- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- પંજાબના 25 વર્ષના એથ્લીટ ગુરિન્દરવીરે આર્થિક મર્યાદાની સાથે બીમારી તેમજ ટીકાકારોના અંગારા જેવા શબ્દોની સામે સંઘર્ષ કરતાં 100 મીટરની દોડમાં 10.09 સેકન્ડ કરતાં ઓછો સમય આપી ખળભળાટ મચાવ્યો
ર સ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના. - કોઈ પણ સફર આસાન હોતી નથી. જેવું એકાદ ડગલું માંડો એટલે સામે નવા પડકારો ને વિઘ્નો તૈયાર જ જોવા મળે. જોકે, આ પડકારોને ઓળંગી જવાના જુસ્સા અને તેની સામે સંઘર્ષ કરવાના ઈરાદામાં જ તેને હરાવવાની કુશળતા છુુપાયેલી હોય છે. અથાગ પ્રયાસ કરવાની તૈયારી હોય તો ગમે તેટલો વિરાટ પડકાર પણ સાવ વામણો બની જાય છે. આ સંઘર્ષ જ સફળતાના આનંદને વધુને વધુ આહલાદક બનાવવામાં નિર્ણાયક બની રહે છે અને તેના થકી જ નવા ઈતિહાસનું સર્જન થાય છે, જે આખી દુનિયાને અચંબામાં નાંખી દેવા માટે પુરતો હોય છે.
ભારતીય એથ્લેટિક્સમાં સૌથી ઝડપી ખેલાડી તરીકેનો કીર્તિમાન પંજાબના ૨૫ વર્ષના ગુરિન્દરવીર સિંઘે નોંધાવવાની સાથે પોતાનું નામ રેકોર્ડબુકમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી લીધું છે. ઝારખંડના રાંચીમાં યોજાયેલા એથ્લેટિક્સના ફેડરેશન કપમાં ભારતના વિશ્વવિક્રમ ધારક અનિમેષ કુુજુર અને ગુરિન્દરવીર વચ્ચે તીવ્ર રસાકસી જોવા મળી હતી. અનિમેષ કુજુરે ગત વર્ષે ગ્રીસમાં યોજાયેલી સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડ ૧૦.૧૮ સેકન્ડ સાથે રાષ્ટ્રીય વિક્રમ સર્જવાની સાથે પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતુ. જોકે તેનો આ રેકોર્ડ ફેડરેશન કપમાં એક દિવસના અંતરાલમાં ત્રણ વખત તુટી ગયો હતો.
ગુરિન્દરવીર સિંઘે પુરુષોની ૧૦૦ મીટરની દોડની સેમિ ફાઈનલમાં ૧૦.૧૫ સેકન્ડનો સમય આપીને કુજુરના નેશનલ રેકોર્ડમાં ૦.૦૨ સેકન્ડનો સુધારો કર્યો. જોકે, આ રેકોર્ડ સર્જાયો તેની પાંચ જ મિનિટ બાદ અનિમેષે બીજી સેમિ ફાઈનલમાં ૧૦.૧૫ સેકન્ડનો સમય આપીને પોતાનો રેકોર્ડ પાછો મેળવી લીધો. આ પછી બીજા દિવસે યોજાયેલી પુરુષોની ૧૦૦ મીટર દોડમાં ગુરિન્દરવીરે નવો જ કીર્તિમાન સ્થાપિત કરતાં ૧૦.૦૯ સેકન્ડ સાથે સુવર્ણચંદ્રક પર તો કબજો જમાવ્યો જ, તેની સાથે સાથે રાષ્ટ્રીય કીર્તિમાન પણ સ્થાપિત કરી દીધો. ભારતીય એથ્લિટેક્સ માટે ગુરિન્દરવીરનો દેખાવ એટલા માટે સીમાચિહ્નરુપ છે કારણ કે આ પહેલી વખત ભારતના કોઈ ખેલાડીએ ૧૦૦ મીટરની દોડમાં ૧૦.૧૦ સેકન્ડના સમય કરતાં ઓછો આપ્યો હતો.
