Get The App

ક્રિકેટની જીતનો આધાર... ટોસ, ટર્ફ અને ટીઅર .

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
ક્રિકેટની જીતનો આધાર... ટોસ, ટર્ફ અને ટીઅર                  . 1 - image

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

ક્રિ કેટની હારજીતનો આધાર સારા બેટ્સમેન અને બોલરો પર રહેલો હોય છે પરંતુ જ્યારે તેમને તેમની સ્કીલ પ્રમાણેની પીચ મળી રહે ત્યારે એ શક્ય બને છે. આજની સ્પર્ધાત્મક ૨૦ ઓવરની સ્પર્ધાત્મક ટુર્નામેન્ટમાં ટોસ, ટર્ફ અને 'ટીઅર' અગત્યના છે.

ટોસ જીતવા પર તમે આગલી સીટ પર આવી જાવ છો. રમત તમારા પ્લાન પ્રમાણે ચાલે છે. તેજ રીતે ટર્ફ કે જમીનની ગુણવત્તા અને ઘાસ પણ તમારી ફેવરમાં કે વિરૂદ્ધમાં વર્તી શકે છે.

ત્રીજુ પરિબળ 'ટીઅર' કે ઝાકળ છે. ઓસ્ટ્રેલિયામાં ઝાકળ માટે ટીઅર જ્યારે ઈગ્લેંન્ડમાં 'ટ્રિકલ' શબ્દ વપરાય છે. ઝાકળથી બોલ ભીનો થઈ વજનદાર બને છે. એટલે બેટ પર આવતો નથી અને નીચો રહે છે જેને રમવો મુશ્કેલ બને છે.

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમની પીચ ૧૯૮૨માં પ્રથમ વાર તૈયાર કરવામાં આવી હતી. પોલી ઊમરીગરે આ સમયે ગુજરાતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ધીરજ પરસાણાને 'ક્યુરેટર' તરીકે પસંદ કર્યા હતા. ૭૮ વર્ષીય પરસાણાના મતે 'પીચને ખૂબ લપેટવાથી તે પાંચ દિવસ ટકી રહે છે.' અહીં લપેટવાનો અર્થ 'સતત રોલિંગ' એમ સમજવો.

અમદાવાદના સ્ટેડિયમની પીચની માટી લાલ પણ છે અને કાળી પણ છે. લાલ માટીવાળી પીચ ફાસ્ટ રહે છે. બોલ બેટ ઉપર સરળતાથી આવે છે અને મેચ હાઈ-સ્કોરિંગ બની જાય છે. કાળી માટીથી સ્લો વિકેટ બને છે. જે સ્પીનરને મદદ કરે છે. ટર્ફ વિકેટ બનાવવા માટે વિકેટ પર નાના મોટા 'પેબલ'ના અનેક સ્તરો કરી ઉપર માટી નાંખી ઘાસ ઊગાડવામાં આવે છે ખાસ કરીને તળાવની માટી પસંદ કરવામાં આવે છે.

ગ્રાઉન્ડ ઓથોરિટી 'ક્યુરેટર'ને અમુક પ્રકારની પીચ બનાવવા કહે છે અને તે પ્રમાણે જ 'વોરરિંગ' અને 'રોલિંગ' થાય છે. ગ્રાઉન્ડ ઓથોરિટી જે પીચ ટોસ પહેલાં ટીમને આપે છે એ જ પીચ પર રમવાનું રહે છે.

પીચ અનેક પ્રકારની હોય છે જેમકે ગ્રીન, ડ્રાય, ફલેટ વગેરે પરંતુ આપણે 'સ્લો', 'ફાસ્ટ' વિકેટ એવું વધુ સાંભળીએ છીએ એટલે એનો અર્થ અને ઉપયોગ સમજીએ.

ક્રિકેટની દુનિયામાં ધીમી પીચ અને ફાસ્ટ પીચ એ બોલનો ટપ્પો પડયા પછીનું એનું વર્તન સૂચવે છે. ધીમી પીચ માટે બેટ્સમેને પોતે જ પાવર ઉત્પન્ન કરવો પડે છે. પીચ સ્પિનરને મદદ કરે છે. આવી પીચ પર બોલ ટપ્પો પડીને ગતિ ગુમાવે છે જે બેટ્સમેનને મુંઝવણમાં મૂકે છે. આવી પીચ પર સ્ટ્રોક મારવા મુશ્કેલ છે. ગણીત ખોટું પડે છે. દા.ત. ચેન્નાઈની ઘણી પીચ ધીમી અને સ્પિન-ફ્રેન્ડલી હોય છે.

ફાસ્ટ પીચનું ક્રિકેટ ઉત્સાહસભર હોય છે. બોલ બેટ પર આવતા ઊંચા સ્ટ્રોક મારી શકાય છે. વળી બીજી બાજુ ફાસ્ટ બોલરને બાઉન્સ અને સ્પીડમાં મદદ મળે છે. બેટ્સમેન વધુ સરળતાથી આક્રમક શોટ મારી શકે છે અને મેચ હાઇ-સ્કોરિંગ બની જાય છે. ક્રિકેટમાં ટોસ અગત્યનો છે પરંતુ હંમેશા એવું નથી. ટોસ હાર્યા પછી પણ બોલિંગ, બેટિંગ, ફિલ્ડીંગ ઉચ્ચ કક્ષાના હોય તો મેચ જીતી શકાય છે.

ટોસ જીતીને બેટિંગ આપવાથી ટાર્ગેટ પ્રમાણે પ્લાનિંગ કરી શકાય છે. વાનખેડે પર 'ચેઝિંગ' સરળ છે કારણ કે ઝાકળ અને નાની બાઉન્ડ્રી મદદ કરે છે. અમદાવાદની પીચ ''બેટિંગ ફ્રેન્ડલી'' અને શરૂઆતમાં 'ફાસ્ટ' રહે છે ૨૦૦ પ્લસ રન જરૂરી છે!