Get The App

વલ્લભભાઈ આખરે સહુ કોઈથી છુપાઈને ઈંગ્લેન્ડ જવા રવાના થયાં

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈ આખરે સહુ કોઈથી છુપાઈને ઈંગ્લેન્ડ જવા રવાના થયાં 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- શ્રી રાજમોહન ગાંધીએ તેનો ગળે ના ઉતરે તેવો ખુલાસો કરતાં લખ્યું છે કે 'તેમને દાખલ થવા માટે (ઈંગ્લેન્ડની કૉલેજમાં) ઉતાવળ કરવી પડે તેમ હતું. નવા નિયમ મુજબ એલ.એલ.બી.ની ઉપાધિ ન હોય તેવા ભારતીય નાગરિકો માટે બૅરિસ્ટરના દરવાજા બંધ થઈ જવાના હતા.'

વ લ્લભભાઈના પુત્રી મણિબેને વર્ષો પછી છેક ઈ.સ.૧૯૭૫માં જ્યારે સરદાર જન્મ શતાબ્દી આવી ત્યારે સ્મરણ વાગોળતાં લખ્યું છે કે 'ગાંધીજીના સંસર્ગમાં સરદાર આવ્યાં તે પહેલાં તો એમનો વિચાર અમ ભાઈ-બ્હેનોને, જરા મોટાં થયે અભ્યાસ કરવા વિલાયત મોકલવાનો હતો, પણ સદભાગ્ય કે ગાંધીજીના પ્રતાપે એમાંથી ઊગરી ગયાં.'

વલ્લભભાઈના પાછલા જીવનને આવેલો ચમત્કાર તો ભલભલાને નવાઈ પમાડે તેવો છે. કારણ કે તેમનું પૂર્વજીવન, એટલે કે બાળપણ, ભણતર અને ધીક્તી વકીલાત વખતના જીવનમાં કોઈને કલ્પના પણ ન આવે કે આ માણસ આગળ જતાં આટલો ચુસ્ત ગાંધીસૈનિક, આટલો પ્રભાવશાળી લોકનેતા અને આટલો મજબૂત દેશસેવક બની રહેશે. વલ્લભભાઈએ જ્યારે પોતાના સંતાનોને મુંબઈની અંગ્રેજી કેળવણી માટે મૂકીને બૅરિસ્ટરી માટે ઈંગ્લેન્ડ જવાનો નિર્ણય કર્યો, ત્યારે એમના મનમાં તો એમ હતું કે બાળકો ટીપટોપ અંગ્રેજીયત શીખે, અને બોલે. વળી બન્યું પણ એવું જ. રાજમોહન ગાંધીએ લખ્યું છે કે 'મુંબઈમાં મણિબેન અને ડાહ્યાભાઈ અરસપરસ અંગ્રેજીમાં વાતો કરતાં, શાળામાં ફ્રેંચ ભાષા શીખતાં, અને ગુજરાતી લખતાં કે બોલતાં તેમને ફાવતું નહીં.'(પાન-૩૩)

આપણે આજે કલ્પના પણ ના કરી શકીએ કે વલ્લભભાઈ પટેલ પોતાના સંતાનોની અંગ્રેજી કેળવણી માટે આટલાં આગ્રહી હતા. પાછલા જીવને તો વલ્લભભાઈએ અમદાવાદ, નડિયાદ અને સુરતની નગરપાલિકાઓને અંગ્રેજી કેળવણી માટે અપાતી સરકારી ગ્રાન્ટનો વિરોધ કરીને, સ્વભંડોળમાંથી દેશી કેળવણીની શાળાઓ શરુ કરવા માટે પ્રેર્યા, ઉશ્કેર્યા અને શિક્ષિત કર્યા હતા.

એટલું જ નહીં, પણ મણિબેને પોતાના સ્મરણોમાં એમ પણ જણાવ્યું છે કે વલ્લભભાઈ તેમને મુંબઈના નિવાસ વખતે પાકી અંગ્રેજી રહેણીકરણી માટે પ્રેરતાં અને જરુરિયાતો પૂરી પાડતા. તેમણે લખ્યું છે કે 'કપડાં તો ત્યારે અમારાં મુંબઈમાં કોટમાં (કોટ વિસ્તાર) વ્હાઈટ-વે એન્ડ લેંડલો, (જ્યાં) આજે ખાદી એમ્પોરિયમ છે, તેમાંથી ખરીદાતાં. બૂટ, મોજાથી માંડીને માથાની રીબન, રુમાલ સુધીનું બધું જ ખરીદાતું...... એકવાર અમ ભાઈ-બહેનને મુંબઈમાં અસલની ભાડાની ઘોડાગાડીમાં સરદાર કપડાં અપાવવા લઈ ગયાનું સ્મરણ છે. સરદાર તો સૂટમાં,Peak Cap સેલર જેવી હેટ માથે. એમણે મને એક રેશમી ફ્રોક, એક રેશમી ચણીઓ અને ઓઢણી અપાવ્યાનો આછો ખ્યાલ છે.'(પુ.૮૯)