જ્યારે ચાલુ વર્ષે એશિયામાં ૧૦૦ મીટરમાં સૌથી ઝડપી દોડ લગાવનારાઓમાં ગુુરિન્દર સિંઘને બીજું સ્થાન મળ્યું હતુ. ટોચનો ક્રમ જાપાનના ફુકુતો કોમુરોને મળ્યું હતુ. તેણે ગત મહિને જ ૧૦.૦૮ સેકન્ડમાં ૧૦૦ મીટરની રેસ પુરી કરી હતી. ગુરિન્દરવીર સિંઘ અગાઉ પણ નેશનલ રેકોર્ડ સર્જી ચૂક્યો છે. જોકે, ફેડરેશન કપમાં તેણે જે પ્રકારનો શાનદાર દેખાવ કરી બતાવ્યો છે, તે તેની સખત મહેનત અને સંઘર્ષના પરિણામ સમાન તો છે જ, સાથે સાથે ભારતીય એથ્લેટિક્સમાં ઉદય થયેલા નવા સિતારાનો પણ અહેસાસ કરાવે છે.
એથ્લેટીક્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરની પુરુષોની દોડમાં ભારતની ઓળખ ખાસ જોવા મળતી નથી, ત્યારે ગુરિન્દરવીરની સફળતાએ નવી આશા જગાવી છે. અલબત્ત, ભારતના રાષ્ટ્રીય રેકોર્ડ અને યુસૈન બોલ્ટે ૨૦૦૯માં નોંધાવેલા ૧૦૦ મીટરના ૯.૫૯ સેકન્ડના રેકોર્ડની વચ્ચે હજુ ૦.૫૧ મીટર જેટલુ મસમોટું અંતર છે. અલબત્ત, રાષ્ટ્રીય રેકોર્ડ તુટે છે, તે દર્શાવે છે કે, ભારતીય ખેલાડીઓ તેમના પૂરાગામીઓથી આગળ નીકળી જવાના પ્રયાસામાં છે.
હોકીની સાથે ૪૦૦ મીટરની દોડના એથ્લીટ્સ આપવા માટે જાણીતા પંજાબના જાલંધરના બહારના વિસ્તારમાં આવેલા ભોગપુરમાં જન્મેલા ગુરિન્દરવીરના પિતા કમલજીત સિંઘ ખુદ રાષ્ટ્રીય સ્તરના વોલીબોલના ખેલાડી રહી ચૂક્યા છે. તેઓએ પંજાબ પોલીસમાં એએસઆઈ તરીકેની જવાબદારી સંભાળી હતી. વોલીબોલના પ્રતિભાશાળી ખેલાડી કમલજીતની કારકિર્દીને કાંડાની ઈજાએ રોળી નાંખી અને તેઓ તેમના સપનાને સાકાર કરી ન શક્યા. આ કારણે તેમણે તેમના પુત્ર ગુરિન્દરવીરને પણ રમતવીર બનાવવાનું સ્વપ્ન સેવ્યું અને તેઓ રોજ સવારે તેને ફિટ રાખવા માટે દોડાવતા અને કસરત કરાવતા. આ દરમિયાન જ તેમણે નોંધ્યું કે, ગુરિન્દરવીરની દોડવાની ઝડપ અન્ય બાળકો કરતાં ઘણી વધારે છે.
નાનકડા ગુરિન્દરવીરને પણ પિતાની સાથે મેદાન પર જવું અને પરસેવો પાડવો ગમતો. આ દરમિયાનમાં જ દિવાળીમાં ઘરની સફાઈ દરમિયાન ગુરિન્દરવીરને તેના પિતાના ચંંદ્રકો ચમકાવવાનું કામ સોંપવામાં આવ્યું. જુના ચંદ્રકો પરનો મેલ દૂર થતાં જ તે ઝળહળવા લાગ્યા અને તેનો ચમકારો ગુરિન્દરવીરની આંખમાંથી છેક ઊંડે સુધી ઉતરી ગયો. પિતાની હવામાં ઊંચો કૂદકો લગાવીને સ્મેશ મારતી તસવીરે તેનામાં જોશ જગાવ્યું અને તેેને પણ પિતાની જેમ સ્પર્ધામાં ઉતરીને ચંદ્રકો જીતવાનું મન થઈ આવ્યું અને આ જ પળે તેનામાં એક ખેલાડીનો જન્મ થયો. આ પછી કમલજીત સિંઘે ઘરથી ૧૩ કિલોમીટર દૂર આવેલી ડાલ્લા ખાતેની શાળામાં મૂક્યો, જ્યાં સ્પોર્ટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતુ.
ગામડાંની માટીમાં કસાયેલા ગુરિન્દરવીરની પ્રતિભા વૈજ્ઞાનિક પદ્ધતિની તાલીમની સાથે સાથે સખત મહેનતના કારણે નિખરવા માંડી. આ પછી તેણે ૧૦માં ધોરણમાં જાલંધરની કેમ્બ્રિજ શાળામાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં અનુભવી કોચ સરબજીત સિંઘ હેપ્પીની નજર તેના પર પડી. ગુરિન્દરવીરની વિશિષ્ટ પ્રતિભા આર્થિક અભાવમાં ખીલવાથી વંચિત રહી ન જાય તે માટે સરબજીત સિંઘ હેપ્પીએ તેને પોતાના જ ઘરે રહેવાની-જમવાની વ્યવસ્થા કરી આપી અને ત્યાર બાદ તેની તાલીમ પટિયાલા ખાતેના નેશનલ સ્પોર્ટ્સ ઈન્સ્ટીટયૂટ ખાતે શરુ થઈ.
