતતાને યોગ દ્વારા શુદ્ધ, પવિત્ર કરી એમને અમૃતમય બનાવવા, સપ્તશીર્ષણ્ય પ્રાણ જ એ મયૂરીની બહેનો છે. સપ્તપ્રાણોના પ્રવાહ માટે પૃથ્વી (સ્પાઈનલ કોર્ડ), અંતરિક્ષ (મેડયુલા ઓબ્લન્ગેટા) અને દ્યુલોક (મસ્તિષ્ક)માં વ્યાપેલી શિરાઓ જ સપ્તત્રિક (૨૧) મયૂરીઓ છે. જે વિષને શોષી લે છે. ઋગ્વેદના આ સૂકતમાં ૯૯ નદીઓનું વર્ણન છે. આ નવનવતિ (૯૯) નદીઓ પણ નાડીઓનું જ પ્રતીકાત્મક આલેખન છે જે પ્રાણ સંચારનો પ્રવાહ ફેલાવે છે. તેમાં જે વિષ છે તેને મધુ (અમૃત) બનાવવાની યોગ પ્રક્રિયા છે. અગ્નિના ત્રિ:સપ્ત સ્ક્રુલિંગ (તણખા) પ્રાણ છે. સ્કંદ કુમાર મયૂરના વાહન પર બેસી ષટ્ચક્રો શુદ્ધ કરી બધા વિષને અમૃત બનાવી દે છે.