જરા વિચારીએ, સરદાર વલ્લભભાઈના આ એકસો એંશી ડીગ્રી ટ્રાન્સફર્મેશન માટે. જેણે ગાંધી સંસર્ગ પછી ખાદી સિવાય કાંઈ પહેર્યું નથી, જે પ્રકૃતિએ આક્રમક કે ત્વરીત નિર્ણયવાળા હોવા છતાં ગાંધીજીના સત્ય-અહિંસાના સિદ્ધાંતો કદી છોડતા નથી, એ જણ પૂર્વાશ્રમે અંગ્રેજી ભાષા-કેળવણી-રહેણીકરણીમાં કેટલાં ઓતપ્રોત હતાં, કે રેશમ કીડા મારીને બનાવાતાં કાપડને બાળકો માટે ખરીદવામાં સ્હેજે ય હીચકીચાહટ નહોતા રાખતાં. 

તેમના જીવનમાં ઈંગ્લેન્ડ જવાનો મનસૂબો પાર પાડવા હવે કોઈ બંધન રહ્યું નહીં, એટલે ઈ.સ.૧૯૧૦ના ઓગષ્ટ મહિનામાં ઈંગ્લેન્ડની સ્ટીમરમાં મુંબઈ બંદરેથી ચડી જ ગયા. જો કે તેમણે પોતાની આ ઈંગ્લેન્ડ  વિદાય ગુરુબંધુ વિઠ્ઠલભાઈની જેમ સહુ કોઈથી ખાનગી રાખી હતી. એ વાતની જાણ માત્ર વિઠ્ઠલભાઈ અને હમણાં જ જેઓ ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કરીને વકીલાત કરવા બોરસદ આવ્યાં હતા, એ નાનાભાઈ કાશીભાઈને કરી હતી. વલ્લભભાઈએ આ માટે જ્યારે બોરસદથી મુંબઈની ટ્રેઈનમાં બેસવાનું હતું, ત્યારે એક સ્થાનિક દાક્તર મિત્ર, બીજા એક-બે અંગત સ્નેહીઓ, વકીલાત અને બોરસદનું ઘર-કામકાજ સોંપવાનું હતું તે કાશીભાઈ અને મુંબઈ બેઠેલા વિઠ્ઠલભાઈને બધી જ બાબતોથી વાકેફ કર્યા, અને મુંબઈની ટ્રેઈનમાં ચઢી ગયા. 

પોતાના ઈંગ્લેન્ડ જવાના આ નિર્ણય માટે આવો ઢાંકપિછોડો શા માટે રાખ્યો હશે, તેની સહુ કોઈને નવાઈ લાગતી હતી. મોટા વિઠ્ઠલભાઈ જ્યારે આ રીતે ઈંગ્લેન્ડ જવા ખાનગી રીતે નીકળ્યાં, ત્યારે તેમની પાસે તો આમ કરવા માટે ગૃહક્લેશ અને પત્નીકંકાસનું મજબૂત કારણ હતું, પરંતુ વલ્લભભાઈને માટે તો આવું કોઈ કારણ નહોતું. છતાં સમાજ, પરિવાર, અને સ્નેહીમિત્રોથી વાત ખાનગી રાખીને રાતોરાત કેમ વલ્લભભાઈ ઈંગ્લેન્ડ જવા ઉપડી ગયા, તેનો અચંબો સહુ કોઈને હતો. 

આ તરફ મુંબઈ પહોંચી, સંતાનોને સંેટ મેરીસ  સ્કૂલમાં થાળે પાડી, તેઓ મુંબઈ બંદરેથી ઈંગ્લેન્ડની આગબોટમાં બેસી ગયાં, એ પછી પેલી તરફ તેમના ઈંગ્લેન્ડ જવાના ખબર પહોંચ્યા, બોરસદ, કરમસદ અને નડિયાદમાં. તે માટે વલ્લભભાઈએ આટલો ચુસ્ત ઢાંકપિછોડો કેમ દાખવ્યો હતો, તેની કોઈને ખબર પડી નહીં. 

શ્રી રાજમોહન ગાંધીએ તેનો ગળે ના ઉતરે તેવો ખુલાસો કરતાં લખ્યું છે કે 'તેમને દાખલ થવા માટે (ઈંગ્લેન્ડની કૉલેજમાં) ઉતાવળ કરવી પડે તેમ હતું. નવા નિયમ મુજબ એલ.એલ.બી.ની ઉપાધિ ન હોય તેવા ભારતીય નાગરિકો માટે બૅરિસ્ટરના દરવાજા બંધ થઈ જવાના હતા.'