થોડા જ વર્ષોની મહેનતમાં ભારતના ટ્રેક એન્ડ ફિલ્ડના યુવા સિતારા તરીકે તેણે આગવી ઓળખ મેળવી લીધી. તે ૨૦૧૮માં જાપાનના ગીફુ ખાતે યોજાયેલી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમમાં સામેલ હતો. તેણે ૨૦૨૧ની નેશનલ ઈન્ટર સ્ટેેટ ચેમ્પિયનશિપમાં ૧૦.૨૭ સેકન્ડનો સમય આપ્યો, પણ તે મિલી સેકન્ડ્સથી નેશનલ રેકોર્ડ ચુકી ગયો. આ પછી તેણે દોડવાનું તો જારી રાખ્યું, પણ તેને અચાનક પેટની બીમારી સતાવા લાગી. તે પુરતું ભોજન પણ લઈ શકતો નહતો. તેનું વજન ઘટવા લાગ્યું અને તેનો દેખાવ પણ કથળ્યો. ૨૦૨૨ના ફેડરેશન કપમાં અમલાન બોર્ગોહેને ૧૦.૨૫ સેકન્ડનો સમય આપ્યો. જોકે, ગુરિન્દરવીરને આંતરડાંની બીમારી હોવાથી તેઓએ ૮ જ દિવસમાં ૧૬ કિલો વજન ગુમાવ્યું. ખોરાક તેને પચતો જ નહતો.
ગુરિન્દરવીરના કથળતા જતાં દેખાવના કારણે હવે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ તેમ બધા માનવા માંડયા હતા. કેટલાકે તો તેણે મોઢામોઢ સંભળાવી દીધું હતુ કે, હવે તારાથી નહીં થાય. જોકે ગુરિન્દરવીરે તેના કોચ સરબજીતની મદદ લઈને ડોક્ટરને બતાવ્યું અને તેમણે તેનું બહારનું ભોજન બંધ કરાવવાની સાથે દવાની સાથે આહાર માટેના કડક નિર્દેશો આપ્યા. જે પછી તેણે સ્વસ્થ થઈને પુનરાગમન કરતાં ૨૦૨૪માં ૧૦.૩૨ સેકન્ડના સમય સાથે ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટરની દોડમાં સુવર્ણ સફળતા મેળવી બતાવી.
આ દરમિયાન જ રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટિક્સના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં ગુરિન્દરવીરને પ્રવેશ મળી ગયો. જ્યાં કોચ જેમ્સ હિલિયરના માર્ગદર્શનમાં તેના પ્રદર્શનમાં ઉત્તરોત્તર સુધારો થવા લાગ્યો. વળી, દેશના એલિટ એથ્લીટ્સ સાથેની તાલીમ અને સ્પર્ધાએ તેને વધુ મજબુત બનાવ્યો. કોચ હિલિયરના પ્રેરણાત્મક શબ્દો અને ટીકાકારોને પોતાના પ્રદર્શનથી જવાબ આપવાના જઝ્બાને સહારે ગુરિન્દરવીર સિંઘે ૨૦૨૫ની ઈન્ડિયન ગ્રાં પ્રિમાં ૧૦.૨૦ સેકન્ડનો સમય આપતાં ૨૦૨૩માં મણીકાંતા હોબ્લીધરનો ૧૦.૨૩ સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
અનિમેષ કુજુરે ત્યાર બાદ રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કરતાં ગ્રીસમાં ૧૦.૧૮ સેકન્ડનો સમય આપ્યો હતો. આ પછી ફેડરેશન કપમાં ગુરિન્દરવીર અને અનિમેષ વચ્ચેની રસપ્રદ સ્પર્ધાએ આકર્ષણ જમાવ્યું. આખરે ગુરિન્દરવીરે ૧૦.૦૯ સેકન્ડના સમય સાથે નવો કીર્તિમાન સ્થાપિત કરવાની સાથે આગામી એશિયન-કોમનવેલ્થ ગેમ્સમાં સીમાચિહ્નરુપ સિદ્ધિ મેળવવાની આશા જગાવી છે.


